બ્રેસ્ટ કૅન્સર : યુવતીઓ નાની ઉંમરે શિકાર કેમ બની રહી છે?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
2020નો ફેબ્રુઆરી મહિનો હતો. આખા દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા એવામાં પોતાના ઘરથી અંદાજે 200 કિલોમીટર દૂર ગુડગાંવમાં રહેતાં પ્રિયંકાના મગજમાં અલગ જ ગડમથલ ચાલતી હતી.
એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં પ્રિયંકાને એક દિવસ જમણા સ્તનમાં લમ્પ એટલે કે ગાંઠ હોવાનું લાગ્યું, અડવાથી તે કઠણ લાગતી હતી.
એમના મતાનુસાર, ઘણી વાર માસિક ધર્મ શરૂ થતાં પહેલાં પણ આવી ગાંઠ ગંઠાતી હોય છે અને પછી ઓગળી જતી હોય છે. પણ, પ્રિયંકાના પિરિયડ્સ આવીને જતા રહ્યા પછીય ગાંઠ હતી.

ઇમેજ સ્રોત, YOYI MORENO / EYEEM
એમણે આ વાત પોતાની મિત્રને જણાવી અને ગાંઠ બતાવી. એમની સખીએ એમને પિરિયડ્સ (માસિક ધર્મ) આવવા સુધી રાહ જોવાની સલાહ આપી. ત્યાર બાદ 27 વર્ષની પ્રિયંકાએ ડૉક્ટરની સલાહ લીધી.
તેઓ જણાવે છે કે, "આવો ટેસ્ટ પહેલી વાર કરાવતી હતી એટલે બહુ જ અસ્વાભાવિક લાગ્યું હતું પણ ડૉક્ટરે કહ્યું કે 95 ટકા આ એવી ગાંઠ છે કે મટી જશે અને કૅન્સર તો લગભગ નહીં હોય, કેમ કે તમે હજુ યુવાન છો, તોપણ અલ્ટ્રાસાઉન્ડ કરાવી લો."
ત્યાર પછી બાયોપ્સીની સલાહ અપાઈ, અને પછી જેની બીક હતી એ જ થયું.

ટેસ્ટમાં કૅન્સરનું નિદાન થયું
પ્રિયંકાની શારીરિક તપાસમાં ખબર પડી કે એમને બ્રેસ્ટ કૅન્સર છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "મારું સેકન્ડ સ્ટેજ ટ્રિપલ નૅગેટિવ બ્રેસ્ટ કૅન્સર ડિટેક્ટ થયું હતું. એમાં ત્રણ પ્રકારના પ્રોટીન રિલીઝ થાય છે જે અગ્રેસિવ હોય છે, ઝડપથી ફેલાય છે અને એના પાછા આવવાની સંભાવના પણ ઘણી વધારે હોય છે. એની સારવાર માટે પહેલાં મને કીમોથેરપી લેવાની સલાહ અપાઈ અને પછી સર્જરી કરાવવાની સલાહ પણ અપાઈ હતી, જેથી એ ભાગને કાઢી નાખી શકાય."
તેઓ જણાવે છે કે, "આ બીમારી સામે લડવા માટે હું માનસિક રીતે તૈયાર હતી પણ મને મારાં માતા-પિતાની ચિંતા હતી કે આ બીમારીની જાણ એમને કઈ રીતે કરું. એ મારા માટે સૌથી મુશ્કેલ સમય હતો અને તેઓ સમજતાં હતાં કે આ સામાન્ય ગાંઠ છે ને મટી જશે."
"મારી મા અને પિતાને માટે આ બધું ખૂબ મુશ્કેલ હતું કેમ કે મારાં લગ્ન નહોતાં થયાં. જ્યારે મારું સ્તન કાઢી નાખવાની વાત આવી તો એમને કંઈ સમજાતું નહોતું. પણ, માતા પરિસ્થિતિ સમજવા લાગ્યાં હતાં અને પિતા કહેતા હતા, તમને જેમ ઠીક લાગે તેમ કરો."
ડૉક્ટરે પ્રિયંકાને જણાવેલું કે એનું કૅન્સર જેનેટિક છે.
પ્રિયંકાએ જણાવ્યું કે મારી માતાના પરિવારમાં છ જણાંને કૅન્સર થયું હતું, જેમાં એમનાં નાની પણ એક હતાં.

20-30 વર્ષની યુવતીઓમાં કૅન્સરની બીમારી

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એમ્સમાં સર્જિકલ ઑન્કોલૉજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર એસ.વી.એસ. દેવ જણાવે છે કે છેલ્લાં દશથી પંદર વરસમાં યુવા મહિલાઓમાં કૅન્સરની બીમારી વધુ જોવા મળી રહી છે.
તેમણે જણાવ્યું કે, "યુવા મહિલાઓમાં જોવા મળતી બ્રેસ્ટ કૅન્સરની બીમારીમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. એમાંય સૌથી ઓછી ઉંમરની મહિલાઓ 20થી 30 વર્ષની છે જેમને કૅન્સર થયું હોય છે."
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "સૌથી ઓછી ઉંમરની શ્રેણીની વાત કરીએ તો એમાં બેથી ત્રણ ટકા કૅન્સરના કેસ જોવા મળે છે અને જો યુવા શ્રેણીની વાત કરીએ તો એમાં કૅન્સરના કેસ 15 ટકા જેટલા છે. 40-45 વર્ષની ઉંમરની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના કેસ વધીને 30 ટકા જેટલા થઈ જાય છે. અને 44થી 50 વર્ષની મહિલાઓમાં આવા કેસ 16 ટકા જોવા મળે છે."
તેમના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમના દેશોમાં 40 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સર જોવા મળે છે અને 50-60 વર્ષની ઉંમરની મહિલાઓમાં કૅન્સરની બીમારીમાં વધારો જોવા મળે છે.
ડૉક્ટર દેવ પોતાની વાતને આગળ વધારતાં જણાવે છે કે આજે જ મેં એક મા-દીકરીના બ્રેસ્ટ કૅન્સરની સર્જરી કરી છે. જેમાં માતા 55 વર્ષની ઉંમરનાં છે અને દીકરી 22 વર્ષની છે અને બંનેને બ્રેસ્ટ કૅન્સર છે એવી એક જ તારીખે ખબર પડી હતી.
ડૉક્ટર દેવવ્રત આર્ય પણ જણાવે છે કે પહેલાં 50થી 60 વર્ષની ઉંમરની મહિલાઓના બ્રેસ્ટ કૅન્સરના ઘણાં દર્દી આવતાં હતાં. પણ અમે એ વાતે આશ્ચર્યથી દંગ છીએ કે 20 વર્ષથી ઉપરની ઉંમરની યુવતીઓના પણ ઘણા કિસ્સા જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ અસામાન્ય વાત છે.
ડૉક્ટર દેવવ્રત આર્ય, મૅક્સ હૉસ્પિટલમાં કૅન્સર કેર ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ ઑન્કોલૉજી વિભાગમાં નિર્દેશક છે.
આની પહેલાં ધ ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી ચૂકેલા ડૉક્ટર દેવવ્રત જણાવે છે કે એમના થીસિસનો વિષય બ્રેસ્ટ કૅન્સર જ હતો.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આંકડા પર નજર કરીએ તો 20-30 વર્ષની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના 5થી 10 ટકા કેસ જોવા મળે છે અને આ ટકાવારી ઘણી મોટી કહેવાય."
ડૉક્ટર આર્ય મોટા ભાગે બ્રેસ્ટ કૅન્સર, માથું, નાક અને ફેફસાંના કૅન્સરનાં દર્દીઓની તપાસ-સારવાર કરે છે.

આંકડા શું કહે છે?

ઇમેજ સ્રોત, DR DEVAVRAT ARYA
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર), નૅશનલ સેન્ટર ફૉર ડિસિસ ઇન્ફોર્મેટિક્સ ઍન્ડ રિસર્ચ (એનસીડીઆઇઆર)એ નૅશનલ કૅન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપૉર્ટ 2020 પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં એવું આકલન (ગણતરી માંડવી) કરાયું હતું કે વર્ષ 2020માં કૅન્સરના 13.9 લાખ કેસ જોવા મળશે, અને જે ચલણ દેખાય છે એ પ્રમાણે 2025 સુધીમાં આવા કેસ વધીને 15.7 લાખ સુધી પહોંચી જશે.
જનસંખ્યાના આધારે બનેલી 28 કૅન્સર રજિસ્ટ્રીઓ અને હૉસ્પિટલ્સની 58 કૅન્સર રજિસ્ટ્રીઓના આધારે આ આકલન કરવામાં આવ્યું છે.
આ રજિસ્ટ્રીઓ અનુસાર મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના 14.8 ટકા એટલે કે 3.7 લાખ કેસનું આકલન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વિક્સ યૂટેરી (ગર્ભાશયનું) કૅન્સરના સૌથી વધુ કેસ જોવા મળતા હોય છે અને એમ પણ જોવા મળ્યું છે કે મહિલાઓના બ્રેસ્ટ કૅન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે.

31 વર્ષ, ગર્ભાવસ્થા અને બ્રેસ્ટ કૅન્સર

ઇમેજ સ્રોત, ALISHA
દિલ્લીમાં રહેતાં અલિશાને જ્યારે છ માહિનાનો ગર્ભ હતો ત્યારે એક દિવસ એમની નજર પોતાની બ્રેસ્ટ પર ઊપસેલી એક ગાંઠ યા ગ્લૅન્ડ પર પડી. એમને શંકા પડી.
જ્યારે એમણે સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવી તો એમને જણાવાયું કે એ દૂધની ગાંઠ હોઈ શકે છે. કારણ કે તેઓ છ વર્ષ પછી ફરીથી ગર્ભવતી થયાં હતાં તેથી દૂધની ગાંઠ થઈ શકે એમ હતી. તેઓ નિશ્ચિંત થઈ ગયાં.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, એ ગાંઠ ધીરે ધીરે મોટી થતી હતી અને અમે થોડાં સાવધ પણ હતાં, કેમ કે મારી માતાને પણ કૅન્સર હતું. અને તેઓ ગૂગલ પર સર્ચ કરતાં હતાં તો જોતાં હતાં કે ગર્ભાવસ્થા દરમિયાન 99.9 ટકા કૅન્સર નથી થતું અને ગર્ભાવસ્થા દરમિયાન આવી ગાંઠો થવી સ્વાભાવિક છે.
પરંતુ નવમો મહિનો આવતાં આવતાં એમના હાથ અને કાખ (બગલ)માં અસહ્ય દુખાવો થયો અને તાવ પણ આવી ગયો. ડૉક્ટર એમ કહેતા હતા કે તાવ આવવો એ સારી વાત નથી. અને સમય પહેલાં એમની પ્રસૂતિ કરી દેવામાં આવી.
અલિશાના જણાવ્યા અનુસાર, "મારે દીકરો જન્મ્યો અને એને દૂધ પિવડાવતાં પિવડાવતાં મને થયેલી દૂધની ગાંઠો સમય જતાં નરમ પડતી ગઈ. પછી લાગ્યું કે ચાલો આ તો દૂધની ગાંઠ જ હતી, પણ 15 દિવસમાં તો એ એટલી વધી ગઈ કે મારા સ્તનનો બે-તૃતીયાંશ ભાગ પથ્થર જેવો થઈ ગયો. પછી દૂધ આવતું બંધ થઈ ગયું. ડૉક્ટરે સલાહ આપી કે તમે વધારે તપાસ કરાવો."
એ દિવસોમાં તેઓ ગુજરાતમાં રહેતાં હતાં અને તેમનાં માતા દિલ્લીમાં કૅન્સર પીડિતો માટે બનેલી ઇન્ડિયન કૅન્સર સોસાયટી નામની સંસ્થામાં કામ કરતાં હતાં.
અલિશાનાં માતાએ એમને દિલ્લી આવી જવા સલાહ આપી અને તેઓ પોતાના 40 દિવસના દીકરાને લઈને દિલ્લી ગયાં.
તપાસમાં ખબર પડી કે અલિશાને બ્રેસ્ટ કૅન્સર છે અને એમનું કૅન્સર ત્રીજા સ્ટેજના અંતિમ ચરણમાં છે, વળી ફેલાઈ પણ ગયું હતું.
ડૉક્ટરે સર્જરી કરાવવાના બદલે કીમોથેરપીની સલાહ આપી. એમને પહેલાં છ કીમોથેરપી અપાઈ, પછી દવા લેવાની સલાહ અપાઈ હતી.
એ દિવસોને યાદ કરતાં તેમણે બીબીસીને જણાવ્યું કે, "મારા નાના ભાઈનાં લગ્ન હતાં. હું સરદારણી અને મારા આટલા લાંબા લાંબા વાળ, બે નાનાં બાળકો અને કૅન્સર. બહુ જ ડરી ગઈ હતી હું. હું વિગ પહેરીને લગ્નમાં ગયેલી."

શા માટે વધે છે કેસ?

ઇમેજ સ્રોત, PETER DAZELEY/GETTY IMAGES
પણ, ભારતમાં કૅન્સરના કેસ કેમ વધી રહ્યા છે? આના જવાબમાં ડૉક્ટર એસવીએસ દેવ જણાવે છે કે ભારતની વસ્તી વધી છે તો એના પ્રમાણમાં કેસ પણ વધ્યા છે. અને યુવાનોની વસ્તી વધારે છે તો એમના કેસ જોવા મળી રહ્યા છે.
અહીં સવાલ એ થાય કે, શું કૅન્સર અને વસ્તી વચ્ચે માત્ર ગુણોત્તરનો સંબંધ છે.
એના જવાબમાં ડૉક્ટર દેવ જણાવે છે કે, વાસ્તવમાં બ્રેસ્ટ કૅન્સરના કેસમાં વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે વીસ વરસમાં 20 ટકાનો વધારો છે અને આ વાતની કૅન્સર રજિસ્ટ્રી પણ પુષ્ટિ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર, "અમને બ્રેસ્ટ કૅન્સર વધવા પાછળનાં નક્કર કારણોની ખબર નથી. યુવાઓના કિસ્સામાં લાઇફસ્ટાઇલ મુખ્ય કારણ છે અને બીજું કારણ જેનેટિક છે, જેમાં પરિવારમાં જો કોઈને કૅન્સર થયું હોય તો એની પછીની પેઢીઓમાં કૅન્સરની શક્યતા વધી જાય છે."
આ વાતને આગળ વધારતાં ડૉક્ટર આર્ય જણાવે છે કે યુવા એટલે કે 20-30 વર્ષની ઉંમરની મહિલાઓમાં બ્રેસ્ટ કૅન્સરના કેસ જોવા મળવાનું કારણ લાઇફસ્ટાઇલના બદલે જેનેટિક છે.
ઉદાહરણરૂપે, તમને યાદ હશે કે હૉલીવુડની અભિનેત્રી એન્જલીના જોલીએ સ્તન કૅન્સરથી બચવા માટે એક ઑપરેશન કરાવેલું કેમ કે એમની માતાને કૅન્સર હતું અને એમને પણ એમનાં માતાના જીન્સ મળ્યા અને આનુવંશિક ટેસ્ટમાં એ વાત જાણવા મળ્યા પછી એમણે પોતાનાં બંને સ્તન કઢાવી નાખવાનો નિર્ણય કર્યો હતો.
જો 20-30 વર્ષની યુવતીઓને બ્રેસ્ટ કૅન્સર હોવાના કેસ જોવા મળે છે તો એમના શરીર પર શી અસર થાય છે?

ફર્ટિલિટી પર અસર

ઇમેજ સ્રોત, REALPEOPLEGROUP/GETTY IMAGES
ડૉક્ટરો એમ કહે છે કે, કૅન્સરના ઇલાજ દરમિયાન ચાલતી કીમોથેરપીની અસર મહિલાઓની ફર્ટિલિટી એટલે કે પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે.
એટલે, સારવાર દરમિયાન એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે મહિલાઓ જો બાળકને જન્મ આપી શકે એમ છે તો કેટલાં વર્ષ પછી ગર્ભ ધારણ કરવો સુરક્ષિત ગણાય.
ડૉક્ટર જણાવે છે કે 20-30 વર્ષની ઉંમર એવી હોય છે કે કાં તો ત્યારે છોકરીઓનાં લગ્ન થવાનાં હોય છે અથવા તો થઈ ગયાં હોય છે. જેમનાં લગ્ન થઈ ગયાં હોય છે એમને નાનું બાળક હોય છે અથવા પતિ-પત્ની બાળક માટે પ્લાન કરતાં હોય છે. આવા સંજોગોમાં ફર્ટિલિટી પર અસર થઈ શકે છે.
ડૉક્ટર જણાવે છે કે આવા કિસ્સામાં સારવાર શરૂ કરતાં પહેલાં દર્દી સાથે વિસ્તારથી વાત કરાય છે અને એમને આખી પ્રક્રિયા સમજાવાય છે, કેમ કે ઘણા કિસ્સામાં કીમોથેરપીની ઓવરિઝ કે અંડાશય પર પણ અસર થઈ શકે છે, તો અમે એમને ઓવરિએન પ્રિઝર્વેશન કે ઓવરિઝને સંરક્ષિત કરવાની સલાહ પણ આપીએ છીએ. અને બેત્રણ વરસે જ્યારે દર્દી સાજાં થવા લાગે છે ત્યારે તેઓ બાળક માટે વિચારી શકે છે.
સાથે જ જો મહિલા ખૂબ યુવાન હોય તો અમે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કે રિકન્સ્ટ્રક્શન કરવાની કોશિશ કરીએ છીએ. અમારો પ્રયાસ એવો હોય છે કે બ્રેસ્ટ સંપૂર્ણ રીતે કાઢી ન નાખવી પડે.
જેનેટિક ટેસ્ટમાં જો તેઓ પૉઝિટિવ જણાય અને બ્રેસ્ટનો બીજો ભાગ સામાન્ય હોય તો અમે એને કાઢી નાખીએ છીએ, કેમ કે જીન મ્યુટેશન થઈ રહ્યું હોય તો આવા કિસ્સામાં એના આગળ વધવાની સંભાવના વધારે રહેતી હોય છે. આવા કેસિસમાં મહિલાઓ બંને બ્રેસ્ટ કાઢી નખાવે છે.

બ્રેસ્ટ કૅન્સરનાં લક્ષણો કઈ રીતે જાણવાં?
સ્તનમાં ગાંઠ કે લમ્પ હોય તે બ્રેસ્ટ કૅન્સરનાં સામાન્ય લક્ષણોમાંનું એક છે. ડૉક્ટર સલાહ આપે છે કે જો બ્રેસ્ટમાં કોઈ પ્રકારની ગાંઠ છે એવું લાગે તો તરત જ દાક્તરી તપાસ કરાવવી જોઈએ.
જો બ્રેસ્ટમાં કોઈ પ્રકારનો સોજો દેખાય તો એના તરફ લાપરવાહ ન બનવું જોઈએ. આવો સોજો બ્રેસ્ટના એક ભાગમાં કે સંપૂર્ણ બ્રેસ્ટમાં હોય તો સાવધ રહેવું જોઈએ.
બ્રેસ્ટની ત્વચામાં કોઈ પ્રકારનું પરિવર્તન જોવા મળે, જેમ કે ત્યાં બળતરા થવી, ચામડી લાલ થઈ જવી કે કઠણ થવી, ત્વચાની બનાવટમાં બદલાવ દેખાવો, ત્વચા ભીની લાગવી.
જો નિપ્પલમાંથી કોઈ પદાર્થ સ્રવતો દેખાય, અંદરની તરફ ધસી જતો લાગે કે દર્દ થતું હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ડૉક્ટર એમ કહે છે કે ઘણી વાર યુવતીઓમાં કૅન્સરનાં આ લક્ષણો ઓળખવામાં પડકારોનો સામનો કરવો પડે છે. જેમ કે, લક્ષણો સરખી રીતે અનુભવાતા ન હોય, નાના ટ્યૂમરની ખબર ના પડે અને ઘણી વાર મેમોગ્રાફીમાં પણ ખબર નથી પડતી. પરંતુ જો કોઈ રીતના બદલાવ કે ઉપર જણાવ્યાં તેમાંનું કોઈ લક્ષણ જોવા મળે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
યુવા ઉંમરે સ્ક્રીનિંગ કરાવવાની વાત સાથે ડૉક્ટર દેવ અસંમત છે પણ તેઓ એમ જરૂર કહે છે કે આ વિષયમાં જેટલી જાગરૂકતા ફેલાવવામાં આવે એટલી ઓછી છે. જો કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો ડૉક્ટરને જણાવવાં અને જો કોઈના ઘરમાં કૅન્સરની હિસ્ટરી હોય તો એવા કિસ્સામાં અમે 25 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ અને જેનેટિક ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપીએ છીએ.

હાલ પ્રિયંકા અને અલિશાની તબિયત કેવી છે?

ઇમેજ સ્રોત, PRAETORIANPHOTO/GETTY IMAGES
પ્રિયંકા જણાવે છે કે, લૉકડાઉનના બે દિવસ પહેલાં એમણે પહેલી કીમોથેરપી લીધી હતી. કીમોના પહેલા અઠવાડિયે એન્જાઇટી, સામાન્ય રીતે એક દિવસમાં લગભગ 40 જેટલી ઊલટી, થઈ હતી. પછી ધીરે ધીરે સ્થિતિ ઠીક થવા લાગી.
એમના જણાવ્યા અનુસાર, "મારી આઠ કીમો પૂરી થઈ પછી સર્જરી થઈ કેમ કે કૅન્સર ફેલાઈ જવાની બીક હતી. બંને બ્રેસ્ટને કાઢી નાખવામાં આવી અને હવે હું ઇમ્પ્લાન્ટ કરાવી ચૂકી છું, જે દશ વરસ સુધી એમ ને એમ રહેશે. હું સાજી થઈ ગઈ છું અને સાવધાની રાખું છું."
કીમોથેરપી પછી અલિશાનું કૅન્સર વધ્યું નથી. તેઓ સામાન્ય જીવન જીવી રહ્યાં છે અને એ પછી તેઓ જે ઓરલ ડ્રગ્સ (પીવાની ગોળીઓ) લેતાં હતાં તે પણ હવે બંધ કરી દેવાઈ છે.
તેઓ જણાવે છે કે, "હવે હું વધારે મજબૂત અને સકારાત્મક છું. જો તમારે કૅન્સર સામે લડવું છે તો તમારે સકારાત્મક અને મજબૂત બનવું ખૂબ જરૂરી છે. હવે કોઈ વસ્તુની બીક નથી લાગતી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












