ખેડૂત આંદોલન : શું સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતીની કોઈ ‘ફૉર્મ્યુલા’ છે?

ખેડૂત આંદોલન
ઇમેજ કૅપ્શન, ખેડૂત આંદોલન
    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક તરફ નવા કૃષિકાયદા પરત લેવાના નિર્ણય પર ખેડૂત સંગઠનના નેતાઓએ સરકાર પાસેથી ‘હા’ કે ‘ના’માં જવાબ માગ્યો છે. ખેડૂત નવા કૃષિકાયદા પાછા ખેંચી લેવાની માગ પર અડગ છે. આ માગણી કરતાં ઓછું તેમને કંઈ કબૂલ નથી.

બીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રી ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP પર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા સિવાય અન્ય માગણીઓ માનવા માટે પણ તૈયાર છે. પરંતુ કેન્દ્ર સરકાર હજુ સુધી નવા કૃષિકાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી દેખાઈ રહી.

આવી પરિસ્થિતિમાં ખેડૂત અને સરકાર વચ્ચેનું ઘર્ષણ કેવી રીતે ઓછું થશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીબીસીએ ભૂતપૂર્વ કૃષિમંત્રી, ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ભૂતપૂર્વ ચૅરમૅન, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ફૂડ કમિશનર અને ખેતી સાથે લાંબા સમયથી સંકળાયેલા જાણકારો સાથે વાત કરી.

આવો જાણીએ, છઠ્ઠા તબક્કાની વાતચીત પહેલાં શું છે તેમની ભલામણો.

line

ન્યૂનતમ સમર્થન મૂલ્યને કાયદાકીય અધિકાર બનાવવામાં આવે - સોમપાલ શાસ્ત્રી, ભૂતપૂર્વ કૃષિમંત્રી

ખેડૂત આંદોલન

સોમપાલ શાસ્ત્રી વાજપેયી સરકારમાં કૃષિમંત્રી રહી ચૂક્યા છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે ખૂબ જ સરળ શબ્દોમાં સમાધાન સૂચવ્યું છે.

“સરકાર આ જે કાયદા લઈને આવી છે, તે કોઈ નવી વાત નથી. તેની પ્રથમ વખત ઔપચારિક ભલામણ ભાનુ પ્રતાપ સિંહની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ 1990માં કરી હતી. ત્યારથી તે સ્થગિત હતી. વર્તમાન સરકારે તેને લાગુ કરી છે. તેને લાગુ કરવાથી લાભ પણ થઈ શકે છે અને હાનિ થવી પણ સંભવ છે. લાભ માત્ર ત્યારે જ થઈ શકે છે જ્યારે આની સાથે સહકારી સહયોગી વ્યવસ્થાઓ કરવામાં આવે.“

“તેના માટે સૌપ્રથમ જરૂર છે ન્યૂનતમ સમર્થન મૂલ્યને એક ગૅરંટી તરીકે ખેડૂતો માટે કાયદાકીય અધિકાર બનાવવામાં આવે.“

“બીજું એ કે કૃષિ ખર્ચ અને મૂલ્ય પંચ છે તેને બંધારણીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવે. સાથે જ આ પંચની જે પાક ખર્ચ આકલનની રીત છે તેને ઔદ્યોગિક ખર્ચના આધારે સંશોધિત કરવામાં આવે.“

“ત્રીજું એ કે જે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગના કારણે સર્જાનારા વિવાદ માટે બ્લૉક સ્તરથી લઈને જનપદ સ્તર, રાજ્ય સ્તર અને કેન્દ્ર સત્ર પર અલગ અલગ ટ્રિબ્યૂનલ બનાવવામાં આવે. જેને ન્યાયિક અધિકાર મળે.“

“જો આ ત્રણેય વ્યવસ્થાઓને કાયદામાં સંશોધન કરીને લાગુ કરવામાં આવે તો આ કાયદાઓથી ખેડૂતોને લાભ થશે નહીંતર નહીં થાય. આ કાયદાને મારો સપોર્ટ છે પરંતુ ઉપરોક્ત સંશોધનો સાથે.“

“જો સરકાર આવું કરવા માટે તૈયાર થઈ જાય છે તો તે બાદ અમારી જેવી કોઈ વ્યક્તિએ ખેડૂતો સાથે વાત કરીને તેમની સમજાવટ કરવાની જરૂર પડશે, જેથી ખેડૂતોને ખેડૂતોની ભાષામાં સમજાવી શકાય.“

“વર્તમાન સરકાર પાસે આવી નિષ્ઠાવાળી કોઈ વ્યક્તિ નથી જે ખેડૂતોના પાયાની બાબતથી લઈને નીતિનિર્ધારણની સર્વોચ્ચ સ્તરની વાતને સમજે.”

line

ખેડૂતોની MSP ખતમ થવાની આશંકા બિલકુલ વાજબી નથી, આલોક સિંહા, ભૂતપૂર્વ ચૅરમૅન, FCI

ખેડૂત આંદોલન

આલોક સિંહા 2005થી 2006 સુધી કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં અધિક સચિવના પદ પર પણ રહ્યા છે. તેઓ આ સમગ્ર મામલાનું એકદમ અલગ નિરાકરણ સૂચવે છે.

“ખેડૂતોની MSP ખતમ થવાની આશંકા બિલકુલ વાજબી નથી. આવું એટલા માટે કે જ્યારથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કાયદો પાસ થયો છે ત્યારથી દર વર્ષે કેન્દ્ર સરકારને 400-450 લાખ ટન ઘઉં અને ચોખાની આવશ્યકતા રહે જ છે.“

“આ સિવાય સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS), સેના માટે અને ઑપન માર્કેટમાં કિંમતોને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર અનાજ ખરીદે છે. તેથી આવનારાં દસ વર્ષો સુધી મને નથી લાગતું કે MSP ખતમ થશે. પરંતુ ધીમે ધીમે સરકારે આવી ખરીદી ઘટાડી છે, તેથી આ પ્રકારની આશંકા પેદા થઈ રહી છે.“

“ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જે ખેડૂતો છે, તે પૈકી 50 ટકા પાસે જમીન નથી. આવા ખેડૂતો આ કારણે આ આંદોલનનો ભાગ નથી.“

“બાકી રહેલા 50 ટકા ખેડૂતો પૈકી 25 ટકા પાસે એક એકર કરતાં પણ ઓછી જમીન છે. તેઓ ક્યાંય પોતાનો પાક વેચી જ નથી શકતા. તેને MSP વિશે ખબર જ નથી.“

“બાકી રહેલા 25 ટકામાંથી માત્ર દસ ટકા જ એવા હશે, જેઓ MSPવાળા પાક માર્કેટમાં વેચવા લાયક પેદા કરતા હશે. શાંતા કુમાર કમિટીએ કહ્યું છે કે આવા ખેડૂતોની સંખ્યા દેશમાં માત્ર છ ટકા જ છે. હું વધારીને 10 ટકા કહી રહ્યો છું.“

“આ સમસ્યાનો મારી સમજ પ્રમાણે એ સમાધાન છે કે પંજાબ, હરિયાણાના ખેડૂતોને બીજા પાકો (શાકભાજી, બીજા કઠોળ) ઉગાડવા માટે કેન્દ્ર સરકારે પ્રેરિત કરવા જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.“

“પંજાબમાં અનાજની ખેતી એટલા માટે આટલા વધારે પ્રમાણમાં થઈ રહી છે કારણ કે MSP પર પાક વેચાઈ જાય છે. પરંતુ આના કારણે ત્યાનું જળસ્તર ઘણું નીચે ગયું છે. આ પંજાબના હિતમાં નથી.“

“હાલની પરિસ્થિતિમાં પંજાબના ખેડૂતોને એ વાતનો ભરોસો નથી કે તેઓ બીજા પાક વાવશે તો તેમને બજારમાં તેના યોગ્ય ભાવ મળશે.“

“સરકારે ખેડૂતોને આના માટે મનાવવા પડશે. તેમના માટે નવી સ્કીમો બનાવવી પડશે. તેનાથી ખેડૂતોની આવક પણ બમણી થશે અને સરકારને અનાજ, ઘઉંની વધુ પ્રમાણમાં ખરીદી પણ નહીં કરવી પડે.“

line

મોટું મન સરકારે બતાવવાની જરૂર, દેવેન્દ્ર શર્મા, કૃષિ નિષ્ણાત

ખેડૂત આંદોલન

“હાલ ભલે એ ખેડૂત હોય કે કેન્દ્ર સરકાર – બંને પોતપોતાના પક્ષ લઈને ઊભાં છે. તેથી મોટું મન સરકારે બતાવવાની જરૂર છે.

“મારી સમજમાં એક સમાધાન એ હોઈ શકે કે સરકાર એક ચોથું બિલ કે નવો કાયદો લઈને આવે. જેમાં એ કહેવાયું હોય કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય કરતાં ઓછા ભાવે ખરીદી નહીં થાય. આનાથી ખેડૂતોને ન્યાયિક અધિકાર મળી જશે.“

“આવું કરવાથી સરકારે ત્રણેય બિલ પાછા લઈ લેવાની જરૂર નહીં પડે. આવું કરવાથી બંને પક્ષોની વાત પણ રહી જશે.“

“કૃષિ ક્ષેત્રમાં ભારતમાં ઘણી મુશ્કેલીઓ છે, તેમાં સુધારો લાવવાની જરૂરિયાત છે. પરંતુ સુધારો લાવવાનો અર્થ એ નથી કે તેનું ખાનગીકરણ કરી દેવાય.“

“ખેડૂત આંદોલનની એક મુખ્ય માગણી એ છે કે ખેડૂતોને એક નિશ્ચિત આવક જોઈએ. તેને આપ ભલે કોઈ પણ નામ આપી દો. ભલે તે ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSPની માગ હોય કે પછી કિસાન સન્માન નિધિના સ્વરૂપે હોય.“

“પરંતુ ખેડૂતોની નિશ્ચિત આવકની સમસ્યાને દૂર કરવા માટે MSP અને કિસાન સન્માન નિધિ જેવી બંને વ્યવસ્થાઓ એક સાથે ચાલે એવી જરૂરિયાત છે, ના કે બંને પૈકી કોઈ એક.“

“MSP માત્ર 23 પાક પર મળે છે જે 80 ટકા પાકને કવર કરે છે. જો સરકાર પાકની MSP પર ખરીદીને (એક નવું બિલ લાવીને) અલગ બંધારણીય અધિકાર પણ બનાવી દે તો દેશના 40 ટકા ખેડૂતો પાસે વેચાણ માટે કશું જ નહીં હોય, કારણ કે તેઓ નાના ખેડૂતો છે.“

“તેથી આ ખીણને ભરવા માટે સરકારે નાના ખેડૂતો માટે વધારેમાં વધારે ખેડૂત સન્માન નિધિ જેવી યોજનાઓ ઘડવાની જરૂરિયાત રહેશે.”

line

નવા કૃષિકાયદા અહંકારનો પ્રશ્ન બની ગયા, એન. સી. સક્સેના, ભૂતપૂર્વ ફૂડ કમિશનર, સુપ્રીમ કોર્ટ

ખેડૂત આંદોલન

એન. સી. સક્સેના પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ સચિવ પણ રહી ચૂક્યા છે. તેમના મતાનુસાર હવે મામલો સરકારના હાથમાંથી નીકળી ચૂક્યો છે, પરંતુ એક એવું સમાધાન છે જેનાથી બંને પક્ષોની વાત પણ રહી જશે અને વિવાદનો નીવેડો પણ આવી જશે.

“હવે બંને પક્ષો માટે નવા કૃષિ કાયદા અહંકારનો પ્રશ્ન બની ગયા છે અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન પણ સર્જાતો જઈ રહ્યો છે.“

“ખેડૂતોને લાગે છે કે તેઓ દિલ્હીને રોકવામાં સફળ સાબિત થશે અને સરકારથી પોતાની વાત મનાવી લેશે. કેન્દ્ર સરકાર પણ કાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી.“

“કેન્દ્ર સરકારે શરૂઆતમાં થોડી ભૂલ કરી. તેમણે નવા કાયાદા ઘડતા પહેલાં એક ક્લૉઝ ઉમેરી દેવાની જરૂરિયાત હતી કે કાયદા એ તારીખથી અમલમાં આવશે જ્યારે તેનું નોટિફિકેશન જારી કરવામાં આવશે, જે દરેક રાજ્ય માટે અલગ પણ હોઈ શકે છે.“

“રાજ્ય સરકારો પર એ વાત છોડી દેવાની જરૂર હતી કે તેઓ આ કાયદા ક્યારથી પોતાના રાજ્યમાં લાગુ કરવા માગે છે. આવું કરવાથી બધી સમસ્યાનું સમાધાન થઈ જાત.“

“પંજાબ, હરિયાણા સિવાય અન્ય રાજ્યોમાં જ્યારે તે લાગુ થાત અને તેનાથી ત્યાંના ખેડૂતોને લાભ થાત તો પંજાબના ખેડૂતો જાતે તે લાગુ કરવાની માગ કરત.“

“સમસ્યા એ છે કે પંજાબ-હરિયાણામાં ખેડૂતોની પરિસ્થિતિ અન્ય રાજ્યોના ખેડૂતો કરતાં એકદમ અલગ છે.“

“સરકાર અત્યારે પણ ઇચ્છે તો આવી જોગવાઈ કાયદામાં કરી શકે છે અને કાયદાને પાછો ન ખેંચીને રાજ્ય સરકારો પર તેને લાગુ કરવાની વાત છોડી દે.“

“આમ તો હવે મોડું થઈ ચૂક્યું છે. મને નથી લાગતું કે હવે આવું કરવાથી ખેડૂતો માનશે, પરંતુ આ વચલો રસ્તો હતો જેનાથી બંનેની વાત રહી જાત. આવું કરવાથી કેન્દ્ર સરકારને પણ કોઈ નુકસાન નહીં થાય. કેન્દ્ર સરકાર જે કૃષિ સુધારાની વાત કરી રહી છે તે પણ થઈ જશે.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો