ગુજરાતમાં કોરોનાથી ખરેખર કેટલાં મૃત્યુ થયાં?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનાં સાચા આંકડાઓ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘણી ઉગ્ર દલીલો થઈ. ગૃહમાં ધાંધલ થઈ હંગામો થયો અને અધ્યક્ષે વિપક્ષના ચાર ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કર્યાં હતાં.
ગુજરાત સરકાર પર મૃત્યુના વાસ્તવિક આંકડાઓ છુપાવી ઓછા આંકડાઓ જાહેર કરવાનો આરોપ લાગતો આવ્યો છે. આંકડાઓમાં વિસંગતતા પણ જોવા મળી છે. આખરે શું છે મામલો?
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ અનુસાર 28 સપ્ટેમ્બર, 2021 સુધી ગુજરાતમાં કોરોનાને લીધે થયેલાં મૃત્યુનો કુલ આંકડો 10082 છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અધિકારિતામંત્રી પ્રદીપ પરમારે કહ્યું, "રાજ્યમાં કોરોનાને લીધે માતાપિતા બંને ગુમાવનારાં બાળકોની સંખ્યા 211 અને બેમાંથી એક ગુમાવનાર બાળકોની સંખ્યા 10,827 છે."
એટલે સવાલ ફરી ઊઠી રહ્યા છે કે જો કોરોનાને કારણે માત્ર અનાથ કે માતા અથવા પિતા ગુમાવનારાં બાળકોની સંખ્યાનો આંકડો ગણતરીમાં લઈએ તો કોરોનાથી રાજ્યમાં થયેલાં કૂલ મૃત્યુનો આંકડો 11 હજારથી વધુ થાય છે. જે સરકારના 10082ના આંકડા સાથે બંધ નથી બેસતો.
વળી નિષ્ણાતોનું માનવું છે કે 11 હજારનો આંકડો માત્ર આવાં માતાપિતાનાં મૃત્યુનો થાય છે, તેમાં કોરોનાથી મૃત્યુ પામેલાં યુવાનો, વૃદ્ધો, બાળકો સામેલ નહીં હોવાથી આ આંકડો હજુ વધારે છે.
બીજી તરફ વિધાનસભામાં ચોમાસુસત્રના આખરી દિવસોમાં આ મુદ્દાએ હંગામો મચાવ્યો હતો. જેમાં શાસકપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા.
અત્રે નોંધવું કે ગુજરાત હોય કે ભારત કે પછી વિશ્વ, તેમાં કોરોનાના કેસના અને મૃત્યુના આંકડા મામલે હંમેશાં ફરિયાદો અને સવાલો ઊઠતા રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણી સરકારો પર આરોપ લાગ્યા છે કે તેમણે કોરોનાના કેસોના અને મૃત્યુના સાચા આંકડા દબાવ્યા હતા, જેથી તેમની કામગીરી પર જનતા સવાલ ન કરે અને તેમની સત્તા ટકી રહે.

વિપક્ષનો દાવો : ગુજરાતમાં કોરોનાના મોતનો સત્તાવાર આંકડો ખોટો

ઇમેજ સ્રોત, REUTERS
વિધાનસભાગૃહની જ વાત કરીએ તો વિપક્ષ એવું કહે છે કે તેમના સરવે, જેમાં આરટીઆઈ પણ સામેલ છે, અનુસાર રાજ્યમાં 37600થી વધુ લોકો કોરોનાનો શિકાર બન્યા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક રિપોર્ટમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટાંકીને કહેવાયું છે, "સત્તાવાર મૃત્યુના આંકડા અને વાસ્તવિક મૃત્યુના આંકડાઓમાં ઘણો તફાવત છે. 106 નગરપાલિકાઓમાં કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં જ આ શહેરો-નગરોમાં કોરોનાથી થયેલાં મૃત્યુનો આંકડો 37,600 હોવાનું બહાર આવ્યું છે."
જોકે, આ કૉંગ્રેસના નેતાનો દાવો છે, બીબીસી સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ નથી કરી શક્યું.
કૉંગ્રેસ નેતાએ ગૃહમાં સત્તા પક્ષ-સરકાર સામે માગણી કરી છે કે તેઓ કોરોનાના મૃતકોના પરિવારને મૃતક દીઠ 4 લાખ રૂપિયાનું વળતર આપે.
પરેશ ધાનાણીના દાવા અને માગણીઓ સામે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કહ્યું હતું કે, "કોરોનામાં કો-મૉર્બિડ દર્દીઓનાં પણ મોત થયાં છે. કેસ પેપરમાં જો કોવિડનો ઉલ્લેખ હોય અને ક્લિનીકલ રીતે કોવિડ મૃત્યુ હોય, તો તે બાબતોનો અભ્યાસ કરી સરકાર જો 10 હજારથી વધુનો આંકડો આવશે તો તેમને પણ સહાય આપવાની તૈયારી ધરાવે છે."
તેમણે આરટીઆઈના આંકડાઓ મામલે કહ્યું, "આ આંકડાઓ ગેરમાર્ગે દોરનારા અને ખોટા છે. તેમાં આખાય જિલ્લામાં હૉસ્પિટલમાં થયેલાં કૂલ મોતના આંકડાઓ માગવામાં આવ્યા છે."
અત્રે ઉલ્લખનીય છે કે તાજેતરમાં જ સરકારે કોરોનાના મૃતકોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની ઘોષણા કરી હતી.
પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે સુપ્રીમ કોર્ટમાં સરકારે પહેલાં ઇન્કાર કર્યો હતો અને બાદમાં વળતર માટે તૈયારી બતાવી હતી તથા નિર્ણય કર્યો હતો.
સ્ટેટ ડિઝાસ્ટર ઑથૉરિટી દ્વારા વળતર ચૂકવવામાં આવશે અને જિલ્લાસ્તરેથી તેનું અમલીકરણ કરાશે.
આ માટે ફૉર્મ તથા માર્ગદર્શિકા પણ તૈયાર કરાઈ છે, જે આંતર્ગત વળતરચૂકવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સ્થાનિક મીડિયાની તપાસ અને આંકડાઓમાં વિસંગતતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે સ્થાનિક અખબાર 'સંદેશ' દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં પણ કોરોનાના મોત મામલેના સત્તાવાર અને વાસ્તવિક આંકડાઓમાં વિસંગતતાઓ હોવાનું કહેવાયું હતું.
તેમાં કહેવાયું હતું કે સરકારી ચોપડે નોંધાયેલાં મોત અને સ્મશાન કોવિડ પ્રોટોકોલથી થતાં અંતિમસંસ્કાર અથવા અંતિમવિધિના આંકડાઓમાં મોટો તફાવત છે.
અહેવાલ અનુસાર મોટા ભાગના લોકોનાં મોતનું કારણ 'બીમારી' ગણાવ્યું હતું, જ્યારે તેમના મૃતદેહો 'ચુસ્ત પ્રોટોકૉલ'માં ત્યાં લવાયા હતા.
એ રાતે પત્રકારોની ટીમે 200 મૃતદેહ ગણ્યા પણ પછીના દિવસે સરકારી આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં માત્ર 25 લોકોનાં મોત થયાં હતાં.
પાંચ મેના અખબારના રિપોર્ટ અનુસાર, વડોદરામાં 83 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે સરકારી આંકડાઓ માત્ર 13 લોકોનાં મૃત્યુ દર્શાવતાં હતાં.
મૃતકોની સંખ્યાને ઓછી કરીને દર્શાવ્યાના આરોપોનો ગુજરાત સરકાર ઇન્કાર કરે છે.
તેમનું કહેવું છે કે તે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે પણ અન્ય અખબારોના રિપોર્ટો પણ મૃતકોની સંખ્યાને ઓછી કરીને દર્શાવવાના આરોપને સાચો ગણાવે છે.
અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે 16 એપ્રિલે ગુજરાતનાં સાત શહેરોમાં કોવિડ પ્રોટોકૉલ અનુસાર, 689 મૃતદેહો દાહસંસ્કાર કરાયા હતા, જ્યારે સરકારી આંકડાઓ અનુસાર, એ દિવસે આખા રાજ્યમાં કોરોનાને કારણે 94 લોકોનાં મોત થયાં હતાં.
કેટલાક વિશેષજ્ઞોનું અનુમાન છે કે ગુજરાતમાં કોરોનાને કારણે સત્તાવાર રીતે જેટલાં મોત દર્શાવાયાં છે, વાસ્તવિક આંકડાઓ તેનાથી વધારે હોઈ શકે છે.
એક તરફ મહામારીને કારણે લોકો અંતિમસંસ્કારની પરંપરાઓને મજબૂરીમાં તોડી રહ્યા હતા તો બીજી તરફ અખબારોમાં મૃતકો માટે શોકસંદેશનું પૂર આવ્યું હતું.
જોકે વિપક્ષના આ દાવાઓ અને સરકાર પર લાગેલા આક્ષેપો સામે પ્રતિક્રિયા માટે બીબીસીએ ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.
જો તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત થશે તો તેને આ અહેવાલમાં સમાવી લેવામાં આવશે.
ગુજરાતના એક અન્ય અખબાર ‘દિવ્યભાસ્કર’એ પણ કોરોનાથી થયેલાં મોતના આંકડાઓ સંદર્ભે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે સૂચવતો હતો કે સરકાર કોરોનાથી થયેલાં મોતના સાચા આંકડા જાહેર નથી કરી રહી.
તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારે 1 માર્ચથી 10 મે વચ્ચે કુલ 1.23 લાખ મરણપ્રમાણપત્રો ઇસ્યૂ કર્યાં છે, જોકે બીજી તરફ રાજ્યમાં કોરોનાથી આ સમયગાળા દરમિયાન કૂલ 4218 મોત નોંધાયાં છે.
અહેવાલમાં કહેવાયું હતું કે એના અગાઉનાં વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન કૂલ 58 હજાર મરણપ્રમાણપત્રો રાજ્યમાં ઇસ્યૂ થયાં હતાં. જ્યારે આ વખતે આંકડો બે ગણાથી પણ વધારે છે.
સ્વાભાવિક છે કે ઇસ્યૂ થયેલાં મૃત્યુનાં પ્રમાણપત્રોનો સંદર્ભ કોરોનાથી થયેલાં મોતના આંકડાનું વૉલ્યૂમ કેટલું છે એ દર્શાવવા માટે આપવામાં આવ્યો હતો.
એટલે એ તેના અગાઉના વર્ષ કરતાં જે 65 હજાર પ્રમાણપત્રો વધુ ઇસ્યૂ થયાં તેની સામે એ સમયમાં કોરોનાથી થયેલાં મોતનો આંકડો માત્ર 4218 રહ્યો હતો.
વળી યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા પૉપ્યુલેશન સ્ટડી સેન્ટરના પી.એચડીના કૅન્ડિડેટ આશિષ ગુપ્તાએ શંસોધન કરી એક તારણ કાઢ્યું હતું કે ગુજરાતમાં 1 માર્ચથી 10 મે વચ્ચે રાજ્ય સરકારે જે કોવિડનાં મોતના આંકડા જાહેર કર્યાં છે તેના કરતાં એ સમયગાળા માટેનો મૃત્યુદર 71 ટકા વધુ નોંધાયો છે.
તેમણે વર્ષ 2015-18ના મૃત્યુદરના આંકડાઓ તથા વર્ષ 2021ની વસ્તી ગણતરીના અંદાજિત આંકડાના આધારે ગણતરી કરીને સંશોધન દ્વારા તારણ આપ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જોકે, આ વર્ષના એપ્રિલ મહિનામાં તત્કાલિન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ તમામ અહેવાલોને ફગાવી દીધા હતા અને ઇન્કાર કર્યો હતો કે સરકાર આંકડા છુપાવે છે.
તેમણે કહ્યું હતું, "આઈસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર જો કો-મોર્બિડ દર્દીનું મોત થાય તો નિષ્ણાતોની સમિતિ પછી પ્રાઇમરી અને સૅકન્ડરી કારણ નક્કી કરે છે."
"જો સમિતિ મૃત્યુના મુખ્ય કારણ તરીકે હાર્ટઍટેકનું તારણ આપે છે પણ જો વ્યક્તિને કોરોના થયો હોય, તો મૃત્યુ કોરોનાથી થયું છે એવું નથી ગણાતું. દેશમાં આ જ પદ્ધતિ વાપરવામાં આવે છે.”

હાઈકોર્ટની ફટકાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાત હાઈકોર્ટે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તારૂઢ પાર્ટી દ્વારા સંચાલિત રાજ્ય સરકારને આ મામલે ફટકાર લગાવી હતી.
હાઈકોર્ટની બૅન્ચે એપ્રિલ મહિનામાં કહ્યું હતું, "વાસ્તવિક આંકડા છુપાવવાથી રાજ્ય સરકારને કંઈ નહીં મળે."
"વાસ્તવિક તસવીર છુપાવવા કે દબાવવાથી ઘણી ગંભીર સમસ્યાઓ પેદા થશે. લોકો ડરી જશે, તેમનો વિશ્વાસ નબળો પડી જશે અને લોકોમાં બેચેની વધશે."

કોરોનાથી થનારાં મૃત્યુના આંકડાઓ 30-40 ટકા ઓછા દર્શાવાયા?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
યુનિવર્સિટી ઑફ ટૉરેન્ટોના ડૉક્ટર પ્રભાત ઝા 'મિલિયન ડેથ સ્ટડી' પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારત સાથે જોડાયેલો છે.
ડૉક્ટર પ્રભાત ઝાનું કહેવું છે કે મડદાઘર કે સ્મશાનમાં મૃતદેહોને ગણીને તેનો સત્તાવાર આંકડો મેળવવામાં ચૂકની શક્યતા હોઈ શકે છે, કેમ કે સરકારી આંકડાઓને એકઠા કરવામાં સમય લાગે છે.
મૃતકોની સંખ્યા ગણવાની રીતની સમીક્ષા બાદ બ્રિટન જેવા દેશોમાં કોરોનાને કારણે થયેલાં મોતના આંકડા ઓછા થઈ ગયા.
સ્ટડી દર્શાવે છે કે દુનિયાભરના દેશોમાં કોવિડથી થનારાં મૃત્યુનો આંકડો 30થી 40 ટકા ઓછો કરીને દર્શાવાઈ રહ્યો છે.
બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડૉક્ટર પ્રભાત ઝા કહે છે, "મહામારીને કારણે જીવન-મૃત્યુનો હિસાબ રાખનારી વ્યવસ્થા દબાણમાં આવી ગઈ છે. માટે અધિકારીઓને આ આંકડાઓને એકઠા કરવામાં સમય લાગે છે."
"અધિકારીઓ આ આંકડાઓને ચોક્કસ અપડેટ કરશે. હૉસ્પિટલો અને સ્મશાનોમાં મૃતદેહોની ગણતરી તંત્ર પર દબાણ કરવાની સારી રીત છે, જેથી તેમને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનો મોકો મળે."

શું દેશમાં સરકારે કોવિડના સાચા આંકડા જાહેર કર્યાં?
દેશમાં કોરોનાથી થયેલાં મોત અને બીજી લહેરે સર્જેલાં મોતના તાંડવની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ગંભીરતાથી નોંધ લેવાઈ હતી.
‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના અહેવાલોમાં કોરોના સંક્રમણના કેસોની સાચી સંખ્યા અને મોતના આંકડાઓ મામલે કહેવાયું હતું કે ભારતમાં આંકડાઓ વાસ્તવિકતાથી અલગ છે.
તેમાં અમદાવાદ સહિતનાં શહેરોના સ્મશાનોની સ્થિતિ વર્ણવવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે પરિવરજનો ભોઠા ન પડે એટલે મોતનાં સાચાં કારણો વિશે વાત નહોતા કરતા અને કેટલાંક મોત પ્રત્યે તંત્ર ખુદ આંખ આડા કાન કરી રહ્યું હતું.
ઓક્સિજનના અભાવે થયેલાં મોતની સ્થિતિને પગલે સ્મશાનોની ચીમની 24 કલાક સળગતી હતી અને તે દૃશ્યો ગંભીરતા તથા આંકડાની વ્યાપકતા દર્શાવતાં હોવાનું તેમાં કહેવાયું હતું.
એટલું જ નહીં પણ અહેવાલ અનુસાર 'વિશ્વ આરોગ્ય સંગઠન' ખુદનું માનવું છે કે વિશ્વમાં કોરોનાને કારણે થયેલાં કૂલ મોત જેટલાં નોંધાયાં છે તેનાથી વાસ્તવિક રીતે બે કે ત્રણ ગણાં હોઈ શકે છે, અને તેમાં ભારત પણ સામેલ છે.

કોરોનાના મૃત્યુના આંકડા કઈ રીતે જાહેર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર મામલે બીબીસીએ એ પણ જાણવાની કોશિશ કરી કે કોરોનાના મોતના આંકડા કઈ રીતે જાહેર થાય છે.
જેમાં બીબીસીએ સુરત ન્યૂ સિવિલ હૉસ્પિટલના ઇન-ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકર અને સુરતની સ્મિમેર હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ વંદના દેસાઈ સાથે વાતચીત કરી.
બંને સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે હૉસ્પિટલમાં દાખલ દર્દીનું કોરોનાથી મૃત્યુ થાય તો તેનું ડેથ ઑડિટ કરવામાં આવે છે. જે એક સમિતિ દ્વારા કરવામાં આવે છે.
આ સમિતિ તેમનો રિપોર્ટ(યાદી) સંસ્થાના વડા એટલે કે સુપરિન્ટેન્ડેન્ટને મોકલતી હોય છે, અને ત્યાર પછી તે યાદી સંબંધિત જિલ્લા પ્રશાસન, સરકારી વિભાગ અને મહાનગરપાલિકાને મોકલવામાં આવે છે.
સુરતમી સ્મિમેર હૉસ્પિટલના આરએમઓ ડૉ. નરેશ રાણાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હૉસ્પિટલમાં કોરોનામાં દાખલ થયેલા દર્દીની યાદી તૈયાર કરવામાં આવે છે. તેનું ડેથ ઑડિટ થાય છે. જેમાં મૃત્યુનાં કારણો સહિતની બાબતો પણ સામેલ હોય છે."
"દર્દીનો રેપિડ એન્ટિજન પૉઝિટિવ હોય અને તેનું મૃત્યુ થયું હોય તો તેનું ડેથ ઑડિટ થાય છે. પછી જે પણ કારણો હોય તેની સાથે કેસલિસ્ટ મોકલી દેવાય છે અને આ યાદી સંબંધિત સરકારી વિભાગ (મહાનગરપાલિકા)ની નોડલ ઑડિટ ટીમ પાસે જાય છે."
"બાદમાં તેઓ પછી આંકડાઓ મામલે આગળ વધુ પ્રક્રિયા હાથ ધરે છે અને આંકડાઓ જાહેર કરે છે."
દરમિયાન સિવિલ હૉસ્પિટલના કોરોના વાઇરસના ક્લિનિકલ મૅનેજમૅન્ટ મામલેના નોડલ ઑફિસર ડૉ. અશ્વિન વસાવાએ બીબીસીને જણાવ્યું, "અમારે ત્યાં પીએસએમ વિભાગ આ મામલે સંકળાયેલો છે. ડેથ ઑડિટ કમિટિ મોત મામલેની કામગીરી કરે છે. સારવાર કરનાર તબીબ અને આ સમિતિની ભૂમિકા મૃત્યુનું કારણ શું છે તે નક્કી કરવામાં સામેલ હોય છે."
"ત્યાર બાદ રિપોર્ટ સુપરિન્ટેન્ડેન્ટને મોકલી દેવાય છે અને તેઓ પછી તેમાં આગળ કાર્યવાહી કરે છે."
તદુપરાંત ડૉ. ગણેશ ગોવેકરનું એવું પણ કહેવું હતું કે તેમની પાસે આવતો આ રિપોર્ટ (આંકડા/યાદી) તેઓ મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન તથા અન્ય સંબંધિત સરકારી વિભાગને પૂરો પાડે છે.
વધુમાં બીબીસીએ દરરોજ કોરોનાના કેસ અને મોત તથા રસીકરણના સત્તાવાર આંકડા જાહેર કરતી સંસ્થા સાથે પણ વાત કરવાની કોશિશ કરી.
સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય કમિશનર ડૉ. આશિષ નાયકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી પાસે આંકડા આવે છે અને અમે તેનું સંકલન કરી પ્રકાશિત કરીએ છીએ. વળી જો દર્દી ભલે સુરતની સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હોય પરંતુ તે જો અન્ય જિલ્લાનો હોય તો પછી તેની ગણતરી પણ એ જિલ્લાના મોત તરીકે થાય છે."
"અમારી પાસે મહાનગરપાલિકાની હદના આંકડા આવે છે. અમે તેને પ્રકાશિત કરીએ છીએ."

ગુજરાતમાં કોરોનાના મોતનો સાચો આંકડો 60 ટકા મોટો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
બર્કલીની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના પબ્લિક હૅલ્થ સ્કૂલના એક રિપોર્ટ/ સંશોધન પ્રમાણે ગુજરાતમાં માર્ચ-2020થી એપ્રિલ-2021 દરમિયાન નોંધાયેલા કોરોનાનાં મોતના આંકડા કરતાં નોંધાયેલાં કૂલ મોતનો આંકડો 60 ટકા મોટો છે.
તેમાં કહેવાયું છે કે માર્ચ-2020થી એપ્રિલ-2021 દરમિયાન થયેલાં મોત જાન્યુઆરી-2019થી ફેબ્રુઆરી-2020ની સરખામણીમાં 16000 વધુ છે. જે ગુજરાતના કોરોનાનાં કૂલ મોત 10082 કરતાં 60 ટકા વધુ છે.
તેમાં એકાએક મૃત્યુદર વધી ગયો હોવાનું પણ શંસોધકનું કહેવું છે. તેમાં 54 નગરપાલિકાઓનો સમાવેશ કરાયો હતો જે રાજ્યની 5 ટકાથી વધુની વસ્તી ધરાવે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2019-20 અનુસાર રાજ્યમાં વર્ષ 2019માં કૂલ 25990 મોત નોંધાયાં હતાં. જ્યારે વર્ષ 2020માં 31477 મોત નોંધાયાં હતાં જ્યારે વર્ષ 2021ના એપ્રિલ સુધી કૂલ 17882 મરણ નોંધાયાં હતાં.
આમ સંશોધકનો દાવો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં અચાનક મૃત્યુદરમાં મોટો વધારો જોવા મળ્યો હતો.

‘સરકાર આંકડા છુપાવે છે’
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
કોરોનાથી થયેલા મોતના આંકડાઓ મામલેના સમગ્ર વિવાદ પર ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી બીબીસીને તેમની પ્રતિક્રિયા આપતાં જણાવે છે, "ગુજરાત સરકાર તમામ મોરચે નિષ્ફળતા છુપાવવા માટે સાચા આંકડાઓ છુપાવતી જ આવી છે."
"રોજગારીના આંકડા હોય કે શિક્ષણ સંબંધિત આંકડાઓ હોય, સરકારે સાચા આંકડા આપતી જ નથી. કોરોનાના આંકડાઓ પણ ખોટા છે. અમારા ખુદના સરવે કહે છે કે કોરોનાથી જે સરકાર કહે છે તેનાથી વધુ મોત થયાં છે."
"વળી વિપક્ષ સવાલ પૂછે છે, તો સરકાર જવાબ પણ નથી આપતી. કોર્ટ, મીડિયા તમામે નોંધ્યું છે કે આંકડાઓમાં ગેરરીતિ થઈ છે. છતાં સાચા આંકડા નથી જાહેર કર્યાં. કોરોનામાં માતાપિતા ગુમાવનારાં બાળકોને સહાય અને કોરોનાથી મૃત્યુ પામેલાં મૃતકોના વળતર મામલે અમે ફૉર્મ ભરાવ્યા છે. તેમાં જે આંકડો બહાર આવ્યો તે સરકારના આંકડા કરતાં ઘણો મોટો છે."
"અમે આ મુદ્દે છેક સુધી લડીશું અને સત્ય બહાર લાવીશું. સુપ્રિમ કોર્ટ સુધી જવું પડે તો જઈશું પણ જનતા સમક્ષ સત્ય બહાર લાવીને જ રહીશું."
દરમિયાન બીબીસીએ ભાજપ તરફથી તેમનો પક્ષ જાણવા પણ કોશિશ કરી હતી. જેમાં ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો સંપર્ક નથી શક્યો. જો તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત થશે, તો તેને બાદમાં સામેલ કરી લેવામાં આવશે.
જોકે અત્રે એ ઉલ્લખનિય છે કે સરકાર અને ભાજપ બંને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આ મામલેના દાવાઓ અને આરોપોને ભૂતકાળમાં જાહેરમાં નકારી ચૂક્યાં છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












