COP26 : જળવાયુ પરિવર્તન માટે જવાબદાર અશ્મીભૂત ઈંધણનું ઉત્પાદન હજુ પણ વધશે - રિપોર્ટ
- લેેખક, મૅટ મૅકગ્રા
- પદ, પર્યાવરણ સંવાદદાતા
વિશ્વમાં પ્રદૂષણ માટે જેને સૌથી મોટા પ્રમાણમાં જવાબદાર ગણવામાં આવે છે તેવા અશ્મીભૂત બળતણનું ખનન આવનારા દાયકાઓમાં વધવા જઈ રહ્યું છે.
વિશ્વમાં વધતાં તાપમાનને સુરક્ષિત સીમા સુધી રાખવા માટેની યોજના સાથે દુનિયાના અનેક દેશોની અશ્મીભૂત બળતણના ખનનની યોજના મેળ ખાતી નથી.
'સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ'ના અહેવાલ અનુસાર વિશ્વના તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસની સીમાને જાળવી રાખવા માટે અશ્મીભૂત બળતણના ખનનની જે સીમા નક્કી થયેલી હતી તેના કરતાં દુનિયાના દેશો બમણી માત્રામાં અશ્મીભૂત ઈંધણનું ખનન કરવા જઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, VCG
ઑઇલ અને ગૅસની ભાળ વધુ ઝડપે લગાવાશે પરંતુ કોલસાના ઉપયોગમાં બહુ ઓછો ઘટાડો થશે.
2019માં જે રિપોર્ટ છપાયો હતો તેની સરખામણીમાં પરિસ્થિતિમાં બહુ ફેર નથી આવ્યો.
COP26 ક્લાઇમેટ કૉન્ફરન્સને હવે માત્ર અઠવાડિયા જેટલો સમય બાકી છે, ત્યારે મોટા કાર્બનઉત્સર્જકો પર ભારે દબાણ છે.
એવામાં ઝીરો કાર્બનઉત્સર્જનના લક્ષ્ય તથા દેશોની કાર્બનઉત્સર્જન ઘટાડવાની પ્રતિજ્ઞા છતાં કેટલાક મોટા ઑઇલ, ગૅસ અને કોલસાના ઉત્પાદકોએ હજી સુધી અશ્મીભૂત ઈંધણ પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે કોઈ યોગ્ય યોજના નથી બનાવી.
વૈજ્ઞાનિકો વિશ્વના તાપમાનને આવનારાં વર્ષોમાં સીમિત રાખવા માટે કાર્બનઉત્સર્જન ઘટાડવા પર ભાર મૂકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષની શરૂઆતમાં સંશોધકોએ ઇન્ટર ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જને (IPCC) ચેતવણી આપી હતી કે પૃથ્વીના તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધારેનો ઉમેરો થશે તો તે માનવજાત માટે ઘાતક સાબિત થઈ શકે છે.
વૈશ્વિક તાપમાનને વધતું રોકવા માટે 2010ના સ્તરના હિસાબથી કાર્બનઉત્સર્જનના સ્તરમાં 2030 સુધીમાં 45 ટકાનો ઘટાડો કરવાની જરૂર છે.
જોકે, સંયુક્ત રાષ્ટ્રનો દાવો છે કે કાર્બનઉત્સર્જનમાં કાપ મૂકવાને બદલે કેટલાક સૌથી વધુ ઉત્સર્જન કરનારા દેશો અશ્મીભૂત બળતણનું ઉત્પાદન મોટા પાયે વધારવાની યોજના બનાવી રહ્યા છે.
આ પ્રોડક્શન ગૅપ રિપોર્ટ મુજબ કેટલાક દેશોએ વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિસથી વધારે ઉમેરો ન થાય તે માટે જે સીમા નક્કી કરવામાં આવી છે તેના કરતાં 110 ટકાથી વધુ અશ્મીભૂત બળતણનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.
જો વૈશ્વિક તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સીમાની વાત કરીએ તો વિશ્વના દેશો તેના હિસાબથી 45 ટકા વધુ અશ્મીભૂત બળતણનું ઉત્પાદન કરશે.

કોલસા તથા ગૅસનું ઉત્પાદન ઘટવાને બદલે વધશે

ઇમેજ સ્રોત, VCG
અભ્યાસ મુજબ, કોલસાનું ઉત્પાદન ઘટશે પરંતુ આવતાં 20 વર્ષ સુધી ગૅસનું ઉત્પાદન વધશે અને આ સ્તર પેરિસ કરાર સાથે મેળ ખાતો નહીં હોય.
રિપોર્ટમાં ઑસ્ટ્રેલિયા, રશિયા, સાઉદી અરેબિયા, અમેરિકા અને યુકે જેવાં 15 રાષ્ટ્રોનો ઉલ્લેખ છે જ્યાં મોટા પ્રમાણમાં કોલસા અને ગૅસનું ઉત્પાદન થાય છે.
રિપોર્ટ અનુસાર મોટા ભાગના દેશોની સરકારો અશ્મીભૂત બળતણના ઉત્પાદનને ટેકો આપતી મહત્ત્વની નીતિઓ હજી પણ બનાવી રહી છે.
સ્ટૉકહોમ ઍન્વાયરમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્લૉય અચાકુલવિસુટ રિપોર્ટ તૈયાર કરનારાઓમાં સામેલ હતા.
તેમનું કહેવું છે કે,"રિસર્ચથી સ્પષ્ટ છે કે વૈશ્વિક કોલસા, ઑઇલ તથા ગૅસના ઉત્પાદનમાં તુરંત ઘટાડો લાવવાની જરૂર છે અને આ ઘટાડો 1.5 ડિગ્રી સેલ્સિયસની સીમાના હિસાબથી સતત થતો રહેવો જોઈએ"
તેઓ ઉમેરે છે કે " જોકે, આપણે એક સુરક્ષિત સ્તરે જેટલું અશ્મીભૂત બળતણ બાળી શકવાની પરિસ્થિતિમાં છીએ સરકારો તેના કરતાં ઘણા ઊંચા સ્તરે ઉત્પાદનની યોજના બનાવી રહી છે."

ઇમેજ સ્રોત, PAUL RATJE
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલ્ટીલૅટરલ બૅન્કો તથા સમૃદ્ધ દેશો પાસેથી ઑઇલ, કોલસો અને ગૅસ માટે લેવાતા ફંડિંગ ઘટાડો નોંધાયો છે.
કૉસ્ટારિકાના પર્યાવરણ તથા ઊર્જામંત્રી ઍન્દ્રે મેઝા કહે છે કે" આ રિપોર્ટ બતાવે છે કે, ફરી એક વાર, એક સામાન્ય પરંતુ એક અગત્યનું સત્ય એ છે કે જો આપણે પેરિસ એગ્રીમેન્ટનાં લક્ષ્યોને હાંસલ કરવાં હોય તો આપણે જમીનમાંથી ઑઇલ અને ગૅસ કાઢવાનું બંધ કરવું પડશે. "
તેઓ આગળ કહે છે કે, "અશ્મીભૂત ઈંધણની સપ્લાય તથા ડિમાન્ડ બંનેનો ઉકેલ આપણે શોધવો પડશે. એટલે જ ડેનમાર્ક સાથે, અમે બિયૉન્ડ ઑઇલ તથા ગૅસ ઍલાયન્સનું કામ કરી રહ્યા છીએ જેથી અશ્મીભૂત ઈંધણનું ખનન વધતું અટકાવી શકાય, તે ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને અન્ય જગ્યાએ કામ આપવી શકાય તથા નિયંત્રિત રીતે વર્તમાનમાં થતા ઉત્પાદનને બંધ કરવા તરફ આગળ વધી શકાય."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













