ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ પંજાબ-હરિયાણા જેટલી અસર કેમ કરતા નથી?

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, ખેડૂત આંદોલન
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં છ હજાર જેટલી એપીએમસી(ઍગ્રિકલ્ચર પ્રૉડ્યુસ માર્કેટ કમિટી) બજારો આવેલી છે. જેમાંની બે હજારથી વધુ પંજાબમાં છે. દેશમાં જે ખેડૂતોને ટેકાના ભાવ મળે છે, એમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે, તેથી વિરોધનો વંટોળ પણ ત્યાં વધારે છે.

ખેડૂતનેતા સાગર રબારી કહે છે કે, "1966માં ટેકાના ભાવની વ્યવસ્થા લાગુ થઈ ત્યારથી ગુજરાત સહિત અન્ય રાજ્યોને એનો નહીવત્ લાભ મળ્યો છે. મહત્તમ લાભ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને જ મળ્યો છે."

આ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ચિંતા છે કે સરકાર હવે પાક પર મળતા ટેકાના ભાવ એટલે કે લઘુતમ સમર્થન કિંમતની જે યોજના છે એ હઠાવી દેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને જણાવ્યું છે કે "હું પહેલાં પણ કહી ચૂક્યો છું અને ફરી એક વખત કહું છું કે એમએસપીની વ્યવસ્થા ચાલુ રહેશે. સરકારની ખરીદી ચાલુ રહેશે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ આપીને જણાવ્યું કે ટેકાના ભાવની ખાતરી આપવામાં આવે છે. તેને રદ નહીં કરાય અને સાથે જે એપીએમસી માર્કેટ છે તેને કોઈ અસર નહીં થાય. એને મજબૂત બનાવાશે.

જોકે, આંદોલન કરી રહેલા ખેડૂતો ટસના મસ થવા તૈયાર નથી.

ખેડૂતોના આંદોલનને સમર્થન કરી રહેલા ખેડૂતઆગેવાન તેમજ ગુજરાત કિસાન કૉંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "સરકાર જો લેખિતમાં આપે તો પણ એના પર ભરોસો ન બેસે. "

"ગુજરાતમાં 10 ઑગસ્ટે સરકારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી અને પરિપત્ર જાહેર કર્યો હતો. એ છતાં પણ ગુજરાતના 16 તાલુકાના ખેડૂતોને યોજનાનો મળવાપાત્ર લાભ નથી મળ્યો."

"તેથી સરકાર લેખિતમાં બાંહેધરી આપે તો પણ ભરોસો ન કરી શકાય."

સાગર રબારી કહે છે કે "સરકાર તો કહે છે કે નવા ખેડૂતકાયદાને લીધે ટેકાના ભાવની વ્યવસ્થાને કોઈ અસર નહીં પડે, પણ ખેડૂતોને સરકારની વાત પર ભરોસો નથી અને ડર છે. "

"સમજવાની વાત એ પણ છે કે સરકારે ટેકાના ભાવે તો ખરીદી ચાલુ રાખવી જ પડે એમ છે. કારણ એ છે કે સરકારને જાહેર વિતરણવ્યવસ્થા - ધ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ(પીડીએસ) માટે તેમજ આર્મીના સ્ટૉક માટે અનાજ તો જોઈશે જ."

line

ટેકાના ભાવ શું છે?

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ટેકાના ભાવ ક્યારથી લાગુ થયા એનો ઇતિહાસ જાણી લઈએ.

બીબીસી સંવાદદાતા સરોજ સિંહના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 1964માં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સચિવ લક્ષ્મીકાંત ઝાના પ્રમુખપણે ખાદ્યાન્નસમિતિ રચવામાં આવી હતી.

શાસ્ત્રીજીનું કહેવું હતું કે ખેડૂતોની ઊપજના બદલામાં તેમને ઓછામાં ઓછા એટલાં નાણાં મળવા જ જોઈએ જેથી તેમને નુકસાન ન જાય.

એ સમિતિએ 24 સપ્ટેમ્બરે પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો અને ડિસેમ્બરમાં એના પર મહોર લાગી હતી.

1966માં પહેલી વખત ઘઉં અને ચોખાના ટેકાના ભાવ નક્કી થયા હતા. એ નક્કી કરવા માટે કૃષિ મૂલ્યપંચની રચના કરવામાં આવી હતી. જેનું નામ બદલીને કૃષિખર્ચ અને ભાવપંચ - 'ધ કમિશન ફૉર એગ્રિકલ્ચર કૉસ્ટ્સ ઍન્ડ પ્રાઈસિસ' (સીએસીપી) કરવામાં આવ્યું હતું.

1966થી શરૂ થયેલી આ પરંપરા આજ સુધી એટલે કે અડધી સદી કરતાં વધુ સમયથી ચાલી રહી છે.

દર વર્ષે દેશમાં 23 જેટલા પાકના ટેકાના ભાવ નક્કી થાય છે. જેમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તલ, મગફળી, કપાસ વગેરે સામેલ છે.

ખેડૂત

ઇમેજ સ્રોત, BBC Sport

કોઈ પણ પાકનો ટેકાનો ભાવ - મિનિમમ સપોર્ટ પ્રાઈસિસ(એમએસપી) આખા દેશમાં એક જ હોય છે. ભારત સરકારનું કૃષિમંત્રાલય તેમજ સીએસીપીની ભલામણને આધારે એમએસપી નક્કી થાય છે.

કૃષિખર્ચ અને ભાવપંચ ટેકાના ભાવોની ભલામણ માટે તેને સંલગ્ન બાબતોની વિગતો રાજ્ય સરકાર પાસેથી મગાવે છે.

જે-તે સિઝનના પાકના ટેકાના ભાવોની જાહેરાત કરતાં અગાઉ સરકાર આ વિગતો મગાવે છે.

ટેકાના ભાવ નક્કી કરવામાં મુખ્યત્વે જે-તે પાકના ઉત્પાદનખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે.

પાક ઉત્પાદનખર્ચની મોજણી અને તે અંગેના ઘટકની ગણતરી ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ સંસ્થાએ નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે.

ખેડૂતો પોતાનો પાક ખેતરેથી રાજ્યની અનાજની મોટી બજારોમાં લઈને આવે છે. એ પાકમાંથી ઘઉં, ચોખા વગેરેને ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ) ટેકાના ભાવે ખરીદે છે.

એફસીઆઈ આ અનાજનું પીડીએસ અંતર્ગત રાહત દરે ગરીબોને વેચે છે. જોકે, આ વિતરણ પછી પણ એફસીઆઈ પાસે અનાજનો પુરવઠો પડ્યો રહે છે.

પીડીએસ ભારતની અનાજ સુરક્ષાપ્રણાલી છે અને વિશ્વની સૌથી મોંઘી અનાજ સુરક્ષા પ્રણાલીમાંની એક ગણાય છે.

ટૂંકમાં, ટેકાના ભાવે ખરીદાતા અનાજની રકમ સરકાર નક્કી કરી દે છે, જેથી એ નક્કી થઈ જાય છે કે ખેડૂતોને પોતાના પાકની એક ચોક્કસ રકમ મળી જશે.

નવા કૃષિકાયદાને લીધે ખેડૂતોને બીક છે કે હવે ખાનગી કંપનીઓ બજારમાં આવશે અને બજાર તેમજ વિતરણવ્યવસ્થા ખોરવાઈ જશે. સરવાળે ટેકાના ભાવની વ્યવસ્થા બંધ થઈ જશે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલનમાં અગ્રસર કેમ?

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

સાગર રબારી જણાવે છે, "ટેકાના ભાવનો લાભ પંજાબ, હરિયાણાને બાદ કરતાં ગુજરાત સહિત અન્ય રાજ્યોને નહીંવત્ મળ્યો છે. 60ના દાયકામાં ભારતમાં એવી સ્થિતિ હતી કે દેશના લોકો માટે પૂરતું અનાજ ભંડોળ નહોતું. અમેરિકાથી ઘઉં આયાત કરવા પડતા હતા."

"જે ઘઉંની ગુણવત્તા પણ નબળી હતી. એને પરિણામે હરિત ક્રાંતિ થઈ. વધુ ઉત્પાદન થાય એ આ ક્રાંતિનું ફોકસ હતું. કારણ કે એ વખતે દેશની જરૂરિયાત પણ હતી. એ વખતે ઘઉં અને ચોખા રૅશનિંગમાં અપાતા હતા."

"હરિત ક્રાંતિનો પહેલો લાભ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ લીધો હતો. એ વખતે જેટલું પાકે એટલું સરકાર ખરીદી લેતી હતી. એ વખતે ટેકાના ભાવની વ્યવસ્થાની સરકારે 1966માં જાહેરાત કરી હતી. સરકાર જે ખરીદી કરતી હતી એ મોટે ભાગે પંજાબ હરિયાણાના ખેડૂતો પાસેથી જ ખરીદતી હતી."

"કારણ કે એ વખતે અન્ય રાજ્યોમાં સરપ્લસ ઉત્પાદન હતું નહીં અને ત્યારથી તેઓ ટેકાના ભાવનો મહત્તમ લાભ લેતા આવે છે. આજે પણ તેઓ ડાંગરનું વાવેતર મોટે પાયે એટલા માટે જ કરે છે. "

"તેથી સરકારના નવા ખેતસુધારણા કાયદા સામે વ્યાપક વિરોધ પંજાબ અને હરિયાણામાંથી થયો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સાંકેતિક વિરોધ છે."

line

પાંચ દાયકા જૂની વ્યવસ્થા

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

60ના દાયકામા જ્યારે ટેકાના ભાવની વ્યવસ્થા લાગુ થઈ ત્યારે ભારત અનાજના મામલે આત્મનિર્ભર નહોતું.

આજે સ્થિતિ એવી છે કે ઘઉં અને ચોખાનો જથ્થો જરૂરિયાત કરતાં અનેકગણો પડ્યો છે.

કૃષિ અર્થશાસ્ત્રી વિજય સરદાનાનો મત છે કે પાકની કિંમત બજાર દ્વારા જ નક્કી થવી જોઈએ, સરકાર દ્વારા એનું નિયંત્રણ ન થવું જોઈએ.ખેડૂતો અને ભારત સરકારે એ વિચારવું જોઈએ કે ખેતીમાં ખર્ચ કેવી રીતે ઘટી શકે.

તેઓ જણાવે છે, "2015માં એફસીઆઈના પુનર્ગઠન પર સૂચન માટે શાંતાકુમાર સમિતિની રચના કરવામાં આવી હતી. જેમણે પોતાના અહેવાલમાં જણાવ્યું હચું કે દેશના માત્ર છ ટકા ખેડૂતોને જ ટેકાના ભાવના લાભ મળે છે."

"94 ટકા ખેડૂતોને એનો લાભ મળતો નથી. ઉપરાંત સરકાર ટેકાના ભાવે અનાજ ખરીદે છે તો એને મોંઘું પડે છે અને તિજોરી પર ધક્કો પડે છે."

"પ્રૉક્યુરમૅન્ટ કૉસ્ટ 14ટકા, હૉલ્ડિંગ કૉસ્ટ 8 ટકા, લેબર, લૉડિંગ -અનલૉડિંગમાં 12 ટકાનો ખર્ચ એમ કુલ 34 ટકા વધારાનો ખર્ચ સરકારે ટેકાના ભાવે અનાજ ખરીદતી વખતે કરવો પડે છે."

"તેથી 2000 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ ઘઉં ટેકાના ભાવે સરકાર ખરીદે તો એ તેમને 2680 રૂપિયામાં પડે છે."

line

વાંક કોનો?

ખેડૂત

ઇમેજ સ્રોત, MONEY SHARMA

સરદાનાથી બિલકુલ અલગ મત વ્યક્ત કરતાં પાલ આંબલિયા કહે છે કે "જો ટેકાના ભાવની વ્યવસ્થામાં ક્ષતિ જણાતી હોય તો સરકારના આયોજનનો અભાવ છે. સરકારે વ્યવસ્થામાં સંશોધન અને સુધારા કરવાના હોય, વ્યવસ્થા બંધ ન કરવાની હોય."

"સરકાર ટેકાના ભાવની વ્યવસ્થા જ યોગ્ય ઢબે લાગુ ન કરે અને ઠીકરું વ્યવસ્થાના નામે ફોડે એ કેમ ચાલે? રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કરાર થાય એ મુજબ નક્કી થયેલા પાકના કુલ ઉત્પાદનના 25 ટકા સરકાર ટેકાના ભાવે ખરીદે છે."

"મારી પાસે સો વીઘાનું ખેતર હોય તો એમાં 25 ટકાની ઉત્પાદકતાને આધારે માલ લેવો જોઈએ. સરકાર કહે છે કે પહેલા રાઉન્ડમાં તમારે 2500 કિલો મગફળી લઈ આવવાની. છેલ્લાં ચાર વર્ષમાં બીજો રાઉન્ડ સરકારે ક્યારેય ચાલુ જ નથી કર્યો."

પોસ્ટર

"સરકાર જાહેરાત કરે કે 8 લાખ મૅટ્રિક ટન ખરીદીશું પણ વાસ્તવમાં ખરીદી થાય ચાર કે પાંચ લાખ ટન. ગુજરાતમાં સરકારે ટેકાના ભાવે જે જાહેરાત કરી છે એની 50 ટકા સરેરાશ ખરીદી છેલ્લાં ચાર વર્ષમાં નથી કરી. આ વખતે ચિત્ર જુદું છે. આ વખતે ખેડૂતોનો મગફળીનો પાક વરસાદને લીધે ધોવાયો છે. તેથી જે માલ થયો છે એના બજારભાવ સારા મળ્યા છે."

ગુજરાતના અન્ય એક ખેડૂત આગેવાન ડાયાભાઈ ગજેરા બીબીસીને જણાવે છે કે "ટેકાના ભાવ અંતર્ગત જે પાક નક્કી થાય છે એ આવશ્યક ચીજવસ્તુમાં આવે છે. એ દેશની જનતાની જરૂરિયાત છે. તેથી એનો માલ પેદા કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પડે. "

"સરકાર ટેકાના ભાવની વ્યવસ્થા હઠાવી ન શકે. જો એ હઠાવે તો સરકારનું કોઈ નિયંત્રણ ન રહે અને અરાજકતા ફેલાય."

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સાત ડિસેમ્બરે કહ્યું હતું કે "મોદી સરકારે વારંવાર બાંહેધરી આપી છે કે અમે ટેકાના ભાવ ચાલુ રાખવાના જ છીએ. મોદીએ તો એમએસપીનો વ્યાપ અને ભાવ વધાર્યા છે. "

"ગુજરાતમાં પણ અમારી સરકારે ત્રણ વર્ષમાં 15000 કરોડથી વધુની ખરીદી કરી છે અને ખેડૂતો એનાથી સંતુષ્ટ છે. તેથી હું એમ માનું છું કે આ આંદોલનકારીઓની જે માગ છે એ વાજબી નથી. આ આંદોલન એ ખેડૂતોના નામે ચલાવાતું રાજકીય આંદોલન છે."

line

ટેકાના ભાવ ખેડૂતનો અધિકાર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સાગર રબારી આનાથી ભિન્ન મત ધરાવે છે.

તેઓ કહે છે કે "આંદોલન કરી રહેલા ખેડૂતોની માગ છે કે ટેકાના ભાવ એ અધિકાર છે. ખરૂં જોતાં એ અધિકાર નથી પણ માર્કેટ ઇન્ટર્વેન્શન છે. સરળ રીતે સમજીએ તો ઉત્પાદન ખૂબ વધારે હોય તો બજારભાવ નીચા જાય. બજારભાવ નીચા જાય ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કુલ ઉત્પાદનનાં 15થી વધુમાં વધુ 25 ટકા ટેકાના ભાવે ખરીદી કરે."

"માગ કરતાં પુરવઠો વધારે હોય એ કાબૂમાં આવી જાય એટલે ભાવ ફરી ઊંચા આવે. ત્યારે સરકાર ખરીદી બંધ કરી દે. તેથી ટેકાના ભાવની વ્યવસ્થા માર્કેટ ઇન્ટર્વેન્શન છે, અધિકાર નથી. અત્યારે આંદોલન કરી રહેલા ખેડૂતો કહે છે કે ટેકાના ભાવ મેળવવા એ અધિકાર છે."

"એના માટે અલાયદો કાયદો બનાવી દો. 2007-08માં યૂપીએ સરકાર વખતે પણ ખેડૂતોએ એવી માગ કરી હતી, પણ આંદોલન આટલા મોટા પાયે થયું નહોતું. સરકાર ટેકાના ભાવની વ્યવસ્થાને ખેડૂતોના અધિકાર એટલે કે કાયદાનું સ્વરૂપ નથી આપતી એનું કારણ એ છે કે તે અશક્ય છે."

કપાસનો પાક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપાસનો પાક

"જો સરકાર તમામ ઉત્પાદન ટેકાના ભાવે લે તો એનું બજેટ જંગી થઈ જાય. એનો સંગ્રહ, વાહન વ્યવહાર વગેરેનું શું? અત્યારે સરકાર પોતાની જરૂરિયાત પૂરતું તેમજ ક્યારેક સરપ્લસ હોય તે ખરીદે છે."

"જો અધિકાર કે કાયદો બને તો ફરજિયાત થઈ જાય. સરકાર ટેકાના ભાવ દેવા નથી માગતી અને ધીમેધીમે એમાંથી નીકળી પણ જવાની છે, પણ તાબડતોબ નહીં નીકળી શકે."

આનો વિકલ્પ શું હોઈ શકે? એ સવાલના જવાબમાં સાગર રબારી કહે છે કે "ટેકાના ભાવ કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સબસિડી તેમજ ખેતીના ખર્ચ ગણીને વીઘા કે હેક્ટરદીઠ સીધી સહાય કરે તો બધી મુશ્કેલી દૂર થઈ જાય."

ટેકાના ભાવને લીધે પાકવૈવિધ્ય જળવાતું નથી, જમીન પણ ખરાબ થાય છે.

નિષ્ણાતો માને છે કે ટેકાના ભાવની વ્યવસ્થા છે એ પાંચ દાયકા પહેલાં જરૂરિયાત હતી. અત્યારે આ વ્યવસ્થાને લીધે લાંબા ગાળાનું નુકસાન પણ છે.

સાગર રબારી કહે છે, "ટેકાના ભાવને લીધે ગુજરાત સહિત સમગ્ર દેશની ખેતીને નુકસાન ગયું છે. જેમાં પંજાબ અને હરિયાણા પણ આવી જાય. ટેકાના ભાવની વ્યવસ્થા હોવાને કારણે ખેડૂત એના સિવાયના અન્ય પાકનું વાવેતર કરતા નથી."

"તે પાક જમીનને માફક આવે તેમ ન હોય અને રસાયણો જ નાખવાં પડતાં હોય તો પણ ખેડૂતો એવા જ પાક લે છે જેના ટેકાના ભાવ મળતા હોય."

દિવેલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવેલા

"ખેડૂતને એવી ધરપત હોય છે કે વાવેતરનો ખર્ચ તો કમસેકમ ટેકાના ભાવમાં નીકળી જશે. એમાં જમીનનો ખો નીકળી જાય છે. ગુજરાતમાં કપાસના પાકનું વાવેતર વધ્યું હતું એનું કારણ ટેકાના ભાવ જ હતા. કપાસનું ઉત્પાદન ઘટ્યું અને મગફળીનું એંકાંતરે વાવેતર વધવા માંડ્યું એનું કારણ પણ એ જ છે કે મગફળીના પણ ટેકાના ભાવ મળે છે. "

"ટૂંકમાં ટેકાના ભાવને લીધે અમુક જ પાકનું ઉત્પાદન ખેડૂત કરે છે, પછી જમીન એને અનુકૂળ છે કે નહીં એ નથી જોવામાં આવતું. પછી ભલે એના માટે વધારે પડતી દવાના ખર્ચ કરવા પડે."

"ખેડૂત એટલું જ વિચારે છે કે કપાસ કે મગફળી વાવીએ તો કમસેકમ ટેકાના ભાવ તો નીકળી જ જશે. જો ટેકાના ભાવ ન હોય તો ખેડૂત જમીન અનુસાર ખેતી લઈ શકે અને માર્કેટ સૅક્ટર પણ ખેડૂત ધ્યાનમાં રાખે."

"જેમ કે ઘઉંનું ઉત્પાદન ખૂબ હોય અને માર્કેટમાં ઘઉંના ભાવ નીચે જાય તો ખેડૂત એનું ઉત્પાદન ઘટાડી દે. ટેકાના ભાવની રાહતને કારણે તે એક કે બે પાકનું મહત્તમ વાવેતર કરે છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે રસાયણના વ્યાપક છંટકાવને લીધે પંજાબની જમીનોમાં ભારે નુકસાન થયું છે."

"ટેકાના ભાવ આધારિત પાક લેવાનું ચલણ જ્યાં વધારે છે એવાં રાજ્યોમાં જમીનમાં નુકસાનીનો દર પણ વધી રહ્યો છે."

વિજય સરદાના કહે છે કે "ટેકાના ભાવ પાછળ સરકાર જે 40 ટકાનો વધારાનો ખર્ચ કરે છે એ ખર્ચ ખેડૂતોની પાછળ તો થતો નથી. જરૂરી છે કે એ ખર્ચનો સીધો લાભ ખેડૂતોને મળે. દરકે ઠેકાણે પીડીએસ યોજનામાં ઘઉં અને ચોખાની જ જરૂર નથી હોતી."

"દરેક રાજ્યમાં ત્યાંનું જે મુખ્ય ભોજન હોય તે જ અનાજની પેદાશ માટે ટેકાના ભાવની વ્યવસ્થા લાગુ થવી જોઈએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો