દલિત સગીરા જેને બે વખત રેપ થયા પછી સમાજે આપ્યું 'કુંવારી માતા'નું નામ

જ્યારે પણ કોઈના ઘરમાં પ્રથમ બાળક અવતરે છે, ત્યારે ઘરમાં સામાન્યપણે ઉત્સવનો માહોલ હોય છે પરંતુ નેહાના ઘરમાં માતમ છવાયેલું છે

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, જ્યારે પણ કોઈના ઘરમાં પ્રથમ બાળક અવતરે છે, ત્યારે ઘરમાં સામાન્યપણે ઉત્સવનો માહોલ હોય છે પરંતુ નેહાના ઘરમાં માતમ છવાયેલું છે
    • લેેખક, નીતુ સિંહ
    • પદ, હરદોઈથી, બીબીસી ગુજરાતી માટે

સોળ વર્ષનાં નેહા (બદલાવેલું નામ)ની સાથે બે વખત કથિતપણે દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ થયું, પરિવાર ગર્ભપાત કરાવવા માગતો હતો પરંતુ કાયદાકીય પરવાનગી ન મળી. પાછલા ઘણા મહિનાથી તેમનું ઘર જ તેમના માટે કેદખાના જેવું બની ગયું છે, અમુક દિવસો પહેલાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે.

જ્યારે પણ કોઈના ઘરમાં પ્રથમ બાળક અવતરે છે, ત્યારે ઘરમાં સામાન્યપણે ઉત્સવનો માહોલ હોય છે પરંતુ નેહાના ઘરમાં માતમ છવાયેલું છે. લોકો અભિનંદન નહીં આપી રહ્યા પરંતુ મોઢું દબાવીને મહેણાં મારી રહ્યા છે.

તેમને એક નવું નામ પણ મળી ગયું છે 'કુવારાં માતા'. નેહા, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં કછૌના પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક ગામનાં રહેવાસી છે.

નેહા અનુસાર, નવેમ્બર, 2020ની એક બપોરે તેઓ ઘરમાં એકલાં હતાં. ત્યારે પાડોશના ગામ (ટિકારી)ના એક યુવક (મુખ્ય આરોપી) તેમને પરાણે ખેંચીને લઈ ગયા અને તેમની સાથે ખોટું કામ (બળાત્કાર) કર્યું. આ વાત તેમણે પોતાનાં માતાને જણાવી હતી.

નેહાનું એક રૂમનું ઘર ખેતરમાં બનેલું છે, જે ગામથી થોડું છેટું છે. માટીની જર્જરિત દીવાલો, અધૂરું બનેલું શૌચાલય, તાડપત્રીમાં અનેક જગ્યાએ છિદ્રો, ગૃહસ્થીના નામે માત્ર અમુક ગણ્યાંગાંઠ્યાં વાસણ જ છે.

નેહાના ઘરના લોકો અને મુખ્ય આરોપીએ પ્રથમ ઘટનાના લગભગ દોઢ-બે માસ બાદ પોતાના એક મિત્ર સાથે મળીને કથિતપણે તેમનો ગૅંગરેપ કર્યો. બંને આરોપીઓના પરિવારજનો આ આરોપોને નકારે છે અને કહે છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

line

જુદાં-જુદાં નામોથી બોલાવે છે લોકો

નેહાના પિતા મજૂરી કરે છે

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, દલિત સગીરા પર કથિતપણે બે વખત બળાત્કાર થયા બાદ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો

નેહાના પિતા અને બંને ભાઈ મજૂરી કરે છે. જમીનના નામે એક ખેતર છે, ચાર ભાઈ-બહેનોમાં નેહાં સૌથી નાનાં છે.

પરિવારમાં કોઈ ભણેલું નથી. નેહાના ગામના લોકો તેમને જુદાં-જુદાં નામોથી બોલાવે છે, મહેણાં મારે છે, મજાક ઉડાવે છે.

"લોકો કહે છે કે મારો અને તેનું (મુખ્ય આરોપી) અફેયર ચાલી રહ્યું હતું. હું તો એને સારી રીતે ઓળખતી પણ નહોતી, તેણે મારી સાથે બે વખત ખોટું કામ (બળાત્કાર) કર્યું.

"હાલ હું એક બાળકીની અપરિણીત માતા છું. બધા એવું જ કહે છે કે તેં તો ગજબ કર્યું. મને ખબર નથી પડતી કે આમાં મારો શું વાંક?"

આ વાત જણાવવાની સાથે તેઓ મોડે સુધી રડતાં રહ્યાં. નેહા રડતાં રડતાં કહી રહ્યાં હતાં, "જ્યારે મને ખબર પડી કે મારા પેટમાં બાળક છે ત્યારથી હું માત્ર કેસની કાર્યવાહી માટે જ બહાર નીકળું છું."

"બધા મને ખરાબ નજરોથી જોવે છે. એટલાં મહેણાં સાંભળ્યાં છે કે તમને શું જણાવું?"

ઉત્તર પ્રદેશમાં સગીરા રેપ બાદ માતા બન્યાં હોય તેવો આ પ્રથમ મામલો નથી. આ પહેલાં પણ ઘણી છોકરીઓ આનો શિકાર થઈ ચૂકી છે. રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર મહિલાઓ સાથે થનારી હિંસામાં 7.3 ટકા વધારો થયો છે.

તેમજ દલિતો સાથે થનારી હિંસામાં પણ એટલો જ વધારો થયો છે.

line

બળાત્કારનો રિપોર્ટ

નેહાનાં માતાના અનુસાર પોલીસના મોટા ઑફિસર (SP)ના આદેશથી બે દિવસ બાદ રિપોર્ટ લખાયો

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, નેહાનાં માતાના અનુસાર પોલીસના મોટા ઑફિસર (SP)ના આદેશથી બે દિવસ બાદ રિપોર્ટ લખાયો

NCRB દ્વારા વર્ષ 2019માં જારી કરાયેલ આંકડા અનુસાર દેશમાં લગભગ 3,500 દલિત મહિલા સાથે બળાત્કાર થયાનો રિપોર્ટ દાખલ કરાયો છે. એટલે કે દરરોજ લગભગ દસ મહિલાઓ સાથે રેપ કે ગૅંગરેપ જેવી ઘટના થાય છે.

આ એ મામલા છે જે રિપોર્ટ થયા છે, જે મામલા પોલીસ સુધી નથી પહોંચી શક્યા તેમનો તો કોઈ હિસાબ જ નથી. કુલ નોંધાયેલા મામલાઓમાંથી એક તૃતિયાંશ મામલા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છે. નેહાના ગામમાં લગભગ 500 ઘર છે જે તમામ દલિત સમુદાયનાં છે.

બંને આરોપી પીડિતાના ગામથી અઢી કિલોમિટર દૂર આવેલા ગામના છે. મુખ્ય આરોપી સવર્ણ અને બીજા આરોપી દલિત સમુદાયના છે. બંને આરોપીઓ હાલ તો જેલમાં બંધ છે.

નેહાના પરિવારજનો કહે છે કે 31 ડિસેમ્બર 2020ની સાંજે આઠ વાગ્યે જ્યારે નેહા ખેતરમાં શૌચ માટે ગયાં હતાં, મુખ્ય આરોપી (રામસુચિત ત્રિપાઠી) અને તેમના મિત્ર (પુષ્પેન્દ્ર વર્મા) છોકરીના મોઢે કપડું બાંધીને તેમને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા.

બંનેએ કથિતપણે જંગલમાં જઈને રેપ કર્યો અને પછી પીડિતાને ત્યાં જ છોડીને જતા રહ્યા. જ્યારે પીડિતાએ બૂમો પાડી તો તેમની બૂમો સાંભળીને અમુક લોકો તેમને તેમના ઘરે મૂકી ગયા.

ઘટના સમયે માતા પિયર ગયાં હતાં અને બંને ભાઈ મજૂરી માટે બહાર હતા.

line

બે મહિનાનો ગર્ભ

નેહા અને તેમના બાળકને સારું પોષણ નથી મળી શકી રહ્યું

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, નેહા અને તેમના બાળકને સારું પોષણ નથી મળી શકી રહ્યું

નેહાનાં માતા અનુસાર મોટા ઑફિસર (SP)ના આદેશ પર બે દિવસ બાદ રિપોર્ટ લખવામાં આવ્યો. જ્યારે એક માસ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. નેહાના મેડિકલ રિપોર્ટથી ખબર પડી કે તેમને બે મહિનાનો ગર્ભ છે.

16 વર્ષનાં નેહા શરીરથી નબળાં છે, પાછલા એક વર્ષથી તેઓ જે મનોદશામાંથી પસાર થયાં છે તેના કારણે તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. દિવસે તેઓ ખૂબ રડે છે, ગુમસૂમ બેઠાં રહે છે.

બાળકના જન્મ બાદ માતાને વધુ પોષણની જરૂરિયાત હોય છે, ઘણી દવાઓ, રસીની જરૂરિયાત હોય છે, પરંતુ નેહા અને તેમના બાળકને તે નથી મળી શકી રહ્યું. આ ઘરમાં એટલી ગરીબાઈ છે કે નેહાનાં માતા દસ દિવસ પહેલાં અડધો કિલો અડદની દાળ ખરીદીને લાવ્યાં હતાં જેથી નેહાને બનાવીને ખવરાવી શકે, જ્યારે મજૂરી નથી મળતી ત્યારે આ પરિવારે લૂખુંસૂકું ખાઈને જ પેટ ભરવું પડે છે.

નેહાનાં માતા પગે પહેરેલી ચાંદીની પાયલ તરફ ઇશારો કરીને કહી રહ્યાં હતાં, "આ વેચીને નેહા માટે ખાવા કંઈક પોષણક્ષમ આહાર લાવીશું, તેને દૂધ નથી આવી રહ્યું, તેથી બાળકીને પાઉડરવાળું દૂધ પીવડાવી રહ્યા છીએ."

line

સમાધાન કરવાનું દબાણ

પહેલી વાર ઘટના (રેપ) થયો ત્યારે જ રિપોર્ટ કેમ દાખલ ન કરાયો?

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, પહેલી વાર ઘટના (રેપ) થયો ત્યારે જ રિપોર્ટ કેમ દાખલ ન કરાયો?

રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ પંચનાં સભ્ય ડૉ. સુચિતા ચતુર્વેદી આ મામલામાં કહે છે, "મને તમારા મારફતે આ મામલાની જાણકારી મળી છે."

"હું પરિવારને દરેક સરકારી યોજનાનો લાભ મળે તેની પૂરેપૂરી કોશિશ કરીશ. પીડિતાની સહતમિથી જન્મેલી બાળકીને અમે શિશુગૃહમાં રાખીશું."

નિયમાનુસાર પારિવારિક લાભ યોજના અંતર્ગત પીડિતાનાં માતાને 30 હજાર રૂપિયા મળવા જોઈએ.

પહેલી વાર ઘટના (રેપ) થઈ ત્યારે જ રિપોર્ટ કેમ દાખલ ન કરાયો? આ પ્રશ્નના જવાબમાં માતાએ કહ્યું કે, "દીકરીએ મને તરત જણાવ્યું હતું, પરંતુ હું પોલીસ સ્ટેશન એટલા માટે ન ગઈ કારણ કે એ છોકરો પોલીસનો ઇન્ફૉર્મર હતો, ઊંચી જાતિનો છે."

"મને લાગ્યું કે અમે તેનું કંઈ બગાડી નહીં શકીએ, બદનામી અમારી છોકરીની જ થઈ હોત તેથી અમે વાત દબાવી દીધી. જ્યારે તેણે ફરી વાર પોતાના મિત્ર સાથે મળીને આવું જ કામ કર્યું ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR કરાવી."

નેહાનાં માતાએ આગળ જણાવ્યું, "પોલીસ સ્ટેશનમાં જ્યારે FIR નહોતી લખાઈ ત્યારે SP સાહેબને જણાવ્યું. ત્યારે બે દિવસ બાદ ફરિયાદ લખાઈ. અમને સમાધાન કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે, પરંતુ અમે સમાધાન નહીં કરીએ."

line

ગર્ભપાતની અનુમતિ ન મળી

ન્યાયિક પ્રક્રિયામાં મોડું થતાં ન મળી ગર્ભપાતની મંજૂરી

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, ન્યાયિક પ્રક્રિયામાં મોડું થતાં ન મળી ગર્ભપાતની મંજૂરી

બે જાન્યુઆરી, 2021ના રોજ દાખલ કરાયેલ રિપોર્ટમાં IPCની કલમ 354 અને 452 લગાવાઈ હતી. બાદમાં તેમાં ગૅંગરેપ, પૉક્સો અને અનુસૂચિત જાતિની કલમો ઉમેરવામાં આવી.

દેશમાં દલિત સમુદાય સાથે કામ કરનારા એક સંગઠન 'દલિત વિમેન ફાઇટ'નાં સભ્ય શોભના સ્મૃતિ કહે છે, "પોલીસ સ્ટેશનમાં કોઈ પગલાં નહીં લેવાય એ બીકના કારણે દલિત સમુદાયના મોટા ભાગના મામલા ત્યાં સુધી પહોંચતા જ નથી. પ્રશાસનની બદતર વ્યવસ્થા સમાજનાં મહેણાં અને લોકલાજના ભયથી ઘણા મામલા દબાવી દેવામાં આવે છે. જો આ મામલામાં પ્રશાસન સક્રિય હોત તો પીડિતાના પરિવારજનોની સહમતિથી શરૂઆતમાં જ ગર્ભપાત કરાવી શકાયો હોત."

જાન્યુઆરી 2020માં કેન્દ્રીય મંત્રિમંડળે મેડિકલ ટર્મિનૅશન ઑફ પ્રેગનન્સી ઍક્ટ, 1971માં ગર્ભપાત કરાવવા માટે વધુમાં વધુ સીમા 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં (પાંચ મહિના) કરવાની અનુમતિ આપી દીધી હતી. તેમ છતાં નેહાનો ગર્ભપાત ન થઈ શક્યો.

નેહાનાં માતાએ જણાવ્યું, "જ્યારે મને એ વાતની જાણ થઈ કે મારી દીકરી ગર્ભવતી છે તો અમે તરત જ તેનો ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો. કોર્ટમાં લખીને પણ આપ્યું પણ ગર્ભપાતની અનુમતિ ન મળી."

line

ચાર્જશીટ દાખલ થઈ ગઈ

બાળકીનું DNA ટેસ્ટ ન થઈ શક્યું

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, બાળકીનું DNA ટેસ્ટ ન થઈ શક્યું

પીડિતાનાં માતાનું કહેવું હતું, "આ ઘટના બાદથી અત્યાર સુધી મારી દીકરીની ખબર પૂછવા પણ કોઈ અધિકારી નથી આવ્યા."

"જે દિવસે દીકરીએ એક બાળકીને જન્મ આપ્યો એ દિવસે પણ અમે પોલીસને સૂચના આપી હતી તો તેમણે કહ્યું કે હવે આમાં તેમની કોઈ જવાબદારી નથી. કોઈ પરેશાની આવે તો જણાવજો."

જ્યારે અમે બઘોલીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સાથે ફોન પર વાત કરી તો તેમણે જણાવ્યું, "આ મામલામાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. બંને આરોપીઓ જેલમાં બંધ છે."

તેમણે આગળ કહ્યું, "મેં પ્રયત્ન કર્યા હતા કે આ બાળકીનું DNA ટેસ્ટ કરાવવામાં આવે. જેથી આ બાળકી કોની છે તે ખબર પડી શકે. કારણ કે બે આરોપીઓ છે. પરંતુ કોર્ટે કહ્યું કે ચાર્જશીટ દાખલ કર્યા બાદ DNA તપાસ ન થઈ શકે."

હરદોઈ જિલ્લાના ચાઇલ્ડ વેલફૅર કમિટીના ભૂતપૂર્વ ચૅરપર્સન શિશિર ગૌતમે, જેઓ 27 જુલાઈ, 2021ના રોજ પોતાના પદથી મુક્ત થઈ ગયા છે, તેમણે ફોન પર જણાવ્યું કે, "અમારા ત્યાં બે હજાર ફાઇલો આવે છે. રેકૉર્ડ ચૅક કરીને આપને જણાવી શકીશ કે આ મામલો આવ્યો છે કે નહીં. જો પૉક્સો કેસ હશે તો જરૂર મામલો આવ્યો હશે."

પીડિતાની ડિલિવરી બાદ તમારા તરફથી શું મદદ કરવામાં આવી?

આ પ્રશ્નના જવાબમાં શિશિર ગૌતમે જણાવ્યું, "જો અમારી તરફથી કોઈ મદદ પૂરી ન પડાઈ હોત તો પીડિતાનું 164નું નિવેદન કઈ રીતે થાત. જો બાળક પોતાનાં માતાપિતાની કસ્ટડીમાં છે તો એવો કયો કાયદો છે જેનાથી અમે બાળકને તેનાં પ્રાકૃતિક માતાપિતાની કસ્ટડીમાંથી હઠાવી શકીએ, એ જણાવશો જરા."

line

પોલીસ પર આરોપ

આ કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લાગ્યો છે

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, આ કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લાગ્યો છે

નેહાના પિતા પોતાની જાતને કોસે છે, "મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ છે. જ્યારથી આ કેસ થયો છે ત્યારથી ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે, કોઈ પણ જગ્યાએ વગર પૈસે કામ નથી થતું. બે-ત્રણ બકરી-બકરા હતાં, તે પણ વેચાઈ ગયાં."

જોકે ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકાર તરફથી નેહાના પરિવારને થોડું વળતર મળ્યું છે.

આ કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લાગ્યો છે.

વકીલ રેનૂ મિશ્રા જણાવે છે કે, "આ કેસમાં ઘણી બધી બેદરકારી આચરવામાં આવી છે. પુનર્વસન માટે મળતી રાહત રાશિ FIR બાદ તરત મળવી જોઈએ, જેમાં મોડું થયું. આ કેસમાં ચાઇલ્ડ વેલફૅર કમિટીની જવાબદારી હતી કે તેઓ સગીરાની સતત કાઉન્સેલિંગ કરે જે નથી કરાઈ."

રેનૂ મિશ્રા કહે છે કે, "જો સમયસર કોર્ટનો આદેશ મળી ગયો હોત અને તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી થઈ જાત તો પીડિતાનો સરળતાથી ગર્ભપાત થઈ ગયો હોત. આ ગંભીર બેદરકારીનો મામલો છે. આ કેસને પોલીસે અત્યંત ગંભીરતાથી લેવો જોઈતો હતો, જે નથી થયું."

line

'આરોપીઓને ફસાવવામાં આવ્યા'

આરોપીઓના પરિવારજનોનો આરોપોથી ઇનકાર

ઇમેજ સ્રોત, NEETU SINGH/BBC

ઇમેજ કૅપ્શન, આરોપીઓના પરિવારજનોનો આરોપોથી ઇનકાર

મુખ્ય આરોપીના પિતા કહે છે કે, "અમારા ક્ષેત્રમાં ગેરકાયદેસર દારૂ વિપુલ પ્રમાણમાં બને છે. ક્ષેત્રના લોકો તેની માહિતી પોલીસ સુધી પહોંચાડવાની પ્રવૃત્તિથી પરેશાન હતા. આ કારણે જ તેને ખોટા કેસમાં સંડોવવામાં આવ્યો છે. હું DNA ટેસ્ટની માગ કરું છું, જો રિપોર્ટમાં અમારા દીકરાનું બાળક ન નીકળ્યું તો અમે તેમને (પીડિત પરિવાર)ને ક્યારેય જેલમાંથી બહાર નહીં નીકળવા દઈએ."

તેઓ કહે છે કે, "જો અમારો દીકરો દોષી નીકળ્યો તો તેને સજા મળે. જો તે દોષી નથી તો તે પરિવારને સજા સ્વરૂપે એવો સબક મળે કે કોઈને ખોટી રીતે ફસાવવો પણ ગુનો છે."

બીજો આરોપી પરિણીત છે, તેમની દોઢ વર્ષની બાળકી છે. બીજા આરોપીનાં પત્ની ગામનાં આંગણવાડી કાર્યકર્તા પણ છે.

તેઓ કહે છે કે, "જે દિવસે ઘટના બની ત્યારે મારા પિતા મારી સાથે સાસરીયે ગયા હતા, મિત્રતાના ચક્કરમાં મારા પતિનું નામ આવ્યું છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો