બ્રેઇન ફૉગ : મૅનોપૉઝ પહેલાં મહિલાઓને યાદશક્તિની સમસ્યા કેમ રહે છે?

ઇમેજ સ્રોત, Juanmonino
- લેેખક, લૉરા પ્લિટ
- પદ, બીબીસી મુંડો
ન્યૂ યોર્કની લૅનોક્સ હિલ હૉસ્પિટલનાં એક ન્યૂરોલૉજિસ્ટ ગાયત્રી દેવી અને તેમના સાથીઓએ કારકિર્દીના આરંભે એક ભૂલ કરી હતીઃ એક મહિલા રજોનિવૃત્તિ એટલે કે મૅનોપૉઝની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી, પણ તેમણે એવું નિદાન કર્યું હતું કે તે મહિલાને અલ્ઝાઈમર્સ નામનો રોગ થયો છે.
ઍસ્ટ્રોજન થેરપી સહિતની શ્રેણીબદ્ધ સારવાર બાદ મહિલાની તબિયતમાં સુધારો થયો હતો અને ડૉ. ગાયત્રી દેવીને સમજાયું હતું કે એ દર્દીમાં જોવા મળેલાં સ્મૃતિલોપ અને માનસિક વ્યગ્રતા જેવાં પ્રારંભિક લક્ષણોનું કારણ અન્ય હતું.
દર્દીના મગજ સાથે જોડાયેલી સમસ્યાઓ તેમના ઍસ્ટ્રોજન (સ્ત્રી હોર્મોન)ના સ્તરમાં ભારે ઘટાડો થવા સાથે જોડાયેલી હતી.
ઍસ્ટ્રોજન એક પ્રકારનું હોર્મોન છે અને તેમાં મૅનોપૉઝ પૂર્વેનાં વર્ષોમાં વધારો-ઘટાડો થયો હોય છે. મહિલાનાં છેલ્લા માસિક પછીના એક વર્ષ બાદ રજોનિવૃતિ શરૂ થતી હોય છે.
મહિલા દર્દીની સારવારમાં મળેલી સફળતા ડૉ. ગાયત્રી દેવી માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી અને તેઓ મૅનોપૉઝનાં બહુ ઓછાં જાણીતાં લક્ષણો પૈકીના એક 'બ્રેઈન ફૉગ' બાબતે સંશોધન કરવા પ્રેરાયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રેઈન ફૉગ (જેને ક્યારેક મૅન્ટલ ફૉગ પણ કહેવામાં આવે છે) બાબતે સૌથી વધુ વિચલિત કરતી બાબતો પૈકીની એક બાબત એ છે કે ઘણા મહિલાઓ તેનાથી પીડાતાં હોય છે, પણ તેના કારણોથી અજાણ હોય છે.
ડૉ. ગાયત્રી દેવી બીબીસીને કહે છે, "પ્રીમૅનોપૉઝમાંથી (રજોનિવૃતિની આસપાસનો સમયગાળો, જે સાત વર્ષ સુધીનો હોય છે) પસાર થતાં મહિલાઓ કશું યાદ કરવામાં અને યોગ્ય શબ્દો શોધવામાં કે પછી એકસાથે અનેક બાબતો પર ધ્યાન કેંદ્રિત કરવામાં મુશ્કેલી અનુભવતાં હોય છે."
"સામાન્ય રીતે વાક્ ચતુર મહિલાઓ પણ આ સ્થિતિમાં અટક્યા વિના બોલવામાં મુશ્કેલી અનુભવતાં હોય છે," ડૉ. ગાયત્રી દેવી કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિકાગોસ્થિત ઇલિનોયસ યુનિવર્સિટી ખાતેના સાયકિયાટ્રી, સાયકોલૉજી અને ઑબસ્ટેટ્રિક્સ તથા ગાયનેકોલૉજીનાં પ્રોફેસર તેમજ અમેરિકન મૅનોપૉઝ સોસાયટીનાં ભૂતપૂર્વ પ્રમુખ પૉલિના મકીએ બીબીસીને જણાવ્યું હતું કે આપણે સ્ટોરમાં જઈએ અને ત્યાંથી શું ખરીદવાનું છે એ યાદ રાખવાના પ્રયાસ કરીએ એ પ્રકારની સ્મૃતિ પર તેની અસર થતી હોય છે.
તેની અસર કોઈ વાતનું વર્ણન કરવાની કે વાતચીતમાં ભાગ લેવાની આવડત તથા બાદમાં આપણે એ વાતચીતમાં શું બોલ્યા હતા એ યાદ રાખવાની આવડત પર પણ થાય છે, એવું પૉલિના મકીએ ઉમેર્યું હતું.
આ સમસ્યા અગાઉની તુલનામાં ઘણી વ્યાપક છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પ્રોફેસર પૉલિના મકી કહે છે, "અમને આ વિશેના અભ્યાસમાં ચિકિત્સકીય રીતે મહત્ત્વની ખામીઓ જોવા મળી હતી, જેમાં 10 ટકા મહિલાઓનો સ્કોર તેમની વયના સંદર્ભમાં અપેક્ષા કરતાં ઓછો હતો."
"અન્ય ઘણાં મહિલાઓ સૂક્ષ્મ મુશ્કેલીઓ અનુભવતાં હોય છે. એ મુશ્કેલીઓ તેમની કામ કરવાની સમગ્ર ક્ષમતા પર અસર કરતી નથી, છતાં તેઓ ફરક જરૂર જોઈ શકે છે."
ડૉ. ગાયત્રી દેવી કહે છે, પ્રીમૅનોપૉઝલ અથવા રજોનિવૃત્ત મહિલાઓ પૈકીના આશરે 60 ટકા મહિલાઓ વિષયગત સ્વરૂપે કેટલાંય પરિવર્તનનો અનુભવ કરતાં હોય છે, પણ તેની પુષ્ટિ હંમેશાં તબીબી પરીક્ષણ વડે જ થઈ શકે."

ઍસ્ટ્રોજનની સંવેદનશીલતા

ઇમેજ સ્રોત, Getty Images
મહત્વનો એક મુદ્દો એ પણ છે કે મગજમાં ઍસ્ટ્રોજન રિસેપ્ટર્સ હોય છે અને એ પૈકીના ઘણા હિપ્પોકૅમ્પસ નામના મગજના એક પ્રદેશમાં આવેલાં હોય છે. એ પ્રદેશ ચોક્કસ પ્રકારની સ્મૃતિઓને દુરસ્ત કરવાના અને પાછી મેળવવાના સંદર્ભમાં મહત્વનો હોય છે.
ડૉ. ગાયત્રી દેવી જણાવે છે, "ઍસ્ટ્રોજનનું પ્રમાણ અચાનક ઘટી જાય તો તેની અસર હિપ્પોકૅમ્પસમાંની કેટલીક પ્રવૃતિઓ પર થાય છે."
પ્રોફેસર પૉલિના મકીના જણાવ્યા મુજબ, મોટાભાગના ઍસ્ટ્રોજનનું ઉત્પાદન અંડાશયમાં થતું હોય છે. અંડાશય કાઢી નાખવામાં આવ્યાં હોય એવાં મહિલાઓએ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમને ઍસ્ટ્રોજન સપ્લિમેન્ટ્સ આપવામાં આવ્યાં પછી તેમની સંજ્ઞાનાત્મક ક્ષમતામાં ઘણો સુધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

બધાં મહિલાઓને કેમ અસર નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
એક સવાલ એ પણ છે કે પ્રીમૅનોપૉઝની પ્રક્રિયામાંથી પસાર થતાં તમામ મહિલાઓએ મૅન્ટલ ફૉગનો સામનો કરવો પડતો નથી. એવું કેમ?
તેનું કારણ એ છે કે ઍસ્ટ્રોજન વૈવિધ્ય પ્રત્યેની દરેક મહિલાની સંવેદનશીલતા અલગ-અલગ હોય છે.
રસપ્રદ વાત એ છે કે 'મૅન્ટલ ફૉગ' શબ્દ બ્રિટિશ ફિઝિશ્યન એડવર્ડ ટિલ્ટે 19મી સદીના મધ્યમાં કોઈન કર્યો હતો. મૅનોપૉઝની પ્રક્રિયામાંથી પસાર થતી તેમની વિક્ટોરિયન યુગની મહિલા દર્દીઓની ધુમ્મસ ઘેરી માનસિક હાલતને વર્ણવવા માટે તેમણે એ શબ્દ કોઈન કર્યો હતો. પોતે પર્સ ક્યાં મૂક્યું હતું કે ઘરે પાછા કઈ રીતે ફરવું તે એ મહિલા દર્દીઓને યાદ રહેતું ન હતું.

પસીનો આવવો અને સ્મૃતિ

ઇમેજ સ્રોત, Getty Images
પિટ્સબર્ગ યુનિવર્સિટી ખાતે સાયકિયાટ્રીનાં પ્રોફેસર રૅબેકા થર્સ્ટન કહે છે, "માત્ર ઍસ્ટ્રોજન જ મહત્વનું નથી. ઊંઘમાં ખલેલ જેવી બીજી બાબતોને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે."
"મૅનોપૉઝ તરફની પ્રક્રિયા દરમિયાન લગભગ 60 ટકા સ્ત્રીઓ ઉંઘ સંબંધી સમસ્યાની ફરિયાદ કરતી હોય છે. ઉંઘનો સ્મૃતિ સાથે સીધો સંબંધ છે," એવું સંશોધનકર્તા રૅબેકા કહે છે.
હૉટ ફ્લશીસની માફક ઊંઘમાં ખલેલથી પણ મેમરી સર્કીટમાં સમસ્યા સર્જાય છે. પસીનો આવતી વખતે અચાનક તીવ્ર ગરમીની અનુભૂતિ સમગ્ર શરીરમાં ફેલાય જાય છે. તેને કારણે ત્વચા લાલ થઈ જાય છે અને બહુ પરસેવો વળે છે.
ઊંઘ પર વ્યાપક અસર કરવાની સાથે હૉટ ફ્લશીસ પોતે પણ એક પ્રકારની સમસ્યા છે. (કેટલીક મહિલાઓની ફરિયાદ મુજબ, હૉટ ફ્લશીસને કારણે તેઓ મધરાતે ઊંઘમાંથી જાગી જાય છે એટલું જ નહીં, પણ તેમણે પુષ્કળ પરસેવાને કારણે તેમના પાયજામા અને ચાદર પણ બદલવાં પડે છે)
પ્રોફેસર રૅબેકા થર્સ્ટન કહે છે, "આપણે હૉટ ફ્લશીસને એક એવું સૌમ્ય લક્ષણ માનતા રહ્યા છીએ જેને મહિલાઓએ સહન કરવું પડે છે, પણ હવે એવું જાણવા મળ્યું છે કે તેને હૃદય સંબંધી તકલીફો, નાના મગજના રોગો સાથે સંબંધ છે. તે હિપ્પોકેમ્પસની બન્ને બાજુ વચ્ચેના સંબંધ પર અસર કરતા હોય છે અને સ્મૃતિમાં પરિવર્તન પણ કરતા હોય છે."
પ્રીમૅનોપૉઝ દરમિયાન મૂડ સ્વિંગ્ઝ, ચિંતા અને અવસાદમાં વધારો થતો હોય છે. તેની પણ સ્મૃતિ પર માઠી અસર થાય છે.

વર્જના અને અજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images
આ બધાં લક્ષણો સર્વવ્યાપક હોવા છતાં આટલાં અજાણ્યાં કેમ છે?
જાગૃતિનો અભાવ હોય તેમ લાગે છે, કેમ કે મૅનોપૉઝ હજી પણ ઘણા સમાજોમાં ચર્ચા માટે નિષિદ્ધ વિષય ગણાય છે.
વિસ્કૉન-મિલ્વાકી યુનિવર્સિટી ખાતેના સાયકોલૉજીનાં પ્રોફસર કૅરન ફ્રિક કહે છે, "સમસ્યા એ છે કે આ પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી રહે છે અને મહિલાઓની ખબર પણ નથી હોતી કે તેઓ પ્રીમૅનોપૉઝલ સ્થિતિમાં છે. તેથી આ લક્ષણોને અન્ય બાબતો સાથે સાંકળવાનું આસાન હોય છે."

મૅનોપૉઝનાં લક્ષણો કેવાં હોય?

ઇમેજ સ્રોત, Getty Images
•મૅન્સ્ટ્રુએશન એટલે કે માસિકની અવધિ અને આવર્તનમાં ફેરફાર
•માસિકના પ્રવાહમાં ફેરફાર (ભારે કે હળવો)
•યોનીમાર્ગમાં શુષ્કતા
•ઊંઘવામાં મુશ્કેલી
•ગભરામણ
•સાંધામાં દુખાવો અને સાંધા જકડાઈ જવા
•મૂડમાં અચાનક પરિવર્તન
•માંસપેશીઓમાં નુકસાન
•મૂત્ર માર્ગમાં વારંવાર લાગતો ચેપ
(સ્રોતઃ બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસ)
પ્રોફસર કૅરન ફ્રિક કહે છે, "મહિલાઓ તેમની વયના 40ના દાયકામાં બહુ વ્યસ્ત રહે છે. તેઓ નોકરી કરતાં હોય, છે ઘર સંભાળતાં હોય છે, અલગ-અલગ વયનાં બાળકોનાં માતા હોય છે અને વૃદ્ધ માતા-પિતાની સંભાળ પણ લેતાં હોય છે. તેથી મહિલાઓ તેમની સ્મૃતિ વિષયક સમસ્યાઓને આ બધું સંભાળવાની માનસિક તાણ સાથે જોડતાં હોય છે."
પ્રોફસર કૅરન ફ્રિક ઉમેરે છે, "બીજી તરફ પ્રોફેશનલ મહિલાઓ આ બાબતે વાત કરતાં ગભરાતાં હોય છે. પોતાની કારકિર્દીમાં અમુક સિદ્ધિ મેળવવા મહિલાઓ આકરી મહેનત કરતી હોય છે. તેથી આવી તકલીફોની વાત કરીને તેઓ ખુદને વૃદ્ધ કે નબળી ગણાવવા ઈચ્છતી નથી."
બીબીસીએ જે નિષ્ણાતો સાથે વાત કરી એ બધા એક મુદ્દે સહમત હતા કે મૅનોપૉઝ સાથે સંકળાયેલા સ્મૃતિલોપ બાબતે ઊંડાણભર્યા અભ્યાસની જરૂર છે.
એ ઉપરાંત આ બાબતે વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂર છે. તેમ કરવાથી વિશ્વની અનેક મહિલાઓ બિનજરૂરી વેદનામાંથી મુક્ત થશે.

ઉપચાર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર પૉલિના મકી કહે છે, "સૌપ્રથમ તો પોતાના અલ્ઝાઈમર્સ રોગ થયો છે એવું ધારીને મહિલાઓએ ગભરાવું જોઈએ નહીં. તેમના શરીરમાં જે થઈ રહ્યું છે એ નૉર્મલ બાબત હોય છે."
અભ્યાસનાં તારણો મિશ્ર છે, પણ એવો સંકેત જરૂર મળ્યો છે કે મૅન્ટલ ફૉગ કામચલાઉ સ્થિતિ હોય છે અને મગજ ઓછા ઍસ્ટ્રોજન સાથે કે ઍસ્ટ્રોજન વિના કામ કરવા ટેવાઈ જાય પછી એ વાદળાં વિખેરાય જાય છે.
પ્રોફેસર પૉલિના મકી કહે છે, "જોકે, હૉટ ફ્લશીસને કારણે મહિલાએ આખી રાત જાગતું રહેવું પડતું હોય તો તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એ ડૉક્ટર ચોક્કસ કિસ્સામાં અને ખાસ કરીને મહિલાની વય ઓછી હોય એવા કિસ્સામાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપીની સલાહ આપી શકે, કારણ કે જોખમની સામે લાભ વધારે હોય છે" .
ડૉ. ગાયત્રી દેવીના જણાવ્યા મુજબ, ઘણાં મહિલાઓ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપીને સારો પ્રતિસાદ આપે છે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપીને કારણે બ્રૅસ્ટ કૅન્સર થાય છે તેવું વિવાદાસ્પદ અભ્યાસનું તારણ બે દાયકા અગાઉ પ્રકાશિત થયું પછી આ થેરપીના ઉપયોગમાં જોરદાર ઘટાડો થયો હતો, પરંતુ એ તારણને બાદમાં પડકારવામાં આવ્યું હતું.
પ્રોફસર કૅરન ફ્રિક કહે છે, "અગાઉની સરખામણીએ મૉર્ડન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી વધારે ચોકસાઈભરી છે. વળી ઍસ્ટ્રોજનનાં અનેક સ્વરૂપ હોય છે. એ ઘણા કેસમાં લાભદાયક સાબિત થાય છે."
જે મહિલાઓ હળવા લક્ષણો અનુભવતૈં હોય અથવા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લેવા ન ઈચ્છતાં હોય તેમના માટે બીજા ઉપાય છે, જેનાથી તેમની સ્મૃતિ સંબંધી સમસ્યાઓના નિવારણમાં મદદ મળી શકે છે.
એરોબિક ઍક્સરસાઇઝ, મગજની સક્રિયતા માટે રમતગમત કે મૅન્ટલ ઍક્સરલાઇઝ, ઊંઘવાનું નિશ્ચિત રૂટિન, મર્યાદિત પ્રમાણમાં મદ્યપાન અને ભૂમધ્ય સમુદ્ર વિસ્તારના લોકો કરે છે તેવો વધુ શાકભાજી, ઓલિવ ઑઇલ તથા પ્રમાણસરના પ્રોટીનયુક્ત આહાર. આ બધા ઉપાયો વડે મૅનોપૉઝના અણગમતા લક્ષણોનો સામનો કરી શકાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














