ટી20 વિશ્વકપ PAKvsAUS : 19મી ઓવરનો એ કૅચ જે પાકિસ્તાનને ભારે પડ્યો અને ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચ્યું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં 24 કલાકમાં એવી બીજી સેમિફાઇનલ મૅચ હતી જેમાં અશક્ય લાગતા લક્ષ્યાંકને ટીમે પાર કરી દીધો અને એક ઓવર બાકી રાખીને મૅચ જીતી લીધી.
વર્લ્ડકપમાં બુધવારે રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડ લગભગ વિજયના આરે હતું ત્યારે ડેરેલ મિચેલે બાજી પલટી નાખી હતી તો ગુરુવારે પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચ નહીં હારવાની તેની પરંપરા અકબંધ રાખવાની લગભગ નજીક પહોંચી ગયું હતું ત્યારે માર્કસ સ્ટોઇનિસ અને મેથ્યુ વેડે વળતો પ્રહાર કર્યો.

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/GETTY
આ વખતે પણ મૅચનું પ્રમુખ આકર્ષણ 19મી ઓવર રહી હતી. ટુર્નામેન્ટના સૌથી સફળ બૉલર અને આકર્ષણરૂપ શાહીન આફ્રિદીએ 19મી ઓવરનો પ્રારંભ કર્યો ત્યાં સુધી પાકિસ્તાનના વિજયના અણસાર જણાતા હતા, પરંતુ મેથ્યુ વેડે કાંઈક અલગ જ યોજના ધરાવતા હતા.
ડેવિડ વૉર્નર, સ્ટિવ સ્મિથ અને ગ્લૅન મેક્સવેલને પૅવેલિયનમાં મોકલી દેનારા પાકિસ્તાની બૉલર્સે મેથ્યુ વેડ અને કંઈક અંશે માર્કસ સ્ટોનિસ બંનેને નજરઅંદાજ કર્યા અને પરિણામ તેમને ભોગવવું પડ્યું.
પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી આઉટ અને ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં, જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલૅન્ડ સામે થશે.
આમ બે ટ્રાન્સ-તાસ્માનિયન ટીમો વચ્ચે રવિવારે ફાઇનલમાં સામસામે ટકરાશે.

મૅચની અંતિમ 19મી ઓવર

ઇમેજ સ્રોત, ALEX DAVIDSON/GETTYIMAGES
19મી ઓવર શાહીન આફ્રિદીએ ફેંકી. આ મૅચમાં ઓવરના પ્રારંભે પણ પાકિસ્તાનનો હાથ ઉપર હતો, કેમ કે તેઓ બે ઓવરમાં 22 રન રોકી શકે તેમ હતા. તેમાંય પહેલા બૉલે ઑસ્ટ્રેલિયા રન લઈ શક્યું નહીં.
બીજા બૉલે લેગબિફોરની જોરદાર અપીલ થઈ જેમાં આફ્રિદીએ લેગ સ્ટમ્પની બહાર પીચ કર્યો હોઈ થર્ડ અમ્પાયરને નિર્ણય આપવામાં ખાસ તકલીફ પડી નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ હસન અલીએ ફરી એક વાર કૅચ છોડ્યો અને મહદઅંશે પાકિસ્તાને અહીંથી જ મૅચ અને ટુર્નામેન્ટ ગુમાવી દીધી હતી.
મેથ્યુ વેડનો કૅચ ગુમાવ્યા બાદ હસન અલી હતાશ જણાતો હતો અને પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમે તેમને સાંત્વના તો આપી પણ અંદરખાને તેઓ પણ જાણતા હતા કે મૅચ તેમનાથી દૂર થઈ રહી છે.
શાહીન આફ્રિદીએ ફેંકેલા ત્યારપછીના ત્રણ બૉલે ઇતિહાસ રચી દીધો. આમ તો ઑસ્ટ્રેલિયાને નવ બૉલમાં 18 રનની જરૂર હતી પણ મેથ્યુ વેડે છેલ્લી ઓવરની નોબત જ આવવા દીધી નહીં.
ઓવરના ચોથા બૉલે તેમણે સ્ટમ્પ ખુલ્લા મૂકીને જરા નીચે બેસીને બૉલને લેગ સાઇડમાં બાઉન્ડરીની ઉપરથી કુદાવી દીધો. પાંચમો બૉલ વધારે ખતરનાક હતો, કેમ કે આ વખતે આફ્રિદીએ ઑફ કટર ફેંક્યો હતો, પણ પરિણામ આગલા બૉલ જેવું જ આવ્યું. આ વખતે બૉલ 96 મીટર દૂર જઈને પડ્યો.
હવે બાજી હાથવેંતમાં લાગતી હતી, કેમ કે છેલ્લા બૉલને બાદ કરતાં ઑસ્ટ્રેલિયા પાસે એક આખી ઓવર પડી હતી.
પણ 24 કલાક અગાઉ ન્યૂઝીલૅન્ડ એક ઓવર બાકી રાખી શકતું હોય તો અમે પણ તેમ કરી શકીએ છીએ અને છેલ્લી ઓવરના દબાણની જાણે કોઈ જરૂર જ ન હોય તેમ મેથ્યુ વેડે સળંગ ત્રીજી સિક્સર ફટકારી દીધી.

ટી20 મૅચ અને ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, FRANCOIS NEL/GETTYIMAGES
ટી20માં ગમે ત્યારે ગમે તે બની શકે છે તેનું ઉદાહરણ રમતપ્રેમીઓને સળંગ બે દિવસમાં જોવા મળ્યું. ન્યૂઝીલૅન્ડે છેલ્લી બે ઓવરમાં 20 રન ફટકાર્યા તો ઑસ્ટ્રેલિયાએ આ બે ઓવરમાં 22 રન ફટકાર્યા.
ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં સફળ રનચેઝમાં છેલ્લી પાંચ ઓવર મહત્ત્વની બની જતી હોય છે, જેમાં ઑસ્ટ્રેલિયાએ 2010નું પુનરાવર્તન કર્યું.
ગ્રોસ આઇલેટ ખાતે એ વખતે તેણે છેલ્લી પાંચ ઓવરમાં 72 રન ફટકાર્યા હતા, જ્યારે ગુરુવારે એટલી જ ઓવરમાં 62 રન ફટકાર્યા અને કહેવાની જરૂર નથી બંને વખતે હરીફ ટીમ પાકિસ્તાનની હતી.
ટી20 વર્લ્ડકપની નૉકઆઉટ મૅચમાં ઑસ્ટ્રેલિયા ફરીથી સુપરપાવર પુરવાર થઈ ગયું, કેમ કે 2010માં તેણે પાકિસ્તાનનો 192 રનનો આંક સફળતાથી વટાવ્યો હતો, તો ગુરુવારે તેણે 177 રન ફટકાર્યા હતા.
યોગાનુયોગ બંને મૅચ ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલ હતી, એટલું જ નહીં બીજી સેમિફાઇનલ હતી.
ઑસ્ટ્રેલિયાના આ વિજયથી એક વ્યક્તિ દ્વિધામાં હશે અને તે છે ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન.
હાલમાં પાકિસ્તાની ટીમને કોચિંગ આપી રહેલા મેથ્યુ હેડન હજી પાકિસ્તાની ઇનિંગ્સ બાદ તરત જ કહેતા હતા કે તેઓ હિતોના ટકરાવમાં ફસાયેલા છે. તેમનું દિલ ઑસ્ટ્રેલિયા તરફ છે અને પ્રોફેશન પાકિસ્તાનની તરફેણ કરે છે.

પાકિસ્તાનની મહેનત એળે ગઈ

ઇમેજ સ્રોત, ALEX DAVIDSON/GETTYIMAGES
પાકિસ્તાને પણ આ મૅચમાં ઘણી મહેનત કરી હતી. ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ સુધી એકમાત્ર અજેય ટીમ પાકિસ્તાનની હતી જેણે આ મૅચમાં શાનદાર બેટિંગ કરી હતી અને મેથ્યુ વેડના અસામાન્ય વળતા પ્રહાર અગાઉ બૉલિંગમાં પણ કચાસ રાખી ન હતી.
ઓપનર્સ મોહમ્મદ રિઝવાન અને કૅપ્ટન બાબર આઝમે ટુર્નામેન્ટનું તેમનું ઉમદા ફૉર્મ જાળવી રાખીને વધુ એક મજબૂત ભાગીદારી નોંધાવીને ટીમના જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો.
બંનેએ પહેલી વિકેટ માટે દસ ઓવરમાં 71 રન ઉમેરી દીધા હતા. બાબર આઝમ 34 બૉલમાં 39 રન ફટકારીને આઉટ થયા હતા તો બીમારીમાંથી બહાર આવેલા મોહમ્મદ રિઝવાને આ વર્લ્ડકપની પોતાની ત્રીજી અડધી સદી નોંધાવતાં બાવન બૉલમાં 67 રન ફટકાર્યા હતા. તેમણે ચાર સિક્સર અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
19મી ઓવરના પ્રારંભે પાકિસ્તાનનો સ્કોર 158 હતો ત્યારબાદ ઝમાને એકલા હાથે આક્રમક બેટિંગ કરી હતી. તેમણે મિચેલ સ્ટાર્ક જેવા અનુભવી બૉલર સામે નીડરતાથી બેટિંગ કરીને અંતિમ ઓવરમાં ઉપરાઉપરી સિક્સર ફટકારી હતી.
ફખર ઝમાને છેલ્લે ગણતરીની ઓવરમાં પાસું પલટી નાખ્યું હતું અને 32 બૉલમાં અણનમ 55 રન ફટકારીને ઑસ્ટ્રેલિયા માટે પડકારજનક સ્કોર ખડો કરી દીધો હતો. તેમણે ચાર સિક્સર ઉપરાંત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












