COP26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ગ્લાસગો કૉન્ફરન્સ શા માટે મહત્ત્વની છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા એક વર્ષમાં દુષ્કાળ, કમોસમી વરસાદ, પૂર અને તોફાન જેવી કુદરતી આફતોને કારણે ભારતને 87 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

આ આંકડો વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશને બહાર પાડ્યો છે. કુદરતી આફતોને કારણે થયેલા નુકસાનની બાબતમાં માત્ર ચીન જ ભારતથી આગળ છે.

ચીનને ગત વર્ષમાં 238 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જાણકારો આ નુકસાનને જળવાયુ પરિવર્તન સાથે સાંકળી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિકાસશીલ દેશો ઇચ્છે છે કે જળવાયુ ભંડોળ માટે 100 અબજ ડૉલરનો જે વાયદો પેરિસમાં કરવામાં આવ્યો હતો તેનું પાલન વિકસિત દેશો કરે

આ જ કારણસર ભારત સહિતના વિશ્વના લગભગ 120 દેશો બ્રિટનના ગ્લાસગો શહેરમાં એકઠા થઈ રહ્યા છે, જેથી જળવાયુ પરિવર્તન અને તેને કારણે સર્જાતાં જોખમના સામના માટે દુનિયા સાથે મળીને પગલાં લઈ શકે.

દિલ્હી, ઉત્તરાખંડથી માંડીને કેરળ સુધીના, ગુજરાતથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ તથા આસામ સુધીના લોકોએ બદલાતા ઉષ્ણતામાનને કારણે થતા આવાં પરિવર્તનને બહુ જ નજીકથી અનુભવ્યું છે.

આ પરિવર્તનના સંદર્ભમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લાસગો યાત્રા મહત્ત્વની છે. ગ્લાસગોમાં વિશ્વના તમામ મોટા દેશો જગતના બદલાતા ઉષ્ણતામાન બાબતે ચર્ચા કરવાના છે.

line

ગ્લાસગોમાં શું થશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનને ગત વર્ષમાં 238 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જાણકારો આ નુકસાનને જળવાયુ પરિવર્તન સાથે સાંકળી રહ્યા છે.

ગ્લાસગોમાં 31 ઑક્ટોબરથી COP26 સંમેલન શરૂ થવાનું છે. 13 દિવસ ચાલનારા આ સંમેલનને કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે COP કહેવામાં આવે છે.

ગ્લાસગો કૉન્ફરન્સમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન પણ હાજરી આપવાના છે. ભારત તરફથી પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેશે.

આ કારણસર ભારતના સંદર્ભમાં COP26 વધારે મહત્ત્વનું બની જાય છે.

ગ્લાસગો કૉન્ફરન્સનો ઍજન્ડા આમ તો બહુ મોટો છે, પરંતુ તેમાં સૌથી વધુ મહત્ત્વનું કામ છે પેરિસ કરારના નિયમોને અંતિમ સ્વરૂપ આપવાનું.

2015માં જળવાયુ પરિવર્તન સંબંધે પેરિસ કરાર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ કાર્બન ગૅસનું ઉત્સર્જન ઘટાડીને વિશ્વના વધતા ઉષ્ણતામાન પર બ્રેક લગાવવાનો હતો, જેથી ઉષ્ણતામાનમાંના વધારાને દોઢથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખી શકાય. એ પછી વિશ્વના દેશોએ પોતપોતાના માટે સ્વૈચ્છાએ લક્ષ્યાંક નક્કી કર્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘના તાજા અંદાજ મુજબ, હાલ અલગ-અલગ દેશોએ જે લક્ષ્યાંક નક્કી કર્યા છે તેના પરિણામે આ સદીના અંત સુધીમાં વિશ્વના ઉષ્ણતામાનમાં 2.7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે.

તેથી જળવાયુ પરિવર્તનની માઠી અસરનું નિરાકરણ વધારે જરૂરી બની જાય છે.

ગ્લાસગોમાં એ ચર્ચા થશે કે આ વખતે ઉષ્ણતામાનમાં વધારાને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના વચનથી કશું થવાનું નથી. દુનિયાના તમામ દેશોએ ઉષ્ણતામાનમાં મહત્તમ દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારાનો સંકલ્પ કરવો પડશે.

line

નેટ ઝીરોનો અર્થ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્લાસગો કૉન્ફરન્સનો ઍજન્ડા આમ તો બહુ મોટો છે, પરંતુ તેમાં સૌથી વધુ મહત્ત્વનું કામ છે પેરિસ કરારના નિયમોને અંતિમ સ્વરૂપ આપવાનું.

આ માટે તમામ દેશો પોતાની નેટ ઝીરો ડેડલાઇન નક્કી કરે તે જરૂરી છે. ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જન અને વાતાવરણમાંથી ગ્રીનહાઉસ ગૅસ ઘટાડા વચ્ચેના સંતુલનને નેટ ઝીરો ઇમિશન કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય કે દરેક દેશે, તેનું કુલ કાર્બન ઉત્સર્જન શૂન્ય થઈ જાય તે માટે ડેડલાઇન તરીકે એક વર્ષ નક્કી કરવાનું રહેશે.

ચીન વિશ્વમાં કાર્બનનું સૌથી વધુ ઉત્સર્જન કરતો દેશ છે. 2060 સુધીમાં પોતે કાર્બન ન્યૂટ્રલ થઈ જશે, તેવી જાહેરાત ચીન અગાઉ કરી ચૂક્યું છે. ચીને એવું પણ જણાવ્યું છે કે તેનું કાર્બન ઉત્સર્જન 2030 પહેલાં તેની ચરમસીમાએ પહોંચી જશે.

સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરતા વિશ્વના બીજા ક્રમાંકના દેશ અમેરિકાએ નેટ ઝીરો સુધી પહોંચવા માટે વર્ષ 2050નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે 2035 સુધીમાં તેના ઊર્જા ક્ષેત્રને ડી-કાર્બનાઇઝ કરી નાખશે.

જોકે, ભારતે આ સંદર્ભમાં પોતાની ડેડલાઇન હજુ સુધી જણાવી નથી.

line

કોલસા પરના અવલંબનનો અંત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, STRDEL/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કેટલાક જાણકારો માને છે કે આ વિશેની ચર્ચામાં વિકસિત દેશો વિરુદ્ધ વિકાસશીલ દેશો વચ્ચેની લડાઈ આગળ વધી શકે છે.

વિશ્વના દેશોમાં વીજળીના ઉત્પાદન માટે કોલસા પરના અવલંબનનો કઈ રીતે અંત લાવવો એ વિશે પણ ગ્લાસગો કૉન્ફરન્સમાં ચર્ચા થશે.

કોલસાના વપરાશથી સૌથી વધુ કાર્બન ઉત્સર્જન થાય છે, પરંતુ આર્થિક વિકાસ માટે તેની જરૂરિયાતને અવગણી શકાય નહીં. એ માટે ચીન, ભારત અને અમેરિકા સૌથી વધુ જવાબદાર છે. આ ત્રણેય દેશોએ કોલસા પરના અવલંબનના અંતની કોઈ ડેડલાઇન નક્કી કરી નથી.

જળવાયુ પરિવર્તન વિશેની સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરિક સમિતિ (આઈપીસીસી)નું કહેવું છે કે વિશ્વના ઉષ્ણતામાનમાંના વધારાને દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે 2050 સુધીમાં કોલસા પરના અવલંબનનો સંપૂર્ણપણે અંત લાવવો જરૂરી છે.

કેટલાક જાણકારો માને છે કે આ વિશેની ચર્ચામાં વિકસિત દેશો વિરુદ્ધ વિકાસશીલ દેશો વચ્ચેની લડાઈ આગળ વધી શકે છે.

અમેરિકા અને બ્રિટન જેવા કુદરતી ગૅસ પર નિર્ભર દેશો, કોલસા પરના અવલંબનના અંત માટે વિકાસશીલ દેશો પરનું દબાણ વધારી રહ્યા છે. એ માટે વિકાસશીલ દેશોને આર્થિક મદદની જરૂર પડશે.

line

પૈસા ક્યાંથી આવશે?

વિશ્વના દેશોમાં વીજળીના ઉત્પાદન માટે કોલસા પરના અવલંબનનો કઈ રીતે અંત લાવવો એ વિશે પણ ગ્લાસગો કૉન્ફરન્સમાં ચર્ચા થશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વના દેશોમાં વીજળીના ઉત્પાદન માટે કોલસા પરના અવલંબનનો કઈ રીતે અંત લાવવો એ વિશે પણ ગ્લાસગો કૉન્ફરન્સમાં ચર્ચા થશે.

આવી આર્થિક મદદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પેરિસ કરાર હેઠળ વિકાસશીલ દેશોને વિકસિત દેશો તરફથી નાણાકીય સહાત તરીકે પ્રતિવર્ષ 100 અબજ ડૉલર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

એ વચનનું પાલન વિકસિત દેશો કરી શક્યા નથી.

વિકાસશીલ દેશો ઇચ્છે છે કે જળવાયુ ભંડોળ માટે 100 અબજ ડૉલરનો જે વાયદો પેરિસમાં કરવામાં આવ્યો હતો તેનું પાલન વિકસિત દેશો કરે એટલું જ નહીં, પણ તે રકમમાં વધારો પણ કરે. COP26માં આ વિશે પણ ચર્ચા થશે.

વિખ્યાત ભારતીય પર્યાવરણવિદ્ અને આઇફોરેસ્ટના સીઈઓ ચંદ્રભૂષણનું કહેવું છે કે "ગ્લાસગો કૉન્ફરન્સની કાર્યસૂચિ બહુ મોટી છે.

મારા મંતવ્ય મુજબ, આ કૉન્ફરન્સનો મુખ્ય ઍજન્ડા પેરિસ કરારની નિયમાવલીને અંતિમ સ્વરૂપ આપવાનો હોવો જોઈએ. આથી વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે જે વિશ્વાસ તૂટ્યો છે તે પણ પૂર્વવત્ થઈ શકશે."

line

ખોટ અને નુકસાન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેરિસ કરાર પછી ભારતનું બીજું સૌથી મોટું વચન 2030 સુધીમાં પોતાની જરૂરિયાતનો 40 ટકા હિસ્સો અક્ષય ઊર્જા તથા પરમાણુ ઊર્જામાંથી મેળવવાનું હતું.

સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયર્ન્મેન્ટ (સીએસઈ)નાં ડિરેક્ટર સુનીતા નારાયણના જણાવ્યા મુજબ, "ગ્લાસગો કૉન્ફરન્સનો મહત્ત્વનો એક ઍજન્ડા ભારતના સંદર્ભમાં ખોટ અને નુકસાનનો પણ છે. પેરિસ કરારમાં આ સંબંધે કશું નક્કર જણાવવામાં આવ્યું નથી."

"1970થી 2019 દરમિયાન જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી 11,000 કુદરતી આફત આવ્યાનું નોંધાયું છે. તેમાં 20 લાખથી વધુનાં મૃત્યુ થયાં હતાં. તેથી ગ્લાસગો કૉન્ફરન્સમાં કોઈ કરાર બાબતે સહમતિ માટે ખોટ તથા નુકસાનના વળતરનો મુદ્દો પણ જોડવાની જરૂર છે," એમ સુનીતા નારાયણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે જે દેશો આ માટે વધારે જવાબદાર છે તેમના માટે વધારે મોકળાશથી બોલવાની જરૂર છે. તેમણે આ સંબંધે ચીનનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો.

line

પેરિસમાં ભારતે આપેલા વચનનું કેટલું પાલન થયું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પેરિસ કરાર બાદ ભારતે પણ જળવાયુ પરિવર્તનના સામના માટે પોતાની તરફથી અનેક વચન આપ્યા હતાં. તેમાં ત્રણ વાત મહત્ત્વની હતી.

તેમાં 2005ની સરખામણીએ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 33થી 35 ટકા સુધીના ઘટાડાનું લક્ષ્ય સૌથી મહત્ત્વનું હતું.

ભારત સરકારનો દાવો છે કે તેમાં 28 ટકા સુધીના ઘટાડાનો લક્ષ્યાંક દેશે 2021માં જ હાંસલ કરી લીધો છે.

જોકે, ભારત વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરતા ચીન અને અમેરિકા પછીનો ત્રીજા ક્રમનો દેશ છે. ભારત કોલસાનો સૌથી વધુ વપરાશ કરતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે અને દેશમાં વીજળીના કુલ ઉત્પાદન પૈકીનું 70 ટકાથી વધારે ઉત્પાદન કોલસા વડે જ કરવામાં આવે છે.

ભારત વિકાસશીલ દેશ હોવાને કારણે એવી શક્યતા છે કે દેશના આર્થિક વિકાસ સંબંધે ઊર્જાના ઉત્પાદનનો મુખ્ય સ્રોત આગામી કેટલાક દાયકાઓ સુધી કોલસો જ બની રહેશે.

આ અત્યંત મહત્ત્વની હકીકત છે અને એ કારણે ભારતે હજુ સુધી નેટ ઝીરો લક્ષ્યાંકની જાહેરાત કરી ન હોવાનું માનવામાં આવે છે.

પેરિસ કરાર પછી ભારતનું બીજું સૌથી મોટું વચન 2030 સુધીમાં પોતાની જરૂરિયાતનો 40 ટકા હિસ્સો અક્ષય ઊર્જા તથા પરમાણુ ઊર્જામાંથી મેળવવાનું હતું.

ભારત સરકારનો દાવો છે કે દેશ એ લક્ષ્યાંકને લગભગ 48 ટકા સુધી 2030 સુધીમાં હાંસલ કરી લેશે.

પેરિસ કરારમાં ભારત સરકારે ત્રીજું સૌથી મહત્ત્વનું વચન વધારે વૃક્ષારોપણનું આપ્યું હતું. ભારત સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં એટલાં વૃક્ષોના આરોપણનું હતું કે જેથી વાતાવરણમાંથી વધારાનો અઢીથી ત્રણ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી શકાય.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ, 2001થી 2019 સુધીમાં દેશના ફોરેસ્ટ કવરમાં 5.2 ટકા સુધીનો વધારો થયો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્લોબલ ફૉરેસ્ટ વોચના આંકડા સાથે આ આંકડાનો તાળો મળતો નથી. ગ્લોબલ ફૉરેસ્ટ વોચના જણાવ્યા મુજબ, ભારતમાં ફૉરેસ્ટ કવર ઘટ્યું છે.

બન્નેના આંકડામાં મોટો તફાવત હોવાનું એક મોટું કારણ 'ફૉરેસ્ટ કવર'ની વ્યાખ્યામાંનો મોટો ફરક પણ છે.

line

ગ્લાસગોમાં ભારત શું કરી શકે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ગ્લાસગોમાં જાણકારોને આશા છે કે ભારત તેના લક્ષ્યાંકોમાં સુધારાની જાહેરાત કરી શકે છે. આ અગાઉ ભારત સરકારે નેટ ઝીરોની વાતમાં બહુ ભરોસો દેખાડ્યો ન હતો.

ચંદ્રભૂષણનું કહેવું છે કે "ભારતે આ કૉન્ફરન્સમાં એક લીડર તરીકે ભાગ લેવો જોઈએ, ફૉલોઅર તરીકે નહીં."

"નેટ ઝીરોનો લક્ષ્યાંક ભારતના લાભમાં છે. ભારત તે લક્ષ્યાંક 2050થી 2060 સુધીમાં હાંસલ કરી શકે છે. વિશ્વના ઉષ્ણતામાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધારેની વૃદ્ધિ નહીં થાય તો તેનો સૌથી વધુ લાભ ભારતને જ થશે."

"ભારતની કુલ વસતી ટૂંક સમયમાં 150 કરોડ થઈ જશે. તેના પ્રમાણમાં ગરીબોની સંખ્યામાં પણ વધારો થશે. ભારતમાં ગરીબોનું પ્રમાણ આમ પણ વધારે છે. ગરીબીને જળવાયુ પરિવર્તન સાથે સીધો સંબંધ છે. ગરીબો પાસે રહેવા માટે પાક્કાં મકાન નથી હોતાં, પરંતુ જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર તેમને થાય છે."

"તેનો પ્રભાવ દેશના કુલ ઘરેલુ ઉત્પાદન પર પણ પડે છે. ભારતમાં ચોમાસા પર પણ ઘણો આધાર હોય છે," એમ ચંદ્રભૂષણે કહ્યું હતું.

સીએસઈનાં ડિરેક્ટર સુનીતા નારાયણે કહ્યું હતું કે "નેટ ઝીરો વિશે ભારત સરકાર શું કહે છે એ જાણવા માટે આપણે થોડો વધુ સમય રાહ જોવી પડશે, પરંતુ આપણે નેટ ઝીરો પહેલાં વર્ષ 2030 પર ધ્યાન આપવાની વધારે જરૂર છે, એવું ભારત સરકાર કહેશે, એમ હું માનું છું."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો