આણંદમાં મુસ્લિમની સહમાલિકીવાળી હોટલના શુદ્ધીકરણનો વિવાદ શું છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના આણંદ ખાતે મુસ્લિમની સહમાલિકીની હોટલની આસપાસના રસ્તા પર શુદ્ધીકરણની વિધિ કરવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો.
આણંદમાં અશાંત ધારો લાગ્યા પછી હિંદુ અને લઘુમતી વિસ્તારોમાં જમીનની ખરીદી પર રોક લગાવાયેલી છે.
અહીં જામા મસ્જિદના ભરચક વિસ્તારમાં વર્ષોથી હિંદુઓની દુકાનો છે, તો હિંદુ વિસ્તારોમાં મુસ્લિમોની પણ દુકાનો છે. પરંતુ આણંદમાં હિંદુ અને મુસ્લિમ વ્યક્તિએ ભેગા મળીને બનાવેલી હોટલ કોમી વિવાદનું કારણ બની ગઈ છે.

શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ગુજરાતના આણંદ ખાતે મુસ્લિમની સહમાલિકીવાળી હોટલની આસપાસના રસ્તા પર શુદ્ધીકરણવિધિ કરવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો.
આ બાબતે હિંદુ લોકોનાં ટોળાંએ દેખાવ કરતાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી.
પોલીસ ફરિયાદમાં કહેવાયું છે કે હોટલ 'બ્લ્યૂઆઇવી' સામે 50 જેટલા લોકોએ એકઠા થઈ મુસ્લિમ સમાજ અંગે વાંધાજનક નારાબાજી કરી હતી. તેમજ રસ્તા પર શુદ્ધીકરણની વિધિ કરવામાં આવી હતી.
આ અંગે વાઇરલ થયેલા વીડિયોમાં લોકો રસ્તાના 'શુદ્ધીકરણ માટે ગંગાજળ' છાંટતાં દેખાય છે.
લોકો 'ભારત માતા કી જય'ના નારા પોકારી રહ્યા છે. તેમજ કહેતા સંભળાઈ રહ્યા છે કે 'જે કોઈ આ દેશમાં રહે તે 'જય શ્રીરામ' જરૂર બોલે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આણંદના વિવેકાનંદવાડી રોડ પર બનેલી આ હોટલનો કેટલોક વિસ્તાર હિંદુ વિસ્તારમાં આવે છે અને કેટલોક વિસ્તાર લઘુમતી વિસ્તારમાં પડે છે.
આણંદમાં અશાંત ધારો લાગુ કરવા પાછળનું મુખ્ય કારણ 2019માં અહીંનાં ઉન્ડેર અને ખેરડા ગામમાં થયેલાં કોમી છમકલાં હતા.
એ પછી ગુજરાત સરકારે છ ડિસેમ્બર, 2019ના રોજ અહીં અશાંત ધારો લાગુ કરી દીધો હતો.

અશાંત ધારો લાગુ થયા પછી તણાવ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આણંદના કૅન્સર સર્જન ડૉ. શૈલેષ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આણંદ આમ તો શાંતિપ્રિય છે પરંતુ આણંદને અડીને આવેલાં ઉન્ડેર અને ખેરડા ગામમાં થયેલી કોમી હિંસા બાદ એના પડઘા આણંદ શહેરમાં પણ પડ્યા.
તેઓ જણાવે છે, "જેના કારણે અમે આણંદમાં કોમી એખલાસ જળવાઈ રહે અને કોઈ તોફાન ન થાય અને આણંદની શાંતિ ન ડહોળાય એ માટે આણંદમાં અશાંત ધારો લગાવવાની ચળવળ કરી હતી."
ડૉ. શાહ કહે છે કે, "અમારી આ મૂવમેન્ટ રંગ લાવી અને છ ડિસેમ્બર, 2019ના દિવસે અશાંત ધારો લાગુ પડ્યો. આની પાછળ અમારૂં ગણિત એ હતું કે, પહેલેથી શાંત રહેલા આણંદમાં ઉન્ડેર અને ખેરડા ગામના સંપર્કોને કારણે કોમી વૈમનસ્ય વધે નહીં."
"અહીંના એક બિલ્ડરે વધુ નફો રળવા માટે પોતાની વગ વાપરીને અશાંત ધારો લાગુ થાય એના બે દિવસ પહેલાં જ ચાર ડિસેમ્બરે પોતાના લઘુમતી સમુદાયના ભાગીદારોને રાખીને હોટલ બનાવવાનું શરૂ કરી દીધું."
"અમે એમને ઘણા સમજાવ્યા પણ અમારી વાત માનવા તૈયાર ન હતા. છેવટે અમે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ત્યાં કોરોના વાઇરસ આવી ગયો. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી પાસે અમે ધા નાખી."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તેઓ વધુમાં જણાવે છે કે ડિસેમ્બર 2020માં હાઈકોર્ટે આ બાંધકામ ગેરકાયદે છે કે કાયદેસર તેની તપાસ કરવાનો આદેશ આપ્યો ત્યારે આણંદ, વલ્લભવિદ્યાનગર, કરમસદ શહેરી વિકાસસત્તામંડળે પોતાનો રિપોર્ટ મોકલ્યો કે આ હોટેલનું બાંધકામ મંજૂર થયેલા પ્લાન પ્રમાણે નથી.
"આમ છતાંય પુરજોશમાં ચાલી રહેલું હોટલનું બાંધકામ પૂર્ણ થયું. 24 ઑક્ટોબરે એનું ઉદ્ઘાટન થવાનું હતું. એ પહેલાં જ અમે ફરી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ મૌખિક ઑર્ડર કરી આનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો."
શાહનો દાવો છે કે હાઈકોર્ટમાં આ મૅટર ચાલુ હોવા છતાં બિલ્ડર અને તેમના લઘુમતી સમુદાયના પાર્ટનરે ઓપનિંગનો કાર્યક્રમ ચાલુ કરી દીધો હતો.
ડૉ. શાહ કહે છે કે, "અમે શાંતિપૂર્ણ રીતે આખાય વિસ્તારનું ગંગાજળથી શુદ્ધીકરણ કર્યું અને રામધૂન બોલાવી હતી."
"સ્થાનિકોમાં આ હોટલ સામે સખત આક્રોશ હતો. એટલે કેટલાક સ્થાનિકોએ મુસ્લિમોની વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર્યાં હતાં પરંતુ ટોળાને રોકી શકાય એવું નહોતું."
તેઓ કહે છે કે, "અમારો આશય મુસ્લિમવિરોધી પ્રદર્શનનો નહોતો. ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ કરવાનો હતો અને ગેરકાયદે બાંધકામ ખસેડવા માટેનો હતો. પણ સ્થાનિકોના આક્રોશને જોયા પછી આને કોમી રંગ આપી દેવામાં આવ્યો છે."

અશાંત ધારાના ભંગનો આરોપ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આણંદના ભાજપના યુવા મોરચાનાં અગ્રણી ટ્વિન્કલ ભાટિયા પર હોટલના ઉદ્ઘાટન પહેલાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમવિરોધી સૂત્રોચ્ચાર અને કોમવાદી ઉશ્કેરણીજનક ભાષણો કરવાનો આરોપ છે.
એમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે અહીં રામધૂન અને જમીન શુદ્ધીકરણના કાર્યક્રમમાં ભેગા થયા હતા. તે સમયે મેં પ્રવચનમાં એમ કહ્યું હતું કે, લઘુમતી સમુદાયના જે લોકો અશાંત ધારાનો ભંગ કરીને બહુમતી વિસ્તારોમાં પોતાની કૉમર્સિયલ મિલકતો ઊભી કરી રહ્યા છે એવા લોકો સામે પૂરી તાકાતથી લડવામાં આવશે. હું આજે પણ મારી એ વાતને વળગી રહી છું."
તેમનો આરોપ છે કે આણંદમાં છેલ્લા કેટલાક સમયથી અશાંત ધારો લાગ્યા પછી લઘુમતી સમુદાયના કેટલાક લોકો બહુમતી સમુદાય લોકોને પોતાના ભાગીદાર બનાવી અતિક્રમણ કરી રહ્યા છે.

લઘુમતી વિસ્તારમાં ભયનો માહોલ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તો આ આખાય મામલાને કોમી વૈમનસ્ય ફેલાવવાનો એક ભાગ હોવાનો દાવો કરતાં આણંદના જમાત-એ-ઉલેમા-એ-હિંદ આણંદના ઉપપ્રમુખ એમ. જે. ગુજરાતીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :
"હોટલની બહાર શુદ્ધીકરણના નામે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો છે. ઉશ્કેરણીજનક ભાષણો થયાં છે જેના કારણે લઘુમતી વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. આણંદની આસપાસનાં ગામડાંમાં આવો માહોલ સમજણપૂર્વક ઊભો કરવામાં આવ્યો છે. જેના પરિણામે કોમી એખલાસ પર સીધી અસર પડે છે."
"લઘુમતી વિસ્તારોમાં બહુમતી વેપારીઓની સંખ્યાબંધ દુકાનો છે. તો આ સંજોગોમાં શું અમારે પણ આવી દુકાનો કે ઑફિસોની સામે ઝમઝમનું પાણી લઈ શુદ્ધીકરણ કરવાનું? જો અમે આવું કરીશું તો માત્ર આણંદ જ નહીં આજુબાજુનાં ગામડાંમાં કે જ્યાં લઘુમતી અને બહુમતી સમુદાયો સંપથી રહે છે ત્યાં કોમી એકતા ડહોળાઈ જશે. અમે આની ચિંતા કરીને આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સરકારને રજૂઆત કરી છે."
ગુજરાતી ઉમેરે છે, "કેટલાંક તત્ત્વો દ્વારા લઘુમતીના તમામ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હોટલના શુદ્ધીકરણના નામે મોટા પાયે કોમી વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે આ અંગે અમે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવાની માગણી કરી છે."
"પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયાં નથી. એ ખરેખર દુઃખદ છે. આ રીતે આર્થિક બહિષ્કારના બહાને લઘુમતીના બહિષ્કારની કુચેષ્ટા સામે સરકાર કોઈ પગલાં નહીં ભરે તો અમે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અપીલ કરીશું."
આ અંગે હોટલના મુખ્ય પાર્ટનર સુલેમાન અલીનો સંપર્ક સાધતાં એમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ ઘટનાથી હું ઘણો વ્યથિત છું. અમારી બીજી હોટલ પણ આણંદ પાસે ચાલે જ છે. બહુમતી સમુદાયના લોકોના મિત્રોને મારી ધંધો કરવાની આવડતમાં વિશ્વાસ હતો એટલે પાર્ટનરશિપ કરી છે. આમાં કોઈ અતિક્રમણ કરવાનો ઇરાદો નથી. પરંતુ આખોય મામલો કોર્ટમાં હોવાથી હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ અંગે આણંદના પોલીસ વડાં અજિત રાજિયને બીબીસી ગુજરાતી સાથેની વાતમાં આ મામલો અદાલતમાં હોવાથી કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ચેલિયાની મુસ્લિમોની અંદાજે 2400થી વધુ હોટલો છે.
આ અંગે પાલનપુરસ્થિત ચેલિયા મુસ્લિમ જ્ઞાતિના આગેવાન ગુલામ અલીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ચેલિયા જ્ઞાતિના મુસ્લીમોની 2400થી વધુ નાનીમોટી હોટલ છે."
"અલબત્ત અમારું કોઈ ઍસોસિયેશન નથી પણ અમે સંગઠિત થઈને હોટલનો બિઝનેસ ચલાવીએ છીએ. જેના અગ્રણી તરીકે હું એટલું કહીશ કે અમે ક્યારેય હિંદુ-મુસ્લિમનો ભેદભાવ રાખ્યો નથી. અમારી હોટલનાં નામો પણ કબીર, સહયોગ, ભાગ્યોદય હોય છે."
"જરૂરી નથી કે ચેલિયા સમુદાયના મુસ્લિમોએ ખોલેલી તમામ હોટલમાં માંસાહારી ભોજન મળે. અમદાવાદથી મુંબઈ સુધીના હાઇવે પરની અમારી મોટા ભાગની હોટલોમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. દૂધ, શાકભાજી, અનાજ કરિયાણું આ તમામ ધંધાઓ અમે હિંદુમુસ્લિમ એક થઈને કરીએ છીએ ત્યારે આ પ્રકારના આર્થિક બહિષ્કારની વાત ખૂબ જ આઘાતજનક છે."
"અમારી હાઇવે પરની 2400થી વધુ હોટલોમાં 60 ટકા હોટલોમાં વર્ષોથી હિંદુ સમાજના લોકો ભાગીદાર છે. ત્યારે આ સંજોગોમાં આ પ્રકારના પ્રયાસો બંને કોમ વચ્ચે ભારે વૈમનસ્ય ઊભું કરશે. માટે આવી પ્રવૃત્તિને સરકારે કડક હાથે ડામી દેવી જોઈએ અને જો એમ નહીં થાય તો અમે બધા સાથે મળીને ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અરજી કરીશું."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












