ખેડૂત આંદોલનમાં રોજેરોજ બદલાઈ રહેલી રણનીતિ ‘મોદી મૅજિક’ ખતમ કરી દેશે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
દસ દિવસથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની સીમાઓ પર મક્કમતાથી રહેલા ખેડૂત હવે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.
શનિવારે પાંચમા તબક્કાની વાતચીતમાં પણ ખેડૂતનેતાઓ કડક વલણ અપનાવ્યું અને સરકાર પર એની એજ ચર્ચા કરવાનો બદલે નિર્ણય માટે દબાણ ઊભું કર્યું.
એક તબક્કે તો ખેડૂતનેતાઓએ મિટિંગમાં જ મૌનવિરોધ પણ કર્યો. એક તબક્કે તો ખેડૂતોએ એમ પણ કહ્યું કે સરકારને જો એની એજ વાતો કર્યા કરવી હોય તો અમે કંઈ વાત નહીં કરીએ.
વળી, શનિવારની મિટિંગમાં પણ ખેડૂતનેતાઓ પોતાનું ખાવાનું લઈને વિજ્ઞાન ભવન પહોંચ્યા હતા. આ મિટિંગની શરૂઆતમાં જ ખેડૂતનેતાઓએ અગાઉની મિટિંગની માહિતી મુદ્દાસર અને લેખિત માગી હતી.
શનિવારની વાતચીત કોઈ નીવેડો આવ્યા વિના પૂરી થઈ છે. આ દરમિયાન ખેડૂતનેતાઓએ 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન યથાવત્ રહેશે એમ પણ કહ્યું છે.
હાલ તો સરકાર એની વાત પર અને ખેડૂતનેતાઓ સરકાર ત્રણ કૃષિ કાનૂન રદ કરે એ માગ પર અડગ દેખાઈ છે.
શનિવારે સરકાર સાથે યોજાનારી પાંચમા તબક્કાની બેઠક પહેલાં ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધું હતું કે હવે તેઓ પોતાની માગથી પીછેહઠ નહીં કરે.
પહેલાં જે ખેડૂતો MSPનો કાયદાકીય અધિકાર મળી જવા પર માનવા તૈયાર હતા, તેઓ હવે ત્રણેય કાયદાઓને રદ કરવા સિવાય અન્ય કોઈ વાતે માનવા તૈયાર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કીર્તિ કિસાન યુનિયનના સ્ટેટ વાઇસ પ્રેસિડેંટ રાજિંદર સિંહ જણાવે છે કે, “અમારી એક જ માગ છે કે ત્રણેય કાયદા સંપૂર્ણપણે રદ થવા જોઈએ. અમે તેનાથી ઓછી કોઈ વાતે નહીં માનીએ. સરકાર સાથે જે ચર્ચા થવાની હતી, તે થઈ ગઈ છે. હવે સીધેસીધી વાત થશે. જ્યાં સુધી સરકાર કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમે મક્કમ રહીશું.”
પંજાબ અને હરિયાણાનાં ખેડૂત યુનિયનોએ 26-27 નવેમ્બરના રોજ ‘દિલ્લી ચલો’ આંદોલનનું આહ્વાન કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પંજાબથી દિલ્હીની તરફ માર્ચ કરી રહેલા ખેડૂતોના કાફલાને રોકવા માટે સરકારે દરેક સંભવ પ્રયત્ન કર્યા. સડક પર બૅરિકેટ લગાવ્યાં, રસ્તા ખોદી નાખ્યા, પાણીનો મારો કરવામાં આવ્યો, પરંતુ ખેડૂતો દરેક અવરોધ પાર કરીને દિલ્હી પહોંચી ગયા.
ત્યારથી દરરોજ ખેડૂતોનું આંદોલન વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે.
પંજાબ અને હરિયાણાનાં મોટાભાગનાં ઘરોમાંથી લોકો અહીં પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓની વધતી જતી સંખ્યાની સાથે ખેડૂત આંદોલનના નેતાઓ પણ પોતાની રણનીતિ બદલી રહ્યા છે.

8 ડિસેમ્બરના રોજ ‘ભારત બંધ’

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે ખેડૂતોનને બુરાડી મેદાન જઈને પ્રદર્શન કરવા જણાવ્યું હતું. ખેડૂત યુનિયન સાથે જોડાયેલા એક નેતા અનુસાર, ઘણાં યુનિયનો આ વાતે સંમત પણ થઈ ગયાં હતાં, પરંતુ ત્યાર બાદ જનાક્રોશને જોતાં તેમણે સીમાઓ પર જ મક્કમપણે રહેવાનો નિર્ણય લેવો પડ્યો.
ખેડૂત નેતા કહે છે કે, “જનતામાં જબરદસ્ત ગુસ્સો છે. જો યુનિયનના નેતા સમજૂતી કરશે, તો ખેડૂતો પોતાના નેતાઓને જ બદલી નાખશે, પરંતુ પીછેહઠ નહીં કરે.”
હવે ખેડૂતોએ શનિવારની વાતચીત અગાઉ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરી દીધું હતું. શું રણનીતિ આ વાતચીતને પાટેથી ઉતારવા માટે હતી કે દબાણ બનાવી રાખવા?
આ મુદ્દે મહારાષ્ટ્રથી આવેલા ખેડૂત નેતા સંદીપ ગિડ્ડે જણાવે છે કે, “8 ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરીને અમે સરકારને અમારી રણનીતિ જણાવી દીધી છે. સરકાર સ્પષ્ટપણે સમજી લે કે જો તેમણે માગણીઓ ન માની, તો આ આંદોલન વધારે મોટું બની જશે.”
ગિડ્ડે કહે છે કે, “હવે દિલ્હીની સાતેય બૉર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવાશે અને ખેડૂત આંદોલન સાથે જોડાયેલા મુખ્ય લોકો દરેક બૉર્ડર પર તહેનાત રહેશે. કોઈ પણ મોરચો ખાલી નહીં છોડવામાં આવે.”
‘મોદી મૅજિક’ ખતમ કરી દેશે આંદોલન?

ઇમેજ સ્રોત, Getty Images
રાજિંદર સિંહ જણાવે છે કે, “સરકાર એટલા માટે આ કાયદાઓ અંગે પીછેહઠ નથી કરી રહી, કારણ કે સરકારને એવું લાગી રહ્યું છે કે તેમની પીછેહઠને કારણે વડા પ્રધાન મોદીનો જાદુ તૂટી જશે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કહી રહ્યા છે કે આ કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતોને પ્રદર્શન કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
વારાણસીમાં અપાયેલા પોતાના નિવેદનમાં વડા પ્રધાન મોદીએ આ જ વાત ફરી વાર કરી હતી. એ પછી તેમણે આ અંગે કોઈ નિવેદન નથી આપ્યું.
રાજિંદર કહે છે કે, “અમે સીધેસીધી વાત કરીશું કે આપ કાયદા રદ કરશો કે નહીં. મોદી સરકાર એ જાણે છે કે આ કાયદાઓને રદ કરવાનો અર્થ ‘મોદી મૅજિક’ને ખતમ કરવો હશે. મોદી સરકારના સાત વર્ષના કાર્યકાળમાં તેમણે નોટબંધી, GST જેવા જનવિરોધી નિર્ણય લીધા છે અને તેના કારણે જનાક્રોશ છે. મોદી સરકાર પોતાનો ચહેરો બચાવવા માગે છે.”

ખેડૂત સંગઠનો હવે આગળ શું કરશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઓડિશાથી આવેલા ખેડૂત નેતા અક્ષય સિંહ જણાવે છે કે, “દૂરનાં રાજ્યોના ખેડૂતો ભલે દિલ્હી ન આવી શકતા હોય, પરંતુ તેઓ પોતાનાં રાજ્યોમાં જ આંદોલનની તૈયારી કરી રહ્યા છે.”
નવનિર્માણ ખેડૂત સંગઠન સાથે જોડાયેલા અક્ષય સિંહ જણાવે છે કે, “ઓડિશા દિલ્હીથી બે હજાર કિલોમિટર દૂર છે. અમારા ખેડૂતો અહીં તો નથી પહોંચી શકતા. પરંતુ અમે ઓડિશામાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છીએ. જો સરકારે આ કાયદા પાછા ન ખેંચ્યા તો અમે દરેક જિલ્લામાં પ્રદર્શન કરીશું. હવે આ માત્ર ખેડૂત આંદોલન નથી, પરંતુ સરકારની નીતિઓ વિરુદ્ધ એક જનાંદોલન છે.”
અક્ષય સિંહ કહે છે કે, “પહેલાં સરકાર જનતાની નોકર હતી. હવે કૉર્પોરેટની નોકર બની ચૂકી છે. જનતાને એ વાત સમજાઈ રહી છે કે આ સરકારમાં નિર્ણય વડા પ્રધાન નહીં, પરંતુ અન્ય કોઈ લઈ રહ્યું છે.”
રાજિંદર સિંહ માને છે કે, “ખેડૂત નેતાઓએ પણ એ વાતનો ખ્યાલ નહોતો કે આ આંદોલન આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે.”
તેઓ કહે છે કે, “અમે છ મહિનાનું રૅશન લઈને આવ્યા હતા, લોકોએ વધુ રૅશન મોકલાવી દીધું અને હવે અમારી પાસે બે વર્ષ સુધીનું રૅશન છે. હવે મોદી સરકારે વિચારવું જોઈએ કે તેઓ આ આંદોલનને કેટલું લાંબું ચલાવવા માગે છે. આંદોલન જેટલું લંબાતું જશે, સરકાર એટલી જ ફસાતી જશે.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













