ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મૅચમાં શું થયું હતું?

ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપ માટે દુબઈમાં રમાયેલી ક્રિકેટ મૅચની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એશિયા કપ-2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે રમાયેલી પ્રથમ મૅચ ભારતીય ક્રિકેટ ટીમે આસાનીથી જીતી લીધી છે. ભારત અને પાકિસ્તાન દુબઈમાં એશિયા કપ-2018માં એકમેકની સામે ટક્કર લઈ રહ્યાં છે. હજી પણ આ પરંપરાગત કટ્ટર હરીફ ટીમ્સ વચ્ચે આ ટુર્નામેન્ટમાં વધુ બે મૅચ રમાવાની છે.

આ અગાઉ બન્ને ટીમો ગત વર્ષે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાને બાજી મારી હતી.

એક વર્ષ પછી બન્ને દેશો ફરી ટક્કર લઈ રહ્યા છે ત્યારે એ જાણીએ ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મૅચની કહાણી, આંકડાની દૃષ્ટિએ.

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધી 129 આંતરરાષ્ટ્રીય વન-ડે મૅચ રમાઈ છે. તેમાંથી 73માં પાકિસ્તાન, જ્યારે બાવનમાં ભારત જીત્યું છે. ચાર મૅચ અનિર્ણિત રહી હતી.
  • આઈસીસી વન-ડે રૅન્કિંગમાં ભારત બીજા અને પાકિસ્તાન પાંચમા સ્થાન પર છે.
  • ભારત છેલ્લા ઘણા સમયથી આઈસીસી વન-ડે રૅર્ન્કિંગમાં ટોચની ટીમોમાં સ્થાન મેળવતું રહ્યું છે, જ્યારે પાકિસ્તાન હંમેશાં વચ્ચે રહ્યું છે.
  • ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લાં દસ વર્ષમાં રમાયેલી 20 વન-ડે મૅચીઝની વાત કરીએ તો તેમાંથી 11 ભારત અને નવ પાકિસ્તાન જીત્યું છે.
  • ભારત તેની પાછલી 50 વન-ડે મૅચીઝમાંથી 36 જીત્યું છે, જ્યારે પાકિસ્તાન તેની પાછલી 50 વન-ડે મૅચીઝમાંથી 28 જીત્યું છે.
line

પહેલી વન-ડે અને પહેલીવાર નોંધાયા રેકૉર્ડ્ઝ

મોહિંદર અમરનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહિંદર અમરનાથ બન્યા હતા સૌપ્રથમ મેન ઓફ ધ મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મૅચ ક્યારે રમાઈ હતી એ આપ જાણો છો?

  • બન્ને દેશો વચ્ચે પહેલી વન-ડે મૅચ 1978ની પહેલી ઑક્ટોબરે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં રમાઈ હતી.
  • એ મૅચમાં બિશનસિંહ બેદી ભારતીય ટીમના, જ્યારે મુશ્તાક મોહમ્મદ પાકિસ્તાની ટીમના કેપ્ટન હતા.
  • પહેલી મૅચમાં બિશનસિંહ બેદી ટૉસ જીત્યા હતા અને તેમણે બેટિંગનો નિર્ણય કર્યો હતો.
  • સરફરાઝ નવાઝે ચેતન ચૌહાણને બોલ્ડ કરીને પહેલી વિકેટ મેળવી હતી.
  • ભારતીય ઇનિંગ્ઝમાં મોહિંદર અમરનાથે સૌથી વધુ 51 રન બનાવ્યાં હતાં. એટલે કે તેઓ પહેલી અર્ધી સદી ફટકારનારા બૅટ્સમૅન બન્યા હતા.
  • એ અત્યંત રોમાંચક મૅચમાં ભારતીય ટીમ 40 ઓવર્સમાં સાત વિકેટે માત્ર 170 રન નોંધાવી શકી હતી.
line
પાકિસ્તાન વિરુદ્ધની પહેલી વન-ડેના કેપ્ટન બિશનસિંહ બેદી ટીમ સાથે

ઇમેજ સ્રોત, PRASANNA

ઇમેજ કૅપ્શન, બિશનસિંહ બેદી (છેક ડાબે) પાકિસ્તાન વિરુદ્ધની પહેલી વન-ડેમાં ભારતીય ટીમના કેપ્ટન હતા
  • તેના જવાબમાં પાકિસ્તાની ટીમ આઠ વિકેટે 166 રન નોંધાવી શકી હતી અને ચાર રનથી મૅચ હારી ગઈ હતી. એ રીતે પહેલી વન-ડે ભારત જીત્યું હતું.
  • સૌથી ઓછા રનની સરસાઈથી મૅચ જીતવાનો બન્ને ટીમો વચ્ચેનો એ પહેલો રેકોર્ડ હતો. જોકે, 1991-92માં વિલ્સ ટ્રોફીમાં પાકિસ્તાન આટલી જ સરસાઈથી મેચ જીત્યું હતું. બન્ને દેશો વચ્ચે ઓછી સરસાઈથી જીતવાના આ બે રેકોર્ડ છે.
  • ભારત તરફથી પહેલી વિકેટ કરસન ઘાવરીએ લીધી હતી. તેમણે મુદ્દસર નઝરને એલબીડબલ્યૂ આઉટ કર્યા હતા.
  • અડધી સદી ઉપરાંત બે વિકેટ ઝડપી ચૂકેલા મોહિંદર અમરનાથને 'મૅન ઑફ ધ મેચ'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેનો અર્થ એ થયો કે બન્ને દેશો વચ્ચેની વન-ડે મૅચમાં 'મૅન ઑફ ધ મૅચ' બનેલા તેઓ પહેલા ક્રિકેટર હતા.
  • જોકે, એ પછીની બન્ને મૅચમાં વિજય મેળવીને પાકિસ્તાને એ સીરિઝ 2-1થી જીતી લીધી હતી.
  • પહેલી જ મૅચમાં શૂન્ય રને આઉટ થવાનો રેકૉર્ડ ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણીના નામે નોંધાયેલો છે.
line

પાકિસ્તાન વિરુદ્ધ ભારતના રેકૉર્ડ

કૃષ્ણામાચારી શ્રીકાંત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૃષ્ણામાચારી શ્રીકાંતે માત્ર 103 બોલમાં ફટકારેલાં 123 રન ભારત દ્વારા પાકિસ્તાન સામેની વન-ડે મેચમાં પહેલી સદી હતી.

પહેલી સદીઃ 1987ની 18 ફેબ્રુઆરીએ ઇડન ગાર્ડન્સમાં કૃષ્ણામાચારી શ્રીકાંતે માત્ર 103 બોલમાં 123 રન ફટકાર્યાં હતાં. તે ભારત દ્વારા પાકિસ્તાન સામેની મૅચમાં પહેલી સદી હતી.

શ્રીકાંતની સદી અને છની સરેરાશ સાથે 238 રનનો સ્કોર નોંધાવવા છતાં ભારત એ મૅચ હારી ગયું હતું. એટલું જ નહીં, એ પ્રવાસમાં રમાયેલી છ વન-ડે મૅચોની શ્રેણી પાકિસ્તાન 5-1થી જીત્યું હતું.

સૌથી વધુ સ્કોરનો રૅકર્ડઃ 2005માં પાકિસ્તાનના ભારત પ્રવાસ વખતે રમાયેલી બીજી વન-ડે મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની 123 બોલમાં 148 રનની ધુંઆધાર ઇનિંગ્ઝને લીધે ભારતે નવ વિકેટે 356 રનનો સ્કોર ખડક્યો હતો, જે આજે પણ રેકોર્ડ છે.

line
મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહેન્દ્રસિંહ ધોનીએ 30 ઈનિંગ્ઝમાં આઠ વખત અણનમ રહીને 55.90ની સરેરાશ સાથે 1,230 રન નોંધાવ્યાં છે.

સર્વાધિક વ્યક્તિગત સ્કોરઃ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. 2012માં એશિયા કપની મેચમાં 183 રનની વિજયી ઇનિંગ્ઝ રમીને તેઓ 'મૅન ઑફ ધ મૅચ' બન્યા હતા.

સૌથી વધુ રનનો રેકોર્ડઃ બન્ને દેશો વચ્ચેની 67 મેચોમાં 40.09ની સરેરાશ સાથે 2,526 રન નોંધાવવાનો આ રેકૉર્ડ સચિન તેંડૂલકરના નામે છે.

line
સચિન તેંડૂલકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બન્ને દેશો વચ્ચેની મેચોમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડૂલકરના નામે છે.

સૌથી વધુ સદીઃ માત્ર 12 ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે સદી ફટકારી છે. તેમાં સૌથી વધુ પાંચ સદી સચિન તેંડૂલકરે ફટકારી છે.

પાકિસ્તાન તરફથી સલમાન બટે ભારત વિરુદ્ધની 21 ઈનિંગ્ઝમાં વિક્રમસર્જક પાંચ સદી ફટકારી છે.

સર્વશ્રેષ્ઠ બૉલિંગઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગૂલીના નામે આ રેકૉર્ડ છે. તેમણે 10 ઓવરમાં 16 રન આપીને પાંચ વિકેટો ઝડપી હતી અને ત્રણ મેડન ઓવર ફેંકી હતી.

બૅટ્સમૅનની સર્વશ્રેષ્ઠ સરેરાશઃ મહેન્દ્રસિંહ ધોનીએ 30 ઈનિંગ્ઝમાં આઠ વખત અણનમ રહીને 55.90ની સરેરાશ સાથે 1,230 રન નોંધાવ્યાં છે, જે પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ ભારતીય બૅટ્સમૅનની સર્વશ્રેષ્ઠ સરેરાશ છે.

line

બીજા ક્યા રેકોર્ડ્ઝ સર્જાયા હતા?

શાહિદ આફ્રિદી અને અન્ય પાકિસ્તાની ખેલાડીઓ.
ઇમેજ કૅપ્શન, શાહિદ આફ્રિદીએ 67 મેચોમાં 109.09ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે.

સ્ટ્રાઈક રેટઃ બન્ને દેશો વચ્ચે સૌથી વધુ ઝડપે બૅટિંગ કરનારા બૅટ્સમૅનની વાત કરીએ તો એ છે શાહિદ આફ્રિદી. તેમણે 67 મૅચોમાં 109.09ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે.

સૌથી વધુ વિકેટ્સઃ વસીમ અકરમે ભારત વિરુદ્ધ 60 વિકેટ્સ ઝડપી છે. બન્ને દેશો વચ્ચેની વન-ડે મેચોમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બૉલર વાસિમ અકરમ છે.

સૌથી વધુ સરસાઈથી જીતઃ આ અગાઉ બન્ને દેશ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ટક્કર થઈ હતી અને ત્યારે પાકિસ્તાને ભારતને 180 રને હરાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો