નાની ઉંમરે કિશોરીઓ રજસ્વલા કેમ થઈ રહી છે? તેનો ઉકેલ શું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પૂજા ત્રીજા ધોરણમાં ભણે છે. ચાર દિવસ પહેલાં જ તેણે સાતમો જન્મદિન ઊજવ્યો હતો. શાળાના મેદાનની નજીક ઝાડી પાછળ ઊભા રહીને તે રડી રહી છે.
રોજની જેમ જ તે શાળાએ આવી હતી. વર્ગ શરૂ થવામાં હજી થોડી વાર હતી એટલે સખીઓ સાથે તે રમવા લાગી હતી.
થોડી વારની રમત પછી તેને પેટમાં દુખવા લાગ્યું એટલે નજીકની બેન્ચ પર બેસી ગઈ.
તે ઊભી થઈ ત્યારે તેણે જોયું કે તેના પર લાલ લોહી પડેલું લાગ્યું.
તે ગભરાઈ અને પોતાનો યુનિફોર્મ જોયો તો તેના પર પણ ડાઘ પડી ગયા હતા.
આગળના ક્લાસની છોકરીઓ પણ ત્યાં હતી. તેણે આ જોયું એટલે તેની મોટી બહેનને બોલાવી.
તેની મોટી બહેન એ જ શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. પ્રવીણા મોટી બહેન છે, પણ પૂજા તેના કરતાં ઊંચી છે.
એટલું જ નહીં, ક્લાસનાં બીજા બાળકો કરતાં પણ તે ઘણી લાંબી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની બહેન આવી એટલે ગભરાઈને તેને વળગી પડી અને રડવા લાગી.
"મને ગભરામણ થાય છે. મને કંઈ વાગ્યું નથી, પણ જો આ કેવું થયું છે," એમ કહીને તેણે લાલ ડાઘ દેખાડ્યા.
પ્રવીણા 11 વર્ષની થઈ છે. તેને હજી રજસ્રાવનો અનુભવ નથી, પણ તેને આ બાબતનો આછોપાતળો ખ્યાલ હતો.
શિક્ષિકાએ વર્ગમાં કિશોરીઓની શારીરિક રચનામાં થતા ફેરફારોની વાત સમજાવી હતી.
મોટી બહેને કહ્યું કે તે જઈને મમ્મીને ફોન કરે છે, પણ પૂજા હજીય ગભરાયેલી હતી.
"ના, તું ક્યાંય ના જતી. મને બીક લાગે છે," એમ કહીને પૂજા જોરશોરથી રડવા લાગી.
ઉપલા વર્ગમાં ભણતી કિશોરીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને તેની આસપાસ કુંડાળું કરીને ઊભી રહી.
આ ધમાલ સાંભળીને શિક્ષિકા શારદા પણ ત્યાં પહોંચ્યાં. તેમણે સ્થિતિ જાણી અને પૂજાને તરત સ્ટાફ રૂમમાં લઈ ગયાં.
સ્ટોરમાંથી તેના માટે નવો યુનિફોર્મ મંગાવાયો અને સૅનિટરી નૅપ્કિન પણ લાવવામાં આવ્યો. તેનાં વસ્ત્રો બદલાવીને પછી તેની મમ્મીને ફોન કરીને શાળાએ બોલાવવામાં આવી.

સામાન્ય રીતે કેટલી વર્ષની ઉંમરે કિશોરી યુવાનીમાં પગ મૂકતી હોય છે?

ઇમેજ સ્રોત, BBC/GETTY IMAGES
સામાન્ય રીતે 10 વર્ષની ઉંમર પછી કિશોરી પુખ્ત થવા લાગે છે અને શારીરિક ફેરફારો થાય છે. તે પ્રક્રિયા ત્રણથી ચાર વર્ષ સુધી ચાલે છે.
પ્રથમ શારીરિક ફેરફાર છાતીમાં દેખાવા લાગે છે અને સ્તન ઊપસી આવે છે.
તે પછી બગલમાં તથા ગુપ્તાંગો પર વાળ ઊગવાનું શરૂ થાય છે. તે પછી માસિક સ્રાવ થતો હોય છે.
જૂની પેઢીની સરખામણીએ હાલના સમયમાં કિશોરીઓને વહેલા, પ્રમાણમાં નાની ઉંમરે માસિક આવવાનું શરૂ થાય છે.

કેવી રીતે આ પ્રક્રિયા શરૂ થાય છે?

ઇમેજ સ્રોત, BBC/GETTY IMAGES
આ એક સંકુલ પ્રક્રિયા છે અને બાળવય પૂર્ણ થાય, કિશોરાવસ્થા શરૂ થાય તે સાથે જ શારીરિફ ફેરફારો થવા લાગે છે.
કિશોરી પુખ્ત થાય તે પહેલાં કેટલીક પ્રક્રિયા થાય છે:
1. હાઇપોથેલામસ, પિચ્યૂટરી, ઓવરીનો પૂર્ણ વિકાસ થાય છે.
2. શરીરનાં અંગોમાં ફેરફાર દેખાય છે. (સ્તનભાગ ભરાવદાર થાય છે, બગલ તથા ગુપ્તાંગ પર વાળ ઊગે છે.)
3. શારીરિક લંબાઈ વધે છે
4. તે પછીના છેલ્લા તબક્કે રજસ્રાવ શરૂ થાય છે. આ પ્રક્રિયા કેટલીક કિશોરીમાં નાની ઉંમરે થવા લાગે છે.
સાત વર્ષ કરતાંય નાની ઉંમરે સ્તન ઊપસે, વાળ ઊગે અને રજસ્રાવ થવા લાગે તેને વહેલી પુખ્તતા કહેવામાં આવે છે.

વહેલી ઉંમરે માસિક શરૂ થવાનાં કારણો શું છે?

ઇમેજ સ્રોત, BBC/alamy
મગજમાં ગાંઠ થઈ હોય, મગજને ઈજા થઈ હોય કે મગજમાં ચેપ લાગ્યો હોય ત્યારે વહેલા રજસ્રાવ થાય છે.
ઍડ્રેનલિન ગ્લૅન્ડમાં પણ ક્યાંય ગાંઠ હોય કે અંડાશયમાં જળસ્રાવ થતો હોય ત્યારે પણ વધુ નાની ઉંમરે શારીરિક ફેરફારો થઈ જાય છે.
થાઇરૉઇડ ગ્રંથિ બરાબર કામ ના કરે ત્યારે પણ વહેલા ફેરફારો થાય છે.
74 ટકા કિસ્સામાં કોઈ દૃશ્યમાન, વિઝિબલ કારણો જણાતાં નથી.

વહેલા માસિકના કિસ્સામાં કયા સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
આવી સ્થિતિમાં કિશોરીને ઍન્ડોક્રિનોલૉજિસ્ટ પાસે લઈ જવી જોઈએ.
જો પીડિયાટ્રિક ઍન્ડોક્રિનોલૉજિસ્ટને મળી શકાય તો વધારે સારું.
શારીરિક ફેરફાર માટેનાં કારણો જાણવા માટે તબક્કા વાર કેવી રીતે શારીરિક વિકાસ થયો તેની વિગતો જાણવી જરૂરી છે.
સમગ્ર શરીરનું અવલોકન કરવું જરૂરી છે.
કિશોરીની ઊંચાઈ, વજન લઈને પ્રચલિત ધોરણ સાથે તેની સરખામણી કરવી જોઈએ.
મગજ કેવી રીતે કાર્ય રહી રહ્યું છે તેના માટેના ટેસ્ટ કરાવી લેવા જોઈએ.
સાથે જ આંખની પણ તપાસ કરાવી લેવી હિતાવહ છે, કેમ કે પિચ્યૂટરી ગ્રંથિમાં ફેરફારને કારણે દૃષ્ટિને અસર થઈ શકે છે.

કારણો જાણવા માટે કેવા ટેસ્ટ કરાવવા જરૂરી છે?

ઇમેજ સ્રોત, BBC/Getty Images
હોર્મોન્સ જાણવા માટે બ્લડ ટેસ્ટ કરાવવાનો હોય છે. ગર્ભાશય, અંડાશય, એડ્રેનલિન ગ્રંથિની તપાસ કરાવવી જોઈએ.
પાણીનો ભરાવો થયો છે કે કેમ તે જાણવા માટે પેટની તપાસ કરવી જોઈએ. બ્રેઇન ટ્યુમર નથી તેની ખાતરી કરીને જરૂર પડ્યે બ્રેઇન સ્કેન કરાવવું જોઈએ.
હાડકાં કેટલાં વિકસ્યાં છે તેની પણ તપાસ કરાવી લેવી જોઈએ.
વર્ગના બીજા કરતાં પૂજાની ઊંચાઈ ઝડપથી વધી હતી. તેના શરીરમાં થયેલા ફેરફારોને કારણે તે બધી કિશોરીઓ વચ્ચે અલગ દેખાઈ આવતી હતી.
યુવાનીનાં પગરણ જેવાં ખીલ સહિતનાં ચિહ્નો છુપાવવાં માટે તે ચિંતામાં રહેતી હતી.
તે વાંકી વળીને ચાલતી, જેથી છાતીનો ઉભાર ઓછો દેખાય. તોફાની છોકરાઓ કૉમેન્ટ કરે ત્યારે મૂંઝાતી અને ઘરે આવીને રડી પડતી હતી.
તેની વયની છોકરીઓ તેનાથી દૂર રહેતી હતી.
સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ તેને શરૂઆતમાં સમજાતું નહોતું.
માસિક દરમિયાન પીડા થાય ત્યારે સહન ન કરી શકતી અને માતા પાસે જઈને રડી પડતી.
તે વારંવાર શાળાએ જવાના બદલે રજા પાડી દેતી હતી.

વહેલા માસિકને કારણે કિશોરીઓ પર શું અસર થાય?

ઇમેજ સ્રોત, BBC/alamy
બીજી છોકરીઓ કરતાં તે ઊંચી થઈ જાય, પણ એક તબક્કે આવીને તેનો વિકાસ પછી અટકશે, કેમ કે હાડકાંના વિકાસ માટે પછી સમય લાગતો હોય છે.
મોટી ઉંમરે પછી તે સમાનવયની છોકરીઓ કરતાં ઊલટાની થોડી નાની લાગતી હોય છે.

આ સમસ્યાનો ઉકેલ શું? કેવી સારવાર કરાવી શકાય?

ઇમેજ સ્રોત, iStock
કેટલીક સારવાર જોઈએ તો...
1. જનનાંગોના ઝડપી વિકાસને રોકી શકાય.
2. યોગ્ય ઉંમર સુધી માસિક અટકાવી શકાય.
3. હાડકાંને વધતા અટકાવી શકાય, જેથી ઊંચાઈની સમસ્યા નિવારી શકાય.
4. કિશોરીની માનસિક સ્થિતિને સમજીને તે પ્રમાણે કાળજી લઈ શકાય.
સારવારમાં હોર્મોન્સને નિયંત્રિત કરવાની વાત મુખ્ય હોય છે. હોર્મોન્સનો ઉપયોગ કરીને -Gonadotrophin – GnRHaનો ઉપયોગ કરીને સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે.

કેટલો સમય સુધી હોર્મોનનાં ઇન્જેક્શન લેવાં જોઈએ?
સારવાર પાછળનો મુખ્ય હેતુ કિશોરી યોગ્ય વયની થાય ત્યાં સુધી તેનો શારીરિક વિકાસ રોકવાનો છે.
ત્રણથી ચાર અઠવાડિયે એક વાર હોર્મોન્સ ઇન્જેક્શન આપી શકાય.
ત્રણ મહિને એક વાર લેવાનાં ઇન્જેક્શન પણ હોય છે.
હોર્મોનો ઇમ્પ્લાન્ટ પણ થઈ શકે છે, જે વર્ષમાં એક વાર કરાવવાના હોય છે.

હોર્મોન લેવાની સારવારની કેવી આડઅસર થઈ શકે?
દવાઓ લેવામાં આવે ત્યારે થોડી આડઅસર થતી હોય છે.
હોર્મોન ટ્રીટમેન્ટને કારણે માથું દુખાવું, મૂડ ખરાબ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાલ ચકામાં પડે તેવું પણ થતું હોય છે અને ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં અસર થતી હોય છે.
કિશોરી વહેલી પુખ્ત થવા લાગે ત્યારે તેની સાથે પરિવારના લોકો પણ મૂંઝવણમાં મુકાતા હોય છે.
શારીરિક રીતે વિકાસ થયો હોય, પણ હજીય તે મનથી બાળકી જ હોય છે.
આવી સ્થિતિમાં કોઈ તેની સાથે અડપલાં ન કરે તેની ખાસ કાળજી લેવી જોઈએ. તેની યોગ્ય સારસંભાળ અને સલામતી રાખવી જોઈએ.
(તબીબી બાબતોને સમજાવવા માટે વાર્તા અને પાત્રો ઊભાં કરેલાં છે. વાસ્તવિક, જીવિત કે મૃત કોઈ પણ વ્યક્તિ સાથે તે બંધબેસતાં આવતાં હોય તો તે માત્ર એક યોગાનુયોગ જ છે. લેખક પોતે ડૉક્ટર છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














