વાઇરલ તાવ H3N2 : ગુજરાત સહિત દેશમાં તાવ અને ગળામાં ચેપ લગાડી રહેલો H3N2 વાઇરસ શું છે, બચવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી શરદી, ખાંસી, ગળામાં તકલીફ અને તાવના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે થોડા દિવસ દવા લીધા પછી મટી જતી તકલીફો આ વખતે લાંબા સમય સુધી લોકોને પરેશાન કરી રહી છે.
જો નિષ્ણાતોની માનીએ તો આની પાછળ ઇન્ફ્લુએન્ઝા વાઇરસનો એક નવો વૅરિયન્ટ જવાબદાર છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ઇન્ફ્લુએન્ઝા વાઇરસના નવા વૅરિયન્ટ H3N2ના ચેપમાં થયેલા વધારાના કારણે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાત ડૉક્ટરોએ વાઇરસથી બચવા માટે કેટલાંક સૂચનો જાહેર કર્યાં છે.
આજકાલ આબાલવૃદ્ધ સૌ માટે ચિંતાનો વિષય બનેલા આ નવા વૅરિયન્ટ અંગે વધુ માહિતી મેળવવા અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત ડૉક્ટર સાથે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ ફૅમિલિ ફિઝિશિયન્સ ઍસોસિયેશન (એએફપીએ)ના પ્રમુખ ડૉ. કમલેશ નાઇકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાછલા બે મહિનાથી સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શરદી, ખાંસી અને તાવની સમસ્યાવાળા દર્દીઓની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો હતો. જોકે, પાછલા બે દિવસથી સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડૉ. કમલેશ નાઇક ઇન્ફ્લુએન્ઝાના નવા વૅરિયન્ટ H3N2ના ચેપમાં વધારાના કારણે દર્દીઓની સંખ્યા વધી હોવાની વાત જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "આ ચેપના દર્દીઓમાં તાવ બે-ત્રણ દિવસમાં મટી જઈ રહ્યો છે, પરંતુ શરદી-ખાંસી લાંબા ગાળા સુધી રહેતી જોવા મળી છે. મોટા ભાગના કેસોમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી રહી નથી."
ડૉ. કમલેશ નાઇક ચેપમાં વધારાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, "મોટા ભાગના કિસ્સામાં આ ચેપ ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો, બાળકો અને મોટી ઉંમરના લોકોને વધુ પરેશાન કરી રહ્યો છે. આ સિવાય પ્રદૂષણ અને કાળજીના અભાવના કારણે પણ ચેપમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ક્રોસ ઇન્ફેક્શનના કારણે પણ વધુ પ્રમાણમાં લોકો આ ચેપનો શિકાર થઈ રહ્યા હોય તેવું બની શકે."
ડૉ. કમલેશ નાઇક પોષણક્ષમ આહાર ન લેતા કે વધુ પ્રમાણમાં જંક ફૂડ લેતા લોકોમાં પણ ચેપનું પ્રમાણ વધુ હોવાની વાત કરે છે.

બચાવ માટે શું કરવું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
- ચેપથી બચવા માટે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું
- ચેપગ્રસ્ત વ્યક્તિએ શક્ય તેટલું આઇસોલેશનમાં રહેવું
- પાછલા અઠવાડિયાથી ઠંડી-ગરમી બંનેનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડી વસ્તુઓ લેવાનું ટાળવું
- સારવાર દરમિયાન ચેપની રોકથામ માટે અપાયેલી દવાઓ કાળજીપૂર્વક સમયસર લેવી, જેનાથી રોગ ફેલાતો અટકે
- ખાવાપીવાની ટેવમાં સુધારો કરવો પણ આ રોગથી બચવા માટે જરૂરી છે
- બહાર જઈને આવેલી વ્યક્તિએ ઘરમાં આવ્યા બાદ હાથ જરૂર ધોવા
- જે વ્યક્તિને ચેપ છે તેનાથી થોડું અંતર જાળવવું

આઈએમએની સલાહ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાછલા બે-ત્રણ માસથી વધી રહેલા શરદી-ખાંસી અને તાવના કિસ્સાઓ માટે ઇન્ફ્લુએન્ઝા વાઇરસને જ જવાબદાર ઠેરવ્યો હતો.
આઈસીએમઆરના વૈજ્ઞાનિકોને પણ લોકો માટે વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ શું કરવું અને શું ન કરવું એ અંગેની જાણકારી જાહેર કરી છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)એ કહ્યું છે કે હાલ મોસમી તાવ પ્રસરી રહ્યો છે જે પાંચથી સાત દિવસ સુધી રહે છે.
આઈએમએએ કહ્યું છે કે ખાંસી, શરદીના મામલામાં લોકોએ વગર સલાહે ઍન્ટિબાયોટિક દવાઓ લેવાનું ટાળવું જોઈએ.
ઍન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટેન્સ પર બને આઈએમએની સ્ટૅન્ડિંગ કમિટીએ કહ્યું છે કે તાવ બેથી ત્રણ દિવસમાં ખતમ થઈ જાય છે, પરંતુ તે બાદ શરદી અને ખાંસી લગભગ ત્રણ અઠવાડિયાં સુધી રહી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આઈએમએનું કહેવું છે કે વાયુ પ્રદૂષણના કારણે શ્વાસનળીમાં સંક્રમણના મામલા વધી રહ્યા છે જે મોટા ભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને 50 કરતાં વધુ ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યા છે.
આઈએમએએ કહ્યું કે લોકો લક્ષણ જોઈને ઇલાજ કરે પરંતુ ઍન્ટિબાયોટિક લેવાથી બચે.
સંસ્થા દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "એવું જોવા મળ્યું છે કે લોકો ઍઝિથ્રોમાઇસિન અને અમોક્સિલાવ જેવી ઍન્ટિબાયોટિક લઈ રહ્યા છે અને તબિયત સારી થતી જણાતા દવા લેવાનું બંધ કરી રહ્યા છે."
"આવું કરવાનું તરત બંધ કરવું જોઈએ કારણ આનાથી શરીરમાં ઍન્ટિબાયોટિક પ્રતિરોધક શક્તિ વિકસવા લાગે છે."
આઈએમએએ સલાહ આપી છે કે ઍન્ટિબાયોટિકની સલાહ આપતાં પહેલાં એ અંગે તપાસ કરવાની જરૂરિયાત છે કે ચેપનું કારણ બૅક્ટેરિયા છે કે નહીં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














