વિરાટ કોહલી : ભારતના સૌથી સફળ ટેસ્ટ કપ્તાન કોહલીએ અચાનક કેમ રાજીનામું આપ્યું?
- લેેખક, પ્રદીપકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
વિરાટ કોહલીએ શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ટેસ્ટ કૅપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી.
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલાં આવી જાહેરાતની અટકળો લગાવવામાં આવી હતી. વિરાટ કોહલી માટે કૅપ્ટનશિપ બચાવવા માટે કોઈ પણ ભોગે ટેસ્ટ શ્રેણી જીતવી જરૂરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 113 રનના જંગી અંતરથી જીત મેળવી હતી, પરંતુ ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન હતી અને પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ પછીની બે ટેસ્ટ મૅચ હારી ગઈ હતી.
તે પછી શું થયું હશે તે અંગે, વરિષ્ઠ ખેલ પત્રકાર ચંદ્રશેખર લુથરા સમજાવે છે, "આ શ્રેણીનાં પરિણામ પહેલાં જ એ નક્કી થઈ ગયું હતું કે બીસીસીઆઈ કોહલી પાસેથી કપ્તાની છિનવી લેશે, તે પહેલાં જ કોહલીએ ડહાપણ બતાવીને સામેથી રાજીનામું આપી દીધું. કોહલી વિરુદ્ધ બીસીસીઆઈની લડાઈ પણ કહી શકાય. આમાં સત્તાની સામે કોઈ એક વ્યક્તિનું ચાલતું નથી. તે ફરી એક વાર બહાર આવ્યું છે."

કોહલી વિરુદ્ધ બીસીસીઆઈ?

ઇમેજ સ્રોત, Getty Images
શું ખરેખર આ લડાઈ વિરાટ કોહલી વિરુદ્ધ બીસીસીઆઈની બની ગઈ હતી?
આને સમજતા પહેલાં ટેસ્ટ ટીમના કૅપ્ટન તરીકે વિરાટ કોહલીનું યોગદાન જોવું રહ્યું.
કોહલીના રાજીનામાની જાહેરાત પછી તરત જ બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર તેમના યોગદાનની પ્રશંસા કરી અને તેમને ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ કૅપ્ટન ગણાવ્યા.
હવે જરા યાદ રાખો, આ જ ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહિના અગાઉ સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલાં વિરાટ કોહલીને સુકાનીપદેથી હઠાવી દીધા હતા, ત્યારે આ અંગેની ટીમની જાહેરાતમાં માત્ર બે લીટીમાં નવા કપ્તાન રોહિત શર્માના ઉલ્લેખને સમાવી લીધો હતો. કોહલીના યોગદાન કે તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો કોઈ ઉલ્લેખ નહોતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વનડેમાં કપ્તાની છિનવાઈ તેના એક મહિના પહેલાં વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટના કપ્તાન હતા.
અર્થાત કે સમયનું ચક્ર એવું ફર્યું કે કોહલી જેવા સૂર્યને અસ્તાચળે લાવી દીધો, જ્યાં તેઓ પ્રોફેશનલ ક્રિકેટર તરીકે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખે તો તે તેમના માટે મોટી સફળતા હશે.

કમાલના કપ્તાન

ઇમેજ સ્રોત, Ani
હવે આ વાતોને વિરાટ કોહલીના કપ્તાનીના રેકૉર્ડ સાથે સરખાવી જોઈએ.
વિરાટ કોહલીએ ભારત માટે કુલ 68 ટેસ્ટ મૅચોમાં કપ્તાની કરી હતી, જેમાં તેમણે 40 મૅચ જીતી હતી, તેમની કપ્તાનીમાં ભારત 17 ટેસ્ટ હાર્યું હતું અને 11 મૅચ ડ્રો રહી હતી.
ભારત તરફથી આટલી ટેસ્ટ મૅચ કોઈ કપ્તાન જીતી શક્યા નથી. તે જ સમયે વિરાટ કોહલીએ 95 વનડેમાં ભારતની કપ્તાની કરી હતી જેમાંથી ટીમ ઇન્ડિયાએ 65 મૅચ જીતી હતી.
વનડેમાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં 110 મૅચ, મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં 90 મૅચ અને સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં 76 મૅચ મેચ જીતી હતી, પરંતુ તેમાંથી કોઈની પણ જીતની ટકાવારી 70 ટકાથી વધુ ન હતી.
માત્ર આંકડાઓ જ નહીં, પરંતુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વિદેશી પીચો પર જે સફળતા હાંસલ કરી તે કારણે તેમની ગણના સર્વશ્રેષ્ઠ કપ્તાનોમાં થતી રહેશે. અને તે પણ વારંવાર યાદ અપાવશે કે જે રીતે વિરાટ કોહલીને સુકાનીપદેથી વિદાય મળી છે, તે તેનાથી વધુ આદરભરી વિદાયને પાત્ર હતા.
વરિષ્ઠ ક્રિકેટ પત્રકાર સી. શેખર લુથરા સમજાવે છે, "વિરાટ કોહલીને ટી-20 ટીમના સુકાનીપદેથી હઠાવ્યા પછી જે દિવસે તેમણે જાહેરમાં બીસીસીઆઈથી અલગ મત રજૂ કર્યો હતો તે સમયનો ભારે ગુસ્સો જુઓ. તે અનપેક્ષિત હતું."
"પરંતુ એ સ્પષ્ટ હતું કે વિરાટની ગણતરીમાં ચૂક રહી ગઈ હતી. તેમણે થોડી મોડા પણ વિદાય તો લેવાની જ હતી."
"ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ તેમને હઠાવી દેવાયા હોત. આ બધાની વચ્ચે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે કોહલી તેમના જે આક્રમક બેટિંગથી ઓળખાય છે તે બેટ પણ છેલ્લાં બે વર્ષથી એટલું ગાજતું નહોતું."

કયા સંજોગોમાં તેમને કપ્તાની મળી?

ઇમેજ સ્રોત, Getty Images
વિરાટ કોહલીની ટેસ્ટ કપ્તાનીનો સિલસિલો 2014માં ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસ સાથે અચાનક જ શરૂ થયો હતો. એ એડિલેડ ટેસ્ટ મૅચ પહેલાં ટીમના કપ્તાન એમએસ ધોની અંગૂઠાની ઈજામાંથી એકદમ સાજા ન થયા અને કોહલીને ટેસ્ટ ટીમના સુકાની તરીકે પ્રથમ વખત તક મળી હતી.
કપ્તાન તરીકે વિરાટ કોહલી શું કરી શકે છે, તે તેમણે પહેલી જ મૅચમાં સ્પષ્ટ કરી દીધું હતું.
એડિલેડમાં વિરાટ કોહલીએ મિશેલ જોન્સન, પીટર સિડલ અને રેયાન હેરિસની ફાસ્ટ બૉલિંગ સામે પ્રથમ દાવમાં 115 રન બનાવ્યા હતા અને 364 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ચોથી ઇનિંગમાં 141 રન બનાવ્યા હતા.
જો બીજા છેડે મુરલી વિજય સિવાયના અન્ય બૅટ્સમૅનોએ પણ સાથ આપ્યો હોત તો કોહલી પહેલી જ ટેસ્ટમાં ઇતિહાસ રચી શક્યા હોત.
તેમની શાનદાર બેટિંગ છતાં ભારત આ મૅચ 48 રનથી હારી ગયું હતું. ત્યારપછીની બે મૅચોમાં મહેન્દ્રસિંહ ધોનીએ કપ્તાની કરી હતી, પરંતુ ચોથી ટેસ્ટ પહેલાં તેમણે ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
સિડનીમાં રમાયેલી એ ટેસ્ટ મૅચની પ્રથમ ઇનિંગમાં કોહલીએ 147 રન બનાવ્યા અને બીજી ઇનિંગ્સમાં 46 રન બનાવ્યા. જોકે આ મૅચ ટીમે ડ્રો કરી હતી.
પરંતુ કોહલીએ જે ભવ્ય શરૂઆત કરી હતી તે તાજેતરના સમયમાં ઝાંખી પડવા લાગી હતી. પરંતુ તેમને બૅટ્સમૅન તરીકે ફરીથી ફૉર્મ મેળવવામાં વધુ સમય લાગતો ન હતો. આ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ જોવા મળ્યું હતું.
વિરાટ કોહલીએ કપ્તાન તરીકે ભારતની 68 ટેસ્ટ મૅચોમાં 20 સદી ફટકારી હતી. કોઈ પણ ભારતીય કપ્તાન માટે આ રેકૉર્ડ છે.
માત્ર ગ્રીમ સ્મિથ પાસે જ કૅપ્ટન તરીકે ટેસ્ટ મૅચોમાં તેમના કરતાં વધુ સદી છે, જેમણે દક્ષિણ આફ્રિકા માટે 109 ટેસ્ટ મૅચોની કૅપ્ટનશિપમાં 25 સદી ફટકારી હતી.
જો કોહલીએ વર્તમાન દરે સદી ફટકારી હોત તો 90 ટેસ્ટ સુધી પહોંચતા સુધીમાં તો આ રેકૉર્ડ તેમના નામે થઈ ગયો હોત. પરંતુ આવું ન થયું.

ભારતીય ક્રિકેટમાં યોગદાન

ઇમેજ સ્રોત, Ani
કોહલીએ પોતાની કપ્તાનીમાં છેલ્લાં સાત વર્ષ દરમિયાન ભારતીય ટીમને મજબૂત બનાવી રાખી. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ ઑગસ્ટ 2016થી માર્ચ 2020 સુધી સતત 42 મહિના એટલે કે ત્રણ વર્ષ અને છ મહિના સુધી ટેસ્ટમાં નંબર-વન બની રહી હતી.
તેમની કપ્તાનીમાં ટીમે ઑસ્ટ્રેલિયાને તેમના જ મેદાન પર શ્રેણીમાં હરાવ્યું અને ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચી.
દરમિયાન ઘરેલુ મેદાન પર ટીમનું પ્રદર્શન વધુ શાનદાર રહ્યું હતું. છેલ્લી 14 ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમને ઘરઆંગણે એક પણમાં હારનો સામનો કરવો પડ્યો નથી.
ઘરઆંગણે કોહલીએ 24 ટેસ્ટ મૅચ જીતી હતી અને ભારતને માત્ર બે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કોહલીની કપ્તાનીમાં ભારતના ફાસ્ટ બૉલરોની બેટરી એટલી ચાર્જ થઈ કે તેમની સામે દુનિયાભરના બૅટ્સમૅનોના પગ ડગમગવા લાગ્યા હતા. એક સમયે સ્પિન બૉલરોની ચોકડી ભારતીય ટેસ્ટ ટીમની ઓળખ ગણાતી હતી, પરંતુ કોહલીના નેતૃત્વમાં ઝડપી બૉલરોની ચોકડીએ કબજો જમાવ્યો હતો.

આઈસીસી ટ્રૉફી હાથમાંથી સરકી ગઈ

ઇમેજ સ્રોત, Ani
કોહલીની કપ્તાનીમાં બધું જ બરાબર ચાલ્યું હતું એવું નહોતું. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શકી નથી અને આ હકીકત વિરાટ કોહલીને છાતીમાં શૂળની જેમ પીડતી રહેશે.
2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી અને 2019 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે ટીમને હરાવી હતી. 2021 વર્લ્ડ ટી-20માં ટીમ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી ન હતી.
વિરાટ કોહલીને એ વાતનો પણ અફસોસ રહેશે કે આઈપીએલમાં તેમની કપ્તાનીમાં તેઓ ક્યારેય રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચૅમ્પિયન ન બનાવી શક્યા.
પરંતુ કોહલી માટે દુશ્મન તેમની આ નિષ્ફળતાઓ કરતાં પણ વધુ તેમની પોતાની આક્રમકતા બની ગઈ હતી. રમતના મેદાનમાં તેમના પ્રદર્શન કરતાં તેમની આક્રમકતાની વધુ ચર્ચા થઈ રહી હતી. કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે ડીઆરએસના નિર્ણયનો વિરોધ કરતી વખતે આપણે બધાએ તેમની આક્રમકતા જોઈ.
એક સુકાની તરીકે ન તો તેઓ પોતે રમતની ભાવનાને માન આપતા દેખાયા અને ન તો તેઓ ટીમના અન્ય ખેલાડીઓને તે માટે પ્રેરિત કરી શક્યા.
એક હદ સુધી એવું લાગતું હતું કે જીત જ તેના માટે સર્વસ્વ છે અને તેઓ હારને પચાવવાની ક્ષમતા ભૂલી ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ કોઈનું પણ સાંભળતા નહોતા. તેનું ઉદાહરણ આ રૂપમાં પણ જોવા મળ્યું, જ્યારે અનિલ કુંબલે જેવા શ્રેષ્ઠ ક્રિકેટરને કોહલી અને શાસ્ત્રીની જોડીની સામે વિદાય થવું પડ્યું.
પરંતુ સમય હંમેશાં એકસરખો હોતો નથી અને જ્યાં સુધી તમારું પ્રદર્શન બોલે છે ત્યાં સુધી તમામ ખામીઓ દબાઈ જાય છે. પરંતુ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.
આ જ કારણ છે કે જ્યારે બીસીસીઆઈએ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની અરજી સ્વીકારી ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે કોહલી લાંબા સમય સુધી કપ્તાન તરીકે ટકી શકશે નહીં.
જોકે આ પ્રશ્ન ચોક્કસપણે ઘણા લોકોના મનમાં ઉદભવે છે કે શું બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અથવા ટીમના કોચ રાહુલ દ્રવિડની હાજરીમાં ભારતીય ક્રિકેટના અદભુત સ્ટાર વિરાટ કોહલીને સારી રીતે વિદાય નહીં મળી શકે.
સામાન્ય ક્રિકેટપ્રેમીના મનમાં આ સવાલ ઉદભવી શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટને ફૉલો કરતા લોકો સારી રીતે જાણે છે કે બીસીસીઆઈની સામે સ્ટાર ખેલાડીઓની સ્થિતિ કેવી રહી છે.
જો એક સચીન તેંડુલકર સિવાય તમને કોઈ પણ ભારતીય ક્રિકેટરની યાદગાર વિદાય યાદ નહીં આવે. અહીં એ ભૂલવું જોઈએ કે સચીન તેંડુલકરે તેની સમગ્ર કારકિર્દીમાં ક્યારેય બીસીસીઆઈથી અલગ લાઇન લીધી નથી.

આગળનો રસ્તો અને પડકારો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું વિરાટ કોહલીમાં હજુ ક્રિકેટ બાકી છે, ચોક્કસપણે વિરાટ કોહલીમાં ઘણી ક્રિકેટ બાકી છે.
તેમણે ભલે છેલ્લાં બે વર્ષમાં એક પણ સદી ફટકારી ન હોય, પરંતુ તેઓ સતત રન બનાવી રહ્યા છે. તેમને રન માટે સંઘર્ષ નથી કરવો પડતો.
આજે પણ તેઓ સચીન તેંડુલકરના સો સદીના રેકૉર્ડને તોડવા માટે સૌથી મજબૂત દાવેદાર જણાય છે. પરંતુ તે માટે તેમણે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું પડશે.
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 27 અને વનડે ક્રિકેટમાં 43 સાથે કુલ 70 સદી ફટકારી છે. પરંતુ આ પડકાર હવે આસાન નથી જણાતો.
સી. શેખર લુથરા કહે છે, "એક બૅટ્સમૅન તરીકે તેમણે હવે પહેલાં કરતાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે અને એટલું જ નહીં, તેમણે નવા કપ્તાન સાથે તાલમેલ પણ સાધવો પડશે. એક સિરીઝમાં ખરાબ રમતથી તે કાયમ માટે બહાર ફેંકાઈ શકે છે. જ્યારે ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે તેમણે સાતત્યપૂર્ણ રમત બતાવવી પડશે."
જોકે ક્રિકેટ કૉરિડૉરમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિરાટ કોહલીએ તેમના તરફથી બીસીસીઆઈ સાથે શાંતિમંત્રણાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ વખતે બીસીસીઆઈમાં અરુણ જેટલીના કદનું સમોવડિયું કોઈ કદાવર નથી. સ્વાભાવિક છે કે વિરાટ કોહલીએ હવે નવી શરૂઆત કરવી પડશે.
જોકે બેટિંગ ટેકનિકની મદદથી તે હજુ પણ બેથી ત્રણ વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે, પરંતુ એક હકીકત એ પણ છે કે શનિવારથી જ એક બ્રાન્ડ તરીકે તેમની કિંમત ઘટી જશે. તેનું મૂલ્ય કેટલું ઓછું થશે તે પણ તેના બેટ પર નિર્ભર રહેશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












