ભારત બંધ : ખેડૂત આંદોલનમાં મીડિયા પ્રત્યે ગુસ્સો કેમ દેખાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, MONEY SHARMA
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
સિંઘુ સરહદે અમે ખેડૂતો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ફ્રેમમાં ઘૂસી આવી.
તેમના પોસ્ટરમાં લખ્યું હતું, "મીડિયાવાળાઓ સાચું બોલો..પ્લીઝ"
ખેડૂતોના આંદોલન દરમિયાન એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પછી કોઈ સૌથી વધુ સંભળાતો શબ્દ હોય તો તે છે 'ગોદી મીડિયા.'
આ વાક્ય મીડિયાના એ વર્ગ માટે વાપરવામાં આવી રહ્યું છે જે આંદોલનકારીઓની નજરમાં સરકારનો પક્ષ લઈ રહ્યા છે અને ખેડૂતોના આંદોલન વિશે પાયાવિહોણી નકારાત્મક ખબરો પ્રસારિત કરી રહ્યા છે.
કૅમેરામૅન અને હાથમાં માઇક લઈને રિપોર્ટરોને જોતા જ ગોદી મીડિયા ગો બેકના સૂત્રો લાગવા લાગે છે.
લોકો પત્રકારો સાથે વાતચીત કરતાં પહેલાં એ જુએ છે કે તેમના માઇક પર કઈ ચૅનલનો લોગો છે.
આવું પહેલી વાર નથી બન્યું કે ભારતમાં સરકારના નિર્ણય વિરુદ્ધમાં કોઈ આંદોલન થયું હોય અને એ સમયે મીડિયા પ્રત્યે નારાજગી વ્યક્ત થઈ હોય.

પરંતુ દિલ્હીને હરિયાણા અને ઉત્તર પ્રદેશને જોડતા હાઈવે પર ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં જોવા મળી રહેલો મીડિયા પ્રત્યેનો રોષ અસાધારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્યધારાનાં મીડિયા ચૅનલો અને પત્રકારોની લોકો સ્પષ્ટ રીતે ટીકા કરી રહ્યા છે. પોસ્ટરો અને બેનરો સાથે તેમનો વિરોધ થઈ રહ્યો છે.
મીડિયા જે પોતાને લોકતંત્રનો ચોથો સ્તંભ ગણે છે તે ક્યાંકને ક્યાંક પોતાની વિશ્વસનિયતા લોકોની નજરમાં ગુમાવી દીધી છે.
મુખ્યપ્રવાહના મીડિયામાં લોકોનો વિશ્વાસ ઓછો થતાં પત્રકારત્વ માટે જે ખાલી જગ્યા સર્જાઈ છે તેને નાની ચૅનલો અને સોશિયલ મીડિયાના પત્રકારો ભરી રહ્યા છે.
આંદોલનસ્થળ પર સંખ્યાબંધ પત્રકારો હાજર છે જેઓ પોતાની સ્વતંત્ર યૂટ્યૂબ ચૅનલ ચલાવે છે અને ખેડૂત આંદોલન સંબંધિત સમાચારો પોસ્ટ કરી રહ્યા છે.
પંજાબ યુથ ક્લબ ઑર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા જોગિંદર જોગી કહે છે,"સોશિયલ મીડિયા અને સ્થાનિક ચૅનલોએ જ આ આંદોલનને જીવંત રાખ્યું છે નહીં તો તે ક્યારનું પૂર્ણ થઈ ગયું હોત. નેશનલ મીડિયાએ તેને જરાય મહત્ત્વ નથી આપ્યું."
તેઓ કહે છે, "મીડિયા લોકતંત્રનો ચોથો સ્તંભ છે. મીડિયાની જવાબદારી સમાજ સાથે થઈ રહેલા અન્યાયનો સામે લાવવાની છે. પરંતુ અહીં એવું લાગે છે કે મીડિયા વેચાઈ ચૂક્યું છે. મીડિયા લોકોની વાત રજૂ કરવાની જગ્યાએ સરકારનો પક્ષ લઈ રહ્યું છે."
પ્રદર્શનમાં સામેલ એક યુવાન કહે છે, "મીડિયા સરકારની વાહવાહી લૂંટવા માટે ખેડૂતોને દેશવિરોધી સાબિત કરી રહ્યું છે. પત્રકાર એ બતાવવાની કોશિશમાં છે કે દેશવિરોધી તત્ત્વો આંદોલનમાં સામેલ છે."

રાષ્ટ્રીય મીડિયામાં ખાસ મહત્ત્ત્વ ન મળ્યું

ઇમેજ સ્રોત, MONEY SHARMA
ગત બે મહિનાથી પંજાબમાં ખેડૂતોનું આ આંદોલન ચાલી રહ્યુ હતું. આ દરમિયાન તેમણે ઘણાં પ્રદર્શન કર્યા અને રેલીઓ કરી તથા રેલવે પણ રોકી. પરંતુ રાષ્ટ્રીય મીડિયામાં તેમને ખાસ મહત્ત્વ ન મળ્યું.
વળી આંદોલન કરાનારા ખેડૂતોને એ પણ નારાજગી છે કે નેશનલ મીડિયાએ જ્યાં સુધી ખેડૂતો દિલ્હી ન આવ્યા સુધી આંદોલનને મહત્ત્વ ન આપ્યું.
વરિષ્ઠ પત્રકાર અજિત અંજુમનું કહેવું છે કે મીડિયા એવી ખબરો કવર કરવાથી બચી રહ્યું છે જે સરકારને અસહજ અથવા નારાજ કરી શકે છે.
તેઓ કહે છે, "મીડિયા હવે એવા દૃષ્ટિકોણ શોધી રહ્યું છે જે સરકારના એજન્ડાને આગળ વધારે. જો આ આંદોલન 2014 પહેલાં થયું હોત તો ડઝન ચૅનલોના 50 પત્રકારો અહીં ઊભા રહીને એ બતાવી રહ્યા હોત કે ખેડૂતોની માગ કેટલી વાજબી છે."
વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે નવા કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેને ખેડૂતોના ફાયદા માટે લાવવામાં આવ્યા છે.
તેમણે એવું પણ કહ્યું કે અફવા ફેલાવવામાં આવી રહી છે અને ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.
અજિત અંજુમ કહે છે, "આજે સત્તામાં મોદીજી છે. આથી મીડિયા એ જ રીતે આંદોલન કવર કરે છે જેવું તેઓ જોવા માંગે છે. આથી વિદેશી ભંડોળ અને ખાલિસ્તાન જેવી વાતો જોડવામાં આવી રહી છે. આ દૂર્ભાગ્યપૂર્ણ છે."
મીડિયાની ભૂમિકા ખેડૂતોની માગોને સમજીને સરકાર અને દેશ સમક્ષ લઈ જવાની છે. પરંતુ આંદોલનમાં સામેલ લોકોનું કહેવું છે કે મીડિયા આ કામ કરવાની જગ્યાએ કોઈક રીતે આંદોલનમાં કોઈ નકારાત્મક બાબત શોધી લેવા માગે છે.
પ્રદર્શનમાં સામેલ બોબી નામનો એક યુવાન કહે છે, "અહીં સંખ્યાબંધ ખેડૂતો છે અને વૃદ્ધો છે. મીડિયા આ લોકોની વાત સાંભળવાની જગ્યાએ એ બે-ચાર લોકોની શોધ કરી રહ્યું છે, જેઓ હુલ્લડબાજી કરે છે."
"અમે જો બોલે સો નિહાલનો નારો લગાવીએ છીએ તો અમને ખાલિસ્તાની દર્શાવવામાં આવે છે."

સોશિયલ મીડિયા અને સ્થાનિક ચૅનલો પર વધુ વિશ્વાસ

ઇમેજ સ્રોત, NURPHOTO
આંદોલનમાં સામેલ લોકો સોશિયલ મીડિયા તથા સ્થાનિક ચૅનલો પર વધુ વિશ્વાસ રાખે છે. ટીકરી સરહદ પર સોશિયલ મીડિયા ચૅનલના પત્રકાર અનિલ ખત્રીને લોકોએ ઘેરી રાખ્યા છે.
તેઓ પોતાના મોબાઇલ ફોનથી વીડિયો રૅકર્ડ કરી રહ્યા છે. તેનાથી તેઓ લાઇવ પણ કરે છે.
અનિલ ખત્રી કહે છે, "અમે અહીંથી સતત વીડિયો પોસ્ટ કરી રહ્યા છે અને તેને લાખો લોકો જોઈ રહ્યા છે. અમારી એક ચૅનલ છે પરંતુ આંદોલનના કવરૅજને સારો પ્રતિસાદ મળી રહ્યો છે."
અનિલ કહે છે, "લોકોમાં મોટી ચૅનલો મામલે રોષ છે. યૂટ્યૂબ અને સોશિયલ મીડિયા ચૅનલવાળાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે."
"નાની ચૅનલો આંદોલન બતાવી રહી છે. અમે તસવીરો બતાવીએ છીએ અમારો કોઈ એજન્ડા નથી અને અમારો કોઈ વિરોધ પણ નથી કરતું. લોકો પણ સાચા કવરૅજને જ પસંદ કરે છે."
2012થી પત્રકારત્વ કરી રહેલા અનિલ ખત્રીએ 2019માં નોકરી છોડીને પોતાની યૂટ્યૂબ ચૅનલ શરૂ કરી હતી. હવે તેમના 30 હજારથી વધુ સબસ્ક્રાઇબર છે.
તેઓ કહે છે, "પહેલાં અમે ખબર મોકલતા તો સંપાદક નક્કી કરતા કે ચલાવવી કે નહીં. પણ હવે અમે સીધું કવરૅજ કરીએ છીએ. અમે લોકોના અવાજને ઉઠાવીએ છીએ."
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પબ્લિક પિલર નામની વેબ ચૅનલ ચલાવતા મંદરુપ સિંહ પણ ખેડૂત આંદોલન કવર કરવા પહોંચ્યા છે.

મંદરૂપ કહે છે, "અહીં લોકોમાં નેશનલ મીડિયા પર રોષ છે. માઇક જોઈને જ લોકોને ગુસ્સો આવી જાય છે. તેમને કહેવું પડે છે કે અમે મીડિયામાંથી નહીં પણ સોશિયલ મીડિયામાંથી છીએ, ત્યારે તેઓ વાત કરે છે."
અંબાલાથી આવેલા વિનરસિંહ શીખ ચૅનલ માટે રિપોર્ટિંગ કરે છે. વિનરસિંહ પણ માને છે કે સામાન્ય લોકોમાં મુખ્યપ્રવાહના મીડિયા પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે.
તેઓ કહે છે, "પહેલી વાર એક મોટો વર્ગ અને મોરચો જોવા મળી રહ્યો છે જે મીડિયા પર નિર્ભર રહેવા નથી માગતો. આંદોલનમાં સામેલ લોકો મીડિયાને નફરત કરી રહ્યા છે."
વિનર કહે છે, "પહેલાં લોકો પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે મીડિયા સમક્ષ જતા હતા. પરંતુ અમે જોઈ રહ્યા છે કે મોટી ચૅનલોના રિપોર્ટરોને ભગાડવામાં આવી રહ્યા છે. તેમને પ્રદર્શનસ્થળથી બહાર કરવામાં આવી રહ્યા છે. લોકોમાં મીડિયા વિશે આવો રોષ પહેલા નથી જોવા મળ્યો."
વિનર કહે છે, "એનું એક કારણ એ પણ છે કે આંદોલનને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જેથી મીડિયા પ્રત્યે લોકોનો ભરોસો તૂટી રહ્યો છે. લોકો ચૅનલના માઇકને જોઈને જ વાત કરી રહ્યા છે. પત્રકારત્વ પર આ એક ગંભીર સવાલ છે."

વરિષ્ઠ પત્રકાર અજિત અંજુમ કહે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે જેમાં પત્રકારો અને પાર્ટીઓના પ્રવક્તા વચ્ચે ફરક કરવો મુશ્કેલ થઈ ગયો છે.
જોકે તેમને એવું લાગે છે કે સોશિયલ મીડિયા એક વિકલ્પ તરીકે ઊભરી રહ્યું છે.
અંજુમ કહે છે, "સોશિયલ મીડિયાએ ઘણા એવા લોકોના અવાજ ઉઠાવ્યા છે જેને સરકાર દબાવવા અથવા કચડી નાખવા માગે છે. લોકોએ પોતાની પાસે ઉપલબ્ધ સંસાધનો દ્વારા પોતાનો અવાજ ઉઠાવ્યો છે."
"જો સોશિયલ મીડિયા મારફતે જોઈએ તો આ શાનદાર તક છે પોતાની ઓળખ ઊભી કરવાની. સોશિયલ મીડિયા એ દબાણથી બહાર છે જે કૉર્પોરેટ મીડિયા પર રહેતું હોય છે. એટલે સોશિયલ મીડિયા વધુ સ્વતંત્રતાથી કામ કરી રહ્યું છે."

સારો પ્રતિસાદ

સૈયદ અકરમે મોટી ચૅનલમાં નોકરી છોડીને એક વર્ષ પહેલાં પોતાની યૂટ્યૂબ ચૅનલ 'ધ નેશન' શરૂ કરી હતી.
તેમની પાસે હવે 7 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તેઓ સતત પ્રદર્શનસ્થળો પર કવરૅજ કરી રહ્યા છે.
સૈયદ અકરમ કહે છે, "મીડિયાએ જે જગ્યા ખાલી છોડી છે તેને સોશિયલ મીડિયા અને વેબ મીડિયા ભરી રહ્યું છે. અમે વિચાર્યું પણ નહોતું કે આંદોલનથી આટલો સારો પ્રતિસાદ મળશે. લોકો હવે સ્પષ્ટ રીતે જમીન સાથે જોડાયેલા અવાજો સાંભળવાનું પસંદ કરી રહ્યા છે. અમે પણ આવું જ કરી રહ્યા છે."
ગાઝીપુર સરહદ પર દિવસભર કવરૅજ કર્યા બાદ હું મારા એક જૂના પત્રકાર મિત્ર સાથે ડિવાઇડર પર બેઠો હતો. ત્યારે તેના હાથમાં ચૅનલની માઇક આઇડી જોઈને કેટલાક યુવા ત્યાં આવ્યા અને વિરોધ કરવા લાગ્યા.
તેમના મોબાઇલમાં એ ખબરના સ્ક્રિનશૉટ હતા જેનાથી તેઓ નારાજ હતા. પત્રકારે ઘણી મુશ્કેલી પછી તેમને સમજાવ્યા કે તેઓ ખબરને જે રીતે જોઈ રહ્યા છે એવી બાબત નથી. ચૅનલનો હેતુ આંદોલનને બદનામ કરવાનો નથી.
મીડિયા પ્રતિ તૂટી રહેલો ભરોસા વિશે ગ્રાઉન્ડ પર કામ કરી રહેલા પત્રકારો પણ સમજી રહ્યા છે અને જનતા પણ.
કદાચ આ જ કારણ છે કે પહેલાં જે માઇક જોઈને લોકો પોતાની વાત કહેવા માટે દોડી આવતા હતા તેઓ હવે એ જ માઇકવાળા પત્રકારોને દોડાવી રહ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












