ગર્ભાશયની ગાંઠથી થઈ શકે છે આ તકલીફો, શું છે ઉપચાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. મિતાલી વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગર્ભાશયની ગાંઠો એ મહિલાઓના પ્રજનનતંત્રને સ્પર્શતી સૌથી સામાન્ય સમસ્યા છે.
મોટા ભાગે આવી ગાંઠોનાં કોઈ લક્ષણો જોવાં મળતાં નથી અને તેનું સમયસર નિદાન થઈ શકતું નથી.
આવા કિસ્સાઓમાં કોઈ બીજી તકલીફના કારણે તપાસ કરાવતી વખતે ગર્ભાશયની ગાંઠો સામે આવતી હોય છે.
આશરે દરેક ત્રણમાંથી બે મહિલાને ગાંઠોના લીધે કોઈને કોઈ તકલીફ જણાતી હોય છે. તેમાં વધારે પડતું માસિક આવવું, પેઢુમાં સતત દુખાવો રહેવો, અનિયમિત રીતે ટૂંકા ગાળામાં માસિક આવી જવું, અમુક સમયે ગાંઠ એવી જગ્યાએ હોય તો યૌનસંબંધ વખતે પણ મહિલાઓ દુખાવો અનુભવતી હોય છે.
ઉપરાંત કમરમાં દુખાવો રહેવો, ગર્ભવતી થવામાં અડચણ આવવી અને કસુવાવડ થવી એ પણ ગાંઠો હોવાનાં લક્ષણ હોઈ શકે છે.
ઘણા કિસ્સામાં મોટી ગાંઠ જે મૂત્રાશય ઉપર દબાણ કરે ત્યારે વારંવાર પેશાબ જવું, અવારનવાર પેશાબને લગતા ચેપ લાગવા જેવું પણ બને છે.
આ ગાંઠો થવાનું મુખ્ય કારણ મહિલાઓમાં ઉદ્ભવતો એસ્ટ્રોજન નામનો હોર્મોન છે. તેથી આ ગાંઠો એવી મહિલાઓમાં જોવા મળે છે જેઓ સક્રિય પ્રજનનશક્તિ ધરાવતી હોય છે.
મૅનોપૉઝ આવી જતાં ગર્ભાશયની ગાંઠો થવાની શક્યતા રહેતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગાંઠો કોને થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે 30થી 50 વર્ષની વયની મહિલાઓમાં ગર્ભાશયની ગાંઠની સમસ્યા જોવા મળે છે.
સ્થૂળતા ધરાવતી મહિલાઓમાં આવી ગાંઠો બનવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે, કારણ કે તેમના શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધુ હોય છે.
વળી ક્યારેય ગર્ભવતી ન બની હોય તેવી મહિલાઓમાં પણ આવી ગાંઠો થવાની શક્યતા વધી જાય છે.
ગાંઠ તેમના કદના આધારે વટાણા જેવડીથી લઈને તરબૂચ સુધી મોટી થતી હોય છે. દેખીતી રીતે જેટલી મોટી ગાંઠ, એટલી જ વધારે તકલીફદાયક હોય છે.
ગાંઠ ગર્ભાશયમાં કઈ જગ્યાએ થઈ છે તેના આધારે તેનો પ્રકાર નક્કી થાય છે. સામાન્ય રીતે આવી ગાંઠ ગર્ભાશયની દીવાલમાં (intramural) હોય છે.
ગર્ભાશયમાં અંદરની દીવાલમાં જ્યારે ગાંઠ હોય ત્યારે વધારે પડતું માસિક આવવું અને કસુવાવડ જેવી તકલીફો થતી હોય છે. ક્યારેક આ ગાંઠ ગર્ભાશયની બહારની દીવાલ પર પણ થઈ શકે છે.

ઉપચાર શું?

ઇમેજ સ્રોત, Getty Images
નિયમિત રીતે તબીબી તપાસ કરાવવાથી પ્રાથમિક તબક્કે જ નિદાન થઈ જતા ઇલાજના બધા જ ઉપાયો ઉપલબ્ધ થઈ જતા હોય છે.
ઉપચારના બે પ્રકાર હોઈ શકે છે. દવાથી અને સર્જિકલ એટલે કે ઑપરેશનથી.
જ્યારે મહિલાઓ વધુ રક્તસ્ત્રાવની તકલીફ ભોગવી રહી હોય ત્યારે સૌપ્રથમ એનિમિયાની સારવાર કરાવવી પડે છે.
અમુક સમયે રક્તસ્ત્રાવ ઓછો થવાની દવાથી ફાયદો થઈ જતો હોય છે. પણ મોટા ભાગે હોર્મોનની દવાઓ આપવાની જરૂર પડતી હોય છે.
કેટલાક દર્દીઓમાં પરિસ્થિતિ અનુસાર હોર્મોનની દવા આપી શકાતી નથી. આવા સમયે ઑપરેશન એકમાત્ર ઉપાય હોય છે.
જ્યારે ઑપરેશન કરવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે માત્ર ગાંઠ કાઢી નાખવી અથવા આખું ગર્ભાશય કાઢી નાખવું એમ બે વિકલ્પો હોય છે. જ્યારે મહિલાને હજુ ગર્ભધારણ કરવાની ઇચ્છા હોય તો માત્ર ગાંઠ કાઢી નાખવાનો વિકલ્પ રહે છે.
આમ, ગર્ભાશયની ગાંઠોને લગતી તકલીફ ખૂબ સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતી હોય છે અને નિયમિત તપાસ કરાવતા રહી, સમયસર નિદાન કરાવી લઈ તેનું નિવારણ આસાનીથી કરી શકાય છે જેના માટે વિકલ્પો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












