સર્વાઇકલ કૅન્સર : ભારતમાં દર આઠ મિનિટે એક મહિલાનો ભોગ લેતી આ બીમારી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. મિતાલી વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગર્ભાશયના મુખનું કૅન્સર એ ભારત દેશનાં મહિલાઓમાં બીજા ક્રમે સૌથી વધારે સંક્રમિત કરતું કૅન્સર છે. પરંતુ આ રોગથી બીજાં બધાં કૅન્સરની સરખામણીમાં સૌથી વધુ મહિલાઓ મૃત્યુ પામે છે.
નેશનલ હેલ્થ પોર્ટલ પ્રમાણે ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કૅન્સરના 122844 નવા કિસ્સા સામે આવે છે, જેમાંથી 67,477 મહિલાઓ અકાળે મૃત્યુ પામે છે.
વિશ્વના બીજા દેશોની સરખામણીમાં આ કૅન્સરને રોકવાની બાબતમાં ભારત ઘણું જ પાછળ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ અનુસાર ભારતમાં દર આઠ મિનિટે એક મહિલા આ રોગથી જીવ ગુમાવે છે.

શું છે આ કૅન્સર અને કોને થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગર્ભાશયનો સૌથી નીચેનો, લાંબો સરખો ભાગ એટલે સર્વિક્સ (cervix). આને ગર્ભાશયનું મોઢું પણ કહેવામાં આવે છે. આ ભાગમાં થતા કૅન્સરને Cervical Cancer (સર્વાઇકલ કૅન્સર) કહેવાય છે.
સામાન્ય રીતે 20થી 50 વર્ષની વય દરમિયાન યૌનસંબંધમાં સક્રિય હોય તેવી મહિલાઓ આ રોગનો શિકાર થઈ શકે છે.
નબળી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, નાની ઉંમરે લગ્ન થવાં, વારંવાર સગર્ભા બનવું, કુપોષણ, ગુપ્ત અંગોની સ્વચ્છતાનો અભાવ વગેરે કારણો આ રોગના સંક્રમણની શક્યતા અનેક ગણી વધારી દે છે.
ઉપરાંત ધૂમ્રપાન, એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે યૌનસંબંધ બાંધવો, કૉન્ડોમ તથા અન્ય પ્રતિરોધક ગર્ભનિરોધક ઉપાયોનો અભાવ આ રોગનું જોખમ વધારી દેતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
70 ટકા જેટલી મહિલાઓના કિસ્સામાં આ કૅન્સરના સંક્રમણનું કારણ હ્યુમન પેપીલોમાવાઇરસ (HPV) વાઇરસ હોવાનું તારણ સામે આવ્યું છે.
આ વાઇરસ યૌનસંબંધ દ્વારા ફેલાતો હોય છે. એક વાર આનાથી સંક્રમિત થયા બાદ આ વાઇરસ કોષિકાની રચનામાં (DNAમાં) એવા બદલાવ લાવે છે જેથી કોષિકાઓની અનિયંત્રિત વૃદ્ધિ થવા માંડે છે અને તે કૅન્સરના રોગમાં પરિવર્તિત થઈ જાય છે.

રોગનાં લક્ષણો શું છે?
આ રોગનાં લક્ષણો જલદી સમજાતા નથી અને સંક્રમણ ઘણું આગળ વધી ગયા બાદ સમજમાં આવે છે.
ઘણી વખત શરૂઆતનાં લક્ષણો બીજી સામાન્ય માંદગી જેવાં હોવાથી જદી ઓળખી શકાતાં નથી.
આમ રોગને ઓળખવામાં વિલંબ થતો હોવાથી ઘણી બધી જિંદગીઓ ગુમાવી દઈએ છીએ. તેનાં લક્ષણો મોટા ભાગે સફેદ પાણી પડવું, વારંવાર પેશાબને લગતો ચેપ (રોગ) થવો, પેડુમાં અકળ દુખાવો રહેવો, જેવાં સામાન્ય હોય છે.
આ લક્ષણો ઘણી વાર સતત રહ્યાં કરે છે, તો ક્યારેય સમયાંતરે દેખાતાં હોય છે.
તે જ રીતે યૌનસંબંધ બાદ લોહી પડવું અથવા દુખાવો થવો, અનિયમિત માસિકનું આવવું, જેવાં પણ લક્ષણો જોવા મળે છે.
તેથી આ સામાન્ય જણાતાં લક્ષણોને અવગણવા ન જોઈએ અને તાત્કાલિક નિષ્ણાત તબીબની સલાહ લઈ સચોટ નિદાન કરાવવું જરૂરી બને છે.

કેવી રીતે રોગને રોકી શકાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આપણે સમજ્યા છીએ કે આ રોગનું મુખ્ય કારણ હ્યુમન પેપીલોમાવાઇરસ (HPV) નામનો વાઇરસ છે. જેથી HPV વાઇરસની સમયાંતરે રસી લેવાથી 70 ટકા કિસ્સાઓમાં આ રોગને અટકાવી શકાય છે.
આ રસી 9થી 16 વર્ષની બાળકીઓને આપવાથી અથવા તો પ્રથમ યૌનસંબંધ બંધાયા પહેલાં આપી દેવાથી રસી સૌથી વધુ અસરકારક નીવડે છે.
આ રસી 2થી 3 ડોઝમાં અપાય છે અને તે 10 વર્ષ સુધી અસરકારક રહે છે. આમ, આ એકમાત્ર એવું કૅન્સર છે જે રસી લેવાથી રોકી શકાય છે.
ઉપરાંત નિયમિત રૂપે સ્ત્રીરોગનિષ્ણાત પાસે પેપ ટેસ્ટ (PAP Test) નામની તપાસ કરાવવાથી આ રોગનું પ્રાથમિક ચરણમાં જ નિદાન થઈ શકે છે અને સમયસર ઉપચાર કરવાથી જીવન બચી શકે છે.
પેપ ટેસ્ટની પ્રક્રિયા સાવ સરળ અને તકલીફ વગરની હોય છે. તેમાં ગર્ભાશયના મુખની તપાસ કરી તેની કોષિકાઓ પ્રયોગશાળામાં મોકલી આપી નિદાન કરી દેવામાં આવે છે.
આમ લક્ષણો હોય કે ન હોય, પરંતુ દરેક મહિલાએ ઉપર દર્શાવ્યા પ્રમાણે રસી લેવી જરૂરી છે અને દર વર્ષે એક વાર અચૂક સ્ત્રીરોગનિષ્ણાત પાસે જઈ પેપ ટેટ કરાવી લેવો જરૂરી છે.

ઉપચાર શું?
જો કૅન્સર હોવાનું નિદાન થાય અને પ્રાથમિક તબક્કામાં હોય તો રોગ ફક્ત સર્વિક્સ પૂરતું મર્યાદિત હોય છે.
આવા કિસ્સામાં નાનાં ઑપરેશન દ્વારા ગર્ભાશયને સલામત રાખી માત્ર સર્વિક્સનો ભાગ કાઢીને રોગ દૂર કરી શકાય છે. આ પ્રક્રિયાને Trachelectomy કહેવાય છે. આનાથી જીવનની ગુણવત્તા તેમજ ગર્ભ ધારણ કરવાની ક્ષમતા જળવાઈ રહે છે અને આયુષ્ય પણ લંબાવી શકાય છે.
કમનસીબે જો રોગ આગળ વધી ગયો હોય તો ઑપરેશન કરી આખું ગર્ભાશય કાઢી નાખવું જરૂરી બને છે. જેથી ગર્ભ ધારણ કરી માતા બનવાનું શક્ય રહેતું નથી.
આ સિવાય ખૂબ આગળ વધી ગયેલા કિસ્સામાં ઑપરેશન પણ પૂરતું રહેતું નથી અને રેડિયોથૅરપી અથવા કીમોથૅરપી જેવા ઉપાગો માત્ર રહી જતા હોય છે.
આવા સમયે જીવનું જોખમ સૌથી વધારે હોય છે અને કૅન્સરમુક્ત થવાની શક્યતા સૌથી ઓછી થઈ જાય છે.
આથી રસી સમયસર લઈ લેવી અને નિયમિત વાર્ષિક નિદાન કરાવવું એકમાત્ર ઉપાય છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














