યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં મોબ લિન્ચિંગના કેટલા કેસમાં પીડિતોનો ન્યાય મળ્યો?
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
"તેમના ખભે કાયમ ગમછો રહેતો હતો. તે લોકોએ ગમછાનો જ ડૂચો વાળીને તેના મોઢામાં ઠૂસી દીધો.", આ વાત 48 વર્ષનાં કામરૂનના શબ્દો છે. જે રાત્રે તેમના પતિની મારી-મારીને હત્યા કરી દેવાઈ, તેના વિશે તેઓ આ વાત કહે છે.
કામરૂન કહે છે કે અલીને તેમના ઘરની સામે જ ટોળાએ પાવડા, કોદાળી અને ધારદાર હથિયારથી મારી નાખ્યા હતા. એ હત્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે અને આજેય તેમણે ન્યાય માટે અદાલત અને પોલીસસ્ટેશનના ધક્કા ખાવા પડે છે.
સરકારે વળતરની જાહેરાત કરી હતી, પણ કશું મળ્યું નથી એમ તેઓ કહે છે.
બે વર્ષ પછી હવે આ મામલો અદાલતમાં પહોંચ્યો છે, પણ દલીલો હજી શરૂ થઈ નથી. અત્યારે અદાલતમાં સાક્ષીઓની ઊલટતપાસ ચાલી રહી છે. બધા જ આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે.

છેલ્લાં છ વર્ષમાં ભારતમાં ટોળા દ્વારા થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી છે, જેમાં ધાર્મિક ઓળખને કારણે હત્યા થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.
ઘણા દેશોમાં આ રીતે થતી હત્યાને 'હેટ ક્રાઇમ' (ઘૃણાથી થતી હિંસા) ગણવામાં આવે છે. ભારતમાં ગુનાખોરીની વિગતોમાં આવા બનાવોને 'હેટ ક્રાઇમ' તરીકે નોંધવામાં આવતા નથી.
2019માં ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં 'હેટ ક્રાઇમ'ના કિસ્સાઓ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યા છે.
રાજ્ય સરકાર અને પોલીસ જણાવે છે કે તેઓ આવા બનાવો સામે સાવધ છે અને ગુનેગારોને પકડી પાડવા માટે કડક આદેશો જાહેર કરાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશના એડિશનલ ડિરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે બીબીસીને જણાવ્યું કે, "ડીજીપી ઑફિસે ઘણા પરિપત્રો કર્યા છે અને વારંવાર તે મોકલવામાં આવે છે, જેથી કોઈ પણ સંજોગોમાં આવા બનાવો ન બનવા જોઈએ, તે વાતને દોહરાવી શકાય."
"કોઈ વ્યક્તિથી કોઈ ચૂક થઈ હોય તો પણ તેના પર હુમલો કરવાનો કોઈને અધિકાર નથી. હિંસા કરનારા અપરાધીઓ સામે પગલાં લેવામાં આવે છે. કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી."

પોલીસચોપડે કેસ નોંધાયા પછી શું?
આમ છતાં સમયાંતરે કોમી હિંસા અને હત્યાના કિસ્સા હાર આવે છે અને વીડિયો વાઇરલ થાય છે.
ટીવી ન્યૂઝ સ્ટુડિયોમાં રાજકારણીઓ અને વિશ્લેષકોને બોલાવાય છે, બૂમબરાડા સાથે ચર્ચા થાય છે.
જોકે આ પ્રકારના કિસ્સામાં ભોગ બનનારા, મોટા ભાગે ગરીબ અને પછાત વર્ગ અથવા લઘુમતી સમાજમાંથી હોય છે, હજારો સમસ્યા ધરાવતા આ દેશમાં થોડા જ સમયમાં આ લોકો ભુલાઈ જાય છે.
ટોળાની હિંસાના મામલા નોંધવામાં તો આવે છે પણ પછી આગળ તેમાં શું થાય છે?
વિશેષ સવાલ એ છે કે ઉત્તર પ્રદેશની પોલીસ આવા કેસોમાં કેવી રીતે તપાસ કરે છે? શું આરોપીઓને સજા થાય છે કે તેઓ નિર્દોષ છૂટી જાય છે? ભોગ બનેલા પરિવારોનું શું?
ઉત્તર પ્રદેશના કેટલાક આવા કિસ્સા અમે વિગતવાર ચકાસ્યા અને જોયું કે તેની તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પેટર્ન જોવા મળે છે ખરી.

કેસ નંબર 1 સોનભદ્ર : અનવરઅલીની હત્યા

દેશભરમાં લોકો 20 માર્ચ, 2019ના રોજ હોળીદહનનો કાર્યક્રમ માણી રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના પારસોઈ ગામે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ એક ટોળાએ કથિત રીતે 50 વર્ષના અનવરઅલી પર હુમલો કરીને તેમની હત્યા કરી.
કામરૂન કહે છે કે, "રાતના સાડા નવ વાગ્યા હશે, ત્યારે અચાનક અમારા ઘરની બહારથી અવાજ આવવા લાગ્યો. તેમને શંકા ગઈ કે કેટલાક લોકો ફરીથી ઇમામ ચોક તોડી રહ્યા છે, એટલે બહાર જોવા ગયા."
"તેમણે બહાર જઈને જોયું તો કેટલાક લોકો ઇમામ ચોક તોડી રહ્યા હતા."
"તેમણે એટલું જ પૂછ્યું કે 'એ! તમે લોકો શું કરો છો?' એ સાથે જ બધા તેમના પર પાવડા જેવા હથિયારો સાથે તૂટી પડ્યા."
"તેઓ અંદર પાછા ના આવ્યા એટલે હું બહાર જોવા ગઈ. તેમનો શ્વાસ હજી ચાલી રહ્યો હતાો હું એમને પરસાળમાં લઈ આવી, પણ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હતું."
બે વર્ષ પછી આ કેસ અદાલતમાં પહોંચ્યો છે, પણ હજી દલીલોનો તબક્કો શરૂ થયો નથી. હાલમાં અદાલતમાં સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. અલીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમને સાત ઘા માર્યા હતા અને તીક્ષ્ણ હથિયારોના ઘાને કારણે તેમનું મોત થયું હતું.

અલીની હત્યા થઈ તેની પાછળ ઇમામ ચોકનો વિવાદ કારણભૂત હતો. આશુરા વખતે તાજિયા કાઢવામાં આવે ત્યારે ઇમામ ચોકમાં તાજિયા રાખવામાં આવતા હતા. ગામના સરપંચ પાસેથી જરૂરી મંજૂરી લઈને સરકારી જમીન પર ઇમામ ચોક બનાવ્યો હતો.
અલીના પરિવારના જણાવ્યા અનુસાર આ હત્યા થઈ તેના છ મહિના પહેલાં ચોકમાં રહેલો ઓટલો તોડી નખાયો હતો. બાદમાં પોલીસની હાજરીમાં તેને ફરીથી ચણવામાં આવ્યો હતો.
હત્યા થઈ તેના દોઢેક મહિના પહેલાં પણ કોઈએ ઇમામ ચોકમાં તોડફોડ કરી હતી. એ વખતે પણ પોલીસ વચ્ચે પડી હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
અનવરના સૌથી મોટા પુત્ર ઐનુલ હક કહે છે, "પહેલી વાર ઇમામ ચોક તોડી નખાયો, ત્યારે પોલીસ તપાસ માટે આવી હતી. પણ ઓટલો તોડનારા લોકો જ ઇન્સ્પેક્ટરની સાથે હળતામળતા જોવા મળ્યા હતા. એવું થાય ત્યારે સામા પક્ષમાં હિંમત ના આવી જાય?"
ગામની સરકારી શાળાના શિક્ષક રવીન્દ્ર ખારવરને ઐનુલ હક તેમના પિતાની હત્યા માટે ઉશ્કેરણી કરનારા 'માસ્ટરમાઇન્ડ' ગણાવે છે. પોલીસ તેમની વાત સ્વીકારતી નથી અને ખારવરે પણ બધા આક્ષેપોને નકારી કાઢે છે.
અનવરના પરિવારનું કહેવું છે કે ખારવર ગામમાં આવ્યા, ત્યારથી ગામમાં હિન્દુ વિરુદ્ધ મુસ્લિમનો માહોલ ઊભો થવા લાગ્યો હતો.
અનવરના નાના પુત્ર સિકંદર કહે છે, "રવીન્દ્રકુમારને પારસોઈ ગામની સરકારી શાળામાં મૂકવામાં આવ્યા હતા. શાળામાં ભણાવ્યા પછી તેઓ (આરઆરએસની) શાખા ચલાવતા હતા."
"થોડા દિવસો પછી અમારા ઘરની સામે જ આવેલા ઇમામ ચોકમાં આ શાખા માટે લોકો ભેગા થવા લાગ્યા. તેમાં એવાં સૂત્રો પોકારાતાં હતાં કે: 'પારસોઈ કે વીર આયેંગે, ઇમામ ચોક ગિરાયેંગે'.

20 માર્ચ, 2019ના રોજ ગામના હિન્દુ યુવાનોનું ટોળું ફરી એક વાર ઇમામ ચોકમાં તોડફોડ કરવા આવ્યા ત્યારે અનવર તેમને રોકવા માટે ઘરમાંથી બહાર આવ્યા, પણ તેમને ખબર નહોતી કે તેઓ જીવતા ઘરે પાછા નહીં ફરે.
ઐનુલ હક કહે છે, "અત્યારે બધા જ આરોપીઓ જામીન પર છે, પણ ચાલો તેમની ધરપકડ તો થઈ. પણ જે માણસે ઉશ્કેરણી કરી હતી અને લોકોને હિંસા માટે દોર્યા હતા, તેમની ક્યારેય ધરપકડ થઈ નહીં. મેં એક વાર પોલીસસ્ટેશને જઈને પૂછ્યું પણ હતું કે આ શિક્ષકની આ કેસમાં ધરપકડ કેમ થતી નથી?"
"તપાસ અધિકારીએ મને ધમકાવીને કાઢી મૂક્યો હતો."
"તેઓ આરએસએસના સ્વંયસેવક છે. મોટા લોકો સાથે તેમની ઓળખાણ છે. એટલે તેમની તરત બીજી શાળામાં બદલી થઈ ગઈ અને તે હજી ખુલ્લો ફરે છે."
આ કેસના પારસોઈ ગામના આરોપીઓમાંથી રાજેશ પ્રજાપતિ, રાજેશ ખારવર અને અક્ષયને અમે મળ્યા હતા.
રાજેશ ખારવર કહે છે, "માસ્તરજી શાખા ચલાવતા હતા. તે અમને જણાવતા કે કેવી રીતે કામ કરવું જોઈએ, શું કરવું જોઈએ. અમે બધા ફસાઈ ગયા છીએ, અમારી સામે આરોપો લાગ્યા છે અને તે છુટ્ટો ફરી રહ્યો છે. એણે જ આ બધાની શરૂઆત કરી હતી."

દસ્તાવેજો શું કહે છે?

આ કેસના દસ્તાવેજો બીબીસીએ તપાસ્યા. 17 જૂન, 2019ના રોજની પોલીસકેસ ડાયરી નંબર 18માં જણાવાયું છે કે "બાલિયામાં રવીન્દ્રકુમારના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, પણ તે મળ્યો નહોતો. પોલીસે તેમની સામે જ્યુડિશિયલ વૉરન્ટ કઢાવ્યું છે, પણ રવીન્દ્ર ખારવર નાસતો ફરે છે."
જોકે આરોપનામું રજૂ કરવામાં આવ્યું, ત્યારે કેસમાંથી રવીન્દ્ર ખારવરનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું.
બીબીસીએ રવીન્દ્ર ખારવર વિશે માહિતી મેળવવાની કોશિશ કરી, તેમાં જાણવા મળ્યું છે કે તેઓ સરકારી શાળામાં શિક્ષક છે અને 20 વર્ષથી આરએસએસ સાથે જોડાયેલા છે.
આ હત્યાના બનાવ પછી પારસોઈમાંથી તેમની બદલી થઈ હતી અને હાલમાં ચોપાન તાલુકામાં એક શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે.
બીબીસીએ રવીન્દ્ર ખારવરની મુલાકાત પણ લી હતી અને તેમણે કબૂલ્યું કે પોતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલા છે અને હાલમાં સોનભદ્રના જિલ્લા સહકાર્યવાહક છે.
જોકે અમે અનવરની હત્યા વિશે પૂછ્યું ત્યારે રવીન્દ્ર ખારવરનું વલણ બદલાઈ ગયું. તેમણે કહ્યું, "આરએસએસને બદનામ કરવા માટે લોકોએ મારું નામ આમાં સંડોવ્યું. હું ત્યારે મારા ઘરે જ હતો અને આરોપીમાંથી હું કોઈનેય ઓળખતો નથી."

બીબીસીએ આ વિશે સોનભદ્રના પોલીસવડા અમરેન્દ્રસિંહને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, "ફરિયાદમાં કોઈનું નામ લખાવવામાં આવે તે પૂરતું નથી હોતું. અમારી તપાસમાં અમને રવીન્દ્ર ખારવર વિરુદ્ધ કશું મળ્યું નહોતું."
ખારવરને આરોપી ગણી ન શકાય, તે વિશેના આધારો અંગે કોઈ જવાબ એસપી અમરેન્દ્રસિંહ તરફથી મળ્યો નહોતો.
બીબીસીએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના રાષ્ટ્રીય પ્રચારના વડા ડૉ. સુનીલ આંબેકરનો પણ એસએમએસ અને ટેલિફોનથી સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી આ લેખ લખાય છે, ત્યાં સુધીમાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

કેસ નંબર 2 - ગુલામ અહમદ, 'લવજેહાદ' સામે બદલો

2020ની સાલમાં ઉત્તર પ્રદેશ સરકારે આંતરધર્મીય લગ્નો વિરુદ્ધ એક વટહુકમ જાહેર કર્યો હતો - ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલૉફૂલ કન્વર્ઝન ઑફ રિલિજન ઓર્ડિનન્સી, 2020. આ પ્રકારના આંતરધર્મીય સંબંધોને હિન્દુત્વ સંગઠનો 'લવજેહાદ' તરીકે ઓળખાવતા હોય છે.
બીજી મે 2017ના રોજ 60 વર્ષના ગુલામ અહમદની બુલંદશહરના સોહી ગામમાં હત્યા થઈ હતી.
તેમના પડોશમાં રહેતા યુસૂફ નામના યુવક બાજુના ગામનાં હિન્દુ યુવતી સાથે પ્રેમમાં પડ્યા અને બંને નાસી ગયાં, તેના કારણે ટોળાએ હુમલો કર્યો અને કથિત લિન્ચિંગમાં ગુલામ અહમદનું મોત થયું હતું. આ ગામમાં વધારે વસતિ ઠાકુરોની છે અને થોડા મુસ્લિમ પરિવારો વસે છે, જેઓ મોટા ભાગે મજૂરી કામ કરે છે.
ગામના લોકોનું કહેવું છે કે બંને જણ નાસી ગયા તે પછી એક ટોળું ગુલામના ઘરે આવ્યું હતું. તેમાં ગામના પણ કેટલાક લોકો હતા અને બીજા બહારના લોકો હતા. તેમણે પરિવાર સાથે ગાળાગાળી કરી હતી અને ધમકીઓ આપી હતી.
પોલીસે બોલાવ્યા એટલે બીજી મે, 2017ના રોજ ગુલામ અહમદના પુત્ર વકીલ અહમદ પોલીસસ્ટેશને ગયા હતા.
વકીલના જણાવ્યા અનુસાર, "સવારે લગભગ સાડા નવ વાગ્યે, ગુલામ અહમદ આંબાવાડિયામાં ચોકી કરી રહ્યા હતા, ત્યારે 6-7 લોકો આવ્યા હતા."

"જેમણે પોતાના ચહેરા પર કેસરી રંગના કપડાંથી બુકાની બાંધી રાખી હતી. તે લોકોના હાથમાં લાકડીઓ હતી અને તેઓ ગુલામને પોતાની સાથે લઈ ગયા અને બહુ માર માર્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.''
ગુલામના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે ઊંડા ઘાના કારણે તેમનું મૃત્યું થયું હતું.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ હુમલામાં પકડવામાં આવેલા ગવિન્દર સહિતના નવ લોકો 'હિન્દુ યુવાવાહિની' સાથે જોડાયેલા હતા. આ સંગઠન પોતાને "હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને વરેલું ઉગ્ર સાંસ્કૃતિક અને સામાજિક" સંગઠન ગણાવે છે, જેની સ્થાપના 2002માં હાલના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કરી હતી.
હિન્દુ યુવાવાહિનીના બુલંદશહરના પ્રમુખ સુનીલસિંહ રાઘવે બીબીસીને જણાવ્યું કે "આ લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે."
આ હુમલા પછી વકીલનું કુટુંબ સોહી ગામ છોડીને અલીગઢ જતું રહ્યું. જોકે મજૂરી કરવા માટે તેમણે બુલંદશહર જ આવવું પડે છે.
આનાં પાંચ વર્ષ પછી બીબીસીએ બુલંદશહરમાં વકીલ અહમદનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે જણાવ્યું કે આ મામલામાં હવે સમાધાન થઈ ગયું અને અદાલતમાં સાક્ષીઓને 'ફરી ગયેલા' જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
વકીલ પોતે સુથારી કામ કરે છે અને અમને દબાયેલા અવાજે જણાવ્યું કે આ સમાધાન કરી લેવા માટે તેમને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
તેમનું કહેવું છે કે નજરે જોનારા સાક્ષીઓ આ બાબતમાં અદાલતમાં જુબાની આપવા તૈયાર નહોતા એટલે તેણે સમાધાન સ્વીકારી લેવું પડ્યું છે.

વકીલ કહે છે, "મારા પિતા આ ગામમાં આવ્યા, ત્યારે ચાર જ વર્ષના હતા અને તેમણે આ ગામને પોતાનું વતન જ ગણ્યું હતું. આમ છતાં તેમની સાથે આવો વ્યવહાર થયો."
"બરાબરીની વાત હોત તો અમે પણ લડી લીધું હોત, પરંતુ અમારી સ્થિતિ બહુ ખરાબ છે અને અમે ગામના વગદાર લોકો સામે જરાક અવાજ કરીએ તોય અમારે ભૂખ્યા રહેવું પડે."
"અમારું બે ટંકનું ભોજન તેમના ભરોસે છે. આ લોકોનાં ખેતરમાં જ મજૂરી કામ કરતા હોય ત્યારે મારા સગાં કઈ રીતે તેમની વિરુદ્ધ અદાલતમાં નિવેદન આપે?"
આ કેસમાં ધરપકડ કરાયેલા બધા આરોપીઓને છ મહિના પછી જામીન મળી ગયા હતા. મુખ્ય આરોપી ગવિન્દરને જામીન મળ્યા અને તેઓ છૂટ્યા ત્યારે ગામમાં તેમનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. કેટલાક યુવાન ઉજવણી માટે ડીજે પણ લઈ આવ્યા હતા.
વકીલ કહે છે, "મારા પિતાની હત્યા કરનારાનું ફૂલહારથી સ્વાગત થાય અને તેમના સન્માનમાં ઉજવણી થાય, ત્યારે એ ગામમાં અમારે કેમ રહેવું."

ગુલામના 46 વર્ષના ભાઈ પપ્પુએ લોકોને કેસરી કલરના ગમછા બાંધેલા જોયા હતા અને તેના ભાઈને ઉપાડીને લઈ ગયા હતા, પણ તેો પોતે આ કેસમાં આરોપીઓ સામે સાક્ષી આપવા તૈયાર નથી.
અમે તેમને મળવા માટે સોહી ગામે ગયા ત્યારે તેમણે કહ્યું કે, "હા, મેં તેમને જોયા હતા, પણ હું સાક્ષી નથી."
મુખ્ય આરોપી ગવિન્દરને મળવા અમે ગયા ત્યારે તેમના ભાઈ મળ્યા, જેમણે સાધુ જેવાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેમણે પોતાને અખાડાના સાધુ ગણાવ્યા.
તેમણે અમને કહ્યું કે જિલ્લાના પોલીસ અને તંત્ર સાથે તેમના સારા સંબંધો છે.
અમે કહ્યું કે અમે લિન્ચિંગ કેસ વિશે વાત કરવા માગીએ છીએ, ત્યારે તેમણે મારું નામ પૂછ્યું અને મારું આઈકાર્ડ જોવા માગ્યું. તેમને ખાતરી થઈ કે હું હિન્દુ છું, તે પછી જ મારી સાથે વાત કરવા તેઓ તૈયાર થયા હતા.
ગવિન્દર કહે છે કે, "હું હિન્દુ યુવાવાહિનીમાં હતો, પણ સત્તાવાર રીતે તેનો સભ્ય નહોતો. હું તેમને હળતોમળતો હતો, એટલે મને તેમાં ફસાવી દેવામાં આવ્યો હતો."
વકીલ અહમદના કુટુંબને પૈસા આપ્યા હોવાની વાતનો ગવિન્દરે ઇનકાર કર્યો.
આ વાતચીત દરમિયાન ગવિન્દર સતત તેમના ભાઈ સામે જોયા કરતા હતા, જાણે દરેક વાક્ય માટે તેમની સંમતિ લેતા હોય.
વકીલ અહમદના ઍડ્વોકેટ નઇમ શહાબે અમને જણાવ્યું કે, "સમાધાન 90 ટકા ભયથી થયું છે, જ્યારે 10 ટકા ગરીબીને કારણે થયું છે. વકીલ અહમદનું કુટુંબ બહુ ગરીબ છે."
"તે લોકો અલીગઢ જતા રહ્યા હતા, પણ ગામ સાથેનો નાતો છોડી શક્યા નહોતા."
"આ લોકોને કહેવાયું હતું કે આરોપીઓ તો મુક્ત થઈ જશે, પણ તમારે સુનાવણીમાં હાજર રહેવા ખર્ચ કરતા રહેવું પડશે, એટલે સમજી જાવ અને પૈસા લઈ લો."
"તે લોકો સમાધાન માટે તૈયાર થાય તો જ તેમને ગામમાં પ્રવેશ મળે તેમ હતો - સમાધાન પાછળનું કારણ એ જ હતું. લિન્ચિંગના મોટા ભાગના કેસોમાં આ રીતે પતાવટ જ થઈ જતી હોય છે."

શેરાની હત્યા કોણે કરી?

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતા 50 વર્ષના શેર ખાન ઉર્ફે શેરાની 4 જૂન, 2021ના રોજ મથુરામાં ગોળી મારીને હત્યા થઈ હતી. તેમની પર ગૌવંશની હેરાફેરી કરવા અંગે શંકા હતી. મોટા ભાગના રાજ્યોમાં ગોહત્યા પર પ્રતિબંધ છે.
સાત લોકો એક ટેમ્પોમાં મથુરાના એક ગામમાંથી આવી રહ્યા હતા અને તેમાં શેરા પણ હતો. પોલીસના જણાવ્યા અનુસાર ટેમ્પામાં ગાય અને વાછરડાં હતાં.
પ્રથમ બે એફઆઈઆર મથુરાના કોસિકલાન પોલીસસ્ટેશને નોંધવામાં આવી હતી: 410/2021 અને 411/2021.
410 નંબરની એફઆઈઆર પશુઓની હેરફેરની હતી અને શેરા સાથે ટેમ્પામાં રહેલા છ લોકો સામે તે દાખલ કરવામાં આવી હતી. મથુરામાં ગૌશાળા ચલાવતા ચંદ્રશેખર બાબાએ ફરિયાદ નોંધાવી હતી.
બીજી 411 નંબરની એફઆઈઆર શેરાની હત્યા અંગે હતી. આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી કે આરોપી તરીકે કોઈનાં નામો નોંધવામાં આવ્યાં નથી.

ચંદ્રેશખરે નોંધાવેલી એફઆઈઆર અનુસાર 4 જૂન, 2021ના રોજ પરોઢિયે 3.30 વાગ્યે તેમને માહિતી મળી હતી કે તુમુલા ગામ પાસે પશુઓ લઈ જનારા પકડાયા છે. તેમની પાસેથી છ ઢોર કબજે કરવામાં આવ્યાં હતાં. આ લોકોએ ગામવાસીઓ સાથે મારામારી કરી હતી અને તેમાં ઘણાને ઈજાઓ થઈ હતી.
શેરાને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેની સાથે રહેલા તેના પુત્ર શાહરુખ સહિત છને ગોહત્યાવિરોધી કાયદા હેઠળ પકડી લેવામાં આવ્યા હતા. થોડા દિવસ તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં બધાને જેલમાં મોકલી દેવાયા હતા.
ઑગસ્ટ, 2021માં આ છ આરોપીઓને જામીન મળ્યા હતા.
શાહરુખ ખાન પોલીસસ્ટેશન પહોંચ્યા ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમના પિતાનું મૃત્યુ થયું છે.
તે દિવસની ઘટનાને યાદ કરતાં શાહરુખ કહે છે, "ચંદ્રશેખર બાબાએ મારા પિતાને ગોળી મારી હતી. મેં તે જોયું હતું. અમે મેવાત જઈ રહ્યા હતા, ત્યારે બાબા અને તેમના માણસોએ અમારા પર ગોળીબાર કર્યો હતો."
શાહરુખ ખાન કહે છે કે તેણે ફરિયાદ લખાવી હતી અને તેના આધારે જ તેમના પિતાની હત્યાનો કેસ નોંધાયો હતો. તેમાં તેમણે ચંદ્રશેખરનું નામ આરોપી તરીકે આપ્યું હતું, પણ પોલીસે લેખિત ફરિયાદને ફાડી નાખી હતી.

શેરાની બેગમ સિતારા કહે છે, "મારા છોકરાને અને પતિને દાણચોર ગણાવી દેવાયા. તે લોકો દાણચોરો હોય તો પોલીસને સોંપી દેવા જોઈએ. તેમના પર ગોળીબાર કેમ કર્યો?''
સિતારાએ નવેસરથી પોતાના પતિ શેરાના મૃત્યુની તપાસ કરવા માટે લેખિત અરજી કરી છે. તેમણે પણ ચંદ્રશેખર બાબા અને તેમના સાથીઓનાં નામ આરોપીઓ તરીકે આપ્યાં છે.
સિતારા કહે છે કે પોલીસે તેમની અરજી પર ધ્યાન આપ્યું નહોતું અને આ હત્યાની એફઆઈઆરમાં આરોપીઓ તરીકે 'અજાણ્યા ગામવાસીઓ' એવું જ નોંધવામાં આવ્યું છે.
મથુરાના એક ગામમાં ચંદ્રશેખરની ગૌશાળાની બહાર ટેમ્પો પાર્ક કરેલો છે. તેના પર હિન્દુ પ્રતીકો ચીતરેલા છે અને તેમાં મોટા અક્ષરે બોર્ડ મારેલું છે - ગોરક્ષા દળ.
ચંદ્રશેખર બાબાએ બીબીસીને જણાવ્યું કે, "ગાયોની રક્ષા માટે હું રાત્રે કુહાડી લઈને ફરું છું. તે વખતે હું નજીકના એક ગામમાં હતો. મને માહિતી મળી, ત્યારે મેં ગામ લોકોને અટકાવ્યા અને ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા હતા, પણ હવે આ લોકો મારું નામ સંડોવીને મારા પર આરોપો મૂકી રહ્યા છે."
ગામના ઘણા લોકોએ અમને કહ્યું કે પશુઓની હેરફેર કરનારા અને ગોરક્ષકો વચ્ચે સામસામે ગોળીબાર થયા હતા.
અમે મથુરાના જિલ્લા પોલીસ વડા (ગ્રામીણ) શ્રીષચંદ્રને મળ્યા અને તેમને પૂછ્યું કે ચાર મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી કેમ કોઈની ધરપકડ થઈ નથી અને શા માટે એફઆઈઆરમાં કોઈનું નામ નોંધાયું નથી.
પોલીસ વડાએ જણાવ્યું કે તેઓ અમારા પ્રશ્નોના જવાબ આપવા માટે સત્તા ધરાવતા નથી.

હુમલાનો વીડિયો વાઇરલ

દિલ્હીથી 190 કિમી દૂર આવેલા મુરાદાબાદનો એક વીડિયો મે મહિનામાં વાઇરલ થયો હતો. તેમાં એક ઝાડ પાસે કેટલાક લોકો કોઈને ફટકારી રહ્યા હતા.
વીડિયોમાં જેને ઢોર માર મારવામાં આવી રહ્યો હતો, તે શકીર કુરેશી હતા, જે મુરાદાબાદના રહેવાસી છે.
શકીર અને તેમનું કુટુંબ ફફડી ગયું છે અને અમને જોઈને તેનાં માતા રડવા લાગ્યાં અને કહેવા લાગ્યાં, "અમે આમાં ક્યાંય નથી અને મારો દીકરો ઘરે નથી."
શકીર ઘરની અંદર જ હતા, પણ વાત કરવાથી ડરી રહ્યા હતા. આખરે તેઓ બનાવ અંગે વાત કરવા તૈયાર થયા.
"અમે કુરેશી છીએ અને માંસ વેચવાનું કામ કરીએ છીએ. મારે શહેરમાં ઘરાકને 40 કિલો ભેંસનું માંસ પહોંચાડવાનું હતું. હું સ્કૂટર પર લઈને તે પહોંચાડવા નીકળ્યો, ત્યારે ગામની નજીક કેટલાક લોકોએ મને પકડી લીધો અને ઝાડ સાથે બાંધી દીધો. હું રડવા લાગ્યો અને તેમને વિનવણી કરવા લાગ્યો કે આ બીફ નથી, પણ તે લોકો મને મારતા જ રહ્યા."
તેમનો વીડિયો વાઇરલ થયો તે પછી તેઓ પોલીસ પાસે ગયા હતા, એમ શકીર કહે છે.
વીડિયો વાઇરલ નહોતો થયો ત્યારે તેઓ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવવા પણ ડરી રહ્યા હતા. જોકે આ વીડિયો ફરતો થયો એટલે સનસનાટી મચી હતી.

મુખ્ય આરોપી મનોજ ઠાકુર સહિત છની ધરપકડ કરવામાં આવી, મનોજ ઠાકુરને બે મહિના પછી જામીન મળ્યા છે.
મનોજ પોતાને ગોરક્ષા યુવાવાહિનીના પૂર્વ ઉપપ્રમુખ તરીકે ઓળખાવે છે, જે સંસ્થાની નોંધણી દિલ્હીમાં થયેલી છે.
આ વીડિયો વાઇરલ થયો, તે પછી સંગઠનના ઉપપ્રમુખના હોદ્દા પરથી મનોજ ઠાકુરને દૂર કરવામાં આવ્યા છે.
જોકે આ કંઈ પહેલી વાર તેની સામે ફરિયાદ નોંધાઈ હોય તેવું નથી. તેમની સામે ગોરક્ષાના નામે ધાકધમકી, પૈસા પડાવવા સહિત ઘણા ગુના નોંધાયેલા છે.
મુરાદાબાદના સ્થાનિક અખબારોના અહેવાલો અનુસાર ડિસેમ્બર 2020માં ઠાકુર સામે ઘણી ફરિયાદો મળી તે પછી એસપી રૅન્કના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જોકે તે તપાસનું શું થયું તેની કોઈને જાણ નથી.
બીબીસીએ જિલ્લાના પોલીસવડા બબલુકુમારને આ કેસ વિશે પ્રશ્નો મોકલ્યા હતા, પણ તેમના તરફથી હજી પ્રતિસાદ મળ્યો નથી.

શું આવા કેસોમાં કોઈ પેટર્ન દેખાઈ રહી છે?
બીબીસીએ જે કેસો તપાસ્યા તેમાં કેટલીક પેટર્ન દેખાય છે - સામાન્ય રીતે હુમલો થયો હોય તે કુટુંબ ઘર છોડીને થોડો સમય માટે જતું રહે છે. બનાવના આઘાતને કારણે તથા સલામતીના ભયને કારણે ઘર છોડીને જતા રહેતા હોય છે.
અમે ભોગ બનેલા જેટલા કુટુંબો સાથે વાત કરી, તેમાંથી કોઈને પોલીસતપાસ સામે સંપૂર્ણ સંતોષ હોય તેવું લાગ્યું નથી. પોલીસ અને તંત્રે મોટા ભાગે લેવાયેલાં પગલાંને યોગ્ય ગણાવ્યાં અને અમુક ચોક્કસ કેસો વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
બીબીસીએ જે કેસોની તપાસ કરી ,તેમાં કાંતો આરોપીઓનાં નામો નોંધાયેલાં નથી અથવા આરોપીઓ પકડાયા હોય તો તેમને સ્થાનિક અદાલતમાંથી જામીન મળી ગયા છે.
જુલાઈ 2018માં થયેલી એક અરજીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લિન્ચિંગના કેસમાં તપાસ માટે અલગ કાર્યપ્રણાલી નક્કી કરવી જરૂરી છે.
અદાલતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ દરેક જિલ્લામાં લિન્ચિંગના કેસો ચલાવવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચના કરવી જોઈએ.
અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ રાજ્યો - મણિપુર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાને લિન્ચિંગ વિરુદ્ધના કાયદા ઘડ્યા છે.
જુલાઈ 2019માં ઉત્તર પ્રદેશ રાજ્ય કાનૂન પંચે ઍન્ટિ-લિન્ચિંગ બિલ માટેનો મુસદ્દો તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપ્યો હતો.
પંચે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે હાલનો કાયદો લિન્ચિંગના કેસો સામે કામ પાર પાડવા માટે પૂરતો નથી.
જોકે આ ખરડાને પસાર કરીને યોગી સરકારે હજી સુધી તેને કાયદો બનાવ્યો નથી.
બીબીસીએ ઉત્તર પ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી (ઇન્ફર્મેશન) નવનીત સહગલનો ઈ-મેઇલથી સંપર્ક કરીને આ ખરડાનું શું થયું, તે વિશે અને આવા કિસ્સામાં જોવા મળતી પેટર્ન વિશે સવાલો પૂછ્યા હતા, પણ તેમણે હજી સુધી પ્રતિસાદ આપ્યો નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













