રાહુલ દ્રવિડ : 'ધ વૉલ' ફરીથી ટીમ ઇન્ડિયાની દીવાલ બનીને રક્ષા કરી શકશે?
- લેેખક, શિવકુમાર ઉલગનાથન
- પદ, બીબીસી તામિલ
બૅટ્સમૅન અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડની ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે વરણી કરવામાં આવી છે.
રવિ શાસ્ત્રીનો કાર્યકાળ અત્યારે ચાલી રહેલા ટી 20 વિશ્વકપ બાદ પૂર્ણ થઈ રહ્યો છે. રાહુલ દ્રવિડ ન્યૂઝીલૅન્ડ સામેની ઘરેલુ સિરીઝથી પદભાર સંભાળશે.
કોચની નિમણૂક માટે 26 ઑક્ટોબરે અરજીઓ મંગાવવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Ashley Allen
બીસીસીઆઈ પ્રમાણે, સુલક્ષણા નાઇક અને આર.પી. સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા સર્વસંમતિથી રાહુલ દ્રવિડની ટીમ ઇન્ડિયાના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દ્રવિડે હેડ કોચ તરીકેની નિમણૂકના પ્રતિભાવમાં કહ્યું, "ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ તરીકે નિમણૂક બહુ મોટું સન્માન છે. હું પણ ઉત્સુક છું. મને આશા છે કે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન સતત આગળ વધશે."
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ દ્રવિડની નિમણૂક વિશે કહ્યું, "રાહુલ દ્રવિડે રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી(એનસીએ)ના પ્રમુખ તરીકે ઘણા ખેલાડીઓનું ઘડતર કર્યું છે. મને ભરોસો છે કે તેમના કાર્યકાળમાં ભારતીય ક્રિકેટ ટીમ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે."
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું, "આ પદ માટે રાહુલ દ્રવિડથી વધુ સારું કોઈ નથી. મને તેમની નિમણૂકથી ખુશી થઈ રહી છે."

જ્યારે દ્રવિડે ત્રણ ટેસ્ટ સદી ફટકારી

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટજગતમાં 'ધ વૉલ'ના નામે જાણીતા રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી હતી. તેમને ધ વૉલ કેમ કહેવાય છે, તેને પુરવાર કરતા અનેક કિસ્સાઓ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ દ્રવિડે 2011માં ભારતના ઇંગ્લૅન્ડ પ્રવાસમાં કારકિર્દીની છેલ્લી મૅચમાં 38 રન કર્યા હતા.
ભારતની એ એક સૌથી ખરાબ ટૂર હતી. ટીમ સમ ખાવા પૂરતી એક મૅચ પણ જીતી નહોતી.
ટીમના બધા સાથી ખેલાડીઓ ધબડકો કરી રહ્યા હતા ત્યારે દ્રવિડે ત્રણ ટેસ્ટ સદી ફટકારી હતી.
ટેસ્ટ મૅચમાં મોટા ભાગના ખેલાડીઓ ખરાબ ફૉર્મમાં અથવા તો ઘાયલ હતા ત્યારે કેટલાક પ્રસંગે દ્રવિડે ઓપનર તરીકે મેદાનમાં ઊતરવાની ફરજ પડી હતી. જરૂર પડી ત્યારે કેટલાક સત્રોમાં દ્રવિડે વિકેટકીપિંગ પણ કર્યું.
દ્રવિડે એક દિવસીય કે ટી-20 મૅચમાં ટીમને જ્યારે તેમની ખાસ જરૂર જણાઈ ત્યારે તેમણે નિવૃત્તિની યોજના પડતી મૂકી હતી.
ખરા ટીમ પ્લેયર તરીકે રાહુલ શરદ દ્રવિડે હંમેશાં પડકારો ઝીલ્યા અને ખરા સમયે ટીમની પડખે ઊભા રહ્યા.

હવે ફરી એકવાર ટીમને રાહુલ દ્રવિડની જરૂર પડી

ઇમેજ સ્રોત, Hindustan Times
આજે દ્રવિડની નિવૃત્તિ થયે એક દાયકો વીતી ગયો છે, ત્યારે રાહુલ દ્રવિડની ટીમને ફરી એક વાર જરૂર પડી છે. આ વખતે દ્રવિડે કોચની ભૂમિકા નિભાવવાની છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી એવા સમાચાર વહેતા થયા હતા કે કટોકટીના વર્તમાન સમયમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે અરજી કરવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે.
તેમને એક ઉમદા ટીમ પ્લેયર તરીકે જોયા હતા, તેવા પ્રશંસકો અને નિષ્ણાતો માટે આ આશ્ચર્યજનક ન હતું.
તેમની શ્રેષ્ઠ સંરક્ષણ તકનીક માટે 'ધ વૉલ' તરીકે પણ ઓળખાતા દ્રવિડની દૃઢતા એ સૌથી મોટો ગુણ રહ્યો છે.
પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામેની હાર બાદ અને હવે ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ માટે ક્વૉલિફાય થવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે ત્યારે ટીમ ઇન્ડિયાને તેમની સૌથી વધુ જરૂર છે.

ભૂતકાળની યાદો અને આગળના પડકારો

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
બુધવારે સાંજે, ભારતીય બૅટ્સમૅન્સ અફઘાનિસ્તાનના બૉલર્સ સામે આક્રમક રીતે રમી રહ્યા હતા ત્યારે ટુર્નામેન્ટમાં પાછા ફરવામાં ઘણું મોડું થઈ ગયું હતું, તો પણ રાહુલ દ્રવિડની કોચ તરીકે નિમણૂકના સમાચાર ભારતીય ક્રિકેટચાહકોના રાજીપાનું કારણ બન્યા હતા.
બીસીસીઆઈએ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમવામાં આવ્યા છે.
પરંતુ દ્રવિડની સામે મોટા પડકારો છે. આગામી બે વર્ષમાં બે વર્લ્ડકપ આવી રહ્યા છે, ત્યારે ભારત માટે આ વખતે અલગ પડકાર છે.
ટીમમાં ઘણા ખેલાડીઓ તેમની મધ્યમ અથવા પ્રારંભિક ત્રીશીની અવસ્થામાં છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ દિવસે ને દિવસે વધુ સ્પર્ધાત્મક બની રહી છે.
ભૂતકાળમાં ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂકેલા કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ખોટા નિર્ણયોને કારણે કાયમ ચર્ચામાં રહ્યા છે.

દ્રવિડની કુશળતા અને અનુભવ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કપિલ દેવ અને અનિલ કુંબલે મહાન ખેલાડીઓ હતા, પરંતુ તેમની ટીમના કોચિંગની સફર બહુ સરળ ન હતી. વિવિધ કારણસર તેમની કારકિર્દીનો ખરાબ અંત આવ્યો હતો.
એમાંય વિદેશી કોચ ગ્રેગ ચેપલનો કાર્યકાળ સૌથી મોટા દુ:સ્વપ્ન સમાન બની રહ્યો હતો ત્યારે દ્રવિડ પોતે ટીમ ઇન્ડિયાના કપ્તાન હતા.
આમ દ્રવિડ આ બધી વિટંબણાઓ અને મુશ્કેલીઓને અન્ય કરતાં વધુ સારી રીતે જાણતા હશે.
અંડર 19 ટીમ, ઇન્ડિયા-એ અને નેશનલ ક્રિકેટ એકૅડેમીમાં ખેલાડીઓના કોચિંગ પછી એમ માની શકાય કે આજે દ્રવિડ પાસે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે તમામ કુશળતા અને અનુભવ છે.

શું કહે છે ખેલાડીઓ અને નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, AFP
પરંતુ અહી સવાલ એ છે કે એક ખેલાડી તરીકે પડકારોનો સામનો કરનારા દ્રવિડ માટે કોચ તરીકેના પડકારો કેટલા અલગ હશે? અમે ખેલાડીઓ અને નિષ્ણાતો સાથે નવા કોચની નિયુક્તિ વિશે વાત કરી.
કર્ણાટકની ટીમમાં અને ટીમ ઇન્ડિયામાં દ્રવિડ સાથે રમી ચૂકેલા સુજિત સોમસુંદરે કહ્યું, "રાહુલ દ્રવિડનો સ્વભાવ અને મનોબળ ટીમ માટે સંપદા બની રહેશે. હું તેમને અમારા અંડર 15ના સમયથી ઓળખુ છું અને ત્યારથી તે જરાય બદલાયા નથી. તેમાં એક ઉમેરો કરું તો તમને મદદની બાબતમાં આમના જેવા મદદગાર ક્રિકેટર બીજા કોઈ નહીં મળે."
સુજિત સોમસુંદરે ઉમેર્યું, "મુખ્ય કોચ તરીકે, દ્રવિડને ઘણા પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તેઓ એવી વ્યક્તિ છે જે પડકારોને પસંદ કરે છે અને મને વિશ્વાસ છે કે તે તેમની લાંબી રમતની કારકિર્દીની જેમ આગામી સમયની કઠિન પરિસ્થિતિઓમાં પણ સફળ થશે."

દ્રવિડ એક નિઃસ્વાર્થ ક્રિકેટર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભૂતપૂર્વ ભારતીય ટીમમાં ખેલાડી અને કોચ મદનલાલને લાગે છે કે રાહુલ દ્રવિડ હંમેશા ટીમનું હિત હૈયે ધારણ કરનાર એક નિઃસ્વાર્થ ક્રિકેટર છે.
વધુમાં મદનલાલે કહ્યું, "તેમનું રમત વિશેનું જ્ઞાન દોષરહિત છે. તેમજ તેઓ હંમેશાં ટીમ પ્લેયર બનીને રહ્યા છે. ખેલાડીઓની પ્રતિભાને ખીલવવાનો તેમનો આગવો હુન્નર ટીમને બહુ કામ લાગશે."
રાહુલ દ્રવિડઃ અ બાયોગ્રાફી પુસ્તકના લેખક વેદમ જયશંકરે અગાઉ બીબીસી સાથે તેમની યાદો વાગોળી હતી.
તેમણે કહ્યુ હતું, "તેઓ એકદમ સમર્પિત અને પ્રતિબદ્ધ છે. ક્રિકેટ સિવાયની રાહુલ દ્રવિડને આકર્ષિત કરતી કોઈ વસ્તુ હોય તો તે માત્ર પુસ્તકો છે. તેમને આત્મકથાઓ વાંચવી બહુ ગમે છે."
વેદમ જયશંકરે ઉમેર્યુ હતું,"જ્યારે દ્રવિડ કૅપ્ટન હતા ત્યારે યોગ્ય લાગતો હોય તેવો નિર્ણય લેવાની તેમની પાસે હંમેશાં હિંમત હતી. મુલતાન ટેસ્ટ મૅચ દરમિયાન સચીન 194 રને રમી રહ્યા હતા ત્યારે દ્રવિડે ઇનિંગ સમાપ્તિની ઘોષણા કરી હતી. તે સમયે ટીમની જરૂરિયાત અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આવો હિંમતભર્યો નિર્ણય લીધો હતો."

દ્રવિડની કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images
164 ટેસ્ટ મૅચ રમીને રાહુલ દ્રવિડે કુલ 13,288 રન બનાવ્યા છે. દુનિયાના એવા જૂજ બૅટ્સમૅનો પૈકીના એક છે, જેમણે ટેસ્ટ અને એક દિવસીય બંને ક્રિકેટમાં 10,000 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર સિવાયના ફિલ્ડર તરીકે સૌથી વધુ કૅચ ઝડપવાનો વિશ્વ રેકર્ડ દ્રવિડના નામે છે. તેમણે 164 મૅચોમાં 210 કૅચ પકડ્યા હતા.
જોકે રેકર્ડ અને આંકડાઓ કરતાં પણ વધુ, દ્રવિડ તેમની હિંમત અને ટીમ માટે યોગદાનને લઈને જાણીતા છે. એવા સેંકડો પ્રસંગો છે જેમાં તેમણે વ્યક્તિગત રેકર્ડને મહત્વ નહીં આપીને ટીમ માટે રમ્યા હતા.
2001માં પ્રખ્યાત કોલકાતા ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણ સાથે દ્રવિડે ભાગીદારી કરીને ભારતને અવિશ્વસનીય જીત અપાવી હતી.
1999ના વર્લ્ડકપમાં સફળ યોગદાન, જમૈકામાં કઠિન પરિસ્થિતિમાં સદી, 2003/4ની ઑસ્ટ્રેલિયા શ્રેણીમાં એડિલેડમાં વિજયી દસ્તક, રાવલપિંડીમાં પ્રચંડ ઇનિંગ્સ - તેમની શાનદાર કારકિર્દીનાં આ થોડાંક ઉદાહરણો છે.

કપ્તાન અને મૅન્ટર તરીકે

ઇમેજ સ્રોત, BCCI
નિષ્ણાતો હંમેશાં કહે છે કે, રેકર્ડ્સ અને આંકડાથી સાચું આકલન શક્ય નથી. રાહુલ દ્રવિડની કપ્તાનીમાં 2007ના વર્લ્ડકપમાં ભારતીય ટીમની અનૌપચારિક રીતે બહાર નીકળવાની ચર્ચા હજુ પણ થાય છે.
પરંતુ થોડા સમય માટે કૅપ્ટન રહેલા દ્રવિડે નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. તેમાં 2007માં ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં જીત, 2006માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને પાકિસ્તાન સામેની જબરદસ્ત વન-ડે શ્રેણી અને શ્રીલંકા સામેની ઘરઆંગણેની વન-ડે શ્રેણીને બહુ યાદ કરવામાં આવતી નથી.
કપ્તાન તરીકે દ્રવિડ ઉમદા રણનીતિકાર હોવાની સાથે તેમણે બેટિંગ લાઇન-અપ, બૉલિંગ કૉમ્બિનેશનમાં સૂક્ષ્મ નિર્ણયો લીધા હતા.
સિનિયર પ્લેયર, કૅપ્ટન, કોચ અને મૅન્ટર તરીકે - જે કંઈ પણ ભૂમિકા તેમણે અદા કરી તેમાં સમયને અનુરૂપ ખેલાડીઓને તૈયાર કરવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
દ્રવિડે તૈયાર કરેલા ખેલાડીઓમાં સંજુ સેમસન, અજિંક્ય રહાણે, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, ઋષભ પંત, હનુમા વિહારી- યાદી ઘણી લાંબી છે.

ગાંગુલીની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
આ ભૂમિકા માટે અરજી કરવામાં દ્રવિડના ખચકાટ અંગેના અહેવાલો વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વરિષ્ઠ પત્રકાર અને રમતગમત લેખક વિજય લોકપલીએ કહ્યું, "આ તકે તેમના મહત્ત્વ અને ભૂમિકાનો તેમને અહેસાસ કરાવ્યો હોઈ શકે. અંડર-19 અને ભારત-એ ટીમમાં તેમના સફળ અને વિશાળ અનુભવ સાથે ક્રિકેટ બોર્ડને લાગ્યું હશે કે તેઓ આ ભૂમિકા માટે શ્રેષ્ઠ છે."
"દ્રવિડ ક્રિકેટને હંમેશાં બહુ સારી રીતે સમજતા આવ્યા છે. તેમનું મનોબળ હંમેશાં પ્રશંસનીય રહ્યું છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડને આ ભૂમિકા સ્વીકારવા માટે મનાવ્યા હોય એવું બની શકે. ભારત અત્યારે મજબૂત ટેસ્ટ ટીમ છે અને તેને આગળ લઈ જવા માટે અને તેના ઘડતર માટે દ્રવિડની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
શું અનિલ કુંબલેને તેમના કાર્યકાળમાં આવેલી સમસ્યાઓનો દ્રવિડને સામનો કરવો પડી શકે છે?
આ પ્રશ્નના જવાબમાં વિજય લોકપલીએ કહ્યું, "કુંબલે અને દ્રવિડ બંને સજ્જ ક્રિકેટરો છે. કુંબલેનો કેસ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ રાહુલ દ્રવિડ સાથે આવું નહીં થાય. અહીં તો બોર્ડ તેમને કોચ માટે અરજી કરવા માટે સમજાવે છે અને વિરાટ કોહલી પણ હવે ઘણા પરિપક્વ બની ગયા છે અને તેમને સમજાઈ ગયું છે કે તેમને તેમની આક્રમકતા ઓછી કરવી પડશે. મને આશા છે કે કૅપ્ટન અને કોચ વચ્ચે સંબંધો સારા રહેશે."

દ્રવિડ માટે પડકારો વધુ હશે

ઇમેજ સ્રોત, Ashley Allen
વિજય લોકપલીને પણ લાગે છે કે દ્રવિડ માટે પડકારો વધુ હશે કારણ કે કોહલી, રોહિત, જાડેજા, શમી, અશ્વિન જેવા ખેલાડીઓ પાંત્રીસની આસપાસની વયના છે.
વિજય લોકપલીએ જણાવ્યું, "આ બહુ યુવા ટીમ નથી, ટીમ માટે ટી-20 અને વન-ડે ટુર્નામેન્ટમાં પડકારો વધુ હશે."
રાહુલ દ્રવિડની ન્યૂઝીલૅન્ડ સામેની આગામી ઘરઆંગણાની શ્રેણીમાં કોચ તરીકેના કાર્યકાળનો પ્રારંભ થશે. ન્યૂઝીલૅન્ડે આઈસીસી ટુર્નામેન્ટની નૉકઆઉટ મૅચોમાં ભારતને હંમેશાં ધોબીપછાડ આપી છે.
પરંતુ ન્યૂઝીલૅન્ડ સાથે દ્રવિડની યાદો અલગ છે. 1998માં જ્યારે તેમને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા ત્યારે ટેસ્ટ મૅચોમાં પણ તેમનું પ્રદર્શન બહુ સારું નહોતું, 1998ના ન્યૂઝીલૅન્ડના પ્રવાસે બધું બદલી નાખ્યું.
હેમિલ્ટનમાં લગભગ બેવડી સદી, ત્યારબાદ એક દિવસીય મૅચમાં સદી અને વિશ્વ કપમાં ભારે સફળતા. તે પછી તેમણે પાછું વળીને જોયું નહોતું.
રાહુલ દ્રવિડે 500થી વધુ આંતરરાષ્ટ્રીય મૅચો અને તેટલી ફર્સ્ટ ક્લાસ મૅચોમાં બેટિંગની જવાબદારી નિભાવી છે. આ વખતે તે કોચ તરીકે જવાબદારી સંભાળશે.
ભારતના ક્રિકેટચાહકો અને નિષ્ણાતો હવે રાહુલ દ્રવિડ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે શું 'ધ વૉલ' ટીમ ઇન્ડિયાની દીવાલ બનીને રક્ષા કરી શકશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












