ગુજરાતના ખેડૂતોને દિલ્હીમાં આંદોલન કરવા જતા અટકાવવામાં આવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, MONEY SHARMA
- લેેખક, ભાર્ગવ પરીખ અને સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદા સામે હાલમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.
દેશનાં વિવિધ સંગઠનો સરકારના નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે અને તેને રદ કરવા માગણી રહ્યાં છે.
આ મામલે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો પણ યોજાઈ હતી, જોકે તેનું કોઈ સમાધાન થયું નથી.
ખેડૂતો કેન્દ્રના નવા કાયદાના ખેડૂતવિરોધી ગણાવી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે આ કાયદાથી ખેડૂતોને લાભ થશે, તેમને તેમના પાકને વેચવાની વધુ તકો મળશે.
અગાઉ ગુજરાતના નેતા અને કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકારપરિષદ સંબોધીને કહ્યું હતું કે આ કાયદાથી ખેડૂતોને લાભ થવાનો છે, સરકાર ખેડૂતોના હિતમાં આ કાયદાઓ લાવી છે.
આ કાયદાનો સૌથી વધુ વિરોધ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના ખેડૂતો કરી રહ્યા છે, તો અન્ય રાજ્યોમાં પણ છૂટોછવાયો વિરોધ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં પણ આંશિક રીતે આ કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતથી પણ કેટલાક ખેડૂત આગેવાનો દિલ્હી પહોંચ્યા છે અને વિરોધપ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.
ગુજરાતના ખેડૂતનેતાઓનું કહેવું છે કે તેઓ વેશ બદલીને દિલ્હી પહોંચ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુજરાતના ખેડૂતો દિલ્હી કેવી રીતે પહોંચ્યા?

ઇમેજ સ્રોત, JK Patel
'ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ'ના નેજા હેઠળ ખેડૂત સંગઠનો દિલ્હીમાં ભેગાં થયાં છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા કહે છે કે હાલમાં 22 જેટલાં સંગઠનો જોડાયાં છે અને 17 જેટલાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યાં છે.
બીબીસી સાથે વાત કરતા ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું કે "આ કાયદાઓથી ખેડૂતોને આવનારા સમયમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે."
તેઓ કહે છે, "ગુજરાતમાં અત્યારે અઘોષિત ઇમરજન્સી જેવું છે. ખેડૂતોને આંદોલન કરવા દેવામાં આવતા નથી. સરકારને એવો સંદેશ દેવામાં આવે છે કે ગુજરાતમાં ખેડૂતોને સંતોષ છે."
ગુજરાતથી ખેડૂતો દિલ્હી કેવી રીતે પહોંચ્યા એ અંગે ડાયાભાઈ કહે છે કે બધા ખેડૂત આગેવાનો અલગઅલગ જગ્યાએ નીકળ્યા છે અને અલગઅલગ રીતે દિલ્હી પહોંચ્યા છે.

ઇમેજ સ્રોત, jk patel
તેઓ કહે છે, "સરકારે અમને રોકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પણ અમે વેશ બદલીને આવ્યા છીએ. હું ઝભ્ભો-લેંઘો પહેરું છું, માથે લાલ ટોપી પહેરું છું, પણ હું પેન્ટ-શર્ટ પહેરીને આવ્યો છું."
'રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘ'ના રાષ્ટ્રીય મહામંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ ગામના જે.કે. પટેલ પણ દિલ્હી આવ્યા છે.
તેમના કહેવા અનુસાર 14 ડિસેમ્બર સાંજ સુધીમાં અંદાજે 200 લોકો દિલ્હી પહોંચી ગયા છે.
ડાયાભાઈની જેમ તેઓ પણ તેમનો વેશ બદલીને દિલ્હી પહોંચ્યા છે.
બીબીસી સાથે વાત કરતા જે.કે. પટેલ કહે છે, "હું 28 તારીખે રાજધાની એક્સપ્રેસથી દિલ્હી આવવા માટે નીકળ્યો હતો. મારી રોડ પરથી અટકાયત કરીને પોલીસસ્ટેશન લઈ ગયા હતા. પછી હું માથે ટકો (મુંડન) કરાવીને પાંચ તારીખે સવારે ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ફ્લાઇટ બુક કરાવીને દિલ્હી આવી ગયો."

શું ગુજરાતના ખેડૂતો ખુશ છે?

દિલ્હીમાં વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલા ખેડૂતનેતાઓનું કહેવું છે કે ગુજરાતમાં વિરોધ ન થાય તે માટે સરકારનું બહુ દબાણ છે.
ડાયાભાઈના કહેવા અનુસાર, "આ આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, ગુજરાત કિસાન કૉંગ્રેસના પાલભાઈ આંબલિયા, ગુજરાત કિસાન કૉંગ્રેસના કાંતિભાઈ, ભરૂચ જિલ્લાના ખેડૂત સંઘર્ષ સમિતિના યાકુબભાઈ આવ્યા છે."
આ બધા લોકો પહેલાં રાજસ્થાનમાં ભેગા થયા હતા અને બાદમાં પોતપોતાની રીતે દિલ્હી આવ્યા છે.
જે.કે. પટેલ કહે છે કે છેલ્લા એક વર્ષમાં તેમની અલગઅલગ કારણસર 25 વાર અટકાયત કરાઈ છે. જે.કે. પટેલ કહે છે કે "ગુજરાતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ખેડૂતોનો જુવાળ ભરપૂર છે. જો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની છૂટ મળે તો લાખો ખેડૂતો ઊમટી પડે તેમ છે."
ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ડાયાભાઈ બીબીસીને કહે છે કે ગુજરાતના ખેડૂતો ખુશ છે એવું સરકાર કહે છે, પણ હકીકતમાં એવું નથી.
તેઓ કહે છે, "સરકારને હું સીધો સવાલ કરું છું કે ગઈ સાલ તમે ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરી હતી? ડાંગરની ખરીદી કરી હતી? તુવેરની ખરીદી કરી હતી?"
"મગફળીની માત્ર 2500 કિલો ખરીદી કરે છે, તો બીજી મગફળી ખેડૂત ક્યાં વેચે, ગુજરાતના ખેડૂતો પર દિવસેદિવસે કરજ વધતું જાય છે. આમાં ખેડૂતો ખુશ કેવી રીતે હોય?"
ડાયાભાઈ કહે છે કે આ કાયદાથી ખેડૂતો ફરી પાછા કંપનીઓના ગુલામ બની જશે.
તેઓ એમ પણ કહે છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ ખેડૂતોની સંગઠનશક્તિ લડાયક નથી.

ગુજરાતમાંથી ખેડૂત આગેવાનોને રોકવામાં આવ્યા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તો ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનના સમયથી અને હાલમાં પણ કેટલાક લોકોને નજરકેદ રાખવામાં આવ્યા હોવાની વાતો મીડિયામાં ચર્ચાઈ રહી છે.
ખેડૂત આગેવાન ચેતન ગઢિયા કહે છે કે તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે અને સાદા વેશમાં પોલીસ તેમનો પીછો કરે છે.
બીબીસી સાથે વાત કરતા ખેડૂત આગેવાન ચેતન ગઢિયાએ કહ્યું કે "અમે આઠમીએ ભારત બંધના એલાનને ટેકો આપ્યો હતો. એ પછી અમને નજરકેદ કર્યા હતા. અમે કોઈ કાર્યક્રમ ન કરી શક્યા, નવ તારીખથી અમને નજરકેદથી મુક્ત કર્યા."
તેઓ કહે છે કે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ નક્કી કર્યું હતું કે તેઓ દિલ્હી કૂચ કરે.
ગઢિયા કહે છે કે "અમે બસ બુક કરાવી નક્કી કર્યું કે ગુજરાતના દરેક હિસ્સામાંથી 150-150 ખેડૂતોએ જવું, પણ અચાનક અમે બુક કરાવેલી પ્રાઇવેટ બસના ઑપરેટરોએ અમને બુકિંગના પૈસા પરત આપી દીધા અને બસ કૅન્સલ કરી દીધી."
"10 ડિસેમ્બરથી અમે નજરકેદમાં છીએ. હું એક બેસણામાં ગયો તો પોલીસ મારી પાછળ-પાછળ આવી. મારા ઘરની બહાર સાદાવેશમાં પોલીસ બેસી રહે છે. હવે અમે કંટાળ્યા છીએ, હું કાલથી મારા વાહન પર નજરકેદનું પાટિયું લગાવીને ફરીશ."
તો આવી રીતે પોલીસની નજરકેદમાં રહેતા રતનસિંહ ડોડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે આતંકવાદી અથવા ગુનેગાર હોઈએ એવી રીતે અમારી પાછળ સાદા કપડામાં પોલીસ મૂકી દેવાઈ છે.
તેઓ કહે છે, "હું પણ પોલીસની સામે મારા વાહન પર નજરકેદનું પાટિયું લગાવીને દિલ્હી જવા નીકળીશ. ગુજરાતમાં પાક વીમામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે દિલ્હી પ્રેસ-કૉન્ફરન્સ કરીશ. આમેય અત્યારે નજરકેદમાં છીએ, પછી ભલેને પોલીસ પકડીને જેલમાં નાખે."
તો કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા કહે છે કે કોઈ ખેડૂત કે ખેડૂત આગેવાનને નજરકેદમાં રાખવામાં આવ્યા નથી.
પરસોત્તમ રૂપાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ કાયદો ખેડૂતોના લાભ માટે છે, પણ અહીંના કેટલાક કૉંગ્રેસી લોકો એમને ભરમાવી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે, પણ ખેડૂત ભરમાતા નથી. એટલે એમને નજરકેદમાં રાખ્યાનું તૂત ઊભું કરી રહ્યા છે. વાસ્તવમાં કોઈ ખેડૂત કે ખેડૂત આગેવાનને નજરકેદમાં રાખ્યા નથી."
રૂપાલાએ વધુમાં કહ્યું કે "ગુજરાતમાં ખેડૂતોને કૃષિકાયદાનો વિરોધ નથી, એ સરકારના આ કાયદાની તરફેણમાં છે."
તેઓએ એમ પણ કહ્યું કે ગુજરાતમાં ઘણા વખતથી કૉન્ટ્રેકટ ફાર્મિંગ થાય છે અને ખેડૂત બે પાંદડે થયો છે ત્યારે એમને ખોટી રીતે ભરમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ખેડૂતોને શેની ચિંતા છે?

ઇમેજ સ્રોત, Reuters
ગુજરાત કિસાન સભા દ્વારા કેન્દ્ર સરકારના આ કાયદાઓથી ખેડૂતોને થતા નુકસાન અંગે પણ વાત કરવામાં આવી છે.
ગુજરાત કિસાન સભા કહે છે કે આ કાયદાઓથી ખેડૂતોની આજીવિકા પર સીધી અસર થશે.
આ કાયદાઓના પ્રભાવ અંગે તેઓ માહિતી આપે છે :
- કંપનીઓ ખેતપેદાશોની ખરીદી કરશે, આમ સરકાર અને બજારસમિતિનું નિયંત્રણ સમાપ્ત થઈ જશે, જેથી ખેડૂતોને મળતું રક્ષણ સમાપ્ત થઈ જશે.
- આ કંપનીઓ ખેડૂતો સાથે કરાર આધારિત ખેતી કરાવશે, જેથી ખેડૂતો બંધાયેલા મજૂર સમાન થઈ જશે અને ખેતીનું તમામ જોખમ ખેડૂતોનું રહેશે.
- કરાર આધારિત ખેતી એક વખત સ્થાપિત થઈ જશે, તેની ખરીદી કંપની કરતી થઈ જશે એટલે સરકાર પોતાની જવાબદારી ખંખેરી નાખશે, ટેકાના ભાવથી ખરીદીઓ બંધ થઈ જશે.
- કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ (ઠેકા આધારિત ખેતી) ખેતીનું સૌથી વધુ નુકસાન નાના અને સીમાંત ખેડૂતો દ્વારા ભાગમાં રાખવામાં આવતી ખેતી અને ભાડાપટ્ટે (સાંથ)થી રાખનારાઓને થશે, કારણ કે કંપની દ્વારા ફળદ્રુપ અને ઉપજાઉ જમીન પર કૉન્ટ્રેક્ટ (કરાર) દ્વારા નિયંત્રણ કરી લેવાશે, તેથી ગરીબ, નાના અને સીમાંત ખેડૂતોની રોજગારી પર સીધી અસર થશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














