પુરુષોને થતું બ્રેસ્ટ-કૅન્સર : 'મેં મારા સ્તનને કાપી નાખવાની કોશિશ કરી હતી'

ઇમેજ સ્રોત, PETER BAGNALL
- લેેખક, જોઆન્ના ઇંગ
- પદ, બીબીસી રેડિયો ફાઇવ લાઇવ
બ્રેસ્ટ કૅન્સર એવી બીમારી છે જેનાથી સૌથી વધુ પરેશાન હોય છે સ્ત્રી, પરંતુ પુરુષને પણ સ્તનનું કૅન્સર થઈ શકે છે. પિટર બેગનેલને બ્રેસ્ટ-કૅન્સર જ થયું હતું.
બીબીસી રેડિયો ફાઇવ લાઇવના કાર્યક્રમમાં મહિલાઓના બ્રેસ્ટ-કૅન્સર વિશેની ચર્ચા વખતે બર્મિંગમમાં રહેતા 56 વર્ષના પિટર જોડાયા હતા. કૅન્સર પછી બ્રેસ્ટ કઢાવી નાખવાનું પસંદ કરનારી સ્ત્રીઓ વિશેની ચર્ચા કાર્યક્રમમાં થઈ હતી.
પિટરને પણ બ્રેસ્ટ-કૅન્સર થયું છે તેનું નિદાન થયું હતું. તે પછી કેવી વિમાસણમાંથી તેઓ પસાર થયા હતા તે તેમના જ શબ્દોમાં અહીં રજૂ કરીએ છીએ.
તેમના જીવનસાથી લૉરેનને પણ બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. બંનેએ કઈ રીતે તેનો સામનો કર્યો તે તેમના જ શબ્દોમાં.
મને બ્રેસ્ટ-કૅન્સર થયું ત્યારે હું એવી દુનિયામાં જતો રહ્યો, જેનો હિસ્સો હું હતો જ નહીં. મારા જીવનસાથી લૉરેનને વર્ષ 2006માં બ્રેસ્ટ-કૅન્સર થયું હતું.
તેથી મને થોડો અંદાજ હતો કે કૅન્સર થયું હોય, ત્યારે સ્ત્રીઓની હાલત શું થતી હોય છે. લૉરેને લમ્પેક્ટમી (lumpectomy) કરાવી હતી. પરંતુ બાદમાં સમગ્ર બ્રેસ્ટને દૂર કરવું પડ્યું હતું.
2013માં મેં જોયું કે મારી નિપલની નીચે ગાંઠ જેવું છે, પણ ત્યારે મને એવું નહોતું લાગ્યું કે બ્રેસ્ટ કૅન્સર થયું હશે.
જો લોરેને કહ્યું ના હોત તો હું ડૉક્ટર પાસે ગયો જ ના હોત. મને આખી વાત જરાક અજુગતી લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરે તરત જ મને હૉસ્પિટલ મોકલી આપ્યો હતો અને બાયોપ્સી કર્યા પછી નિદાન થઈ ગયું કે બ્રેસ્ટ-કૅન્સર જ છે.
મને બહુ આઘાત લાગ્યો હતો. મને કલ્પના જ નહોતી કે પુરુષોને પણ બ્રેસ્ટ-કૅન્સર થાય.
યુકેમાં દર વર્ષે લગભગ 390 પુરુષોને બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થાય છે. તેની સામે વર્ષે 55,000 મહિલાઓમાં તેનું નિદાન થાય છે. પુરુષ તરીકે મને લાગ્યું કે હું સાવ એકાકી છું.
હું એમ.આર.આઈ. (Magnetic resonance imaging) સ્કૅન માટે જાઉં ત્યાં પણ બોર્ડ માર્યું હોય કે "માત્ર મહિલાઓ માટે".
મને જે મૉડલ આપવામાં આવ્યું હતું તે પણ મહિલાઓ માટેનું જ મૉડલ હતું. એવી કોઈ વસ્તુ નહોતી કે મને લાગે કે મારા જેવા પુરુષ માટે છે. મને એવું લાગ્યું કે હું કૅન્સરની ફૂટનોટ જેવો છું.
તમે કોઈને કહો કે મને બ્રેસ્ટ-કૅન્સર થયું છે ત્યારે તેઓ અચંબામાં પડીને, આઘાતમાં સરી જાય. તેના કારણે તમારી સ્થિતિ વધારે કપરી થાય, કેમ કે તમને લાગે કે તમે કંઈક વિચિત્ર છો.
લોકો મને કહેતાં : 'સ્ત્રીઓને થાય એટલું ખરાબ તે નહીં હોય'. હું વિચારતો 'અરે, એવું જ છે. કૅન્સર આખરે કૅન્સર છે.'
મારે પણ ઑપરેશન્સ કરાવવાં પડ્યાં હતાં. મારે સારવાર લેવી પડી હતી. લોકો કહેતા કે મસ્ટેક્ટમી (mastectomy) કર્યા પછી 'સ્ત્રીને પોતે પૂર્ણ સ્ત્રી નથી તેવું લાગતું હોય છે'. તો મને પણ એવું જ લાગતું હતું કે હું પુરુષ તરીકે અપૂર્ણ છું.
અસમતોલ અનુભવ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
મેં મસ્ટેક્ટમી કરાવી તે પછી અરીસા સામે જોતો ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું.
મને એમ લાગતું કે પુરુષ તરીકે શરીરની બાબતમાં મને કોઈ ઇમેજનો પ્રૉબ્લેમ નથી, પણ હવે મને લાગતું હતું કે જાણે શારીરિક અસમતુલા ઊભી થઈ છે.
લોકોને એ ના ખબર પડે કે મારી એક બાજુ નિપલ છે, પણ બીજી બાજુ સાવ સપાટ થઈ ગઈ છે. આમ છતાં મને થયા કરતું કે બધા મારી સામે જ જુએ છે.
મારે રિકન્સ્ટ્રશન કરાવવું કે છાતીને સપાટ કરી દેવી તે માટેનો વિકલ્પ અપાયો જ નહોતો.
મેં આ વિશે વાત કરી હતી ખરી, પણ તેમને લાગ્યું કે હું વિચિત્ર છું.
હું બીજી બાજુની નિપલ પણ કઢાવી લેવા માગતો હતો, જે બાબત સમજવી તેમને અઘરી લાગી હતી.
છ મહિના પછી મેં જાતે બીજી બાજુનો છાતીનો ભાગ કાપી નાખવાની કોશિશ કરી હતી. તમને આ વધારે પડતું લાગશે, પણ મેં એવું જ કર્યું હતું.
મારી તાર્કિક બાજુ મને કહેતી હતી કે આમાં કશું શરમાવા જેવું નથી, પરંતુ મારી ભાવનામય બાજુ મને ઉશ્કેરતી હતી અને તેને કારણે મેં તેને કાપી નાખવાની કોશિશ કરી હતી.
એક રાત્રે બે વાગ્યે હું કિચનમાં પહોંચ્યો અને છરી લઈને મારી છાતીના ભાગને કાપવા લાગ્યો. લૉરેન ત્યાં સુધીમાં આવી ગઈ હતી અને તેણે મને અટકાવ્યો.
બે અઠવાડિયા સુધી મારે ઘરમાં ભરાઈને રહેવું પડ્યું હતું.
મને જો માનસશાસ્ત્રીઓએ સમજાવ્યો ના હોત, તો મને નથી લાગતું કે બીજી મસ્ટેક્ટમી (mastectomy, સ્તનના કોષ દૂર કરવા માટે કરાતી સર્જરી) માટે તૈયાર થયો હોત.
આ રીતે આખરે મેં બંને બાજુની મસ્ટેક્ટમી કરાવી હતી. આ મુદ્દે બે વિભાગો વચ્ચે ભારે તકરાર ચાલી હતી.
માનસશાસ્રનો વિભાગ કહેતો હતો કે આ દર્દીની બીજી બાજુની નિપલ પણ કાઢી નાખવી જરૂરી છે, જ્યારે બ્રેસ્ટસર્જરીનો વિભાગ બિનજરૂરી ઑપરેશન કરવા માટે તૈયાર નહોતો.
અમારી કૅન્સર સામેની લડાઈ

ઇમેજ સ્રોત, PETER BAGNALL
લૉરેન અને મેં બંનેએ કૅન્સર સામેની લડાઈ કરી છે અને તેમાં અમે બંને એકબીજાને સાથ આપતા રહ્યા છીએ. લૉરેનનો મને બહુ સપૉર્ટ મળ્યો હતો. બંને સાથે જ ડૉક્ટરને ત્યાં જતાં હતાં.
2016માં લૉરેનને પીઠમાં ભારે દુખાવા સાથે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
બે દિવસ પછી અમને જણાવાયું કે "બ્રેસ્ટ-કૅન્સર આગળ વધીને હાડકા સુધી પહોંચ્યું છે".
ડૉક્ટરે તરત જ તેને ઍન્ટિહિસ્ટેમિન (antihistamine) દવા આપવાનું શરૂ કર્યું અને તેની કિમોથેરપી પણ કરાવવી પડી.
તે 18 મહિના અમારા માટે સૌથી શ્રેષ્ઠ હતા. અમે સતત સાથે ને સાથે રહીને જગતભરની કરી શકાય તેવી બધી જ વાતો કરતા રહ્યા હતા.
જે વિશે લોકો વાતો કરતા હોતા નથી, પણ કરવી જોઈએ તેવી બાબતોની પણ અમે ચર્ચા કરતા રહ્યા હતા.
અમારાં નવ બાળકો હતાં, પણ અમે ક્યારેય લગ્ન કર્યાં નહોતાં.
આખરે હોસ્પિટલમાં હતાં, ત્યારે જ અમે સત્તાવાર રીતે પરણી જવાનું નક્કી કર્યું હતું.
અમારાં લગ્ન આખરે થયાં અને 15 દિવસ પછી જ લૉરેન સદાય માટે મારા જીવનમાંથી વિદાય લઈને જતી રહી.
મને એ વાતનો સૌથી વધુ આત્મસંતોષ છે કે હું લૉરેને કહી શક્યો હતો કે "તું બીજા માટે હંમેશાં જીવતી રહી છે. આ હવે તારું પોતાનું મૃત્યુ છે એટલે તારી ઇચ્છા પ્રમાણે તું જજે".
તે પછી એક રવિવારે લૉરેને કહ્યું: "પીટ, શું હું હવે જઈ શકું?"
દુઃખનાં મોજાં

ઇમેજ સ્રોત, PETER BAGNALL
મને લાગે છે કે અમુક રીતે બ્રેસ્ટ-કૅન્સરને કારણે મારા મનના ઊંડાણથી વિચારતો થયો હતો.
દુઃખ આવશે તેની અપેક્ષા હોય તેની સાથે હું પનારો પાડી શકું છું. પણ ક્યારેક અચાનક દુઃખના મોજા ઉમટી આવે છે અને મારા પર ફરી વળે છે.
છેલ્લે હું વાર્ષિક ચેકઅપ માટે હૉસ્પિટલ ગયો હતો, ત્યારે અચાનક મારા મનમાં એ ભ્રમણા ઉમટી આવી હતી.
હૉસ્પિટલમાં અમે સાથે બહુ સમય વિતાવ્યો હતો એટલે મને અચાનક લાગ્યું કે લૉરેન પણ અહીં જ મારી આસપાસ આંટા મારી રહી છે.
મારી તપાસ ચાલી રહી હતી, ત્યારે હું ના જાણે શું બોલબોલ કરી રહ્યો હતો ખબર નહીં.
એક નર્સે આવીને મને કહ્યું કે "તમે નિપલ લગાવી શકો છો તે બાબતમાં કદી વિચાર્યું છે ખરું?"
મને પ્રથમવાર નિપલના ટેટૂ બનાવવા માટેની ઓફર થઈ રહી હતી.
હું હૉસ્પિટલ ગયો અને બ્રેસ્ટ નર્સે મારી છાતી પર નિપલના ટેટૂ ચીતરી આપ્યાં. ટેટૂની જેમ જ તે કરવામાં આવે છે, પણ તેમાં જુદા પ્રકારની ઇન્ક વાપરવામાં આવે છે.
મેં આ વિશે કદી નહોતું વિચાર્યું, પણ તેનાથી મને બહુ ફરક પડી ગયો.
સ્ત્રીઓથી વિપરિત પુરુષો પોતાની નિપલ પ્રદશિત કરતા હોય છે.
વર્ષો સુધી હું તરવા માટે જઈ શક્યો નહોતો. મને તરણમાં બહુ મજા આવતી હતી, પણ મારે તે જતી કરવી પડી હતી.
હવે હું તરવા જાઉં છું, ત્યારે વધારે આત્મવિશ્વાસ સાથે જાઉં છું.
એકાકી દુનિયા
પહેલાં હું એ વાત સ્વીકારી જ નહોતો શક્યો કે મને બ્રેસ્ટ-કૅન્સર છે અને તેથી હું કોઈને કહેતો નહોતો.
હું ખરેખર એકાકી થઈ ગયો હતો. બ્રેસ્ટ-કૅન્સર થયું હોય તેવા પુરુષોનું કોઈ ગ્રૂપ મેં જાણ્યું નહોતું. મારી જેવી કોઈ વ્યક્તિ પણ મને મળી નહોતી.
મારા માટે બહુ એકાકી દુનિયા બની ગઈ હતી. મને સમજાતું નહોતું કે કોને મળવું જોઈએ.
બ્રેસ્ટ-કૅન્સર થયાના સાડા પાંચ વર્ષ પછી આખરે મને એક એવો પુરુષ મળ્યો, જે મારી જેવી સ્થિતિમાંથી જ પસાર થયો હતો.
હું ફાઇવ લાઇવ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેમાં સ્ત્રીઓ પોતાના બ્રેસ્ટ કઢાવી નાખવાનું પસંદ કરે કે તેને રિકન્સ્ટ્રક્ટ કરે તેની ચર્ચા ચાલી રહી હતી.
મને થયું કે મને આવી ઓફર કરવામાં આવી નહોતી, તેથી મને થયું કે મારે ફોન કરીને પ્રસારણમાં જોડાવું જોઈએ.
બાદમાં ફાઇવ લાઇવ કાર્યક્રમે મને ગાઇલ્સ સાથે સંપર્ક કરાવ્યો. તેણે પણ બ્રેસ્ટ કૅન્સર પછી મસ્ટેક્ટમી કરાવી હતી.
મારી જેવી જ પીડા ભોગવનારા પુરુષ સાથે વાત કરવાથી મને ઘણી સાંત્વના મળી હતી.
તેના કારણે મને આખરે લાગ્યું કે હું પણ એક નૉર્મલ માણસ છું.
સંદેશ પહોંચાડવાની જરૂર

ઇમેજ સ્રોત, Science Photo Library
મેં સ્વીકારી લીધું છે કે મને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. મેં બ્રેસ્ટ-કૅન્સરની પીડા ભોગવી હતી. પુરુષને પણ બ્રેસ્ટ-કૅન્સર થઈ શકે છે તે વાત કરવાથી આખરે ઘણી રાહત થાય છે.
હું ઇચ્છું છું કે આ બાબતમાં જાગૃતિ આવે કે આ માત્ર સ્ત્રીઓને થતો રોગ નથી. તે પુરુષને પણ થઈ શકે છે.
મને લાગે છે હું આ સંદેશ સૌને આપી રહ્યો છું તે જાણીને લૉરેન જ્યાં પણ હશે ત્યાં ખુશ થશે.
મને લાગે છે કે આ વાંચીને પણ કેટલાકને લાગશે કે આ વાત કરવા જેવી છે. બ્રેસ્ટ-કૅન્સર થયું હોય તેવા પુરુષો પોતાની વાત કરી શકશે. તે જાણીને પણ લોરેન ઘણી ખુશ થશે.
(અંગ્રેજીમાં પ્રકાશિત મૂળ લેખ વાચવા માટે અહીં ક્લિક કરો. )
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















