ઉત્તર પ્રદેશની ચૂંટણી : ભાજપમાંથી નેતાઓ સમાજવાદી પાર્ટીમાં કેમ જઈ રહ્યા છે? કૉંગ્રેસ અને બીએસપીની સ્થિતિ કેવી છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
તારીખ : 13 જાન્યુઆરી. લોહરીનો તહેવાર હતો. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સવાર-સવારમાં લોકોને શુભેચ્છા પાઠવી, પરંતુ દિવસ આગળ વધતાં તેમની ભાજપ સરકારમાં સન્નાટો છવાતો ગયો.
છેલ્લા ત્રણ દિવસમાં ભાજપના દસથી વધુ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. જેમાં ત્રણ મંત્રીઓ પણ સામેલ છે. આ બધું જ ટિકિટવહેંચણી થાય તેની પહેલાં થઈ રહ્યું છે. સંભાવના છે કે હજુ વધારે રાજીનામાં પડી શકે છે.

ચૂંટણીના માહોલમાં આ રીતે પાર્ટીઓમાંથી નેતાઓનું નીકળવું અને અન્ય પાર્ટીઓમાં સામેલ થવું ભારતની રાજનીતિમાં કંઈ નવું નથી. કેટલાક નેતાઓનું આ રીતે દળ બદલીને અહેવાલોમાં ચમકવું સ્વાભાવિક ગણાય છે.
રાજીનામાંની સ્ક્રિપ્ટ, અખિલેશ યાદવનો ફોટો ટ્વીટ કરવાનો સિલસિલો અને કેશવપ્રસાદ મૌર્ય દ્વારા જે-તે નેતાઓને મનાવવા માટે ટ્વીટ કરવું, મોટા ભાગનાં રાજીનામાંમાં આ પૅટર્ન જોવા મળી છે.
ભાજપ સાથે છેડો ફાડનારા તમામ નેતાઓએ થોડાઘણા અંશે રાજીનામા પાછળ ગરીબ-વંચિત વર્ગના લોકો પ્રત્યે ભાજપના વર્તનને જવાબદાર ઠેરવ્યું હતું. રાજીનામાની વાત વહેતી થતાં જ અખિલેશ યાદવ પોતાની સાથે તેમાના કેટલાક નેતાઓની તસવીર શૅર કરીને તેમના માટે સ્વાગતસંદેશ લખતાં નજરે પડ્યા હતા.
ભાજપે બુધવારે ત્રણ નવા ચહેરા સામેલ કર્યા. જેમાંથી એક મુલાયમસિંહની નજીકની વ્યક્તિ હોવાનું કહેવામાં આવે છે. જોકે, મીડિયામાં એની ચર્ચા ખૂબ ઓછી થઈ.
લોહરીના દિવસે જ કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે 125 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં 50 મહિલાઓનો સમાવેશ થાય છે.
આ સમાચાર દરેક જગ્યાએ પ્રકાશિત થયા પરંતુ અખિલેશ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા ફોટો અને સ્ક્રિપ્ટની જેમ 'વાઇરલ' ન થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન મસૂદે પાર્ટી બદલી તો એ ચર્ચામાં રહ્યા, પરંતુ તેમના સગા ભાઈના બીએસપીમાં સામેલ થવા અંગે ક્યાંય કંઈં પણ જોવા મળતું નથી. માયાવતીએ આ અંગે લોહરીના દિવસે ટ્વીટ પણ કર્યું હતું.
આવું શા માટે? ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ જેવી નાની પાર્ટીઓ પણ પોતાનું ભાગ્ય અજમાવી રહી છે અને સમાજવાદી પાર્ટી, બીએસપી, ભાજપ અને કૉંગ્રેસ પણ મેદાનમાં છે, પરંતુ ચર્ચામાં માત્ર બે પાર્ટીઓ વધારે થઈ રહી છે.

ભાજપ અને સમાજવાદી પાર્ટી પર વધારે ચર્ચા

ઇમેજ સ્રોત, TWITTER/@YADAVAKHILESH
શું ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો માત્ર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જ છે કે પછી કૉંગ્રેસ અને બીએસપી પણ ચૂંટણીમાં પોતાનું ભવિષ્ય જોઈ શકે છે?
ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓની સફળતા-અસફળતા કેટલીય વાતો પર નિર્ભર હોય છે. જેમ કે પાર્ટીનું સંગઠન અને બૂથ મૅનેજમૅન્ટ, ટિકિટવહેંચણીમાં કઈકઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું, દરેક બેઠકનાં જાતિગત સમીકરણ કેવાં છે, પાર્ટીએ કોની સાથે ગઠબંધન કર્યું છે, ચૂંટણી પહેલાં કોણે કેટલો પ્રચાર-પ્રસાર કર્યો છે વગેરે વગેરે.
આ સિવાય પાર્ટીનું મીડિયા મૅનેજમૅન્ટ અને બીજી ઘણી બાબતો જીત કે પછી હાર નિશ્ચિત કરે છે.
આ વખતે કોરોના મહામારી પણ એક મોટું ફૅક્ટર છે.
વરિષ્ઠ પત્રકાર સુનીતા ઍરૉન કહે છે કે,"મોટા સ્તર પર જોઈએ તો ઉત્તર પ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છે. છેલ્લા 10-15 દિવસોમાં પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ છે. જે રીતે ધારાસભ્યોનું ભાજપમાંથી સમાજવાદી પાર્ટી તરફ 'પલાયન' થઈ રહ્યું છે, તેનાંથી આ બન્ને પાર્ટીઓ વચ્ચે રસાકસી જામવાની વાત વધુ નિશ્ચિત થઈ ગઈ છે."
છેલ્લા બે દિવસમાં દસથી વધુ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યાં છે. જેમાં ત્રણ મંત્રીઓ પણ સામેલ છે.
તેઓ આગળ કહે છે કે,"રાજનીતિમાં ધારાસભ્યોને 'હવામાનશાસ્ત્રી' કહેવામાં આવે છે. કારણ કે તેમને પહેલાંથી જ હાર-જીતનો અણસાર આવી જતો હોય છે. ધારાસભ્યોનું ભાજપ છોડીને સમાજવાદી પાર્ટી તરફ જવું એ આ વાતનો જ ઇશારો છે કે તેમને પણ લાગે છે મુકાબલો આ બન્ને પાર્ટીઓ વચ્ચે જ છે."

કૉંગ્રેસ અને બીએસપીની સ્થિતિ

ઇમેજ સ્રોત, INC
બીએસપી અંગે વાત કરતાં સુનીતા ઍરૉન કહે છે કે, "બીએસપી કહે છે કે ટિકિટની વહેંચણી થશે અને ત્યાર બાદ માયાવતી ચૂંટણીસભાઓ સાથે ચૂંટણીપ્રચાર શરૂ કરશે. આ તેમની પ્રચાર કરવાની રીત છે."
"પાર્ટીમાં નંબર બેનું સ્થાન ધરાવત સતીશચંદ્ર મિશ્રા અનામત બેઠકોનું નિરીક્ષણ કરી આવ્યા છે પરંતુ ચૂંટણી પહેલાંનાં પ્રચંડ પ્રચારમાં તેઓ જોવા નથી મળ્યા. બીએસપી છોડીને ઘણા ઓછા નેતાઓ ગયા છે અને પાર્ટીમાં નવા લોકો આવ્યા પણ છે."
કૉંગ્રેસ અંગે તેઓ જણાવે છે કે, "પ્રિયંકા ગાંધી સક્રિય દેખાઈ રહ્યાં છે. તેમણે લખીમપુર ખીરી, હાથરસ જેવા કેટલાક મુદ્દાઓ સમાજવાદી પાર્ટી કરતાં પહેલાં ઉઠાવ્યા હતા. તેઓ ખુદ હાથરસ પહોંચ્યાં હતાં."
"જોકે, કૉંગ્રેસ પાસે અન્ય પાર્ટીઓ જેવી અપીલ નથી રહી. કૉંગ્રેસ હાલમાં પણ ઉત્તર પ્રદેશમાં બૂથ કક્ષાએ કમિટીઓનું નિર્માણ કરી રહી છે. ભાજપનું બૂથ મૅનેજમૅન્ટ ઘણું સારું છે. બીએસપી પણ બૂથ મૅનેજમૅન્ટ દ્વારા જ જે-તે સ્થળે સારું પ્રદર્શન કરે છે. અખિલેશ યાદવે પણ પોતાનું બૂથ મૅનેજમૅન્ટ સુધાર્યું છે."
સુનીતા ઍરૉન એમ પણ કહે છે કે બે પાર્ટીઓ વચ્ચે મુકાબલો હોવાનો અર્થ એ નથી કે બાકીની પાર્ટીઓનું અસ્તિત્વ જ નહીં રહે અથવા તો તેમની કોઈ અસર નહીં પડે.
બીએસપી, કૉંગ્રેસ અથવા અન્ય નાની પાર્ટીઓને એટલા માટે પણ ધ્યાનમાં લેવી જોઈએ કારણ કે ઘણી બેઠકો પર ઉમેદવાર, જાતિગત સમીકરણ, લોકલ મુદ્દા, નોટા, વોટ કાપનાર પાર્ટીના ઉમેદવાર જેવી બાબતો પણ અસર રાખતી હોય છે.

ચૂંટણીમાં દર વર્ષે બદલાતાં નૅરેટિવ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તારીખ જાહેર થઈ તે વાતને હજુ થોડાક દિવસો જ થયા છે, પરંતુ તેને લઈને છેલ્લા એક વર્ષથી હિલચાલ ચાલી રહી છે.
સૌથી પહેલાં લાગ્યું કે ખેડૂત આંદોલન ઉત્તર પ્રદેશ ચૂંટણીનો મુખ્ય મુદ્દો હશે. પછી 'અબ્બાજાન, ઝીણા અને ઔરંગઝેબ' પર વાત થવા લાગી. એ બાદ કાશી-મથૂરા અને હિન્દુત્વનો પણ સમય આવ્યો.
વચ્ચે પૂર્વાંચલ ઍક્સપ્રેસ વૅ અને અન્ય વિકાસની પરિયોજનાઓ પર પણ વિવાદ થયા. પછી પલાયન, બેરોજગારી, મોંઘવારીને લઈને ચર્ચાઓ થઈ અને છેલ્લે કોરોના મહામારીના મૅનેજમૅન્ટને લઈને પણ સવાલો ઊઠ્યા. તો ક્યારેક 'કિસાન સન્માન નિધિ' અને મફત રૅશનને ગૅમ ચૅન્જર બનાવી દેવામાં આવ્યાં.
છેલ્લા ત્રણ દિવસથી ઓબીસી વોટબૅન્કની ચર્ચા થઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસ થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચૂંટણીને લઈને સામાન્ય લોકોનાં અભિપ્રાયો જાણીને પરત ફર્યાં છે.
તેઓ કહે છે કે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ ગઠબંધન અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન વચ્ચે જ છે. કૉંગ્રેસ અને બીએસપી લડાઈમાં ક્યાંય જોવા નથી મળી રહ્યાં.
આ પાછળ તેઓ તર્ક પણ આપે છે. જાતિના આધારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં પણ લડવામાં આવતી હતી અને હાલમાં પણ લડવામાં આવી રહી છે.
જોકે, ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ બાદ સ્પષ્ટપણે જોવા મળે છે કે ઓબીસી વોટબૅન્ક સ્પષ્ટતાથી પોતાનો મત વ્યક્ત કરે છે. એટલે આ કોઈ સંયોગ નથી કે યોગી સરકારમાંથી છૂટા પડેલા મંત્રીઓ અને ધારાસભ્યો લૉઅર ઓબીસીમાંથી આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અદિતિ ફડનીસ આગળ કહે છે કે, "ચૂંટણીની જાહેરાત બાદ અને ટિકિટવહેંચણી પહેલાં નેતાઓનું પાર્ટી બદલવું સામાન્ય વાત છે, પરંતુ જે રીતે રાજીનામાં આપવામાં આવ્યાં અને જનતા વચ્ચે જે છબિ ઊભી થઈ રહી છે, તે એ છે કે વાત ટિકિટવહેંચણીથી આગળ વધી ગઈ છે."
"આવનારા સમયમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 'સોશિયલ જસ્ટિસ' એટલે કે 'સામાજિક ન્યાય'નો મુદ્દો ખૂબ જોર-શોરથી અચાનક જ ઊઠશે."
અખિલેશ યાદવ પણ છેલ્લા ત્રણ દિવસથી ટ્વિટર પર તસવીર સાથે 'સામાજિક ન્યાય' શબ્દ પોસ્ટ કરી રહ્યા છે.
સામાજિક ન્યાયના મુદ્દાને વિસ્તારથી સમજાવતાં અદિતિ કહે છે કે આ મુદ્દાને ભાજપવિરોધીઓ એ રીતે મૂકવા માગે છે કે ભાજપા એ ઠાકુરો અને બ્રાહ્મણોની પાર્ટી છે અને ગરીબ, વંચિત, ઓબીસી, દલિતોનું ધ્યાન નથી રાખતી.
તેમના પ્રમાણે ચૂંટણીમાં આ પ્રકારનાં મુદ્દા ઉઠતાં રહ્યા છે પરંતુ આ રીતે જાહેરમાં તેના પર ચર્ચા પ્રથમ વખત થઈ રહી છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે યોગી સરકારનાં ત્રણેય મોટા મંત્રીઓ અને બાકીના ધારાસભ્યોનાં રાજીનામાંની લાઇનો લગભગ એક જેવી જ છે.
દારાસિંહ ચૌહાણે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે 'સરકારનું પછાત, વંચિતો, દલિતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યે ઘોર ઉપેક્ષાત્મક વલણ અને પછાત અને દલિતોની અનામત સાથે જે ચેડા કરી રહી છે. તેનાંથી નિરાશ થઈને હું ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી રહ્યો છું.'
ધર્મસિંહ સૈની અને સ્વામી પ્રસાદ મૌર્યનાં રાજીનામાંમાં પણ 'સમાજના આ વર્ગો પ્રત્યે બેવડા વલણની વાત કરવામાં આવી હતી.'

મહિલા વોટ અને ટિકિટ વહેંચણીની અસર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વચ્ચે એક નૅરેટિવ બદલવાનો પ્રયાસ કૉંગ્રેસ તરફથી પણ કરવામાં આવી રહ્યો છે.
કૉંગ્રેસે આ વખતે મહિલાઓનો સાથ મેળવવા માટે ગુરુવારે પાર્ટીએ 50 મહિલાઓને ટિકિટ આપવાની ઘોષણા કરી હતી.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાલ 44 મહિલા ધારાસભ્ય છે, એટલે કે મહિલાઓની ભાગીદારી 10 ટકા છે.
આ 44માં ભાજપનાં 37, સમાજવાદી પાર્ટીનાં બે, બીએસપીનાં બે, કૉંગ્રેસનાં બે અને અપના દળનાં એક મહિલા ધારાસભ્યનો સમાવેશ થાય છે.
અદિતિ કહે છે કે ઉત્તર પ્રદેશમાં જ નહીં, તમામ રાજ્યોમાં પણ 'શી ફૅક્ટર' પર તમામ પાર્ટીઓ પહેલાંથી કામ કરી રહી છે. કેજરીવાલની પાર્ટીએ પણ મહિલાઓને દર મહિને પૈસા આપવાની જાહેરાત કરી છે.
સુનીતા ઍરૉન કહે છે, "ઉત્તર પ્રદેશમાં મહિલા મતદારોની સંખ્યા પણ સારી એવી છે અને દર વખતે વિધાનસભામાં તેમનો જીતવાનો દર પણ વધતો આવ્યો છે. જોકે, આ મહિલાઓ હજુ પણ એકજૂથ થઈને વોટબૅન્કની જેમ વોટ નથી કરતી."
"કૉંગ્રેસના નવા સૂત્ર બાદ કેટલીક મહિલાઓ તેને અનુલક્ષીને વોટ કરશે. ઉત્તર પ્રદેશમાં આ નૅરેટિવને અલગ મુદ્દો બનતા હજુ સમય લાગશે."
સુનીતા માને છે કે બદલાઈ રહેલા મુદ્દાઓ વચ્ચે જે બે વાત સમયાંતરે સામે આવતી રહેશે તે છે હિંદુ અને ઓબીસીનો મુદ્દો.
રાજીનામાંની વણઝાર વચ્ચે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે.
તેમને પણ ભાજપના હિંદુ ઍજેન્ડા સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે, અહેવાલ લખાય છે ત્યાં સુધી ભાજપ તરફથી આ અંગેની પુષ્ટિ કરાઈ નથી.
તો શું અંતિમ સમયે ટિકિટવહેંચણીથી સમીકરણો બદલાઈ કે બગડી શકે છે?
અદિતિ કહે છે કે, "ટિકિટવહેંચણીથી ચૂંટણીનાં સમીકરણો ત્યારે બદલાઈ શકે, જ્યારે પાર્ટીએ કોઈની ટિકિટ કાપી હોય અને તે વ્યક્તિની પહોંચ સંગઠનની પહોંચ કરતાં વધારે હોય. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને બીએસપી પાસે એવા ચહેરા નથી જે આ રીતે સમીકરણો બદલી દે."
જોકે, ઘણા જાણકારો માને છે કે, ભાજપ અને સમાજવાદી પાર્ટીમાં ટિકિટવહેંચણીની સીધી અસર પરિણામમાં જોવા મળશે.
ટિકિટવહેંચણી જ ભાજપમાં જોવા મળી રહેલી ભાગદોડનું મુખ્ય કારણ છે અને આવનારા દિવસોમાં સમાજવાદી પાર્ટીમાં પણ મનદુઃખની ઘટનાઓ સામે આવી શકે છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 325 બેઠકો પર જીત મળી હતી. સમાજવાદી પાર્ટી 50નો આંકડો પણ સ્પર્શી શકી નહોતી. બીએસપીને 19 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે, કૉંગ્રેસના ખાતામાં માત્ર સાત બેઠકો જ આવી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












