ચીનમાં શા માટે ફિલ્મસ્ટાર્સની કમાણી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે

અભિનેત્રી

ઇમેજ સ્રોત, Reuters

બોલીવૂડમાં ફિલ્મસ્ટાર્સને અધધ રકમ ચૂકવવામાં આવતી હોય છે એવા સમાચાર વારંવાર જોવા મળતા હોય છે.

પરંતુ કોઈ દેશ ફિલ્મોમાં કલાકારોને ચૂકવવામાં આવતી રકમની મર્યાદા નક્કી કરે એ રસપ્રદ વાત છે.

ખરેખર ચીનમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ચીનના ફિલ્મ ઉદ્યોગમાં પૈસાને જ અપાતા પ્રાધાન્ય અને કરચોરીને રોકવા માટે કલાકારોને મળતી રકમની મર્યાદા નક્કી કરી રહ્યા છે.

ચાઇનીઝ ફિલ્મ ઉદ્યોગ અને ટીવી કાર્યક્રમોમાં કામ કરતા કલાકારોને ફિલ્મ-કાર્યક્રમના નિર્માણમાં ખર્ચાયેલી રકમના 40 ટકા જેટલી મહત્તમ રકમ મળી શકશે એવી મર્યાદા નક્કી કરવામાં આવી છે.

દરમિયાન ફિલ્મમાં મુખ્ય અભિનેતા-અભિનેત્રીને તમામ કલાકારોને ચૂકવવામાં આવતી રકમના 70 ટકાથી વધુ ચૂકવવામાં નહીં આવે. એવું સરકારી અધિકારીઓનું કહેવું છે.

થિયેટર

ઇમેજ સ્રોત, AFP

ફિલ્મ ઉદ્યોગમાં થતી કરચોરી અને સેલિબ્રિટીઝને થતી ચૂકવણી મામલેની ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.

ચીનની પાંચ સરકારી એજન્સી દ્વારા સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં ચીનના પ્રચાર-પ્રસાર વિભાગ, સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય, રેડિયો, ટીવી અને ફિલ્મ બાબતોના નિયામકોનો તેમાં સમાવેશ થાય છે.

આપને આ પણ વાંચવું ગમશે

હાલ સરકાર કેમ આવી મર્યાદા લાવી રહી છે તે વિશે કોઈ ખાસ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

અધિકારીઓનું કહેવું છે કે કલાકારોને જંગી રકમ ચૂકવાતી હતી અને યીન-યાંગ કરાર કરવામાં આવતા હતા ઉપરાંત કરચોરી સહિતના મુદ્દાઓને પગલે તેમણે આ નિર્ણય કર્યો છે.

line

શું છે યીન-યાંગ કરાર

કથિતરૂપે આ કરાર હેઠળ કલાકાર ફિલ્મમાં થનારી તેની સાચી કમાણી(ચૂકવણી) છુપાવે છે.

ઉદાહરણ તરીકે કલાકાર એક નહીં બે કરાર કરે છે. એકમાં તે કર ચૂકવણી સાથે થતી રકમ જાહેર કરે છે. જે તેને મળનારી કુલ રકમ કરતા ઓછી હોય છે.

જ્યારે કરાર કરે છે તેમાં સાચી રકમ હોય છે પણ તેને જાહેર કરવામાં નથી આવતો.

ગત મહિને સેલિબ્રિટીસ દ્વારા કથિત કરચોરી મામલે થયેલા વિવાદને પગલે કદાચ આ પગલાં લેવામાં આવ્યા હોઈ શકે છે.

મે મહિનામાં ટીવી પ્રેઝન્ટેર કુઈ યોંગ્યુઆને સોશિયલ મીડિયમાં એક પોસ્ટ કરી હતી.

તેમાં તેમણે ચીનના સૌથી પ્રખ્યાત અભિનેત્રી ફેન બિન્ગબિન્ગે 1.6 અમેરિકી ડૉલરનો આ કરાર કર્યો તેની વાત કહી હતી.

ચીનની તસવીર

ઇમેજ સ્રોત, WEIBO

વળી તેમણે એક બીજી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી જેમાં કથિતરૂપે કહ્યું હતું કે ઘણા ફિલ્મ કલાકારો બે કરાર કરતા હોય છે.

પોસ્ટમાં તેમણે વધુમાં લખ્યું હતું કે તેઓ યીન-યાંગ કરાર કરતા હોય છે, પછી અધિકારીઓને સૌથી ઓછી રકમનો કરાર સુપરત કરતા હોય છે. આમ કરીને તેઓ કરચોરી કરે છે.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને લાગ્યું કે તેઓ ફેન બિન્ગબિન્ગના કરારની જ વાત કરી રહ્યા છે.

જોકે, અભિનેત્રીના સ્ટુડિયોએ કોઈ પણ પ્રકારની ગેરરીતિનો ઇન્કાર કર્યો હતો અને તેમણે આ ટીવી પ્રેઝન્ટરને કાનૂની કેસની ચેતવણી આપી હતી.

જૂન મહિનામાં ચીનના અધિકારીઓએ આ ઓનલાઈન ચર્ચાઓને પગલે કેટલાક ફિલ્મ અને ટીવી કલાકારો દ્વ્રારા કથિત કરચોરીની તપાસ આદરી હતી.

line

ફિલ્મ કલાકોરોના મહેનતાણામાં સરકારનો હસ્તક્ષેપ સામાન્ય બાબત છે?

અન્ય ફિલ્મ ઉદ્યોગ હોલીવૂડ અને બોલીવૂડમાં સરકારનો આવો હસ્તક્ષેપ નથી.

પરંતુ ચીનમાં સરકાર ખાનગી ક્ષેત્રમાં પણ દખલગીરી કરી રહી છે.

બુધવારે જાહેર કરવામાં આવેલી નીતિમાં કહેવાયું છે કે ફિલ્મ નિર્માણ કંપનીઓએ સમાજના હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. માત્ર બોક્સ ઓફિસની કમાણી અને રેટિંગ્સ પર જ ફોકસ ન કરવું જોઈએ.

અત્રે નોંધવું રહ્યું કે ચીનની સરકાર સેન્સરશિપ અને નિયમન કરવા માટે જાણીતી છે.

ધ ગ્રેટ વોલ

ઇમેજ સ્રોત, The great wall/BBC

સોશિયલ મીડિયમાં પણ કેટલાક સંવેદનશીલ શબ્દો પ્રતિબંધિત કરી દીધા છે.

વળી ચાઈનીઝ પત્રકારોને રાજકીય અને વૈચારિક તથા કામકાજની દૃષ્ટિએ ફોલો કરવા પણ કહેવામાં આવ્યું હતું.

ગત વર્ષે ટીવી કાર્યક્રમ મામલે નવા નિયમો જાહેર કરાયા હતા. તેમાં કાર્યક્રમના વિષય અને કથાને નિયમન કરતા નિયમો હતા.

જેમાં લોકોની સાંસ્કૃતિક સમજ અને પસંદને અને સમાજની આધ્યાત્મિક સ્થિતિ સુધારવા માટે કહેવામાં આવ્યું હતું.

line

ચાનીઝ ફિલ્મ ઉદ્યોગનું કદ કેટલું છે?

ચીનના ફિલ્મ નિર્માણગૃહની વ્યાપકતા હોલીવૂડ જેટલી નથી પરંતુ તાજેતરમાં ચાઇનીઝ ફિલ્મ કંપનીઓ અને હોલીવૂડે સંયુક્ત રીતે ફિલ્મનિર્માણ મામલે પ્રોજેક્ટ કર્યા હતા.

સંયુક્ત રીતે નિર્માણ થયેલી ફિલ્મોમાંની એક પ્રખ્યાત ફિલ્મ 'ધ ગ્રેટ વૉલ' છે.

જેના નિર્માણની કિંમત 150 મિલિયન ડોલર (લગભગ દસ અબજ રૂપિયા) હતી. પરંતુ બોક્સ ઓફિસ પર તે વધુ સફળ નહોતી રહી.

પરંતુ ચીનનો ફિલ્મ ઉદ્યોગ ફિલ્મ સ્ટુડીયો માટે મહત્ત્વ ધરાવે છે. કેમ કે ચીનમાં ફિલ્મ જોવા માટે થિયેટર જનારા લોકોની સંખ્યા વધારે છે.

નિષ્ણાતોનું માનવું છે કે ટૂંક સમયમાં ચીન વિશ્વનો સૌથી મોટો ફિલ્મ નિર્માણ ઉદ્યોગ બનવા જઈ રહ્યું છે.

ઘણી હોલીવૂડ ફિલ્મ પ્રોડક્શન કંપની ચાઇનીઝ દર્શકોને પોતાની તરફ આકર્ષવા માટે ચીનની ફિલ્મોનું નિર્માણ કરવાનું પહેલાંથી જ શરૂ કરી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો