ખેડૂત આંદોલન : કૃષિકાયદાના વિરોધમાં ભૂમિહીન મહિલા ખેડૂતોની ભૂમિકા કેટલી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
"ખેતી કરતાંકરતાં 17 વર્ષ વીતી ગયાં છે પણ સરકાર તરફથી કોઈ ખાસ મદદ નથી મળી. ભવિષ્યની ખબર નથી. અમે અમારા ખેતરમાં જ શાકભાજી વાવીને વેચીને કમાઈ કરી લઈએ છીએ. પણ હવે સાંભળ્યું છે કે કંપનીઓ ગામમાં આવશે અને ખેતી કરશે."
"હાલ તો અમને વર્ષે ત્રણ હજાર રૂપિયાના ભાવે બે વીઘા જમીન ખેડવા મળી જાય છે. જો કંપની કોઈ જમીનવાળાને આના 5 હજાર રૂપિયા આપશે તો અમારી પાસે મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે?"
આ શબ્દો ઉત્તર પ્રદેશનાં એક ભૂમિહીન મહિલા ખેડૂત શીલાનાં છે. શીલા ભાડે લીધેલા 2 વીઘાના ખેતરમાં શાકભાજી ઉગાડે છે અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
શીલા જણાવે છે કે ભાડે લીધેલા ખેતરમાં કામ કરીને દર વર્ષે ખર્ચો કાઢતાં દસ હજાર રૂપિયા સુધીની બચત તેઓ કરી લેતાં હતાં.
પરતું જ્યારે તેઓ ખેતી ન કરતાં હોય ત્યારે તેમને માત્ર મજૂરી પર જ આધાર રાખવો પડે છે. જે પ્રતિદિવસના 200 કે 250 રૂપિયા વચ્ચે હોય છે.

ખેડૂત આંદોલનમાં ભૂમિહીન મહિલા ખેડૂત ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં જ્યાં એક તરફ વ્યાપક સ્તર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને દેશભરમાં ખેડૂતો કેન્દ્ર સરકાર સામે વિરોધપ્રદર્શન કરીને નવા ત્રણ કૃષિકાયદા રદ કરવા માટે દબાણ બનાવી રહ્યા છે.
ત્યાં કૃષિ અર્થવ્યવસ્થામાં છેલ્લી પંક્તિમાં ઊભેલા ભૂમિહીન ખેડૂતોની હાજરી આ આંદોલનમાં ઘણી ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિરિયોડીક લૅબર ફૉર્સ સર્વેના વર્ષ 2018-2019ના આંકડા અનુસર ગ્રામીણ ક્ષેત્રમાં 71.1 ટકા મહિલાઓ કૃષિક્ષેત્રમાં કામ કરે છે. જ્યારે પુરુષોની ટકાવારી 53.2 ટકા છે.
આની સાથે જ આંકડાઓ એવું પણ દર્શાવે છે કે ખેડૂત મજૂર વર્ગમાં પણ મહિલાઓની ભાગીદારી ઘણી વધુ છે.
એવામાં સવાલ એ થાય છે કે ભારતમાં મહિલા ખેડૂતોનું આ નવા કાયદાઓ વિશે કેવું વલણ છે.

ભૂમિહીનતા એક મોટું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કાનૂની રીતે માત્ર એ જ મહિલાઓને ખેડૂતનો દરજ્જો આપવામાં આવે છે જેમના નામ પર જમીનનો પટ્ટો હોય છે.
ઉત્તર પ્રદેશના અવધ પ્રદેશમાં રહેતાં ભૂમિહીન મહિલા ખેડૂત રામબેટી માને છે કે આંદોલનમાં મહિલા ખેડૂતોની ઓછી સંખ્યાનું કારણ જાણકારીનો અભાવ છે.
રામબેટી છેલ્લા કેટલાક સમયથી ગામેગામ ફરીને મહિલા ખેડૂતોને આ કાયદાઓ વિશે જાણકારી આપી રહ્યાં છે.
ભૂમિહીન મહિલા ખેડૂતો સાથેની વાતચીતો અને તેમની સાથેના લાંબા અનુભવો વિશે જણાવતાં તેઓ કહે છે, "ખરેખર મહિલા ખેડૂતોને ખબર જ નથી કે આ કૃષિકાયદા તેમના માટે કેટલા જોખમી પુરવાર થઈ શકે છે. ગામ સુધી જાણકારી પહોંચી જ નથી. પરંતુ ધીમેધીમે આ જાણકારી પહોંચી રહી છે."
જોકે પંજાબથી આવનારાં કિરનજીતકોર માને છે કે,"મહિલા ખેડૂત તેમના સ્તરથી આ કાયદાઓનો વિરોધ કરી રહી છે. પંજાબમાં વિવિધ સ્થળઓએ તે વિરોધ કરી રહી છે. "
"ખેતરના કામ અને બાળકોની સારસંભાળ વચ્ચે પણ તે વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ સમય એવો છે જેમાં પંજાબના પુરુષો અને મહિલાઓ એકબીજાને ટેકો આપીને લડાઈ લડી લડ્યાં છે."
"પહેલુ પગલું એ છે કે આ કાયદાઓને પાછા લેવામાં આવે અને અમે આમ કરાવીને જ જંપ લઈશું."

કૃષિકાયદા શું નુકસાન કરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂત સંગઠનોનું માનવું છે કે આ નવાકૃષિ કાયદાઓથી તેમનું ભવિષ્ય જોખમાઈ શકે છે.
પરંતુ રામબેટી સહિતનાં કેટલાંક કૃષિક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ કાયદાથી કૃષિક્ષેત્રમાં કામ કરતાં મહિલાઓને સૌથી વધુ નુકસાન થશે.
રામબેટી કહે છે, "મહિલાઓને આ નવા કાયદાથી સૌથી વધુ નુકસાન થઈ શકે છે."
"સરકાર જે ખાવાની વસ્તુઓને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી બહાર કરી રહી છે તેનાથી નુકસાન થશે. કેમ કે તેનાથી કંપનીઓ આ વસ્તુઓને અમારી પાસે સસ્તામાં લઈ લેશે. પણ જો પછી અમે તેમનો સામાન ખરીદીશું તો અમને તે મોંઘો મળશે."
રામબેટી કોરોનાકાળનું ઉદાહરણ આપીને ચિંતા વ્યક્ત કરે છે.
તેઓ કહે છે, "કોરોનામાં સરકાર પાસે રૅશન હતું તો તેમણે પૂરું પાડ્યું. પણ જો તે કંપનીઓ પાસે પહોંચી જશે તો પછી મફતમાં નહીં મળે. એટલે અમે કંપનીઓના ભરોસે જીવતા થઈ જઈશું. કંપનીની મરજી હશે તો જ તેઓ આપશે. તો ઇચ્છા નહીં હશે તો રૅશન નહીં મળશે."
"અમે ભૂમિહીન ખેડૂત છીએ એટલે વર્ષે બે હજાર રૂપિયે વીઘે જમીન ભાડે રાખી ખેતી કરીએ છીએ. પણ આ કંપનીઓ આવી જવાથી જમીન માલિકોને તેઓ 5 હજાર રૂપિયા આપશે તો પછી અમને એ વ્યક્તિ પોતાનું ખેતર નહીં આપે."
"એટલે ભૂમિહીન મહિલા ખેડૂતોને પરેશાની થશે. કંપનીઓ પહેલાં તેમને લાલચ આપશે અને પછી તેમને ફસાવી લેશે. તેમને પોતાનું બિયારણ, ખાતર આપશે અને તેમના જ હિસાબે ખેતી કરાવશે."

ઇમેજ સ્રોત, Getty Images
"હાલ અમે અમારા ખાવા માટે ખેતરમાં શેરડી, મગફળી, શક્કરિયાં જેવી વસ્તુઓ ઉગાડી લઈએ છીએ. પણ કંપની કરાર કરશે તો તે તેમની જ રીતે ખેતી કરાવશે. તેઓ કહેશે કપાસ ઉગાડો, તેઓ કહેશે નીલની ખેતી કરો તો એ જ કરવી પડશે. પછી અમે ખાનપાનની વસ્તુઓ ઉગાડી નહીં શકીએ."
ભારતમાં ભૂમિહીન મહિલાઓનો એક મોટો વર્ગ નાના પ્રમાણમાં જમીન ભાડે લઈને પોતાની રીતે ખેતી કરે છે. તેમાં તે પરિવારના ભરણપોષણ માટે જરૂરી અનાજ પેદા કરવાની પણ કોશિશ કરે છે.
ખેતર ન મળતા આ મહિલાઓએ મજૂરી કરવી પડે છે. પછી મનરેગા જેવી યોજનાઓની મદદથી મજૂરી મેળવે છે.
પરંતુ ભાડે ખેતી કરીને તેઓ ગામમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે છે.
જોકે ભૂમિહીન મહિલાઓ જમીનમાલિક નહીં હોવાથી તેમને ખેડૂતો માટે સરકાર દ્વારા ચાલતી યોજનાઓ જેમ કે ડાયરેક્ટ બૅન્ક ટ્રાન્સફર, પાક વીમા યોજના અને કિસાન ક્રૅડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ સંપૂર્ણ રીતે નથી મળી શકતો.
આથી ગામમાં કૉર્પેરેટ કંપનીઓના પ્રવેશ અને કરારબદ્ધ ખેતીના સમાચારો મહિલા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

સંકટ વધશે

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં ભૂમિહીન મહિલા ખેડૂતોના સશક્તીકરણ માટે કામ કરતી સંસ્થા 'પાની'નાં સચિવ ભારત ભૂષણ માને છે કે કરારબદ્ધ ખેતીના કિસ્સામાં ભૂમિહીન મહિલા ખેડૂતની સમસ્યાઓમાં વધારો થશે.
તેઓ કહે છે,"આ કાયદામાં કરાર આધારિત ખેતીની જોગવાઈ છે તેનાથી ભૂમિહીન મહિલા ખેડૂતોની સંખ્યામાં વધારો થશે. એ વાત સ્પષ્ટ છે કે સરકારે આ કાયદામાં આ વર્ગને ધ્યાને જ નથી લીધો."
બીજી તરફ ભૂમિહીન મહિલા ખેડૂતો માટે કામ કરતાં નિષ્માણ ત્યાં સુધી માને છે કે "ભૂમિહીન ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે જો કંપનીઓ ગામમાં આવશે તો શું થશે. કેમ કે લોકો પોતાના જ ગામમાં પરિચિતો પાસે ખેતર ભાડે લેતા હોય છે અને ખેતી કરે છે. જો હવે કંપનીઓ આવવા લાગશે તો આ ખેડૂતોને ખેતી કરવા માટે જમીન નહીં મળે. ખેડૂતોને આનો મોટો ડર છે."
"ન્યૂનતમ સમર્થન મૂલ્યની વાત લઈએ તો ભલે ખેડૂતોને આનાથી બે-ત્રણ રૂપિયા ઓછું મળે. પરંતુ મંડી હોવાથી ફરક પડે છે. પણ હવે જો કોઈ ભાવ જ ન હોય તો ખેડૂત બજારના ભરોસે રહેવા લાગશે. ટામેટાં જેવી ખેતપેદાશ જે ઝડપથી ખરાબ થઈ જાય છે તેવા કિસ્સામાં જોવા મળ્યું છે કે ખેડૂત સંપૂર્ણ રીતે બજારનો ગુલામ બની જાય છે. કેમ કે ખેડૂત આ પ્રકારના પાક રાખી ન શકે એટલે તેમણે જે ભાવ મળે તેમાં તેને વેચી દેવી પડે છે."
"મંડી સિસ્ટમમાં પણ કેટલીક સમસ્યાઓ છે અને તેને દૂર કરવાની જરૂર છે. નિષ્ણાતોએ ભલામણ પણ કરી છે. પણ આ આખી સિસ્ટમને હઠાવી દેવી કેટલી વાજબી છે? બની શકે કે કેટલીક કંપનીઓ ખેડૂતને સૂચના મળતા જ એજન્ટ મોકલી દેશે. પણ ખેડૂત માટે તો આ મજબૂરીનો સોદો થયો. વળી કઈ કંપની એવી છે જે વેચનારની મજબૂરીમાં પણ સારા ભાવે પાક ખરીદે છે."

આશાનું કિરણ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
પરંતુ ભૂમિહીન મહિલા ખેડૂતો સાથેની વાતચીતમાં એક વાત જાણવા મળી છે કે તેઓ ઇચ્છે છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્યથી ઓછી કિંમતની ખરીદીને ક્રિમિનલ ગુનો બનાવી દે.
કૃષિક્ષેત્રના નિષ્ણાત દેવેન્દ્ર શર્મા માને છે કે જો આવું થઈ જાય છે તો તેનાથી ભૂમિહીન ખેડૂતોને ફાયદો થશે.
તેઓ કહે છે,"જો ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખેતપેદાશ વેચવા માટે ખેડૂતનો અધિકાર મળી જશે તો તેનાથી અમારી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ પણ આવી જશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












