World Cities Day : વિશ્વનાં સૌથી સલામત પાંચ શહેરો કયાં છે?
શહેરી જીવનમાં કોવિડ જેવું પરિવર્તન બીજી કોઈ બાબત લાવી શકી નથી. શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલી ઑફિસો બંધ રાખવાથી માંડીને ફરજિયાત માસ્ક, રેસ્ટોરાંમાં નિયંત્રણો અને બીજું પણ ઘણું બધું.
આ સાવચેતીઓએ સમગ્ર વિશ્વનાં શહેરોનું પરિદૃશ્ય, સંભવતઃ લાંબા ગાળા માટે, સમૂળગું બદલાવી નાખ્યું છે.
વાસ્તવમાં શહેરી લોકો માટે આ રોગચાળો આટલા મોટાપાયે આકાર પામેલી આ પ્રકારની સૌપ્રથમ ઘટના છે.
ઓગણીસમી સદીની શરૂઆતમાં સ્પેનિશ ફ્લૂનો વાવર હતો, ત્યારે વિશ્વની કુલ પૈકી માત્ર 14 ટકા વસતી જ શહેરોમાં રહેતી હતી; પરંતુ આજે શહેરોમાં રહેતા લોકોની સંખ્યા વધીને 57 ટકા થઈ ગઈ હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘના પૉપ્યુલેશનવિભાગનો અંદાજ જણાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેના પરિણામે આરોગ્યસંબંધી તકેદારી અને નાગરિકોની બહેતર સલામતીના સંદર્ભે શહેરોએ વધારે સાવધ બનવું પડ્યું છે. કયાં કારણોસર સલામતી બહેતર બની છે, તે સ્પષ્ટ કરવા ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં 2021 સેફ સિટીઝ ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો.
આ ઇન્ડેક્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ લાઇફ, વ્યક્તિગત સલામતી, પર્યાવરણસંબંધી બાબતો અને આરોગ્ય જેવા 76 માપદંડોના આધારે શહેરોનું રૅન્કિંગ કરવામાં આવ્યું છે. તેમાં આ વર્ષે રોગચાળાના સામનાની તૈયારી અને કોવિડ-19ને લીધે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રૅન્કિંગમાં કોપનહેગન, ટોરંટો, સિંગાપોર, સિડની અને ટોક્યો મોખરે છે. સામાજિક એકતા, વ્યાપક સર્વસમાવેશીપણું અને સામાજિક વિશ્વાસની મજબૂત ભાવના સાથે એકંદર સલામતીને કેવો સંબંધ હોય છે, તે આ શહેરો દર્શાવે છે.
રોગચાળાને કારણે થયેલા ફેરફારે આ શહેરોને વધારે સલામત, સર્વસમાવેશી તથા સ્થિતિસ્થાપક કઈ રીતે બનાવ્યાં તેમજ પ્રવાસીઓ આ શહેરોની મુલાકાતે આવે ત્યારે તેમણે શું તકેદારી લેવી જોઈએ, એ જાણવા માટે અમે આ શહેરોના નાગરિકો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોપનહેગન

ઇમેજ સ્રોત, Getty Images
આ શહેર ઇન્ડેક્સમાં સર્વોચ્ચ સ્થાને છે, ડેન્માર્કની રાજધાનીને મળેલા ટોચના સ્થાનનું કારણ ઇન્ડેક્સના નવા પર્યાવરણીય સલામતી અંગેના માપદંડ, હવાની ગુણવત્તા, કચરાના નિકાલની વ્યવસ્થા અને અર્બન ફૉરેસ્ટ કવર છે.
શહેર અને તેના નાગરિકો રોગચાળા અંગેનાં નિયંત્રણોનો સામનો સારી રીતે કરી શક્યા, તેમાં શહેરના હરિયાળા વિસ્તારોનો મોટો પ્રભાવ હતો. અહીં રોગચાળાસંબંધી તમામ નિયંત્રણો સપ્ટેમ્બર-2021થી ઉઠાવી લેવામાં આવ્યાં હતાં.
સ્વૈચ્છિક સંગઠન કોપનહેગન કૅપેસિટીના વડા એસ્બર્ન ઓવરગાર્ડે કહ્યું હતું કે “બગીચાઓ અને હરિયાળા વિસ્તારો તેમજ વૉટરવેઝ મહામારી દરમિયાન બહુ લોકપ્રિય હતા. કોપનહેગનના રહેવાસીઓ ખાદ્યસામગ્રી ખરીદીને શહેરમાંની ખુલ્લી જગ્યાઓએ આનંદ માણતા હતા.”
કોપનહેગને લોકોને કોરોના અંગે ‘માર્ગદર્શન’ આપવાનું ચાલુ રાખ્યું છે તેમજ બહાર નીકળતા લોકો વચ્ચે સામાજિક મોકળાશ જળવાઈ રહે, એ માટે સ્પષ્ટ નિયમોનો અમલ ચાલુ રાખ્યો છે.
દેશની સામુદાયિક ભાવનાને ડેનિશ શબ્દ samfundssind (સામ્ફુન્સી) બરાબર પ્રતિબિંબિત કરે છે. દેશની સામુદાયિક ભાવના, સલામત વાતાવરણના નિર્માણ માટે સરકારી અધિકારીઓ સહિતના દેશના તમામ નાગરિકોને સાથે મળીને કામ કરવા તથા એકમેકનો ભરોસો કરવા માટે પણ સક્ષમ બનાવે છે.
ભ્રષ્ટાચાર પર અંકુશ અને સલામત શહેર વચ્ચે ગાઢ સંબંધ હોવાનું સેફ સિટીઝ ઇન્ડેક્સમાં જાણવા મળ્યું હતું. તેથી વિશ્વના સૌથી ઓછા ભ્રષ્ટ દેશો પૈકીના એક ડેન્માર્કે તેના નાગરિકોને સમગ્ર મહામારી દરમિયાન દેશની સંસ્થાઓ પર તથા એકમેકનો ભરોસો કરવા સક્ષમ બનાવ્યા, એ આશ્ચર્યજનક નથી.
કોપનહેગને વ્યાપક કોવિડ ટેસ્ટિંગ કાર્યક્રમનો અમલ પણ કર્યો છે. એ માટે પ્રવાસીઓ સહિતના તમામ લોકોએ નાણાં ખર્ચવા પડતાં નથી.
એકત્ર કરવામાં આવેલી માહિતી વડે રોગચાળાના પ્રસાર પર ઝીણવટભરી નજર રાખી શકાય છે. એ ઉપરાંત રોગચાળાને શરૂઆતથી જ અંકુશમાં લઈ શકાય એટલા માટે કોપનહેગન વેસ્ટવૉટર ટેસ્ટિંગનો અમલ પણ કરવાનું છે.

ટોરંટો

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાનું આ સૌથી મોટું શહેર સલામતી સંબંધે ઇન્ડેક્સમાં બીજા ક્રમે રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણીય સલામતીની બાબતમાં તેનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. શહેરના નાગરિકો તેનું શ્રેય વૅક્સિન સંબંધી જાગૃતિ વિશેના સ્પષ્ટ કૉમ્યુનિકેશનને આપે છે.
શહેરને સલામત બનાવવા માટે શરૂ કરવામાં આવેલા સમુદાયલક્ષી વૅક્સિનેશન કાર્યક્રમની વાત ટોરંટોનાં રહેવાસી ફરિદા તલાતે કરી હતી.
દાખલા તરીકે, જે નાગરિકો ઘરની બહાર નીકળી શકે તેમ ન હોય તેમને વૅક્સિનનો પહેલો ડોઝ આપવા માટે હોમબાઉન્ડ સ્પ્રિન્ટ વૅક્સિનેશન યોજના બનાવવામાં આવી હતી. રસીકરણમાં વધુ સમાનતાભર્યો અભિગમ સુનિશ્ચિત કરવા વૅક્સિનેશન ક્રાયક્રમની શરૂઆતમાં જ 'ધ બ્લૅક સાયન્ટિસ્ટ્સ ટાસ્ક ફોર્સ'ની રચના કરવામાં આવી હતી.
શહેરના લાંબા બહુ-સાંસ્કૃતિક ઇતિહાસને કારણે પણ પોતે સલામત રહ્યા હોવાનું ટોરંટોના રહેવાસીઓ માને છે.
ટોરંટોમાં 1998થી વસવાટ કરતાં ફિલિપે વેર્નેઝાએ કહ્યું હતું કે “તમે અન્યત્ર જન્મ્યા હો એ ટોરંટોમાં સામાન્ય વાત છે. મેં જોયું છે કે વિવિધ વંશીય તથા સાંસ્કૃતિક જૂથોના લોકો અહીં એકમેકની સાથે વાતચીત કરે છે. તેઓ એકલપેટા રહેતા નથી."
"વિવિધ વંશના, અલગ જાતીય અભિગમ તથા ધર્મ ધરાવતા લોકો હોય તે શક્ય છે. વાસ્તવમાં ટોરંટો અત્યંત ખુલ્લા દિમાગવાળું શહેર છે, જેમાં તમે તમારી આગવી ઓળખ સાથે સલામત રહી શકો છો.”

સિંગાપોર

ઇમેજ સ્રોત, Getty Images
ડિજિટલ સિક્યૉરિટી, આરોગ્યની સલામતી અને માળખાકીય સલામતીના સંદર્ભે બીજા ક્રમે રહેલા સિંગાપોરે મહામારીના શરૂઆતના દિવસોમાં ઝડપભેર પગલાં લીધા હતા.
સિંગાપોરે આ વ્યવસ્થા મારફત ડિજિટલ મૉનિટરિંગ અને કૉન્ટ્રેક્ટ ટ્રેસિંગનાં પગલાં પણ લીધાં હતાં. વિશ્વમાં સૌથી ઊંચો વૅક્સિનેશન દર ધરાવતાં શહેરોમાં સિંગાપોરનો સમાવેશ થાય છે.
અહીં 80 ટકાથી વધારે નાગરિકોનું વૅક્સિનેશન થઈ ચૂક્યું છે, તેમ છતાં નવા વૅરિઅન્ટ્સના સંદર્ભમાં અહીં કડકાઈપૂર્વક મૉનિટરિંગ તથા કૉન્ટ્રેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.
ટ્રાવેલ બ્લોગ ચલાવતા સિંગાપોરના નાગરિક સામ લીએ કહ્યું હતું કે “તમામ નાગરિકોએ બિલ્ડિંગ કે પરિસરમાં પ્રવેશતા પહેલાં ટ્રેસટુગેધર ટોકન અથવા ફોન ઍપ્લિકેશન સલામતી માટે સ્કૅન કરવું પડે છે."
"ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિને ઝડપભેર શોધવામાં, આ વ્યવસ્થાને લીધે સત્તાવાળાઓને મદદ મળે છે, જેથી એ વ્યક્તિને ક્વોરૅન્ટીન કરીને ચેપને આગળ વધતો અટકાવી શકાય.”
પ્રવાસીઓએ પણ સિંગાપોરમાં પ્રવેશતા પહેલાં ટ્રેસટુગેધર ટોકન ઇન્સ્ટોલ કરવું પડે છે અથવા તે ઇન્સ્ટોલ થયેલું હોય તેવો ફોન ભાડેથી લેવો પડે છે.
લોકોના એકમેક સાથેના પ્રત્યક્ષ સંપર્કનું પ્રમાણ ઘટાડવા માટે મોટાભાગની ઑફિસોમાં વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા સ્વીકૃત બની ગઈ છે. તેને લીધે જાહેર પરિવહનમાં ઓછી ભીડ જોવા મળતી હોવાનું લીએ જણાવ્યું હતું.
પ્રવાસી આકર્ષણનાં સ્થળો તથા શોપિંગ મોલમાં પ્રવેશ મર્યાદિત હોય છે અને લોકો આરોગ્યસંબંધી નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે ‘સેફ ડિસ્ટન્સિંગ ઍમ્બેસેડર્સ’ લોકટોળા પર નજર રાખે છે.
જે લોકો નિયમોનું પાલન ન કરે તેમની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે. મૉલ્સ, પોસ્ટઑફિસો અને કરિયાણાની દુકાનોમાં કેટલી ભીડ છે તેની માહિતી લોકો નવા લૉન્ચ કરાયેલા સ્પેસ આઉટ ટૂલ મારફત મેળવી શકે છે.

સિડની

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના આ સૌથી મોટા શહેરને ઇન્ડેક્સમાં પાંચમું સ્થાન મળ્યું છે અને આરોગ્ય સલામતીમાં તે ટોચનાં દસ શહેરો પૈકીનું એક છે. ઑસ્ટ્રેલિયા મહામારી દરમિયાન પોતાની સરહદોને સૌથી પહેલાં સંપૂર્ણપણે બંધ કરનાર દેશો પૈકી એક હતો.
તેણે વધતાં કેસોને કારણે લૉકડાઉનની કડકાઈપૂર્વક અમલ કર્યો છે. ઑસ્ટ્રેલિયામાં કોવિડથી થયેલાં મૃત્યુનો માથાદીઠ દર વિશ્વમાં સૌથી ઓછો છે. ન્યૂ સાઉથ વેલ્સમાં વૅક્સિનેશનનું પ્રમાણ 70 ટકાના સ્તરે પહોંચી ગયું હોવાથી અનેક નિયંત્રણો ઉઠાવી લેવામાં આવશે, તેવી અપેક્ષા છે અને નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ખુલ્લી મૂકવાની તૈયારી છે.
રોગચાળા સામે રક્ષણની અનુભૂતિ ઉપરાંત રહેવાસીઓ સિડનીની શેરીઓમાં વ્યક્તિગત સલામતીનો અનુભવ લાંબા સમયથી કરી રહ્યા છે.
2018માં સિડની આવેલા અને પાસપોર્ટ ડાઉન અંડર નામની ટ્રાવેલ વેબસાઇટનાં સ્થાપક ક્લોઈ સ્કોર્ગીએ કહ્યું હતું કે “સિડનીમાં રહેતાં મને સલામતીનો જે અનુભવ થયો છે, તે બીજા કોઈ દેશમાં થયો નથી. મેં મહિલા તરીકે એકલાં સમગ્ર સિડનીનો પ્રવાસ કર્યો છે અને મારા પર કોઈ જોખમ હોય તેવું ક્યારેય અનુભવ્યું નથી.”
ડિજિટલ સિક્યૉરિટીના સંદર્ભમાં સિડનીને પ્રથમ ક્રમાંક મળ્યો છે. ડિજિટલ સિક્યૉરિટીમાં શહેરની પ્રાઇવસી પૉલિસી, સાઇબર સિક્યૉરિટી પ્રૉટેક્શન અને ઑવરઑલ સ્માર્ટ સિટી પ્લાનનો સમાવેશ થાય છે.
સિડની તેના સ્માર્ટ સિટી સ્ટ્રૅટેજિક ફ્રેમવર્ક સાથે આ પ્રયાસોમાં મોખરે રહ્યું છે.
દાખલા તરીકે, સર્વગ્રાહી વપરાશ, ટ્રાન્સપૉર્ટેશન ફ્લોઝ અને રાહદારીઓની હિલચાલની માહિતી એકત્ર કરવા કચરાના ડબ્બા, સ્ટ્રીટલાઇટ અને બૅન્ચોમાં સ્માર્ટ સેન્સર્સ કઈ રીતે લગાવી શકાય તેની રૂપરેખા સ્માર્ટ સિટી સ્ટ્રૅટેજિક ફ્રેમવર્કમાં છે.
એવી જ રીતે અંધારું થયા પછીની સલામતીમાં તથા રાતના સમયની આર્થિક પ્રવૃત્તિમાં સ્માર્ટ લાઇટિંગ તથા સીસીટીવી નેટવર્ક ઉપયોગી થઈ શકે છે.
આ પૈકીના કેટલાક આઇડિયાનો અમલ સાઉથ સિડનીમાં ચિલઆઉટ હબ સ્વરૂપે કરવામાં આવી રહ્યો છે. ચિલઆઉટ હબ ખુલ્લી જગ્યામાં હોય છે. તેમાં રહેવાસીઓ સ્માર્ટ લાઇટિંગના અજવાળામાં એકમેકને મળી શકે છે.
વાઈ-ફાઈ સાથે તેમનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો કનેક્ટ કરી શકે છે. આ સમગ્ર પ્રવૃત્તિને ડેટા શહેરના લીડર્સને મોકલવામાં આવે છે, જેથી નાગરિકોની માળખાકીય સુવિધાનો ઉપયોગ કઈ રીતે કરે છે, તેની વધારે સારી સમજ તેઓ મેળવી શકે.

ટોક્યો

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનની આ રાજધાનીને ઑવરઑલ ઇન્ડેક્સમાં પાંચમું અને હેલ્થ સિક્યૉરિટી ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન મળ્યું છે. હેલ્થ સિક્યૉરિટી ઇન્ડેક્સમાં યુનિવર્સલ હેલ્થકૅર, મહામારી સામેની તૈયારી, અપેક્ષિત આયુષ્યદર, માનસિક આરોગ્ય અને કોવિડ-19 મૃત્યુદરનો સમાવેશ થાય છે.
ઑલિમ્પિક્સ દરમિયાન અહીં કોવિડ-19ના કેસોની સંખ્યામાં વધારો થયો હતો, પરંતુ કુલ પૈકીની લગભગ 60 ટકા વસતીનું વૅક્સિનેશન થઈ જવાને કારણે કોવિડ-19ના કેસોના પ્રમાણમાં ઝડપભેર ઘટાડો થયો હતો.
જાપાને આરોગ્ય કટોકટીના અંતની અને સપ્ટેમ્બર-2021થી નિયંત્રણો તબક્કાવાર ઉઠાવવાની જાહેરાત કરી હતી. મોટા કાર્યક્રમોમાં પ્રવેશ માટે વૅક્સિન પાસપોર્ટના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની તેમજ એ પાસપોર્ટ ધરાવતા લોકોને ડિસ્કાઉન્ટ કે કૂપન આપવા માટે વેપારી સમુદાયને પ્રોત્સાહન આપવાની પણ જાપાનની યોજના છે.
ટોક્યોને તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યૉરિટી માટે પણ ટોચના પાંચમાં સ્થાન મળ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યૉરિટીમાં ટ્રાન્સપૉર્ટ સેફટી, રાહદારીઓ માટે સગવડ અને ટ્રાન્સપૉર્ટેશન નેટવર્કનો સમાવેશ થાય છે.
ગુનાખોરી અટકાવવાની સહિયારી જવાબદારી અને તકેદારી સ્વરૂપે સલામતીમાં નાગરિકોની સહભાગીપણામાં વધારો થયો છે.
ટોક્યોના રહેવાસી અને ગ્લોબલ યૂથ રિવ્યૂ મૅગેઝિનનાં સ્થાપક સેના ચાંગે કહ્યું હતું કે “ટ્રેનસ્ટેશનો પરના વિવિધ લોસ્ટ ઍન્ડ ફાઉન્ડ સેન્ટર્સથી માંડીને બિનજરૂરી બાઇક લૉક સુધી, અન્યોના ક્ષેમકુશળ પ્રત્યેના આદરમાં જોરદાર વધારો થયો છે.”
પોતાની શોપિંગ બૅગ ખોવાઈ જવાની એક ઘટના સંભારતાં તેમણે જણાવ્યું હતું કે, "હું જે જગ્યાએ મારી શૉપિંગ બૅગ ભૂલી ગઈ હતી, એ જ જગ્યાએથી તે મળી આવી અને તેની સાથે પ્રેમભરી ચિઠ્ઠી પણ હતી."
સેના ચાંગે કહ્યું હતું કે “હું રહું છું તે ટોક્યોને, સહિયારાપણાની સદીઓ જૂની સંસ્કૃતિ અને એકમેક પ્રત્યેના આદરે સૌથી સલામત શહેર બનાવ્યું છે.”



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














