રશ્મિ રૉકેટ : તાપસી પન્નુની ફિલ્મમાં હાયપરઍન્ડ્રોજનિઝમની કહાણી, દૂતી ચંદથી શાંતિ સૌંદરાજન અને કેસ્ટર સેમેન્યા સુધી

    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

એક છોકરી તરીકે જેનો ઉછેર થયો હોય એને કોઈ કહે કે તારામાં 'પૂરતા પ્રમાણમાં મહિલાપણું નથી અને તું તો છોકરો છે' તો શું થાય?

ફિલ્મ 'રશ્મિ રૉકેટ'માં હિરોઇન રશ્મિ વીરા સામે આવી જ સ્થિતિ આવીને ઊભી રહે છે.

રશ્મિ દોડવીર હોય છે અને આવા સવાલ સાથે તેમની દોડનો અચાનક અંત આવી જાય છે. જોકે ફિલ્મમાં રશ્મિ હાર નથી સ્વીકારતાં અને પોતાની ઓળખ અંગેની પરંપરાગત માન્યતા સામે સવાલ કરે છે.

રશ્મિ

ઇમેજ સ્રોત, Twitter/@TapseePannu

તાપસી પન્નુની આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી છે અને ફિલ્મ 15મી ઑક્ટોબર રિલીઝ થઈ છે. આમાં બોલીવૂડ ફિલ્મના બધા જ મસાલા છે.

કેટલીક જગ્યાએ ફિલ્મ બહુ નાટકીય બની જાય છે અને મૂળ મુદ્દાની સંવેદનશીલતાથી થોડી દૂર થઈ જતી લાગે છે.

આમ છતાં આ ફિલ્મે મુદ્દો ઉઠાવ્યો છે કે મહિલાઓને રમતગમતના ક્ષેત્રમાં કેમ અવગણવામાં આવે છે.

રમતમાં ભાગ લેનારી મહિલા ખેલાડી પૂરતાં પ્રમાણમાં મહિલા છે કે કેમ એ નક્કી કરવા માટે 'જૅન્ડર ટેસ્ટ' કરવામાં આવે છે, આ ફિલ્મની કહાણી પણ આખી આ વાત પર આધારિત છે.

આ ટેસ્ટને 'જૅન્ડર ટેસ્ટ' અથવા 'સેક્સ વૅરિફિકેશન ટેસ્ટ' કહેવામાં આવે છે અને આવા નામને કારણે ખેલાડીને નુકસાન પણ થતું હોવાની ચર્ચા થતી રહી છે.

line

રમતગમતમાં મહિલા અને પુરુષના ભેદ

દુતીચંદ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, દોડવીર દુતી ચંદ પણ હાયપરઍન્ડ્રોજનિઝ્મને કારણે મુશ્કેલીમાં મૂકાયાં હતાં.

આજે લગભગ દરેક ક્ષેત્રમાં પુરુષ સાથે જ મહિલાઓ પણ કામ કરે છે. આમ છતાં રમતગમતના ક્ષેત્રે લિંગના આધારે ખેલાડીઓને મહિલા અને પુરુષ ખેલાડી એ રીતે વહેંચવામાં આવે છે.

સ્પૉર્ટમાં જરૂર પડતી જુદીજુદી કક્ષાની શારીરિક ક્ષમતા આનું મુખ્ય કારણ છે, ખાસ કરીને ઍથ્લેટિક્સમાં.

પુરુષ અને મહિલાની શારીરિક રચના અલગઅલગ હોય છે પણ તેનો અર્થ એ નથી કે મહિલા શારીરિક રીતે નબળી છે.

હા, કુદરત રીતે ઊંચાઈ, વજન અને તાકાતની બાબતમાં મહિલા અને પુરુષમાં થોડો ફરક રહે છે.

તેના કારણે એક સમાન સ્તરે પ્રતિસ્પર્ધા કરવાની હોય છે ત્યારે મહિલા અને પુરુષને સ્પર્ધામાં સામસામે ઉતારવામાં આવે તે યોગ્ય ના ગણાય.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેથી મહિલા અને પુરુષોની સ્પર્ધા જુદીજુદી હોય છે અને કેટલીક રમતોમાં મિક્સડ ટીમ હોય છે, જેમાં મહિલા અને પુરુષ બંને ખેલાડીઓ જોડી જમાવીને રમે છે.

જોકે ખેલાડીઓને મહિલા અને પુરુષજૂથમાં ગણવા માટે જે નિયમો છે, તેના કારણે કેટલીક વાર મહિલાઓને અન્યાય થાય છે.

કેમ કે જો નિયમ પ્રમાણે મહિલા ખેલાડી પૂર્ણ પ્રમાણે મહિલા સાબિત ના થાય તો તેના માટે મહિલા કૅટેગરીમાં રમવાનું મુશ્કેલ બની જાય છે, જ્યારે આવા કોઈ નિયમ પુરુષ ખેલાડીઓને નડતા નથી.

તેના કારણે જ આ નિયમોથી ઘણી વાર વિવાદો જાગ્યા છે.

line

રમતગમતમાં 'જૅન્ડર ટેસ્ટ'નો ઇતિહાસ

દુતીચંદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 20મી સદીમાં ઘણા વખતથી મહિલા ખેલાડીઓ માટે 'સેક્સ વૅરિફિકેશન ટેસ્ટ' ફરજિયાત કરાવાયો છે અને તેનાં કારણે મહિલાઓને શરમજનક શારીરિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

20મી સદીમાં ઘણા વખતથી મહિલા ખેલાડીઓ માટે 'સેક્સ વૅરિફિકેશન ટેસ્ટ' ફરજિયાત કરાવાયો છે અને તેના કારણે મહિલાઓને શરમજનક શારીરિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

તેના કારણે જ 1968માં ઑલિમ્પિક વખતે ક્રોમોઝોમ ટેસ્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

પરંતુ 1990ના દાયકામાં ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશન (IAA) અને ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC) એમ બંને તરફથી ફરજિયાત ટેસ્ટની જરૂરિયાત દૂર કરી દેવામાં આવી હતી.

તે પછી હવે માત્ર જ્યારે કોઈ સ્પર્ધામાં ફાયદાની ફરિયાદ હરીફો તરફથી થાય ત્યારે જ ટેસ્ટ કરવામાં આવે છે.

આવી ફરિયાદ પછી હૉર્મોન્સ ટેસ્ટિંગની નવી મેથડ પ્રમાણે એ નક્કી કરવામાં આવે છે કે જે તે ખેલાડી મહિલા છે કે નહીં.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

એ નોંધવું રહ્યું કે કોઈ પુરુષ મહિલા બનીને ખેલાડી તરીકે સ્પર્ધામાં ઝુકાવે તેવી ઘટનાઓ જવલ્લે જ બને છે.

એ જ રીતે ઇન્ટરસેક્સ ઍથ્લીટ (મહિલા અને પુરુષ બંનેનાં લક્ષણો ધરાવતા ખેલાડી) અને ટ્રાન્સવિમેન (પુરુષ તરીકે જન્મેલો પણ બાદમાં લિંગપરિવર્તન કરાવનાર ખેલાડી)ના કિસ્સા પણ બહુ ઓછા હોય છે.

તો પછી શું એ યોગ્ય છે ખરું કે મહિલા ખેલાડી પૂરતા પ્રમાણમાં મહિલા છે તે નક્કી કરવા માટે કોઈ 'ધોરણ' નક્કી કરવામાં આવે?

કેમ કે કુદરતમાં કોઈ બે વ્યક્તિ એક સમાન ક્યારેય હોતી નથી. બે મહિલાઓ પણ એકસમાન ના હોય. તો પછી શા માટે માત્ર મહિલાઓને જ આ પ્રકારનાં 'ધોરણો' લાગુ પડે?

આ જ સવાલ દુતી ચંદે પૂછ્યો હતો. તેમની લડત મહિલાઅધિકારો અને મૂળભૂત રીતે માનવઅધિકારોની લડત બની રહી છે.

line

શાંતિ સૌંદરાજનથી કેસ્ટર સેમેન્યા

આવી જ સ્થિતિનો સામનો શાંતિ સૌંદરાજને કરવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આવી જ સ્થિતિનો સામનો શાંતિ સૌંદરાજને કરવો પડ્યો હતો. ટેસ્ટ પછી તેમના મેડલ્સ પાછા લેવાયા હતા.

રશ્મિ રૉકેટ ફિલ્મના નિર્માતાઓએ પ્રથમથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે આ ફિલ્મ કોઈ એક મહિલા ખેલાડીના જીવન પર આધારિત નથી.

આમ છતાં ફિલ્મ જોઈને લોકોને અસલ મહિલા ખેલાડીના આવા કિસ્સા યાદ આવી જાય તેમ છે.

ઘણા લોકોને લાગ્યું છે કે ફિલ્મની સ્ટોરી દુતી ચંદના જીવનસંઘર્ષને મળતી આવે છે. દુતી ચંદે આ જ નિયમો સામે અવાજ ઉઠાવવો પડ્યો હતો.

દુતી પહેલાં પણ ભારતની કેટલીક મહિલા ખેલાડીઓએ આવી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.

2001માં ગોવાનાં એક યુવતી પ્રતીમા ગાવકરનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તે પૉઝિટિવ આવ્યો ત્યારે તેમણે આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હતું.

પાંચ વર્ષ પછી આવી જ સ્થિતિનો સામનો શાંતિ સૌંદરાજને કરવો પડ્યો હતો.

2006ની એશિયન ગેઇમ્સમાં શાંતિને 800 મીટર રેસમાં ગૉલ્ડ મળ્યો હતો. પરંતુ તેમનો 'જૅન્ડર ટેસ્ટ' કરવામાં આવ્યો તેમાં તેઓ મહિલા સાબિત ના થઈ શક્યાં એટલે તેમનો મેડલ પાછો લઈ લેવામાં આવ્યો હતો.

શાંતિ માટે વધારે આઘાતજનક વાત એ હતી કે તેમના મેડિકલ રિપોર્ટ વિશે રાષ્ટ્રીય ટીવી ચેનલોમાં ખુલ્લેઆમ ડિબેટો પણ થઈ.

તે બહુ સંકોચભરી સ્થિતિમાં મૂકાઈ ગયાં હતાં અને ડિપ્રેશનમાં સરી ગયાં હતાં. કોઈને મળવું તેમને ગમતું નહોતું અને તેમને આપઘાતના વિચારો આવવા લાગ્યા હતા.

જોકે તેમને બચાવી લેવામાં આવ્યાં અને તેમનાં જીવનને ફરીથી પાટા પર ચઢાવવામાં આવ્યું.

તેઓ આખરે ઍથ્લેટિક્સ કૉચ બની ગયાં. પરંતુ તેમને પોતાના મેડલ્સ ક્યારેય પરત મળ્યા નહીં.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

શાંતિને પૂરતા પ્રમાણમાં સહયોગ ના મળ્યો, પરંતુ કૅસ્ટર સેમેન્યાને સૌ કોઈનું સમર્થન મળ્યું અને તેમના કિસ્સાને કારણે સમાજમાં આ બાબતમાં વૈચારિક પરિવર્તન પણ આવ્યું.

2009ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 18 વર્ષની ઉંમરે કૅસ્ટર સેમેન્યાને ગૉલ્ડ મેડલ મળ્યો હતો.

જોકે આ ઇવેન્ટ પહેલાં તેમને 'જૅન્ડર ટેસ્ટ' કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ સમાચાર મીડિયામાં લીક થયા અને તેના કારણે બહુ ચર્ચાઓ જાગી હતી.

જોકે દક્ષિણ આફ્રિકાના રમતગમતનાં ફેડરેશન સેમેન્યાના સમર્થનમાં ઊભાં રહ્યાં. એક વર્ષ પછી ફરી તેમને રેસમાં ભાગ લેવાની મંજૂરી મળી અને તેના મેડલ પણ યથાવત્ રહ્યા.

એટલું જ નહીં, તેમના મેડિકલ ટેસ્ટનાં પરિણામોને પણ ખાનગી રાખવામાં આવ્યાં હતાં.

line

હાઇપરન્ડ્રોજનીઝમ શું છે?

કૅસ્ટર સેમેન્યા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, 2009ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 18 વર્ષની ઉંમરે કૅસ્ટર સેમેન્યાને ગૉલ્ડ મેડલ મળ્યો હતો. તેમને પણ જૅન્ડર ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

કૅસ્ટર સેમેન્યાના કિસ્સા પછી IAAF તરફથી મહિલાઓમાં જોવા મળતી હાઇપરઍન્ડ્રોજનિઝમની સ્થિતિનો અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની એક સમિતિ બેસાડવામાં આવી હતી.

NHSના જણાવ્યા અનુસાર હાયપરઍન્ડ્રોજનિઝમ એવી મેડિકલ સ્થિતિ છે, જેમાં મહિલાઓના શરીરમાં ઍન્ડ્રોજન્સનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે.

ઍન્ડ્રોજેન્સ ટેસ્ટોસ્ટેરોન જેવા હૉર્મોન્સનો એક એવો સમૂહ છે, જે સામાન્ય રીતે પુરુષના શરીરમાં જોવા મળે છે.

મહિલાના શરીરમાં પણ કુદરતી રીતે આવા હૉર્મોન્સ પેદા થાય છે, પણ પુરુષની સરખામણીએ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણે કેટલું હોવું જોઈએ તે વિશે નિષ્ણાતો એકમત નથી.

પરંતુ જુદાજુદા અભ્યાસમાં જોવા મળ્યું છે કે કેટલીક મહિલાઓના શરીરમાં આ હૉર્મોન વધારે પેદા થાય છે, જ્યારે કેટલાક પુરુષોમાં તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

બીજું કે બધાં જ શરીરોમાં એવી ક્ષમતા નથી હોતી કે આવા ઍન્ડ્રોજન્સ પેદા કરી શકે. કેટલીક વ્યક્તિઓમાં ઍન્ડ્રોજન ઇન્સેન્સિટિવીટી સિન્ડ્રોમ જોવા મળે છે.

અર્થાત્ તેમના શરીરમાં પુરુષના ક્રોમોઝોમ્સ (XY) જોવા મળે છે, પરંતુ તે શરીર ટેસ્ટોસ્ટેરોનનો ઉપયોગ કરી શકતું નથી અને તેથી બહારથી તે વ્યક્તિનું શરીર મહિલા જેવું લાગે છે. આવા ખેલાડીને કયા વર્ગમાં મૂકવા?

2011માં IAAFની નિષ્ણાતોની સમિતિ તથા IOCના મેડિકલ કમિશને તેમના અહેવાલો આપ્યા તે પછી ટેસ્ટોસ્ટેરોનનાં નવાં લેવલ નક્કી કરવામાં આવ્યાં હતાં. લોહીમાં એક લિટરે 10 નેનોમોલ્સ ઍન્ડ્રોજન જોવા મળે તેને મહિલાના વર્ગમાં રમવાની છૂટ અપાય છે.

IAAF એવું પણ જણાવ્યું હતું કે અન્ય ખેલાડી તરફથી ફરિયાદ આવે ત્યારે જ ટેસ્ટ કરવામાં આવશે અને અથવા કોઈ ખેલાડીના ડોપ ટેસ્ટમાં અનિયમિતતા જોવા મળે તો જ જૅન્ડર ટેસ્ટ કરાશે.

આવા ટેસ્ટ થાય તેને ગુપ્ત રાખવાનો અને હાયપરઍન્ડ્રોજનિઝમ ધરાવતી મહિલા ખેલાડીને મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા પોતાના ઍન્ડ્રોજન લેવલને ઓછું કરવાનો વિકલ્પ પણ આપવાનો નિર્ણય લેવાયો હતો.

દુતી ચંદને પણ આ જ વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ તેમણે આવી કોઈ ટ્રીટમેન્ટ લેવાનો ઇનકાર કર્યો હતો અને નિયમોને પડકારીને પરિવર્તન લાવવાની ફરજ પાડી હતી.

line

દુતી ચંદની લડાઈ

દુતીચંદ

ઇમેજ સ્રોત, AFP Contributor

ઇમેજ કૅપ્શન, દુતી ચંદ 2013માં એશિયન ઍથ્લેટિક્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવીને જાણીતાં બન્યાં

દુતી ચંદ ઓડિશાના એક નાના ગામમાં મોટાં થયાં હતાં.

18 વર્ષનાં હતાં ત્યારે 2013માં એશિયન ઍથ્લેટિક્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવીને તેઓ જાણીતાં બન્યાં હતાં.

જોકે 2014ના કૉમનવેલ્થ ગેઇમ પહેલાં દુતી ચંદને ભારતીય ટીમમાંથી પડતાં મૂકવામાં આવ્યાં હતાં.

એવું જણાવવામાં આવ્યું કે દુતી ચંદ હાયપરઍન્ડ્રોજનિઝમ નિયમો પ્રમાણે ફિટ બેસે તેમ નથી તેમને ટીમમાં લેવામાં આવ્યાં નથી. તેમને મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટેની સલાહ આપવામાં આવી હતી.

2019માં બીબીસી સાથેની વાતચીતમાં તે દિવસોની મુશ્કેલીઓને દુતી ચંદે યાદ કરી હતી.

તેમણે કહ્યું,"એ દિવસોમાં મને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. લોકો મારા માટે મીડિયામાં બહુ પીડાજનક વાતો કરતા હતા."

"મારી ઇચ્છા હતી પણ હું ટ્રેનિંગમાં પણ જઈ શકતી નહોતી. ગામના લોકોને એવું લાગતું નહોતું કે હું છોકરો હોઉં, કેમ કે તે લોકોને આવી બાબતોનો ખ્યાલ હોતો નથી."

આવી સ્થિતિ સામે લડત આપવાનું દુતી ચંદે નક્કી કર્યું.

પ્રથમ તેમણે ડૉ. પ્રયોશી મિત્રાની મદદ લીધી, જે જૅન્ડર બાબતોનાં સંશોધક છે.

આંતરરાષ્ટ્રીય સ્પોર્ટની બાબતમાં ટોચની અદાલત 'કોર્ટ ઑફ આર્બિટ્રેશન'માં કેસ લડવા માટે તેમણે દુતી ચંદને મદદ કરી.

2015માં દુતી ચંદને આખરે ન્યાય મળ્યો. કોર્ટે હાયપરઍન્ડ્રોજનિઝમના નિયમો પાછા લેવા IAAFને હુકમ કર્યો.

ચુકાદામાં એવું પણ જણાવાયું કે વધુ ટેસ્ટોસ્ટેરોન હોય તો તેનાથી મહિલાને કેટલો ફાયદો થાય તે બાબતમાં કોઈ પૂરતા પુરાવા નથી.

line

હાલમાં શું નિયમો છે?

હૉર્મોન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાલતના ચુકાદામાં એવું જણાવાયું કે વધુ ટેસ્ટોસ્ટેરોન હોય તો તેનાથી મહિલાને કેટલો ફાયદો થાય તે બાબતમાં કોઈ પૂરતા પુરાવા નથી.

અદાલતે ચુકાદા સાથે IAAFને જણાવ્યું હતું કે 'ડિફરન્સ ઑફ સેક્સ ડેવલપમૅન્ટ એટલે કે DSD' તરીકે ઓળખાતી મેડિકલ સ્થિતિ વિશે ઊંડી તપાસ કરાવવી.

2018માં તપાસ બાદ IAAF તરફથી મહિલાઓમાં DSDની સ્થિતિ અંગેના તથા ઇન્ટરસેક્સ ઍથ્લીટ અંગેના નવા નિયમો જાહેર કરાયા.

નવા નિયમોમાં જણાવાયું કે હાયપરઍન્ડ્રોજનિઝમ ધરાવતી મહિલા અથવા જે વ્યક્તિમાં XY ક્રોમોઝોમ હોય અથવા ઍન્ડ્રોજન ઇન્સેન્સિટિવ સિન્ડ્રોમ હોય તે 400 મીટર કે તેનાથી વધારે અંતરની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તે સિવાયની દોડની બાબતમાં આ નિયમ લાગુ પડતો નથી.

જો નિશ્ચિત કરેલી કૅટેગરીની દોડમાં આવી મહિલા ખેલાડી ભાગ લેવા માગતી હોય તો તેણે લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણે ઘટાડીને 5 nmol/L કરવું પડે.

આ નિયમો પછીય કેસ્ટર સેમેન્યા ઉપર પ્રમાણેની દોડમાં ભાગ લઈ શકે તેમ નહોતાં.

આ બાબતમાં તેમણે કોર્ટ ઑફ આર્બિટ્રેશનમાં અપીલ કરી હતી, પણ તેમને સફળતા મળી નહોતી. તેથી કેસ્ટરે હવે આ મામલે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમાં અપીલ કરી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો