થિયેટરમાં પોપકોર્નની કિંમત બજાર કરતાં કેમ વધારે હોય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ થિયેટરોમાં તોડફોડ કરી હતી.

કાર્યકર્તાઓએ થિયેટરમાં પોપકોર્ન સહિતની ખાદ્યસામગ્રીના વધારે લેવાતા ભાવનો વિરોધ કરતાં આ તોડફોડ કરી હતી.

લોકો થિયેટરમાં જ્યારે પોપકોર્ન ખરીદવા જાય ત્યારે તેમને અંદાજ આવે છે કે ભાવ જાણે આસમાને પહોંચી ગયા છે.

સામાન્ય રીતે બજારમાં પોપકોર્ન 30થી 50 રૂપિયામાં મળે છે, આ જ પોપકોર્નની મલ્ટિપ્લેક્સમાં કિંમત વધીને 130થી 200 રૂપિયા જેટલી થઈ જતી હોય છે.

પરંતુ સવાલ એ છે કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા લોકો પાસેથી આટલી વધારે કિંમત શા માટે વસૂલવામાં આવે છે.

line

બજારથી વધારે કિંમત શા માટે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મકાઈમાંથી બનાવવામાં આવતા પોપકોર્ન થિયેટરોની પહેલી પસંદ છે.

ભારતની વાત કરવામાં આવે તો ચોખા અને ઘઉં બાદ ત્રીજા નંબરે સૌથી વધુ લેવાતા પાકમાં મકાઈનો સમાવેશ થાય છે.

દેશમાં મકાઈનું સરેરાશ ઉત્પાદન 22 મિલિયન ટનની આસપાસ છે.

આટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવા છતાં તેમાંથી બનતા પોપકોર્નનો ભાવ મલ્ટિપ્લેક્સમાં શા માટે વધુ હોય છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ સવાલનો જવાબ આપતા ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોશિયેશનના પ્રમુખ મનુભાઈ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે, "મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન અથવા તો અન્ય ખાદ્ય વસ્તુઓના ભાવ થિયટર માલિકો દ્વારા નક્કી કરવામાં આવે છે."

તેમણે ઉમેર્યું, "જ્યારે કોઈ વસ્તુ સામાન્ય દુકાનમાંથી ખરીદવામાં આવે અને એ જ વસ્તુ કોઈ મૉલમાંથી ખરીદવામાં આવે ત્યારે ભાવમાં તફાવત રહેવાનો જ. બસ આ જ તફાવતને કારણે થિયેટરોમાં ખાદ્ય વસ્તુઓ મોંઘી મળે છે."

તેમણે એવું પણ જણાવ્યું કે થિયેટર માલિકોની આવકનો મહત્ત્વનો સ્રોત ફૂડકોર્ટ એટલે કે ત્યાં મળતી ખાદ્ય વસ્તુઓમાંથી નીકળે છે કારણ કે ફિલ્મની ટિકિટમાંથી થિયેટર માલિકો કરતાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સની વધારે કમાણી કરે છે.

line

થિયેટર માલિકોને કેટલી કમાણી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરતા વંદન શાહે બીબીસીને જણાવ્યું કે ફિલ્મ ડ્રિસ્ટ્રીબ્યૂટર અને થિયેટર માલિકો વચ્ચે નફાની વહેંચણી ફિલ્મ પર અને તેની કમાણીને આધારે નક્કી કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું, "સ્થાનિક ભાષાની ફિલ્મોના નફામાં 45:55 નો ગાળો હોય છે. એટલે કે જીએસટી અને અન્ય ટૅક્સ બાદ જે નફો થાય તેમાં 45 ટકા ડિસ્ટ્રીબ્યૂટરના અને 55 ટકા થિયેટર માલિકોના ફાળે આવે છે."

શાહ ઉમેરે છે, "હિન્દી ફિલ્મોમાં 47.5, 50 અને 55.5 આ ત્રણ રીતે નફાની વહેંચણી કરવામાં આવે છે. જો ફિલ્મ સારી ચાલે તો આ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે."

line

'કાયદો નથી એટલે ભાવ વધુ છે'

સિને ઑનર્સ ઍન્ડ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોશિયેશનના અધિકારી નીતિન દતરેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મલ્ટિપ્લેક્સ દ્વારા લેવામાં આવતા ભાવ અંગે સરકાર દ્વારા કોઈ કાયદો નથી. જેથી થિયેટર માલિકો દ્વારા વધારે ભાવ લેવામાં આવે છે."

તેમણે જણાવ્યું કે જો કોઈ ગ્રાહકને મલ્ટિપ્લેક્સનો ભાવ વધુ લાગતો હોય તો તેઓ સિંગલ સ્ક્રિનમાં પણ ફિલ્મ જોવા જઈ શકે છે.

નીતિને વધુ ઉમેરતા કહ્યું કે આ અંગે મુંબઈ હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે કે થિયેટરોમાં ફિલ્મ જોવા જતાં દર્શકો તેમની સાથે જમવાનું લઈ જઈ શકે કે નહીં."

"જો સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે તો બધી વસ્તુઓના ભાવ નક્કી થઈ શકે છે."

line

ફિલ્મની ટિકિટ પર કેટલો ટૅક્સ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગયા વર્ષે કેન્દ્રની મોદી સરકાર ગુડ ઍન્ડ સર્વિસ ટૅક્સ (GST) લઈને આવી હતી જે અંતર્ગત ફિલ્મની ટિકિટના ભાવોમાં ફેરફાર થયો છે.

આ અંગે ગુજરાત સરકારના મનોરંજન કર વિભાગના કમિશ્નર ધીરજ કાકડિયાએ જણાવ્યું, "જીએસટી બાદ હવે 100 રૂપિયા કે તેથી નીચેની ટિકિટ પર 18 ટકા ટૅક્સ વસૂલવામાં આવે છે અને 100 રૂપિયાની ઉપરના ભાવની ટિકિટ પર 28 ટકા વસૂલવામાં આવે છે."

સામાન્ય રીતે લોકો થિયેટરોમાં ફિલ્મ જોવા જતા હોય ત્યારે તેમને ફરજિયાત રીતે ત્યાં મળતો જ નાસ્તો ખરીદવો પડતો હોય છે કારણે કે થિયેટર માલિકો ગ્રાહકોને ખાવાની વસ્તુ અંદર લઈ જવાની પરવાનગી આપતા નથી.

line

'ગુજરાતમાં શરૂ થયો વિરોધ'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતનાં નાના શહેરોને છોડીને જો મૅગા સિટીની વાત કરવામાં આવે તો ત્યાં ઘણાં મલ્ટિપ્લેક્સ આવેલા છે.

એકસાથે ચાર પાંચ સ્કિન ધરાવતા આ મલ્ટિપ્લેક્સમાં સામાન્ય કરતાં વધારે ભાવ વસૂલાતા હોવાથી સુરતનું એક સંગઠન તેનો વિરોધ કરી રહ્યું છે.

નૅશનલ યુવા સંગઠન 15 જુલાઈના રોજ શહેરમાં લોકોને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ ન જોવા જવા માટે જાગૃત કરી રહ્યા છે.

સંગઠનના કાર્યકર અજય જાંગીડા બીબીસી ગુજરાતીને જણાવે છે, "થિયેટર માલિકો દ્વારા મન ફાવે તેમ ખાદ્ય પદાર્થોના ભાવ લેવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા અમે થિયેટરોની બહાર બેનરો સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું."

તેઓ ઉમેરે છે, "આ અંગે અમે સ્થાનિક કલેક્ટરને પણ ફરિયાદો કરી છે પરંતુ તેઓએ એવો જવાબ આપ્યો કે સરકાર દ્વારા કોઈ કાયદો ન હોવાને કારણે અમે કંઈ કરી ના શકીએ."

line

પોપકોર્ન અને થિયેટરનો ઇતિહાસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પોપકોર્નનો ઇતિહાસ અમેરિકા સાથે જોડાયેલો છે. 18મી સદીની શરૂઆતમાં પોપકોર્ન અમેરિકાનું સૌથી પ્રખ્યાત સ્નેક્સ બની ગયા હતા.

એવું માનવામાં આવે છે કે સૌથી પહેલું કોમર્શિયલ પોપકોર્ન મશીન 18મી સદીમાં સિકાગોમાં ચાર્લ્સ ક્રીટોર્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.

આ મશીન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળ રહે એ રીતે બનાવવામાં આવ્યું હતું.

'પોપ્ડ કલ્ચર: અ સોશિયલ હિસ્ટ્રી ઑફ પોપકોર્ન' પુસ્તકમાં એન્ડ્ર્યૂ સ્મિથ લખે છે કે વર્ષ 1930માં અમેરિકા સહિત વિશ્વની ઘણી જગ્યાએ આર્થિક કટોકટીનું વાતાવરણ પેદા થયું હતું, પરંતુ આ સમય ફિલ્મ અને પોપકોર્ન માટે સારો સાબિત થયો.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખાંડ અને બીજા ખાદ્ય પદાર્થોની સપ્લાય પર ભારે અસર પડી હતી. ત્યારે પોપકોર્ન એવી ચીજ હતી જે સરળતાથી મળતી હતી.

ઇતિહાસમાં નજર કરવામાં આવે તો જાણવા મળશે કે સિનેમાઘરોની અંદર કોઈ પણ જાતનું જમવાનું લઈ જવામાં આવતું નહોતું. ધીમેધીમે સિનેમાઘરોની બહાર પોપકોર્નનું વેચાણ શરૂ થયું હતું.

line

થિયટરમાં સૌથી પહેલાં પોપકોર્ન વેચનાર વ્યક્તિ

સ્મિથ લખે છે કે એ સમયે સસ્તા ભાવે કંઈ મળતું હોય તો તે પોપકોર્ન હતા. લોકો જ્યારે ફિલ્મ જોવા જતા હતા ત્યારે પોપકોર્ન ખરીદવાનું પસંદ કરતા હતા.

ફિલ્મ જોવા આવનાર લોકો તેમની સાથે બહારથી પોપકોર્ન લઈને આવતા હતા. થિયેટર માલિકોને આ પસંદ નહોતું પડતું.

ત્યારબાદ થિયેટર માલિકોએ બહાર પોપ કોર્ન વેચતા ફેરિયાઓને અંદરની લોબી દૈનિક ભાડાપેટે આપવાનું શરૂ કર્યું.

સ્મિથને ટાંકીને ન્યુ યોર્કે ટાઇમ્સે અહેવાલ છાપ્યો હતો કે થિયટરમાં સૌથી પહેલાં પોપકોર્ન વેચનાર અમેરિકાના જુલિયા બ્રાડેન હતા.

1931 આવતા-આવતા તો તેમણે ચાર મોટાં થિયેટરોમાં પોતાના પોપકોર્નના સ્ટોલ લગાવી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો