ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ?

ડિહાઇડ્રેશન, ઉનાળો, ગરમી, ગુજરાત, ઝાડા થઈ જવા, ચક્કર આવવા, અસહ્ય ગરમી, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ઉનાળાની ઋતુનું હજું રૌદ્ર રૂપ દેખાવાનું બાકી છે પરંતુ હવામાનમાં થઈ રહેલા ફેરફારોને જોતાં આ વર્ષે પણ ગરમી માઝા મૂકી શકે એવું મનાઈ રહ્યું છે.

ગુજરાતમાં ઍપ્રિલ-મે મહિનામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને તેના કારણે અનેક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

ઉનાળા દરમિયાન તડકામાં બહાર નીકળતી વખતે ઘણો પરસવો થતો હોય છે અને કંઈ ખાવા-પીવાની પણ ઇચ્છા થતી નથી. એવામાં અસહ્ય થાક, સુસ્તી તેમજ સ્વભાવમાં ચીડિયાપણું સહિત ઘણી સ્વાસ્થ્યલક્ષી તકલીફો ઊભી થઈ જાય છે.

એવામાં ઉનાળા દરમિયાન વિશેષ કાળજી લેવી ઘટે, જેથી ખાસ કરીને શરીરને ડિહાઇડ્રેશનની પરિસ્થિતિથી બચાવી શકાય.

ગરમીનો પારો વધતા જ જોવા મળતી સૌથી મોટી સ્વાસ્થ્યલક્ષી તકલીફોમાં ડિહાઇડ્રેશન સૌથી સામાન્ય અને ચિંતાજનક છે. જો સમયસર તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ગંભીર સમસ્યા બની શકે છે.

આ અહેવાલમાં આપણે ડિહાઈડ્રેશન વિશેની અગત્યની જાણકારી મેળવીશું જેથી કરીને ઉનાળામાં તેનાથી બચી શકાય.

ડિહાઇડ્રેશન શું છે અને તે કેવી રીતે થાય?

ડિહાઇડ્રેશન, ઉનાળો, ગરમી, ગુજરાત, ઝાડા થઈ જવા, ચક્કર આવવા, અસહ્ય ગરમી, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ડિહાઇડ્રેશન વિશે જાણતા પહેલાં હાઇડ્રેશનનો અર્થ સમજવો જરૂરી છે.

હાઇડ્રેશન એટલે શરીર દ્વારા પાણી તેમજ અન્ય પ્રવાહી શોષી લેવાની પ્રક્રિયા. જ્યારે શરીરમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય તેને ડિહાઇડ્રેશન કહેવાય છે.

બ્રિટનના સ્વાસ્થ્યવિભાગ અનુસાર, ડિહાઇડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પાણી લો છો, તેનાથી વધુ ગુમાવી રહ્યા છો.

»પરંતુ તમને પ્રશ્ન એ થશે છે કે શરીર પાણી ગુમાવે છે કેવી રીતે?

શરીરમાં ચામડી, ફેફસાં, જઠર તેમજ કિડનીમાં પાણી હોય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ અને શ્રમ લાગતો હોય તેવું કામ કરીએ ત્યારે શરીર પાણી ગુમાવે છે.

જોકે, તકલીફ માત્ર પાણી ગુમાવવા પૂરતી સીમિત નથી. જ્યારે શરીરમાંથી ગુમાવેલું પાણી ફરી વખત લેવામાં ન આવે ત્યારે ડિહાઇડ્રેશન થાય છે.

ડિહાઇડ્રેશનનાં લક્ષણો

  • ખૂબ તરસ લાગવી
  • ઘટ્ટ પીળો કે દુર્ગંધવાળો પેશાબ આવવો
  • પેશાબ ઓછો થવો
  • થાક લાગવો
  • મોઢું, હોઠ અને જીભ સુકાઈ જવાં
  • ચક્કર આવવા

ડિહાઇડ્રેશનનો સૌથી વધુ ખતરો કોને?

ડિહાઇડ્રેશન, ઉનાળો, ગરમી, ગુજરાત, ઝાડા થઈ જવા, ચક્કર આવવા, અસહ્ય ગરમી, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

આમ તો ડિહાઇડ્રેશનનો ખતરો તમામ લોકોને છે પણ ઘણા લોકોમાં તેનો ખતરો વધુ હોય છે.

સામાન્ય રીતે નાનાં બાળકોને વારંવાર ઝાડા અને તાવની સમસ્યા થતી હોય છે. આ કિસ્સામાં તેના શરીરમાં પાણીની અછત સર્જાતી હોય છે. બોલી ન શકે તેવાં બાળકો તરસ્યા હોવા છતાં કહી શકે તેમ ન હોવાથી તેમના પર ડિહાઇડ્રેશનનો ખતરો સૌથી વધારે હોય છે.

નાનાં બાળકોની જેમ વૃદ્ધોમાં પણ આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે. આ ઉપરાંત શરદી-ખાંસી કે પછી ગળામાં દુખાવો હોય તેવા લોકો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. જેના કારણે તેઓ સરળતાથી ડિહાઇડ્રેશનનો શિકાર બની જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ પણ ડિહાઇડ્રેશન માટે 'હાઇરિસ્ક કૅટેગરી'માં આવે છે.

આ સિવાય ગરમીમાં કામ કરનારા લોકોને સામાન્ય લોકો કરતાં વધારે પાણીની જરૂર હોય છે. પણ સતત કામ કરતા રહેવાથી ઘણી વખત તેઓ પાણી પીવાનું ભૂલી જાય છે. જેના કારણે તેઓ ડિહાઇડ્રેટ થઈ જાય છે.

ડિહાઇડ્રેશનથી બચવા માટે શું કરવું જોઈએ?

  • જો ગરમીમાં બહાર કામ કરવાનું હોય તો તરસ લાગે ત્યાં સુધી પાણી પીવાની રાહ ન જુઓ
  • શ્રમભર્યું કામ કરવાનું હોય તો થોડાથોડા સમયે પાણી પીવાનું રાખો
  • પેશાબના રંગનું ધ્યાન રાખો
  • એવાં ફળો વધારે ખાઓ જેમાં પ્રવાહીનું તત્ત્વ હોય
  • સતત પાણી પીવાની આદત રાખો.

દારૂ અને કૉફીના સેવનથી ડિહાઇડ્રેશન થાય?

ડિહાઇડ્રેશન, ઉનાળો, ગરમી, ગુજરાત, ઝાડા થઈ જવા, ચક્કર આવવા, અસહ્ય ગરમી, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કહેવાય છે કે દારૂ અને કૉફી એ બંનેના સેવનથી ડિહાઇડ્રેશન થાય છે.

બીબીસી ફ્યુચરના અહેવાલમાં ક્લૉડિયા હૅમન્ડ તજજ્ઞોને ટાંકીને લખે છે કે એક વ્યક્તિએ દિવસમાં સરેરાશ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ.

જોકે, ઘણા લોકોનું માનવું છે કે તેમાં ચા અને કૉફી ગણી શકાય નહીં, કારણ કે તેનાથી ડિહાઇડ્રેશન થાય છે.

» વિશ્વમાં રોજ 1.6 બિલિયન કપ કૉફી પીવાય છે અને તેનાથી બમણી ચા. પણ શું ખરેખર ચા કે કૉફી પીવાથી ડિહાઇડ્રેશન થાય ખરું?

એક સંશોધનમાં કૉફી પીધા બાદ પેશાબના પ્રમાણમાં 41 ટકા વધારો જોવા મળ્યો હતો અને સોડિયમ તેમજ પોટેશિયમના ઉત્સર્જનમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, તેમાં ભાગ લેનારા લોકોએ અગાઉથી કૉફી પીવાનું છોડી દીધું હોવાથી કૉફી અને ડિહાઇડ્રેશન વચ્ચેનો સંબંધ સ્થાપિત થઈ શક્યો ન હતો.

અન્ય એક સંશોધનમાં કૉફી પીનારા અને ન પીનારા લોકો વચ્ચે હાઇડ્રેશનમાં કોઈ તફાવત ન હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, દારૂની બાબત કૉફીથી વિપરિત છે. તજજ્ઞો અનુસાર, દારૂ પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

દારૂ સિવાય શુગર ધરાવતા કોઈ પણ ડ્રિન્ક્સના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે.

આ ડ્રિન્ક્સમાં આઇસ્ડ ટી, આઇસ્ડ કૉફી, લીંબુ શરબત, નાળિયેર પાણી વગેરેનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.