સોનાલી બેન્દ્રેને કયું કૅન્સર થયું છે? તેનો ઇલાજ કઈ રીતે થાય છે?

ઇમેજ સ્રોત, SONALI BENDRE/FACEBOOK
સોનાલી બેન્દ્રે થોડા દિવસથી 'ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' રિયાલિટી શોમાં દેખાતા બંધ થઈ ગયા, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે હિન્દી ફિલ્મોની અભિનેત્રીની ગેરહાજરીનું કારણ ગંભીર બીમારી છે.
સોનાલી કૅન્સર સામે જંગ લડી રહ્યાં છે. આ માહિતી ખુદ સોનાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.
સોનાલીએ એ પોસ્ટમાં જણાવ્યું હતું, "હમણાં જ ખબર પડી છે કે મને હાઈ ગ્રેડ મેટાસ્ટેટિસ કૅન્સર છે. મને એ થવાની ક્યારેય ધારણા ન હતી.
"સતત થઈ રહેલી પીડા પછી મેં તબીબી તપાસ કરાવી હતી. એ પછી આ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે."
સોનાલીએ એમ પણ જણાવ્યું હતું, "આ ઘડીમાં મારો પરિવાર તથા મારા દોસ્તો મારી સાથે છે અને શક્ય હોય એવી દરેક રીતે મને સધિયારો આપી રહ્યા છે.
"હું એમની આભારી છું અને ખુદને ભાગ્યશાળી ગણી રહી છું."
તમે આ વાંચ્યું કે નહીં?
શું હોય છે હાઈ ગ્રેડ મેટાસ્ટેટિસ કૅન્સર?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, INSTAGRAM/BBC
સોનાલીની આ પોસ્ટ બાદ બધા એ જાણવા ઇચ્છે છે કે તેમને થયેલું કૅન્સર ક્યા તબક્કામાં છે અને કેટલું ખતરનાક છે?
આ સવાલ અમે પણ દેશના વિખ્યાત ઑન્કોલોજિસ્ટ(કૅન્સર નિષ્ણાત)ને પૂછ્યો હતો.
દિલ્હીની અપોલો હોસ્પિટલમાં ઑન્કોલોજી વિભાગનાં વડાં ડૉ. સપના નાંગિયાએ કહ્યું હતું, "સોનાલી બેન્દ્રેએ તેમને થયેલા કૅન્સરની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
"તેમને થયેલું કૅન્સર કેટલું ખતરનાક છે તેની ચોક્કસ માહિતી એ પોસ્ટને આધારે જાણવાનું મુશ્કેલ છે."
ડૉ. સપના નાંગિયાએ કહ્યું હતું, "કોઈ પણ કૅન્સરની જાણકારી મેળવવા માટે, પ્રાઇમરી ટ્યુમર ક્યાં હતું એ જાણવું બહુ જરૂરી હોય છે. સોનાલીના કૅન્સર સંબંધે આ માહિતી હજુ મળી નથી."
મેટાસ્ટેટિસ કૅન્સર શું હોય છે, એવા સવાલના જવાબમાં ડૉ. સપના નાંગિયાએ કહ્યું હતું, "દરેક મેટાસ્ટેટિસ કૅન્સર જીવલેણ નથી હોતું. ઘણીવાર આ કૅન્સરનો ઇલાજ શક્ય હોય છે."
મેટાસ્ટેટિસ કૅન્સરનો અર્થ એ છે કે દર્દીના શરીરમાં કૅન્સરના કોષ એ જગ્યાએ નથી, જ્યાંથી કૅન્સરની શરૂઆત થઈ છે. એ શરીરના બીજા અંગોમાં ફેલાઈ ચૂક્યા હોય છે.
તેમના જણાવ્યા મુજબ, "કૅન્સરમાં પ્રાયમરી ટ્યુમર ક્યાં છે તેની ખબર પડે એ પણ ઘણીવાર અપૂરતું હોય છે.
"દાખલા તરીકે, બ્રૅસ્ટ કૅન્સર મેટાસ્ટેટિસાઇઝ થઈ ગયું હોય, ત્યારે પ્રાઇમરી ટ્યુમરની ખબર પડી જાય એ પૂરતું નથી હોતું.
"બ્રેસ્ટ કૅન્સરના અનેક પ્રકાર હોય છે, જેમનું મેટાસ્ટેટિસાઇઝ થઈ જવું ઘણીવાર જીવલેણ સાબિત થાય છે અને ઘણીવાર એવું નથી થતું."

ચોથું સ્ટેજ હંમેશા જીવલેણ નહીં

ઇમેજ સ્રોત, SONALI BENDRE/FACEBOOK
દરેક કૅન્સરમાં મેટાસ્ટેટિસનો અર્થ ચોથું સ્ટેજ એવો થાય છે, પણ દરેક કૅન્સરમાં ચોથું સ્ટેજ જીવલેણ હોય એ જરૂરી નથી.
મુંબઈની ટાટા મેમોરિયલ કૅન્સર હોસ્પિટલના ડૉ. આશુતોષ તોંડારેના જણાવ્યા મુજબ, "મેટાસ્ટેટિસ કૅન્સરનો એવો અર્થ ક્યારેય ન કરવો કે કૅન્સર ક્યા તબક્કામાં છે.
"તેનો અર્થ એ થાય કે કૅન્સરના કોષ ક્યા તબક્કામાં છે. તેનાથી એ ખબર પડે કે કૅન્સરના કોષ શરીરના બીજા હિસ્સામાં ફેલાઈ રહ્યા છે."
સોનાલી બેન્દ્રેને 'હાઈ ગ્રેડ મેટાસ્ટેટિસ કૅન્સર' થયું છે એટલે 'હાઈ ગ્રેડ' શું છે? એ જાણવું જરૂરી છે.
ડૉ. સપના નાંગિયાના જણાવ્યા મુજબ, હાઈ ગ્રેડના બે અર્થ થાય છે. પહેલો અર્થ એ કે તેનું પ્રાઇમરી ઓરિજિન બદલાઈ ગયું છે અને બીજો અર્થ એ કે ટ્યુમરનો પ્રકાર બદલાઈ ગયો છે મતલબ કે એ ઝડપભેર ફેલાઈ રહ્યું છે.
કઈ રીતે કરી શકાય ઇલાજ?

ઇમેજ સ્રોત, TWITTER/SONALI/BBC
સોનાલી બેન્દ્રેએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ હાલ ન્યૂ યોર્કમાં સારવાર લઈ રહ્યાં છે.
સવાલ એ છે કૅન્સર ચોથા તબક્કામાં હોય ત્યારે તેનો ઇલાજ કઈ રીતે શક્ય છે?
ડૉ. આશુતોષ તોંડારેના જણાવ્યા અનુસાર, "આમ તો કૅન્સરનો સૌથી ઉત્તમ ઇલાજ સર્જરી હોય છે. એ પણ એવા તબક્કે જ્યારે કૅન્સરના કોષ શરીરના બીજા હિસ્સામાં ફેલાયેલા ન હોય, પણ એ પહેલા તથા બીજા સ્ટેજમાં સફળ થાય છે.
"કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ત્રીજા સ્ટેજમાં પણ સર્જરી કરવામાં આવતી હોય છે. સર્જરી પહેલાં દરેક વખતે દર્દીને કીમોથેરપી આપવામાં આવે છે."
કૅન્સર ચોથા સ્ટેજમાં હોય ત્યારે તેના ઇલાજ બાબતે ડૉ. આશુતોષ તોંડારેએ જણાવ્યું હતું, "કૅન્સરના ચોથા સ્ટેજમાં સર્જરી શક્ય નથી.
"એ સિવાય કેટલાંક ચોક્કસ પ્રકારનાં કૅન્સરમાં ટાર્ગેટ થેરાપી પણ સફળ થાય છે. તેમાં ટૅબ્લેટ અને ઇન્જેક્ષશન મારફત દવા લોહીમાં મોકલવામાં આવે છે, જેથી કૅન્સરના કોષ શરીરના બીજા હિસ્સામાં ન ફેલાય."
કેટલાક પ્રકારના મેટાસ્ટેટિસ કૅન્સરમાં રેડિયેશનનો સહારો પણ લેવામાં આવે છે. આ પ્રકારની સારવાર હાડકાંમાંથી કૅન્સરને દૂર કરવામાં ઘણી ફાયદાકારક સાબિત થાય છે.
જોકે, કૅન્સરનું નામ સાંભળ્યા બાદ બધાના મનમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે તેમાં દર્દીના બચવાની શક્યતા કેટલી હોય છે?
આ સવાલના જવાબમાં રિલાયન્સ મેમોરિયલ હોસ્પિટલના રેડિયોલૉજિસ્ટ અને ઑન્કોલોજિસ્ટ ડૉ. પ્રસાદ દાંડેકરે કહ્યું હતું, "જે રીતે દરેક કૅન્સરની સારવાર અલગ-અલગ હોય છે તેમ દરેક કૅન્સરમાં જોખમ પણ અલગ-અલગ પ્રકારનું હોય છે.
"તેનો આધાર કૅન્સર ક્યા તબક્કામાં છે તેના પર હોય છે. ફેફસાંના કૅન્સરમાં દર્દીના બચવાની શક્યતા સૌથી ઓછી હોય છે."
ભારતમાં સારવાર કેટલી શક્ય?

ઇમેજ સ્રોત, INSTAGRAM/BBC
ક્રિકેટર યુવરાજ સિંહ હોય કે અભિનેતા ઈરફાન ખાન, ગંભીર બીમારી પછી બહુ ઓછી સેલેબ્રિટી ભારતમાં સારવાર કરાવતી હોય છે.
વિખ્યાત લોકો વિદેશ જઈને જ સારવાર કરાવતા હોય છે. એવું કેમ? ભારતમાં એવી સારવાર ઉપલબ્ધ નથી?
આ સવાલના જવાબમાં ડૉ. પ્રસાદ દાંડેકરે કહ્યું હતું, "ભારતની હોસ્પિટલોમાં દરેક પ્રકારના કૅન્સરની તમામ પ્રકારની સારવારની ટેકનૉલૉજી ઉપલબ્ધ છે, પણ આ પ્રકારના કૅન્સરની સારવારમાં પ્રાઇવસી જરૂરી હોય છે.
"ઘણીવાર દર્દીઓ તેમની તકલીફની માહિતી છૂપાવવા ઇચ્છતા હોય છે. સેલિબ્રિટીના કિસ્સામાં આવી મુશ્કેલી થતી હોય છે.
"કૅન્સરની સારવારમાં ઘણી વખત દર્દીના વાળ ઊતરી જાય છે. તેમને ઉલટી થાય છે. તેમનો ચહેરો એકદમ નિસ્તેજ થઈ જાય છે. સેલેબ્રિટી એવી પરિસ્થિતિમાં ફોટો પડાવવા ઇચ્છતા નથી.
"ભારતમાં આ પ્રકારના ફોટોગ્રાફ્સ લીક થવાની શક્યતા હોય છે. વિદેશની હોસ્પિટલોમાં દર્દીઓની પ્રાઇવસીનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે."
ડૉ. આશુતોષ તોંડારેએ કહ્યું હતું, "ભારતમાં તેની સારવાર શક્ય છે. ખાસ કારણસર કોઈ ખામી હોય તો અમે વિદેશમાંથી ડૉક્ટર તથા દવા મંગાવીને પણ સારવાર કરીએ છીએ.
"જોકે, પોતાની બીમારીની સારવાર ક્યાં કરાવવી તે દર્દીનો અંગત નિર્ણય હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












