નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ ગુજરાતમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટો હાલ કેવી સ્થિતિમાં છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં છ વર્ષમાં લગભગ 16 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કે ઉદ્ઘાટન માત્ર ગુજરાતમાં કર્યાં છે. અલબત્ત, ઇન્ફ્રાસ્ટ્રકચરલ પ્રોજેક્ટ ઉપરાંત બીજા પ્રોજેક્ટનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ 16માંથી અમુક એવા પ્રોજેક્ટ છે કે સારી રીતે ચાલી રહ્યા છે, પરંતુ અમુક એવા પણ છે જે સારી રીતે નથી ચાલી રહ્યા કે પછી બંધ થઈ ગયા છે અથવા બંધ થયા બાદ બીજી વખત ચાલુ કરવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતીએ આવા અમુક પ્રોજેક્ટ પર એક નજર કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ઉદ્ધાટન થઈ ગયા બાદ આવા પ્રોજેક્ટનું શું થયું છે?

વર્ષ 2104માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી લઈને વર્ષ 2020 સુધીમાં તેમણે સમગ્ર ગુજરાતમાં મ્યૂઝિયમ, પાણીની યોજનાઓ, બુલેટ ટ્રેન, રો-રો ફેરી, સી-પ્લેન જેવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

તેમાંથી ઘણા પ્રોજેક્ટનું લોકાર્પણ દેશની કે પછી રાજ્યની કોઈક ચૂંટણી સમયે થયું હતું.

line

નર્મદા નદી પરનો પુલ

પુલ

ઇમેજ સ્રોત, bharuch.nic.in

ભરૂચમાં નર્મદા નદી પર રૂપિયા 379 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલનું નરેન્દ્ર મોદીએ માર્ચ 2017માં લોકાર્પણ કર્યું હતું.

આ પુલ 'લાર્સન ઍન્ડ ટ્રુબ્રો' કંપનીએ 2014માં બનાવવાની શરૂઆત કરી હતી અને હાલમાં તે મુંબઈથી અમદાવાદ આવ-જા કરનારાઓ માટે એક મહત્ત્વનો પુલ છે.

વડા પ્રધાન મોદીએ આ પુલની સાથોસાથ વડોદરા ખાતેના બીજા પ્રોજેક્ટોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે આ બ્રીજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

line

ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સેવા

નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઍન-રોલ ઑફ) ફેરી સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું

વર્ષ 2017માં વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સેવાની ઉંમર ખૂબ જ ઓછી હતી.

શરૂ થયાના એક જ વર્ષમાં આ ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. રોલ ઑન-રોલ ઑફ કે રો-રો ફેરી સર્વિસના પ્રથમ ફેઝ પાછળ 615 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં આ રો-રો ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈIના એક અહેવાલ પ્રમાણે મોદીએ તેને સમગ્ર દક્ષિણ એશિયામાં આ પ્રકારનો એકલો જ પ્રોજેક્ટ ગણાવ્યો હતો..

આ પ્રોજેક્ટને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવતો હતો.

જોકે, સપ્ટેમ્બર 2019માં સર્વિસ પ્રોવાઇડર 'ઇન્ડિગો સી-વે' નામની કંપનીએ આ પ્રોજેક્ટને બંધ કરી દીધો હતો.

આ પ્રોજેક્ટના બીજા તબક્કા તરીકે પીએમ મોદીએ બીજી રો-રો ફેરી સર્વિસ ઘોઘા અને હજીરા વચ્ચે શરૂ કરી હતી. જે હજી સુધી કાર્યરત્ છે.

line

સી પ્લેન

સીપ્લેન

ઇમેજ સ્રોત, Getty Images

2017ની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર સમયે સાબરમતીથી કેવડિયા ખાતેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉડાણે લોકોમાં ખૂબ કુતૂહલ ઊભું કર્યું હતું.

જોકે, વર્ષ 2017 બાદ અમદાવાદીઓને સી-પ્લેન છેક વર્ષ 2020માં જોવા મળ્યું, જ્યારે વડા પ્રધાન મોદીએ દેશની પ્રથમ સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતેના ઍરોડ્રૉમથી કેવડિયા સુધી સી-પ્લેન ઉડે એવું આયોજન કરાયું છે.

બિહારમાં જ્યારે ચુંટણીનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે આ સી-પ્લેનસેવાને દેશની પ્રથમ જળમાર્ગની ઉડાનસેવા તરીકે બિરદાવતા અનેક સમાયારો આવ્યા હતા.

જોકે બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ આ સેવા કામચલાઉ ધોરણે બંધ થઈ ચૂકી છે.

આ સેવા માટેનું વિમાન ખાસ માલદીવથી લાવવામાં આવ્યું હતું. 31 ઑક્ટોબરના રોજ ઉદ્ઘાટન બાદ તે સેવા 29 નવેમ્બરના રોજ બંધ કરી દેવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સી-પ્લેનની સેવા નિભાવ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે અને તે સેવા 15 ડિસેમ્બર પછી ફરીથી શરૂ થઈ શકે છે.

line

અમદાવાદ ખાતેની પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ઑક્ટોબર 2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યૂ. એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.

યૂ. એન. મહેતા હૉસ્પિટલની રૂપિયા 470 કરોડની વિસ્તરણયોજના અંતર્ગત આ હૉસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી.

ઉદ્ઘાટન બાદ આ હૉસ્પિટલ દેશમાં હૃદયની સારવાર માટેની અમુક મોટી હૉસ્પિટલો પૈકી એક હૉસ્પિટલ બની ગઈ હતી.

આ હૉસ્પિટલની ક્ષમતા 450 બેડથી વધારીને 1251 કરી દેવામાં આવી હતી. ગુજરાત સરકારનો દાવો છે કે દુનિયાની અત્યાધુનિક મોટી હૉસ્પિટલોમાં આ હૉસ્પિટલનો સમાવેશ થાય છે.

line

ગિરનાર રોપ-વે

રોપવે

ઇમેજ સ્રોત, પ્રતીકાત્મક તસવીર

2.3 કિલોમીટરનું અંતર સાડા સાત મિનિટમાં કાપતાં ગિરનાર પર્વતના રોપ-વેનું ઉદ્ઘાટન પીએ મોદીએ ઑક્ટોબર 2020માં કર્યું હતું.

પર્યાવરણને નુકસાન થવાના સંદર્ભે વિવાદોમાં આવી ગયેલો આ પ્રોજેક્ટ ઘણા સમય સુધી સમાચારોમાં રહ્યો હતો.

પરંતુ હવે તે શરૂ થઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે મોદીએ જાહેરાત કરી હતી કે એશિયાની સૌથી લાંબી રોપ-વે સર્વિસ છે. સરકારે આ પ્રોજેક્ટ માટે આશરે 130 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

line

સૌની (SAUNI) યોજના

રૂપાણી અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની યાદીમાં સૌરાષ્ટ્રની સૌની યોજનાનો પણ સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટ 2016માં કર્યું હતું. જેમાં જામનગરના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની વાત હતી.

આવી જ રીતે એપ્રિલ 2017માં આ યોજનાની લિંક -2નું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં બોટાદના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા છે.

આ યોજના અંતર્ગત નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્રના 115 ડૅમમાં લાવવાનું આયોજન છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ જિલ્લા સહિત બીજા સાત જિલ્લાઓનાં 737 ગામડાં અને 11 શહેરોને પાણી મળવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ આશરે 1200 કરોડ રૂપિયાનો છે.

line

બુલેટ ટ્રેન

મોદી અને જાપાનના વડા પ્રધાન શિંજો એબે

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ઝડપથી પાર કરી શકાય તે માટે આ બે શહેરો વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રોજેક્ટ પણ વડા પ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

આ પ્રોજેક્ટ માટે સરકાર આશરે 1.09 ટ્રિલિયન રૂપિયા ખર્ચશે, જેમાં જાપાન સરકાર સાથે પણ કરાર થયો છે.

ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી હતા, ત્યારે સપ્ટેમ્બર, 2017માં વડા પ્રધાન મોદીએ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં પૂરો થઈ જવાની શક્યતા હતી, પરંતુ જમીનસંપાદનના કામમાં મોડું થવાના લીધે આ તેનું કામ ધીમું પડ્યું છે.

ગુજરાતના અનેક ખેડૂતો પોતાની જમીનો સરકારને ન આપવા માટે સંઘર્ષ કર્યો હતો અને જમીનસંપાદનનું કામ મોડું થયું હતું.

ખેડૂતો અને સરકાર વચ્ચે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી થઈ હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે રેલવે બૉર્ડના ચૅરમૅન અને સીઈઓ વી. કે. યાદવ પ્રમાણે જમીનસંપાદનમાં મોડું થવાને કારણે અને કોવિડ-19ને કારણે પ્રોજેક્ટમાં મોડું થશે અને 2023ની નિર્ધારિત ડેડલાઈન પર તેને પૂર્ણ નહીં કરી શકાય.

line

iCreate

નવા સ્ટાર્ટ-અપને યોગ્ય ટ્રેનિંગ અને મદદ આપવાના હેતુથી ઇઝરાયલના વડા પ્રધાનની ગુજરાતની મુલાકાત વખતે નરેન્દ્ર મોદીએ iCreateનું ઉદ્ધાટન કર્યું હતું.

અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે એક ઍજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આ સંસ્થા ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ સ્ટાર્ટ-અપ માટે ટ્રેનિંગ તેમજ મદદ મેળવે છે.

હાલમાં iCreateનું બાવળા કૅમ્પસ ચાલુ છે અને અહીં પ્રથમ બૅચના વિદ્યાર્થીઓનું ભણતર પૂરું થઈ ચૂક્યું છે. તેમાંથી છ ઇનક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે.

line

વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડોદરા શહેરમાં વિવિધ પ્રોજેક્ટ

મોદી

ઇમેજ સ્રોત, VIJAY RUPANI FACEBOOK

વડોદરા શહેરની વચ્ચોવચ 'જનમહલ' પ્રોજેક્ટનો શિલાન્યાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે મહિના અગાઉ એટલે કે ઑક્ટોબર, 2017માં કર્યો હતો.

જોકે આ પ્રોજેક્ટને વિવિધ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ તો સ્થાનિક દુકાનદારોના વિરોધને કારણે અને પછી એસટી બસ માટેના રસ્તા માટે.

આ પ્રોજેક્ટ માટે એમ.એસ. યુનિવર્સિટીએ એસટી બસ માટે રસ્તો આપવાનો ઇન્કાર કરી દેતાં 'જનમહલ'નું પ્લાનિંગ બદલવું પડ્યું હતું.

આ પ્રોજેક્ટની કિંમત 125 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ જ સમયમાં મોદીએ રૂપિયા 100 કરોડ રૂપિયાના 'સિટી કમાન્ડ સેન્ટર'નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ જ સમયમાં 160 કરોડના મલ્ટિલેવલ પાર્કિંગ, 267 કરોડ રૂપિયાના વેસ્ટ-ટુ-ઍનર્જી પ્લાન્ટ વગેરેનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.

line

નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ મ્યૂઝિયમ

રાજપીપળા ખાતે 102.55 કરોડ રૂપિયાના ખર્ચે નૅશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સ મ્યૂઝિયમ તૈયાર થશે.

જેમાં દેશમાં આદિવાસી સમાજોના અંગ્રેજો સામેના સંઘર્ષની ગાથા રહેશે. આ પ્રોજેક્ટ પ્લાનિંગ અને અમલીકરણના તબક્કામાં છે.

આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ વડા પ્રધાન મોદીએ ઑક્ટોબર 2017માં કર્યો હતો. આ પ્રોજેક્ટની ઇમારત હાલમાં કેવડિયા ખાતે બનવાની તૈયારી થઈ ચૂકી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો