'15 વર્ષની વયે મૅનોપૉઝ શરૂ થયું, હવે હું બાળકને જન્મ નહીં આપી શકું'

બે વર્ષ પહેલાં પહેલી વખત એનાબેલના પિરિયડ્સ મીસ થઈ ગયા હતા.
થોડા સમયમાં ફરી એકદમથી લોહીનો સ્રાવ વધવા લાગ્યો. અને તે ધીરે ધીરે વધતો જ ગયો.
15 વર્ષીય એનાબેલ એ દિવસને યાદ કરતાં કહે છે, "હું મારા વિજ્ઞાનના ક્લાસમાં હતી. મને એવો અનુભવ થયો જાણે મારો ચહેરો લાલ થઈ રહ્યો છે."
"મારાં શિક્ષકે મને કહ્યું કે મારો લોહીનો સ્રાવ ખૂબ વધ્યો છે કેમ કે મને મૅનોપૉઝ શરૂ થવાનું છે. મારી ઉપર જાણે તકલીફો તૂટી પડી એવું મને લાગ્યું."
એનાબેલ શિક્ષકની વાત સાંભળીને ચિંતામાં આવી ગયાં હતાં અને તેમણે આ અંગે વધુ માહિતી મેળવવા માટે ઇન્ટરનેટની મદદ લીધી.
એનાબેલ કહે છે, "તે (ઇન્ટરનેટ પર સર્ચના પરિણામ) હંમેશાં સૌથી ખરાબ પરિણામ જ આપણી સમક્ષ દર્શાવે છે. મને ચિંતા હતી કે કદાચ આ બધું સાચું પણ હોઈ શકે છે."
ડૉક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે મૅનોપૉઝના પ્રાથમિક લક્ષણ હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કળા થકી ભાવના વ્યક્ત કરવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Anabelle
બીબીસી સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન એનાબેલ કહે છે, "એ એક એવો સમય હતો જ્યારે મને લાગ્યું હતું કે હું રડી પડીશ."
"મારી ભાવનાઓ હું વ્યક્ત કરી શકતી ન હતી એટલે મેં તેના વિશે કાગળ પર લખ્યું અને સાથે-સાથે કળાના માધ્યમથી પણ મેં મારી ભાવના વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો."
"તમે જાણતા નથી કે શું વિચારવું કેમ કે ઘણા બધા નિર્ણય જીવનમાં એવા છે કે જે મેં હજુ સુધી લીધા નથી."
"મને લાગે છે કે જ્યારે હું વધારે મોટી થઈશ ત્યારે મારા માટે આ વસ્તુનો સામનો કરવો વધારે અઘરો બની જશે."
તેઓ કહે છે કે તેમનાં માતા માટે પણ એ વાતનો સ્વીકાર કરવો ખૂબ અઘરો છે કે તેમની દીકરી એનાબેલ ક્યારેય મા બની શકશે નહીં અને તેમનો કોઈ પરિવાર નહીં હોય.

મૅનોપૉઝ શું છે?
- મૅનોપૉઝ એક મહિલાના જીવનનો એવો તબક્કો છે કે જેમાં મહિલાનો માસિકધર્મ બંધ થઈ જાય છે.
- માસિકધર્મ બંધ થાય તે પહેલાં કેટલાંક મહિનાઓ કે વર્ષો સુધી તે અનિયમિત થવા લાગે છે.
- તેના બીજા લક્ષણો છે: રક્તસ્રાવ વધવો, એકાગ્રતા ઘટવી, માથામાં દુખાવો રહેવો, અસ્વસ્થતા અનુભવાય, ઊંઘ ન આવવી.
- મૅનોપૉઝ સામાન્યપણે 45થી 55 વર્ષની ઉંમર દરમિયાન થાય છે.
- જે મહિલા સમય કરતાં પહેલાં મૅનોપૉઝનો સામનો કરે છે તેમનાં હાડકાંને અસર થાય છે. આ સિવાય તેમને હૃદયરોગના હુમલાનો વધારે ખતરો રહે છે.
સ્રોત : NHS UK

એનાબેલની પરિસ્થિતિ એવી હતી કે તેઓ પોતાનાં કોઈ મિત્ર સાથે પણ આ વાત શૅર કરી શકતાં ન હતાં.
તેમના જીવનમાં આ એક એવી પરિસ્થિતિ હતી કે જેના વિશે તેમનાં કોઈ મિત્રને કદાચ માહિતી પણ નહીં હોય અને તેમની પાસેથી તેઓ આશા પણ રાખતાં નથી કે તેઓ સમજશે.
આંકડા જણાવે છે કે 10 હજાર મહિલાઓમાંથી માત્ર એકાદ જ એવાં હોય છે કે જેઓ 20 વર્ષની ઉંમર સુધીમાં મૅનોપૉઝનો સામનો કરે છે.

ઇમેજ સ્રોત, Annabelle
90% કેસ એવા હોય છે કે જેમાં સમય પહેલાં મૅનોપૉઝ થવાનું કારણ જ ખબર હોતી નથી.
એનાબેલના અંડાશયમાં હવે ઈંડાં બનતાં નથી અને તેમનાં ઍસ્ટ્રોજનનું સ્તર પણ ઘટી ગયું છે.
ઍસ્ટ્રોજન એક એવું હૉર્મોન હોય છે કે જે મહિલાઓનાં કેટલાંક અંગોના વિકાસ માટે ખૂબ જરુરી હોય છે.
હવે તેઓ આ પરિસ્થિતિને સંભાળી શકે તેના માટે તેમને હૉર્મોન રિપ્લેસમેન્ટ થૅરેપીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. તેના માટે તેમણે દરરોજ દવાની એક ગોળી લેવી પડે છે.
એનાબેલ કહે છે, "જો હું ગોળી લેવાનું ભૂલી જાઉં તો તુરંત લોહી વહેવાં લાગે છે."



ઇમેજ સ્રોત, Annabelle
હવે એનાબેલ એક સામાન્ય જીવન જીવવા માગે છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હું બેસીને મારી બીમારી માટે દુઃખી થવાં માગતી નથી. હું જોઉં છું કે મારી ઉંમરના ઘણા લોકો એવા છે કે જેઓ મારાં કરતાં વધારે ગંભીર બીમારીનો સામનો કરી રહ્યાં છે."
"હું મારી જાતને નસીબદાર માનવાનો પ્રયાસ કરું છું કે મને બીજી કોઈ ગંભીર બીમારી નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












