Climate Change : પૃથ્વી પરનું પાણી ખતમ થઈ જશે? શું છે એનાં કારણો અને ઉપાય?
કેટલાક મહિના પહેલાંની વાત છે. ઓછા વરસાદ અને દુકાળના કારણે ઈરાનની નદીઓ સુકાઈ ગઈ. પાણીની અછતના કારણે આખા દેશમાં ઉગ્ર વિરોધપ્રદર્શનો થયાં હતાં.
2019ના વર્ષે, ભારતનાં સૌથી મોટાં શહેરોમાંના એક ચેન્નાઈમાં સર્જાયેલું પાણીસંકટ અખબારોમાં ચમક્યું હતું. એ સમયે ચર્ચા છેડાઈ હતી કે વધી રહેલા ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને જળવાયુપરિવર્તનની અસર કેવી કેવી પાયમાલી સર્જી શકે છે.
2018માં ભયંકર દુકાળના કારણે દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં વ્યક્તિદીઠ દરરોજ 50 લીટર જ પાણીપુરવઠાની મર્યાદા અમલમાં મુકાઈ હતી.

ઇમેજ સ્રોત, GOOGLE EARTH
વર્ષ 2014માં બ્રાઝિલમાં સાઓ પાઓલો અને ઑસ્ટ્રેલિયાના પર્થમાં પણ પાણીસંબંધિત સ્થિતિ કંઈક આવી જ હતી.
ઘણા સમય પહેલાંથી જળસંકટ માટે અયોગ્ય આયોજન, જળસ્રોતોમાં આવકની ઘટ અને જળવાયુપરિવર્તનને કારણભૂત ગણાવવામાં આવે છે. જોકે, આ સમસ્યા કે એનાં કારણો કંઈ નવાં નથી.
1980ના દાયકાથી દુનિયામાં પાણીના વપરાશનો દર પ્રતિવર્ષ લગભગ એક ટકા વધી રહ્યો છે અને લગભગ આ દર પ્રમાણે જ 2050 સુધી વપરાશ વધતો રહેવાનું અનુમાન છે.
જાણકારો માને છે કે ભવિષ્યમાં પાણીની માગ અને જળવાયુપરિવર્તનની અસર વધવાના કારણે જળસ્રોતો પરનું ભારણ ખૂબ જ વધશે.
તો પ્રશ્ન એ છે કે, શું ધરતી પરથી પાણી સમાપ્ત થઈ રહ્યું છે? આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે આ સમસ્યાનો ઉકેલ શો હોઈ શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એક બાજુ દુકાળ તો બીજી બાજુ પૂર

ઇમેજ સ્રોત, pixelfusion3d
જેમ્સ ફૅમ્લિએટી સાસ્કાચેવાન યુનિવર્સિટીમાં ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર વૉટર સિક્યૉરિટીના કાર્યકારી નિર્દેશક છે. આની પહેલાં તેઓ કૅલિફોર્નિયામાં નાસામાં જળવૈજ્ઞાનિક હતા.
કૅલિફોર્નિયાનાં જંગલોમાં દર વર્ષે આગ લાગે છે; પણ, આશ્ચર્યની વાત એ છે કે શાકભાજી અને ફળોની બાબતે દેશની જરૂરિયાતનો એક તૃતીયાંશ ભાગ અહીં જ ઉગાડવામાં આવે છે.
જેમ્સે જણાવ્યું કે, "જો આપણે ખેતી માટેનાં પાણીની વાત કરીએ તો કદાચ દુનિયાના બધા ખેતીલાયક વિસ્તારોની સ્થિતિ કૅલિફોર્નિયા જેવી હશે."
"જ્યાં જે ઉગાડવામાં આવે છે એ માત્ર ત્યાંની જ નહીં, પરંતુ બીજા વિસ્તારોની જરૂરિયાત પણ પૂરી કરે છે. જ્યારે બીજા વિસ્તારો અહીંની ખેતી માટેની પાણીની જરૂરિયાત પૂરી પાડતા નથી. આ બિનટકાઉ રીત છે."

ઇમેજ સ્રોત, REUTERS/AMANDA PEROBELLI
નાસાએ 2002માં મહત્ત્વનું ગ્રેસ મિશન શરૂ કર્યું હતું. 15 વર્ષ ચાલેલા આ મિશનમાં સેટેલાઇટ તસવીરો દ્વારા પૃથ્વી પરના જળસ્રોતોની સ્થિતિ અને જળવિતરણને સમજવાનો પ્રયત્ન થયો હતો.
જેમ્સ જણાવે છે કે, "ગ્રેસ મિશનમાં અમને ધરતીના બંને ગોળાર્ધોમાં એક વૈશ્વિક પૅટર્નની વિશે જાણવા મળ્યું."
"દુનિયાનો એ ભાગ જ્યાં ભરપૂર માત્રામાં પાણી છે તેનો પુરવઠો વધી રહ્યો છે, જ્યારે બીજા ભાગો શુષ્ક બનતા જાય છે. આ પૅટર્નમાં દેખાય છે કે જળપ્લાવિત વિસ્તારોમાં વારંવાર પૂર આવે છે અને શુષ્ક વિસ્તારોમાં દુકાળ પડે છે."
વૈશ્વિક સ્તરે સતત સુકાતા જતા જળસ્રોતો માટે ગ્લોબલ વૉર્મિંગ અને ખેતી એ મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ એ માટે બીજાં કારણો પણ છે.

શહેરીકરણનો વધતો જતો વિસ્તાર

ઇમેજ સ્રોત, Atul Loke/Getty
દુનિયાની કુલ વસ્તીમાંથી 17.5 ટકા ભારતમાં રહે છે, પણ અહીં ધરતીનો તાજાં પાણીનો સ્રોત માત્ર ચાર ટકા જ છે.
સમ્રાટ બસાક વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતના શહેરી જળ કાર્યક્રમના નિર્દેશક છે.
તેઓ જણાવે છે કે તાજેતરનાં વરસોમાં જે ઝડપે લોકોની આવક વધી છે, એટલી જ ઝડપે પાણીની માગ પણ વધી છે.
તેમણે જણાવ્યું કે, "લોકો ઍરકંડિશનર, ફ્રિજ, વૉશિંગ મશીન જેવાં ઉપકરણો વધારે ખરીદે છે."
"દેશમાં વીજળીની કુલ જરૂરિયાતના 65 ટકાથી પણ વધારે વીજળી થર્મલ પાવરપ્લાન્ટ્સ દ્વારા મળે છે અને એમાં પાણીનો અધિકતમ ઉપયોગ થાય છે; અને જો વીજળીનો ઉપયોગ વધારે થાય તો એના ઉત્પાદન માટે પાણીની માગ પણ એટલી જ વધશે."
સમ્રાટ જણાવે છે કે આવક વધવાની સાથે લોકોની ખાનપાનની ટેવો બદલાય છે. પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ વધ્યો છે અને પહેલાંની સરખામણીએ પાણીની જરૂરિયાત વધી છે.
આ ઉપરાંત શહેરીકરણનો વધતો વ્યાપ અને વરસાદી પાણી વહી જવું એ પણ મોટી સમસ્યા છે. દેશમાં પીવાના પાણીની જરૂરિયાતના 85 ટકા પાણી ભૂગર્ભમાંથી પ્રાપ્ત થાય છે.
સમ્રાટ જણાવે છે કે, "શહેરીકરણની રીત બદલાઈ રહી છે. જમીન પર કૉન્ક્રિટની ચાદર પથરાઈ રહી છે, જેનાથી જમીનની સપાટી સખત અને અભેદ્ય બની રહી છે."
"આ ઉપરાંત, જંગલો કાપીને પણ જમીનને નક્કર બનાવાય છે. એનાથી જમીન પાણી શોષી શકતી નથી અને તેથી, વરસાદનું પાણી કુદરતી વ્યવસ્થા પ્રમાણે સંગ્રહ થવાના બદલે વહી જાય છે."
દેશનાં લગભગ 79 ટકા ઘરમાં પીવાના પાણીના નળની સગવડ પહોંચી નથી. ઘણા વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી ખરીદવું પડે છે. પ્રદૂષિત પાણીના કારણે દેશમાં દર વરસે લગભગ બે લાખ લોકોનાં મૃત્યુ થાય છે અને હજારો લોકો બીમાર પડે છે.

ઇમેજ સ્રોત, REUTERS/GUGLIELMO MANGIAPANE
જળસંકટની અસર પરિવારો પર તો પડે જ છે, સાથોસાથ સમાજ પર પણ પડે છે.
સમ્રાટ જણાવે છે કે, "જળસંકટ વ્યક્તિને ક્યારેય બહાર ન નીકળી શકાય એવી ગરીબીની દારુણ અવસ્થામાં ધકેલે છે અને સમાજમાં અસમાનતા વધારે છે."
"સામાજિક અને આર્થિક રીતે પછાત લોકો પાણી માટે વધારે ખર્ચ કરી શકતા નથી. એની અસર એમના સ્વાસ્થ્ય પર પડે છે અને તેઓ દુષ્ચક્રમાં ફસાતા જાય છે."
કૅલિફોર્નિયા અને ભારતમાં જે કંઈ થઈ રહ્યું છે, એ દુનિયાના બીજા કેટલાય ભાગોની પણ હકીકત છે. પણ શું આપણે એમ કહી શકીએ એમ છીએ કે પૃથ્વી પરનું પાણી ખતમ થઈ રહ્યું છે?

જરૂરિયાત અને ઉપયોગ

ઇમેજ સ્રોત, Atul Loke/Getty
કૅટ બ્રાઉમૅન યુનિવર્સિટી ઑફ મિનેસાટામાં ગ્લોબલ વૉટર ઇનિશિયેટિવનાં લીડ આસિસ્ટન્ટ છે. તેમણે કહ્યું કે વાસ્તવિક સમસ્યા પાણીની અછતની નથી, બલકે એની જરૂરિયાત અને પ્રાપ્યતાની છે.
તેમણે જણાવ્યું, "આપણે જાણીએ છીએ કે જળવાયુપરિવર્તનના લીધે પૂર વધારે આવશે અને દુકાળ પણ પડશે. આમ જોઈએ તો ધરતી પરનું પાણી ઓછું નથી થયું; પણ આપણને ત્યારે વધારે પાણી મળે છે, જ્યારે એની જરૂર નથી હોતી, અને જ્યાં એની જરૂર છે, ત્યાં એ મળતું નથી."
કૅટ સમ્રાટ બસાકની એ વાત સાથે સંમત છે કે શહેરીકરણના કારણે વરસાદી પાણી હવે જમીનના તળમાં નથી ઊતરતું.
જોકે, તેઓ એમ કહે છે કે આ માત્ર પુરવઠાની વાત છે, જ્યારે અછતનાં કારણો બીજાં જ છે.
તેમણે જણાવ્યું કે, "સંકટનું એક મોટું કારણ પાણીના ઉપયોગ સાથે સંકળાયેલું છે. આપણે ધરતી પર ઉપલબ્ધ પાણીના હિસાબે એનો ઉપયોગ કરવાનું શીખ્યા નથી અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે પાણી ખલાસ થઈ રહ્યું છે; ત્યારે, ખરેખર તો આપણે એમ કહીએ છીએ કે આપણે પાણીનો જેટલા ઉપયોગ કરવા માગીએ છીએ તેટલો થઈ શકતો નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કૅટ એમ કહે છે કે પાણીનો કેવો ઉપયોગ થાય છે, એના પર ઘણું બધું નિર્ભર છે. દાખલા તરીકે, ખેતર મોટું છે તો બાષ્પીભવન વધારે થશે, ઘરમાં ઉપયોગમાં લીધેલું પાણી ફેંકી દેવાય તો વહી જશે. આનાથી જળચક્ર તો ચાલતું રહેશે પણ એનાથી ના તો ભૂ-જળસ્તર વધશે કે ના તો આગળ જતાં વપરાશી પાણી ઉપલબ્ધ રહેશે.
તેમણે જણાવ્યું કે, "પ્રદૂષણ પણ એક સમસ્યા છે. માનો કે પાણી છે; પણ ઉપયોગ કરવા લાયક નથી, તો એ તો ન હોવા બરાબર ગણાય."
"પાણી સુધી પહોંચવા માટે માળખાકીય સુવિધાઓ પણ મહત્ત્વપૂર્ણ છે. પાણી કેટલું છે અને કયાં ઘરો સુધી પહોંચશે, એ નિર્ણયો જરૂરી હોય છે અને અભાવ પણ અસમાનતા ઊભી કરે છે."
કૅટ માને છે કે ભવિષ્યમાં, ધરતી પરનું પાણી કદાચ ખલાસ ન થાય, પણ વસતીવધારાના કારણે પડકારો વધશે એ નક્કી.

સમસ્યાનો સામનો કઈ રીતે કરીએ

ઇમેજ સ્રોત, EPA/YAHYA ARHAB
ડેનિયલ શેમી ધ નેચર કન્ઝર્વન્સીમાં રિજિલેઅન્ટ વૉટરશેડ સ્ટ્રેટેજી નિર્દેશક છે. તેઓ જણાવે છે કે જળસંકટનો સામનો કરવાની શરૂઆત ખેતીથી થવી જોઈએ.
તેમણે જણાવ્યું કે, "કઈ જગ્યાએ, શેની ખેતી થઈ રહી છે, એમાં સમજણનો અભાવ છે. આપણે શીખવું પડશે કે પાણીનો યોગ્ય ઉપયોગ કરીને ક્યાં કેવા પ્રકારની ખેતી કરી શકાય એમ છે. એના માટે આપણે વિશેષજ્ઞોની મદદ લઈ શકીએ."
જોકે એ અલગ મુદ્દો છે કે એના માટે આપણે કેટલા તૈયાર છીએ. ડેનિયલે જણાવ્યું કે જળપ્રદૂષણનો સામનો કરવા આપણે તૈયાર છીએ.
તેમણે કહ્યું કે મોટા ભાગના મામલામાં એ સરકારની જવાબદારી હોય છે અને એના માટે તે ઉદ્યોગોને ફરજ પાડે છે, પણ જળસંશોધન ખર્ચાળ કામ છે અને એ જ મોટી અડચણ છે.
એક સવાલ એ પણ છે કે શું આપણે સમુદ્રનું પાણી પીવાલાયક ન બનાવી શકીએ?
ડેનિયલે જણાવ્યું કે, "એ દિલચસ્પ તકનીક જરૂર છે, પણ આજની તારીખે ખારા પાણીમાંથી મીઠું (સૉલ્ટ) છૂટું પાડવાની પ્રક્રિયા ખૂબ મોંઘી છે; એટલું જ નહીં પણ ઊર્જાના વપરાશની દૃષ્ટિએ પણ યોગ્ય નથી, ખાસ કરીને ત્યારે જ્યારે ઊર્જાસંકટ મોટો મુદ્દો છે."
અહીં એક સવાલ એ પણ છે કે આ પ્રક્રિયામાં જે મીઠું (સૉલ્ટ) બનશે એનું શું કરાશે? એને ના તો જમીન પર ફેંકી શકાય અને ના તો સમુદ્રમાં. તો પછી જળસંકટનો સામનો કરીશું કઈ રીતે?
ડેનિયલે જણાવ્યું કે, "બાગ-બગીચા અને શહેરો-ગામડાઓમાં મોજૂદ હરિયાળીવાળા વિસ્તારોમાં એની સંભાવના છે. એ વિસ્તારો સ્પંજની જેમ કામ કરે છે, એટલે કે જો આપણે કૉન્ક્રિટથી હટીને વધારેમાં વધારે એવી જમીનો તૈયાર કરીએ કે જે પાણી શોષી શકે તો વરસાદનું પાણી નકામું વહી નહીં જાય અને ભૂ-જળસ્તર વધશે."
પણ, શું આપણે પ્રયત્નો દ્વારા નીચે ઊતરી રહેલા ભૂ-જળસ્તરની સ્થિતિને સુધારી શકીએ?

થોડા પ્રયત્નો, મોટું પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
તરુણ ભારત સંઘના ચૅરમૅન રાજેન્દ્રસિંહ છેલ્લાં ચાળીસ વરસોથી રાજસ્થાનની ઉજ્જડ જમીનને હરિયાળી બનાવવાનું કામ કરે છે, એમને વૉટરમૅન ઑફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે.
તેમણે કહ્યું કે, ધરતીનું પાણી ખતમ નથી થઈ રહ્યું, બલકે એનું અતિક્રમણ, પ્રદૂષણ અને શોષણ વધી રહ્યું છે.
તેમણે કહ્યું કે, "પાણીનો જે પ્રશ્ન છે એને આધુનિક શિક્ષણે વધારે ગંભીર બનાવ્યો છે. આધુનિક શિક્ષણમાં આપણી ટેક્નોલૉજી અને એન્જિનિયરિંગ પ્રાકૃતિક સંસાધનોના વધુમાં વધુ ઉપયોગને વિકાસનો માપદંડ માને છે."
"આ માપદંડ આપણા માટે ખતરનાક છે. આ શિક્ષણને કારણે લોકો 300 ફૂટથી માંડીને 2000 ફૂટ સુધીનાં ઊંડાં ભૂજળને કાઢી રહ્યા છે."
દુનિયાભરમાં ભૂજળનો જેટલો ઉપયોગ થાય છે, એના 25 ટકા એકલા ભારતમાં થાય છે; અને આ બાબતમાં ભારત ચીન અને અમેરિકા કરતાં આગળ છે.
રાજેન્દ્રસિંહે જણાવ્યું કે પાણીનું સંકટ સમુદાયો વચ્ચે માત્ર એક જુદા પ્રકારનો તણાવ નથી જન્માવતું, બલકે પડકારો પણ ઊભા કરે છે.
તેમણે કહ્યું કે, "પાણીની અછતને કારણે આખી દુનિયામાં વિસ્થાપન વધી રહ્યું છે. એ કારણે જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એમને ક્લાયમેટ રૅફ્યૂજી કહેવાય છે."
"જળસંકટ થર્ડ વર્લ્ડ વૉટર વૉરને નિમંત્રણ આપી રહ્યું છે. એટલા માટે એક તરફ આપણે પાણીના ઉપયોગની આવડત વધારવાની જરૂર છે, તો બીજી બાજુ જળસંરક્ષણ કરવાની અને જળ પરના સમુદાયોના અધિકાર જાળવી રાખવાની જરૂર છે."
"પાણી પરના લોકોના અધિકાર માટે ઉદ્યોગો સૌથી મોટું જોખમ છે અને એ સૌથી મોટો પડકાર છે."
રાજેન્દ્રસિંહ માને છે કે જો જળસંકટની સમસ્યા નિવારી શકાય તો જળવાયુપરિવર્તનને વધતું અટકાવી શકાય એમ છે.
તેમણે જણાવ્યું કે, "ચાળીસ વર્ષનો મારો અનુભવ મને એમ કહેવા પ્રેરે છે કે જળ જ જળવાયુ છે અને જળવાયુ જ જળ છે."
"જો દુનિયાને ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુપ્રદૂષણથી બચાવવી હોય તો આપણે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે, હરિયાળી વધારવી પડશે અને પાણીના કારણે ઇરોઝન અને સિલ્ટિંગનો પણ સામનો કરવો પડશે; ત્યારે જ આપણી પ્રક્રિયા ઝડપી થશે."

તો પછી, શું જળ-સંરક્ષણ માટે આપણને મોટી પરિયોજનાઓની જરૂર છે?

રાજેન્દ્રસિંહ જણાવે છે કે, "નાનાં-નાનાં વધારે કામ મળીને મોટું પરિવર્તન લાવે છે. મોટા બંધોની શરૂઆત વિસ્થાપનથી જ થાય છે. નાની પરિયોજનાઓમાં એવું નથી થતું. 11,800 નાની પરિયોજનાઓ 10,600 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં પર્યાવરણને હરિયાળું કરી શકે છે, જે એક મોટો બંધ નથી કરી શકતો."
એક અંદાજ અનુસાર, 2050 સુધીમાં દુનિયાની અડધી વસ્તી એવા વિસ્તારોમાં રહેતી હશે, જ્યાં જળસંકટ હશે. એ સમયે દુનિયાનાં 36 ટકા શહેરોમાં પાણીની અછત હશે.
જળવાયુપરિવર્તન, નબળી વ્યવસ્થા, જળસ્રોતોની ઘટતી સંખ્યા અને સંગ્રહનો અભાવ - કોઈ ને કોઈ સ્તરે આ બધાં કારણો પાણીની સમસ્યા માટે જવાબદાર છે. પરંતુ જાણકારો કહે છે એમ પ્રશ્ન પાણીના ખતમ થઈ જવાનો નથી, બલકે એની સાથે માણસોનો સંબંધ પૂરો થવાનો છે.
સમસ્યાનું સમાધાન તો છે, પણ એના માટે આપણે આપણી રીતરસમો બદલવી પડશે અને એક વાર ફરી પાણીના ઉપયોગ વિશે વિચારવું પડશે, જેથી ભવિષ્યમાં દરેક વ્યક્તિ માટે, દરેક જગ્યાએ જરૂરિયાત મુજબનું પાણી ઉપલબ્ધ હોય.
નહીં તો, જેવું બેન્જામિન ફ્રૅન્કલિને કહ્યું હતું - પાણીનું મહત્ત્વ આપણે ત્યારે સમજીશું, જ્યારે કૂવા સુકાઈ જશે.
(પ્રોડ્યૂસર - માનસી દાશ)



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












