Eco-friendly sex : ઇકો-ફ્રેન્ડલી સેક્સ શું છે અને તેનાથી શો ફાયદો થાય?

    • લેેખક, હૅરિયટ ઓરેલ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

આપણે કાર્બનનું ઉત્સર્જન કઈ રીતે ઓછું કરી શકીએ તેની જુદીજુદી રીતો વિચારીએ છીએ, ત્યારે તેમાં આપણા જાતીય જીવન વિશે ભાગ્યે જ વિચારીએ છીએ.

આમ છતાં વિગન કૉન્ડોમ અને વેસ્ટ ફ્રી કૉન્ટ્રાસેપ્શન સહિતના પર્યાવરણને સાનુકૂળ ઉત્પાદનો વિશે વૅબ સર્ચનું પ્રમાણ વધી રહ્યું છે તે પણ હકીકત છે.

line

ઇકો-ફ્રેન્ડલી સેક્સ એટલે શું?

ઇકો-ફ્રેન્ડલી સેક્સ

ઇમેજ સ્રોત, Getty Images

નાઇજીરિયાના પર્યાવરણ બાબતોના વિજ્ઞાની ડૉ. એડનાઇક એકિન્સેમોલુ કહે છે, "ઘણા લોકો માટે ઇકો-ફ્રેન્ડલી જાતીય સંસર્ગ એટલે લ્યૂબ, ટૉય, બેડ શીટ અને કૉન્ડોમ એવી રીતે પસંદ કરવાં જેથી પૃથ્વી પર ઓછું પ્રદૂષણ થાય."

"ઘણા લોકો માટે પોર્ન ફિલ્મો બનાવતી વખતે કર્મચારીઓ તથા પર્યાવરણ માટે ઓછી હાનિકારક રીતો અપનાવવી. આ બંને રીતો યોગ્ય છે અને મહત્ત્વની છે."

સંયુક્ત રાષ્ટ્રસંઘના પૉપ્યુલેશન ફંડના અંદાજ અનુસાર દર વર્ષે વિશ્વમાં 10 અબજ કૉન્ડોમ બને છે અને તેને કચરામાં એમ જ ફેંકી દેવામાં આવે છે.

તેનું કારણ એ કે મોટાં ભાગનાં કૉન્ડોમ સિન્થેટિક લેટેક્સના બનેલાં હોય છે અને તેમાં એડિટિવ્સ અને કેમિકલનો વપરાશ થયો હોય છે, તેથી તેને રિસાઇકલ કરી શકાય નહીં.

તેની સામે વિકલ્પ તરીકે છે લૅમ્બસ્કિન કૉન્ડોમ, જે રોમનોના સમયથી વપરાય છે અને તે બાયોડિગ્રેડેબલ છે. જોકે તેને ઘેટાનાં આંતરડાંના ઉપયોગ કરીને બનાવાય છે અને તેનાથી જાતીય સંસર્ગથી થતાં ચેપ (એસટીઆઈ)ને અટકાવી શકાતાં નથી.

ઘણા લ્યૂબ પેટ્રોલિયમ પદાર્થોમાંથી બને છે, જેનો અર્થ એ થયો કે તેમાં ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ થાય છે. તેના કારણે જળ આધારિત અથવા તો ઑર્ગેનિક આધારિત પદાર્થોના વપરાશનું ચલણ વધી રહ્યું છે. ઘરે જ તૈયાર થતા આવા પદાર્થો હવે પ્રચલિત બની રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. ટૅસ્સા કૉમેર્સના જાતીય સંબંધો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય અંગેના ટિકટોક વીડિયો જોનારા ફૉલોઅરની સંખ્યા લાખોમાં પહોંચી છે.

તેમનો સૌથી વધુ જોવાયેલો - 80 લાખથી વધુ વ્યૂઝ મેળવનારો - વીડિયો ઘરે જ કેવી રીતે લ્યૂબ તૈયાર કરવા તે વિશેનો છે. મકાઈના સ્ટાર્ચ અને પાણીમાંથી તે તૈયાર કરી શકાય છે.

ડૉ. એકિન્સેમોલુ કહે છે, "જળ આધારિત, ઑર્ગેનિક અને વિગન કૉન્ડોમની પણ સારી એવી ડિમાન્ડ છે, જેનાથી સારું જાતીય જીવન જીવી શકાય છે. તેનાથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે, અને એટલું જ નહીં, પણ તેનાથી વપરાશકારો વધુ આનંદ પણ માણી શકે છે."

જોકે આ પ્રકારના પર્યાવરણીય સાનુકૂળ કૉન્ડોમનો ઉપયોગ કરતાં પહેલાં પૂરતી તપાસ અને કાળજી લેવી જોઈએ, કેમ કે તેમાં લીકેજ થવાની સંભાવના રહે છે.

ગર્ભનિવારણ માટે વિચારવામાં આવતું હોય ત્યારે ડૉક્ટર અથવા ફૅમિલી પ્લાનિંગના નિષ્ણાત સાથે તે અંગે ચર્ચા કરીને સલાહ લેવી જોઈએ.

પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ થતો હોય તેવા પદાર્થોમાં સેક્સ ટૉયનો પણ સમાવેશ થાય છે. સ્ટીલ અને ગ્લાસના વિકલ્પો ઉપલબ્ધ છે, અને સાથે જ રિચાર્જેબલ ટૉય ખરીદવામાં આવે તો તેનાથી પણ વેસ્ટનું પ્રમાણ ઓછું કરી શકાય છે. બજારમાં હવે સૂર્યઊર્જા આધારિત સેક્સ ટૉય પણ આવી ગયાં છે.

'લવહની' જેવી કંપનીઓ હવે તેનાં ઉત્પાદનોના નિકાલ માટેનો વિકલ્પ પણ વેચાણ સાથે આપે છે. તૂટી ગયેલા કે નકામા થયેલા કચરાને ફેંકી દેવાનું શક્ય ના હોય ત્યાં કંપની રિસાયકલ કરવામાં મદદરૂપ થાય છે.

line

અન્ય કઈ બાબતોમાં વેસ્ટ ઓછો કરી શકાય?

ડૉ. એડનાઇક એકિન્સેમોલુ

ઇમેજ સ્રોત, COURTESY OF DR ADENIKE AKINSEMOLU

ઇમેજ કૅપ્શન, ડૉ. એડનાઇક એકિન્સેમોલુ

જાતીય જીવનની આ સિવાયની પણ કેટલીક બાબતો એવી છે, જ્યાં વેસ્ટ ઓછો કરવાના ઉપાયો અજમાવી શકાય છે.

નૈતિક ધોરણોનું પાલન કરીને ઉત્પાદિત થયેલાં આંતરવસ્ત્રો, બાથરૂમમાં શાવર સેક્સ ટાળવો, ગરમ પાણી ઓછું વાપરવું, લાઇટ બંધ રાખવી અને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા ટુવાલ વગેરે વાપરીને પર્યાવરણને થતું નુકસાન ઘટાડી શકાય છે.

આપણે ખરીદી કરીએ ત્યારે તે પૅકિંગમાં આવે છે, જે કચરામાં જ ફેંકી દેવાના રહે. ન્યૂયૉર્કના ઝીરો-વેસ્ટ માટે પ્રયાસો કરનારાં પ્રેરક કાર્યકર્તા અને એન્ટ્રપ્રન્યોર લૉરેન સિંગર કહે છે કે આ બાબતમાં કંપનીઓ ઘણું કરી શકે છે.

કૉન્ડોમ્સ, લ્યૂબ્સ અને રોજિંદા લેવાની ગર્ભનિરોધક ગોળીઓ માટે ઘણું બધું પૅકિંગ વપરાતું હોય છે, જેને ફેંકી દેવાનું હોય છે. તેની સામે અન્ય રીતે ગર્ભનિરોધના લાંબા ગાળાના ઉપાયો અજમાવવા જોઈએ, જેથી વેસ્ટ ઓછો થાય. જોકે તેમાં અન્ય જોખમો રહેલા હોય છે.

લૉરેન 2012થી પોતાનું જીવન બિલકુલ વેસ્ટ પેદા ના થાય તે રીતે જીવવા માટે કોશિશ કરે છે. તેમણે ફેંકી દેવા જેવી વસ્તુઓને એક બરણીમાં ભેગી કરીને રાખી છે.

વીડિયો કૅપ્શન, સેક્સ દરમિયાન આ ભૂલ થાય તો રેપનો ગુનો, સ્ટેલ્થિંગ શું છે?

જોકે લૉરેનની બરણીમાં હજી વપરાયેલાં કૉન્ડોમ નથી, કેમ કે જાતીય સંસર્ગથી થતાં ચેપને રોકવા માટે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે લૉરેન પોતાના સાથી સાથે જાતીય સંસર્ગ પહેલાં ટેસ્ટ કરાવી લેવાનું કહે છે.

"મને જોકે હવે માત્ર મારી સાથે જોડાયેલો સાથી મળ્યો છે, પરંતુ તમને તમારા સાથીને ટેસ્ટ કરાવવાનું કહેવાનું ગમતું ના હોય તો પછી તમારે તેની સાથે સૂવું જ ના જોઈએ."

જોકે લૉરેન કહે છે કે અનિચ્છાએ ગર્ભધારણ થઈ જાય અથવા જાતીય સંસર્ગથી કોઈ ચેપ લાગે ત્યારે તે પછી જે કરવું પડે તે સૌથી વધુ પર્યાવરણને હાનિ કરનારું હોય છે.

તેઓ કહે છે, "એના કારણે કેવો અને કેટલો વેસ્ટ પેદા થશે તેનું આપણે વિચારી લેવું જોઈએ. માત્ર વેસ્ટ પેદા થવાની બાબતમાં જ કાળજી લેવા કૉન્ડોમનો ઉપયોગ કરવો કે ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવો એવી વાત નથી, પોતાની અને પોતાના સાથીના સ્વાસ્થ્યની કાળજી વધારે અગત્યની છે. "

ડૉ. અકિન્સેમોલુ પણ સહમત થતાં કહે છે, "ઇકો-ફ્રેન્ડલી કે કોઈ પણ કૉન્ડોમ ઉપયોગ કરીને સેક્સને સલામત બનાવવું તે સૌથી સારી બાબત છે, જેથી પૃથ્વીને લાંબા ગાળે આપણે તંદુરસ્ત રાખી શકીએ."

line

સંતાનોત્પતિની પર્યાવરણ પર અસરો

ઇકો-ફ્રેન્ડલી સેક્સ

ઇમેજ સ્રોત, LAUREN SINGER

ઇમેજ કૅપ્શન, લૉરેન સિંગર

સેક્સ અને પર્યાવરણ સામસામે આવી જાય તેવો બીજો મુદ્દો છે - સંતાનો પેદા કરવાં.

2017ના એક અભ્યાસ અનુસાર તમે કારનો વપરાશ નહીં કરો તો વર્ષે લગભગ 2.3 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન રોકી શકો, જ્યારે શાકાહારી ભોજનથી લગભગ 0.8 ટનનો બચાવ થાય છે. તેની સરખામણીએ તમે વિકસિત દેશોમાં રહેતા હો તો તમે એક સંતાન ના પેદા કરીને વર્ષે અંદાજે 58.6 ટન ઉત્સર્જન બચાવી શકો છો.

ઓછા વિકસિત દેશોમાં આનાથી ઓછું પ્રમાણ હોય છે, કેમ કે મલાવી જેવા દેશોમાં સંતાન હોય ત્યારે માત્ર 0.1 ટન કાર્બનનો જ ફેર પડે છે.

ઘણા જાણીતા લોકો પણ હવે સંતતિ બાબતમાં વિચારતા થયા છે. પ્રિન્સ હેરીએ 2019માં વૉગ મૅગેઝિનને જણાવ્યું હતું કે તેઓ વધુમાં વધુ બે બાળકો જ ઇચ્છે છે. આ માટે તેમણે પર્યાવરણની કાળજીને એક અગત્યના પરિબળ તરીકે ગણાવ્યું હતું.

આ જ રીતે અમેરિકાના સાંસદ ઍલેક્ઝાન્ડ્રિયા ઓકેશિયો-કૉર્ટેઝે 2019માં C40 વર્લ્ડ મેયર્સ સમિટમાં જણાવ્યું હતું કે "આપણાં સંતાનોના ભવિષ્યની સ્થિતિ વિશે હું જાણું છું એટલે કહી શકું કે સ્ત્રી માટે હવે માતૃત્વ પ્રાપ્ત કરવાનું સપનું ખટમીઠા અનુભવ જેવું સાબિત થયું છે."

દુનિયાભરમાં ઘણા દેશોમાં જન્મદર ઘટવા લાગ્યો છે. જોકે છેલ્લા એક દાયકાથી ચાલતા આ વલણને ક્લાઇમેટ ચેન્જ સાથે જ માત્ર જોડી શકાય તેમ નથી.

જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓએ કરેલા એક વૈશ્વિક સર્વેક્ષણ અનુસાર 10,000 જેટલા યુવાઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા, તેમાંથી 75 ટકાએ એવું કહેલું કે "ભવિષ્ય બહુ ડામાડોળ લાગે છે". આમાંથી 41% જેટલા ઉત્તરદાતાઓએ જણાવેલું કે જળવાયુ પરિવર્તનને કારણે તેઓ "સંતાનો હોવાની બાબતમાં અચકાયા છે".

line

'મારે સંતાન નથી જોઈતું'

તન્મય શિંદે
ઇમેજ કૅપ્શન, તન્મય શિંદે

મુંબઈમાં રહેતા તન્મય શિંદેએ નક્કી કર્યું છે કે તેઓ પર્યાવરણને બચાવવા ખાતર સંતાનો પેદા નહીં કરે. દરિયાની જળસપાટી વધી રહી છે તેના કારણે 2050 સુધીમાં મુંબઈ ડૂબી જશે એવી આશંકા IPCCએ વ્યક્ત કરી છે.

તન્મયે આ નિર્ણયને સમજવો તેમના પરિવાર માટે સહેલો નથી, પરંતુ તેઓ કબૂલે છે કે ભારતમાં હોવાથી તેઓ પુરુષ તરીકે આવા નિર્ણય લેવા માટે વિશેષાધિકાર ધરાવે છે.

શિંદે કહે છે, "ભારતમાં પરિવારો બહુ રૂઢિચુસ્ત હોય છે અને પ્રાચીન પરંપરા અને રીતરિવાજોને પાળવામાં માને છે. લગ્ન પછી સંતાનો થવાં તે જીવનનું સૌથી અગત્યનું લક્ષ્ય મનાય છે અને આ પરંપરાને આગળ વધારવાનું સામાજિક દબાણ પણ બહુ હોય છે."

તો પછી તેમણે કેમ આવો નિર્ણય કર્યો? તેઓ કહે છે, "સંતાનો હોય તે માટે જરૂરી છે કે ધરતી સલામત હોય અને સહ્ય જીવનશૈલી સંભવી શકે. તેથી કાર્બન ઉત્સર્જનને રોકવા માટે અને તાપમાનને વધતું અટકાવવા માટે નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે ત્યાં સુધી હું સંતાનો ઇચ્છતો નથી."

સ્વિડનનાં પ્રોફેસર કિમ્બર્લી નિકોલસ એક અભ્યાસમાં સહલેખક તરીકે જોડાયેલાં છે, જેમાં જણાવાયું છે કે વિકસિત દેશોમાં બાળકોને કારણે કાર્બન ઉત્સર્જનની બાબતમાં બહુ નકારાત્મક અસર થઈ શકે તેમ છે.

જોકે તેના કારણે સંતાનો ના હોવાં જોઈએ એવું તેઓ નથી કહેતાં. તેઓ કહે છે, "લોકોની અંગત પસંદગીની બાબતમાં મારે કંઈ કહેવાનું હોતું નથી કે મારી કોઈ ભૂમિકા નથી. એ માનવાધિકારની વાત છે કે વ્યક્તિ સંતાન વિશે મુક્ત રીતે નિર્ણય લે. હું એવા વિશ્વ માટે કામ કરી રહું છું, જ્યાં બાળકો માટે ધરતી અને સમાજ સલામત બની રહે."

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં માતાપિતા તેમનાં બાળકોને કેમ વેચી રહ્યા છે?

જોકે તેઓ "ગર્ભનિરોધનાં સાધનોમાં બિલકુલ વેસ્ટ પેદા ના થાય તે માટે" બહુ માથાફોડી કરવાના બદલે લોકો પ્રવાસ કરવાની પોતાની રીતો બદલવા વિચારે તે માટે સલાહ આપી રહ્યાં છે.

તેઓ કહે છે, "આપણે શું પરિવર્તન લાવી શકીએ છે તે માટે આપણે વિચારવું જોઈએ."

પોતાના જીવનમાં લાંબા સમયથી વેસ્ટ પેદા ના થાય તે માટે પ્રયત્ન કરી રહેલાં લૉરેન માટે પણ સંતાનો હોવા જોઈએ કે નહીં તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે.

લૉરેન કહે છે, "મેં દત્તક લેવા વિચાર્યું હતું, જે ઘણું સારું પડશે, પણ બાળકોની સંભાળ લેવાની વાત છે તે કારણે હું હજી નિર્ણય કરી શકી નથી."

પર્યાવરણની કાળજી અંગેના બીજી બાબતોની જેમ જ લૉરેન જાતને સવાલ પૂછે છે કે સંતાન હોવાને કારણે "નેટ પૉઝિટિવ" સ્થિતિ થઈ શકે ખરી.

"શું સમગ્ર રીતે પૃથ્વીને તેનાથી ફાયદો થશે? મારા કરતાં વધારે સમય જીવનારું એ બાળક વિશ્વને બહેતર બનાવવાના પ્રયાસો આગળ વધારશે અને તેનું શું મૂલ્ય હશે તે હું નક્કી કરી શકું?"

નવેમ્બરમાં ગ્લાસગોમાં યોજાનારી COP26 ગ્લોબલ ક્લાઇમેટ સમિટને અગત્યની માનવામાં આવી રહી છે, કેમ કે જળવાયુ પરિવર્તનને અટકાવવા માટે ત્યાં લેવાનારા નિર્ણયો અગત્યના સાબિત થવાના છે.

લગભગ 200 જેટલા દેશોને એ પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ ઉત્સર્જન કેટલું રોકવાના છે. તે માટેના પ્રયત્નોને કારણે આપણા રોજિંદા જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે તેમ છે.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો