ખેડૂત આંદોલન : સરકારના કૃષિકાયદામાં સંશોધનનો પ્રસ્તાવ ખેડૂતોએ ખારિજ કર્યો

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, YAWAR NAZIR/GETTY IMAGES

કેન્દ્રના કૃષિકાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 30થી વધુ ખેડૂત સંગઠનોની ફોરમે કેન્દ્ર સરકારને પત્ર લખીને કાયદામાં સંશોધન કરવાના સરકારી પ્રસ્તાવને ખારિજ કરી દીધો છે.

સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલને પત્ર લખીને સરકારનો પ્રસ્તાવ ખારિજ કરી દીધો.

મોરચાનું કહેવું છે કે તેણે આ પ્રસ્તાવને 9 ડિસેમ્બરે જ ખારિજ કરી દીધો હતો.

નોંધનીય છે કે સરકારનું કહેવું હતું કે પાંચ તબક્કાની વાતચીતનો કોઈ ઉકેલ ન આવતા તેણે ખેડૂત સંગઠનોને ત્રણ કૃષિકાયદામાં સંશોધન માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, એ પ્રસ્તાવનો લેખિતમાં જવાબ નથી અપાયો.

મોરચાના સભ્ય દર્શનપાલે કેન્દ્ર સરકારને લેખિત જવાબમાં જણાવ્યું છે કે તમામ ખેડૂત સંગઠનોએ સરકારે મોકલેલા પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને તેને એ જ દિવસે એકમતથી ખારિજ કરી દેવાયો હતો.

આ પત્રમાં ખેડૂત સંગઠનોએ સરકારને ખેડૂતોનું આંદોલન કલંકિત ન કરવા અને બીજાં ખેડૂત સંગઠનો સાથે વાત ન કરવા પણ અપીલ કરી છે.

line

દિલ્હીની સરહદો પર આવી રીતે પ્રદર્શન કરી શકાય? SCમાં આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટમાં બુધવારે દિલ્હીની સરહદો પર વિરોધ કરવા માટે એકઠા થયેલા ખેડૂતોને હઠાવવા માટે દાખળ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ત્રણેય કૃષિકાયદાના વિરોધમાં દિલ્હી અને પડોશી રાજ્યોની સરહદ પર 36 ડિસેમ્બરથી ખેડૂતો ધરણાં પર બેઠા છે.

તેમના પ્રદર્શન પર વિરોધ વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં ખેડૂતોને તત્કાલ હઠાવવાની માગ કરવામાં આવી છે.

આ અરજીઓ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના વડપણ હેઠલની ખંડપીઠ સુનાવણી કરશે.

line

ખેડૂત આંદોલનની અસર સરકાર, માર્ગ અને ઉદ્યોગો પર કેવી પડી રહી છે?

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, NURPHOTO

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું આદોલન 21મા દિવસમાં પહોંચી ગયું છે અને હજુ પણ કોઈ ઉકેલ આવે એવા અણસાર જણાઈ નથી રહ્યા. ત્યારે આ આંદોલનને પગલે હરિયાણાના બહાદુરગઢમાં કેટલાય ઔદ્યોગિક એકમોને નુસાકન વેઠવું પડી રહ્યું છે.

'ધ હિંદુ' અખબારના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

દિલ્હીને બહાદુર ગઢ સાથે જોડનારા કેટલાય રસ્તા બંધ છે અથવા તો ત્યાં ટ્રાફિકની સ્થિતિ બહુ જ ખરાબ છે. અહીંના મોટા ભાગના એકમો હાલ અડધા કરતાં પણ ઓછી ક્ષમતા સાથે ચાલી રહ્યા છે.

કેટલાક એકમો કાચો માલ અને પ્રોસેસ્ડ સામાનોના ટ્રાન્સપૉર્ટેશનમાં અવરોધને પગલે અસ્થાઈ રૂપે બંધ છે.

બહાદુરગઢ ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નરેન્દ્ર છિકારોએ 'ધ હિંદુ' અખબાર સાથેની વાતચીતમાં કહ્યું, "મૉર્ડન ઇન્સ્ડસ્ટ્રિયલ સ્ટેટના 'પાર્ટ-બી'માં લગભગ 1600 એકમો છે, જેમાં ફૂટવૅર, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક, ઑટોપાર્ટ્સ અને કૅમિકલના એકમો ભારે પ્રભાવિત થયા છે."

તેમણે ઉમેર્યું, "બહાદુરગઢમાં અલગઅલગ એકમોના લગભગ 10000 નાનામોટા એકમો છે અને લગભગ તમામ પ્રભાવિત થયા છે, કારણ કે કાચા માલ અને પ્રૉસેસ્ડ સામાનનું પરિવહન પ્રભાવિત થયું છે."

"પ્રદર્શનકારીઓ અને દિલ્હીથી ઘેરાયેલું મૉર્ડન ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટનું પાર્ટ-બી નુકસાન વેઠી રહ્યું છે. આ ભાગના એકમો કાં તો બંધ છે, કાં તો 30થી 35 ટકાની ક્ષમતા સાથે ચાલી રહ્યા છે."

માનવામાં આવી રહ્યું છે કે જો આંદોલન લાંબું ચાલ્યું તો બહાદુરગઢના પગરખાઉદ્યોગને મોટું નુકસાન વેઠવું પડશે.

વેપારીઓ પોતાનાં તૈયાર ઉત્પાદનોને કુંડલી-માનેસર એક્સપ્રેસવે દ્વારા દિલ્હીના સંજય ગાંધી ટ્રાન્સપૉર્ટનગર અને પંજાબી બાગ વિસ્તારના ગોદામો સુધી પહોંચાડવા માટે વધુ નુકસાન ભોગવવા તૈયાર છે.

જોકે, ટ્રાન્સપૉર્ટર માલ લેવા માટે તૈયાર નથી, કારણ કે એમનાં ગોદામ પહેલાંથી જ ભરેલાં છે.

line

રેલવેના નુકસાનનો દાવો

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

ખેડૂતોનું આંદોલન આજે 21મા દિવસે પહોંચી ગયું છે, પણ હજુ સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન થયું નથી.

આ આંદોલન દરમિયાન ભારતીય રેલવેને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો દાવો કરાયો છે.

જનસત્તામાં છપાયેલા અહેવાલ અનુસાર, ઉત્તર રેલવેના જનરલ ડાયરેક્ટર આશુતોષ ગંગલે જણાવ્યું, "ખેડૂત આંદોલનને કારણે અમારે લગભગ 2000 કરોડથી લઈને 2400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં માલ અને મુસાફર ટ્રેનો સામેલ છે.

રિપોર્ટ મુજબ, આ દરમિયાન અંદાજે એક હજાર ટ્રેનો રદ કરાઈ છે અને અંદાજે 200 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

line

સંશોધનને લઈને કેટલીય વાર ગૃહમંત્રીને મળ્યો : નરેન્દ્રસિંહ તોમર

નરેન્દ્રસિંહ તોમર

ઇમેજ સ્રોત, Getty Images

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ફરી એક વાર જણાવ્યું છે કે તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું કે ત્રણેય કૃષિકાયદા ખેડૂતોના હકમાં છે અને કેટલાંક ખેડૂત યુનિયનો જ આનો વિરોધ કરી રહ્યાં છે. જે વિરોધ કરી રહ્યાં છે, એમને સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

'ઇકૉનોમિક ટાઇમ્સ' અનુસાર કૃષિમંત્રીએ કહ્યું કે તેઓ અસલી ખેડૂત યુનિયનો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તોમરે જણાવ્યું કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી એક પ્રશાસનિક નિર્ણય છે અને તેને હંમેશાં ચાલુ રાખવામાં આવશે.

તોમરે જણાવ્યું કે બીકેયૂ (કિસાન)એ ત્રણેય કાયદાનું સમર્થન કર્યું છે. આ યુનિયનને તમામ જિલ્લામાં ખેડૂતોને આ કાયદા અંતર્ગત જાગરુક કરવાનો નિર્ણય લીધો છે. તોમરે ઉમેર્યું કે કૃષિકાયદામાં સંશોધનને લઈને તેમની કેટલીય વાર ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત પણ થઈ છે.

line

ખેડૂતોએ રાખી ત્રણ શરત

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, MONEY SHARMA

જોકે, આ બધા વચ્ચે પંજાબનાં જેટલાં પણ ખેડૂત યુનિયનો છે, તેઓ કૃષિકાયદા રદ કરવા સિવાયની કોઈ વાત માનવા તૈયાર નથી. તેમણે કહ્યું છે કે વાતચીત શરૂ થાય એ પહેલાં ત્રણ વાત સ્પષ્ટ થવી જોઈએ.

પહેલી વાત એ કે વાતચીત જૂના પ્રસ્તાવો પર થઈ શકે નહીં, કેમ કે એ પ્રસ્તાવોને પહેલાંથી જ ખારિજ કરી દેવાયા છે.

બીજી શરત એ કે સરકાર નવો ઍજેન્ડા રજૂ કરે અને ત્રીજ શરત એ કે વાતચીત કાયદાઓ રદ કરવા પર કેન્દ્રીત હોવી જોઈએ.

આંદલનકારી ખેડૂતનેતાઓનું કહેવું છે કે જો સરકાર આ વાતો પર વિચાર કરવા તૈયાર થાય તો વાતચીત શરૂ થઈ શકે એમ છે.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતીના સચિવ અવિક સાહાએ સોમવારે કહ્યું, "સરકાર સતત જૂના પ્રસ્તાવો થકી છેતરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ પ્રસ્તાવોને પહેલાંથી જ નકારી ચૂક્યા છીએ."

"જો સરકાર ત્રણેય કૃષિકાયદાઓ અને ઇલેક્ટ્રિસિટી બિલ 2020ને પરત લેવા માટે તૈયાર છે, તો અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ."

આ દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પાંચ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને પ્રતિનિધિઓએ કૃષિકાયદાનું સમર્થન કર્યું છે.

કૃષિમંત્રીનું એવું પણ કહેવું છે કે વાતચીત ફરીથી શરૂ થશે કેમ કે તેમની સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઈને ગંભીર છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો