ઉત્તરપ્રદેશઃ ગંગાકિનારે જ્યાં સેંકડો મૃતદેહો દફનાવાયા હતા ત્યાં અત્યારે કોરોના માટે કેવી છે તૈયારી?
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા, પ્રયાગરાજથી પાછા ફરીને
"આખી રાત હું મૃતદેહની બાજુમાં પડી રહી. સાંજના પાંચ વાગ્યે મર્યા હતા, બીજા દિવસે સવારે ટોળું - મહોલ્લાના લોકો એમને શ્રુંગવેરપુર ધામ લઈ ગયા અને દફનાવી દીધા. ખૂબ મુશ્કેલી હતી, છોકરી માટે પૈસા નહોતા."
30 વર્ષની રંજિતાના પતિ શિવ મૂરતે શ્વાસ લેવામાં તફલીફની ફરિયાદ પછી 25 એપ્રિલ 2021એ અંતિમ શ્વાસ છોડ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ એ સમય હતો જ્યારે કોરોનાની બીજી લહેર વિકરાળરૂપે હતી અને ગંગાકિનારે દફનાવાયેલા મૃતદેહોની તસવીરો ઉત્તરપ્રદેશમાં મચેલા હાહાકારને બયાન કરતી હતી.
પ્રયાગરાજમાં શ્રુંગવેરપુર ધામ અને ફાફામઉ ઘાટની તસવીરો દેશ-દુનિયામાં ખૂબ જ વાઇરલ થઈ હતી.
રંજિતા એ સમયને યાદ કરીને આજે પણ ધ્રૂજી ઊઠે છે. એમને એક 6 વર્ષનો અને એક 9 વર્ષનો એમ બે બાળકો છે, એમની સાથે હવે તેઓ પોતાના પિયરમાં રહે છે.
પતિનું લેબર કાર્ડ લઈને એ અત્યાર સુધીમાં ઘણી વાર સરકારી વિભાગોમાં ઘણું ભટકી ચૂક્યાં છે પરંતુ એમને ક્યાંયથી કોઈ મદદ નથી મળી.

ત્રીજી લહેર વિશે ડર

સંતાષી પણ એ સમયને યાદ કરીને રડી પડે છે, "નાનો છોકરો સાથે ગયેલો. એણે આવીને કહેલું કે અમ્મા આમ ખાડો ખોડીને પાપાને દફનાવી દીધા. મેં કહ્યું, ચૂપ કર બેટા, બસ હવે."
એમના પતિ સૂબેદાર પાલ મુંબઈમાં સિલાઈકામ કરતા હતા. 2020માં જ્યારે પહેલી વાર લૉકડાઉન થયું ત્યારે તેઓ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજસ્થિત પોતાના ગામ મેંડારા આવી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર બાળકો સાથે જેમતેમ સમય પસાર કરતા હતા એવામાં એપ્રિલની એક સવારે એમની આંખ એવી બંધ થઈ કે ફરી ખૂલી જ નહીં.
એમનો પરિવાર એમને નજીકની એક હૉસ્પિટલ લઈ ગયો હતો પરંતુ એમના જણાવ્યા અનુસાર, ડૉક્ટરોએ કોરોના છે એવું કહીને બીજા દવાખાને જવાનું કહી દીધું.
પરિવાર સૂબેદાર પાલને લઈને એક દવાખાનેથી બીજા દવાખાને ભટકતો રહ્યો પરંતુ એ દરમિયાન જ એમના શ્વાસે સાથ છોડી ગયો.
સંતોષીએ જણાવ્યું કે, એ દિવસ પછી કેટલાક સરકારી લોકો આવ્યા હતા, વાંચીને લખીને પણ ગયા, પરંતુ આજ સુધી કોઈ મદદ નથી મળી.

જિલ્લા અધિકારી પાસે અરજી

ઇમેજ સ્રોત, Getty Images
સંબંધીઓ જેઓ મદદ કરતા હતા, એનાથી જ કોઈક રીતે તેઓ બાળકોનું પેટ ભરતાં હતાં. એમનો મોટો દીકરો 16 વર્ષનો છે, જે ભણવાનું છોડીને હવે સિલાઈકામ શીખી રહ્યો છે જેથી મુંબઈ જઈને પિતાની જગ્યાએ કામ કરીને ઘર ચલાવી શકે.
પરંતુ સંતોષી હવે કોરોનાના ફરી એક વાર વધતાં કેસો જોઈને ડરી ગયાં છે અને આ વખતે પોતાના પરિવારના બીજા સભ્યોને ગુમાવવા નથી ઇચ્છતાં.
આવી જ બીક સાવિત્રીદેવીના મનમાં છે. એમને બે દીકરી અને ચાર દીકરા છે. બીજી લહેરમાં એમના પતિ તુલસીરામનું મૃત્યુ થયું ત્યારે પરિવારે અને ગામલોકોએ એમને થોડાક કિલોમીટર દૂર આવેલા શ્રુંગવેરપુર ધામમાં દફનાવ્યા હતા.
હવે તેઓ મનરેગા મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. સરકાર તરફથી કોવિડથી મરનારાઓના પરિવારોને અપાતી 50 હજાર રૂપિયાની આર્થિક સહાય માટે એમણે પ્રયાગરાજના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને અરજી કરી છે, પરંતુ બીજા પરિવારોની જેમ એમનો પણ દાવો છે કે એમને આ સહાય નથી મળી.
ત્રીજી લહેરની આશંકાની બીક એમની આંખોમાં ડોકાય છે. જોકે રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ઘણા પ્રસંગોએ દાવો કરી ચૂક્યા છે કે કોરોનાની ત્રીજી લહેર માટે ઉત્તર પ્રદેશ સંપૂર્ણ સજ્જ છે. તેઓ એવો દાવો પણ કરી ચૂક્યા છે કે બીજી લહેરમાં પણ યુપીએ દેશમાં સૌથી સારી રીતે કોવિડની કામગીરી કરી છે.

ત્રીજી લહેર માટેની તૈયારી…?

ઉત્તરપ્રદેશ આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડૉક્ટર વેદબ્રતસિંહે બીબીસીને જણાવ્યું કે ગઈ વખતની સ્થિતિને જોતાં આ વખતે ગ્રામીણ વિસ્તારો માટે નવી આરોગ્ય વ્યવસ્થા અપાનાવાઈ છે.
એમણે જણાવ્યું કે, "ગ્રામીણ ક્ષેત્રો માટે અમે એક નવી વ્યવસ્થા કરી છે. હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટરને અમે રેપિડ ઍન્ટિજન કિટ આપી રહ્યા છીએ, જેથી તે ગામડામાં જ ટેસ્ટ કરી લે; અને દેખરેખ સમિતિઓને બેઝિક દવાઓ આપી દેવાઈ છે જેથી લક્ષણો ધરાવતા કોઈ પણ દર્દી દેખાતાં દવા આપી શકાય."
પ્રયાગરાજના મેંડારા ગામની વસ્તી લગભગ 6000 જેટલી છે. ગામલોકોનો દાવો છે કે બીજી લહેર વખતે અહીં 57 લોકોનાં મૃત્યુ થયાં હતાં પરંતુ સરકારી આંકડામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
કોરોનાની બીજી લહેર જ્યારે વિકરાળરૂપે હતી એ સમયે ઉત્તર પ્રદેશમાં, એપ્રિલ 2021 સુધીમાં, 3,438 મૃત્યુ નોંધાયાં હતાં અને મે 2021માં 8,108 મૃત્યુ નોંધવામાં આવ્યાં હતાં.
પરંતુ ઘણા વિશેષજ્ઞો માને છે કે મૃત્યુના સાચા આંકડા આના કરતાં ઘણા વધારે હશે.

તૈયારીઓની સ્થિતિ

જોકે જ્યારે અમે મેંડારા ગામના હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટરમાં પહોંચ્યા તો ત્યાં હાજર એએનએમએ જણાવ્યું કે ત્રીજી લહેર માટે હાલ તો કોઈ નિર્દેશ નથી મળ્યા.
એએનએમ સુધા દ્વિવેદીએ બીબીસીને જણાવ્યું કે, "અત્યારે તો વૅક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ જ અપાય છે. બાકી જે નવા વાઇરસ આવ્યા છે એના વિશે અમને લોકોને હજી સુધી કોઈ નિર્દેશ કે ટ્રેનિંગ નથી અપાઈ. દેખરેખ સમિતિને સામુદાયિક આરોગ્યકેન્દ્ર પરથી દવા મળે છે, એને વહેંચવામાં આવે છે. જોકે હજુ એ દવા આવી નથી."
દેખરેખ સમિતિમાં સરપંચ, સીએચઓ, એએનએમ અને ગામની આશા સદસ્ય સામેલ હોય છે.
આ ગામનું સીએચસી એટલે કે સામુદાયિક આરોગ્યકેન્દ્ર કોડિહારમાં છે, જે આ ગામથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. ત્યાં કુલ 30 બેડ છે, જેમાંના 20 બેડ કોવિડ માટે રિઝર્વ રખાઈ છે.

દેખરેખ સમિતિ

અહીંના ચિકિત્સા અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીએ બીબીસીને જણાવ્યું કે એમને ઉપરથી નિર્દેશ મળ્યા છે કે સૌથી પહેલાં ઓક્સિજનનો સોર્સ અર્થાત્ ઓક્સિજન સિલિન્ડર અને કૉન્સન્ટ્રેટર ચાલુ સ્થિતિમાં હોવાં જોઈએ.
એમણે જણાવ્યું કે, દવાખાનામાં 11 કૉન્સન્ટ્રેટર છે જે બધા જ ચાલુ હાલતમાં છે. સાથે જ પાંચ ઓક્સિજન સિલિન્ડર પણ છે. તેઓ માને છે કે કૉન્સન્ટ્રેટર મળવાના કારણે દવાખાનું ત્રીજી લહેરની પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકશે.
આ સીએચસી આસપાસનાં 76 ગામોને આવરી લે છે. જ્યારે અમે એમને પૂછ્યું કે શું આટલાં ગામોને આરોગ્યસુવિધા આપવા માટે 11 ઓક્સિજન કૉન્સન્ટ્રેટર, 5 સિલિન્ડર, 20 બેડ, 2 ઍમ્બુલન્સ પૂરતાં છે?
એના જવાબમાં એમણે કહ્યું કે, "એ પડકારરૂપ હશે. પરંતુ બધા દર્દી અહીં નથી આવતા. અમે મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેટ કરીએ છીએ. દેખરેખસમિતિ જેવું કોઈ દર્દી બાબતે જણાવે છે કે તરત અહીંથી રેપિડ રિસ્પોન્સ ટીમ કિટ લઈને પહોંચી જાય છે, જે ટેસ્ટ કરવાનું અને દવા આપવાનું કામ કરે છે."

યુપી સરકારની નાલેશી

ઇમેજ સ્રોત, Getty Images
ડીએમ સંજય ખત્રીએ જણાવ્યું કે આખા પ્રયાગરાજમાં કોવિડ માટે સાડા પાંચ હજાર બેડ તૈયાર કરાઈ છે અને સરકારી ક્ષેત્રમાં 9 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરાયા છે.
એમનો દાવો છે કે ગ્રામીણ ક્ષેત્રોનાં દવાખાનાંમાં પણ સુવિધાઓ વધારવામાં આવી છે.
વ્યવસાયે શિક્ષક વિનયકુમાર પટેલે જણાવ્યું કે, ગંગાકિનારે ઘાટો પર પણ સરકારે તૈયારી કરવી જોઈએ. તેઓ ગામના કેટલાક લોકો સાથે પોતાના એક પડોશીને દફનાવવા ફાફામઉ ઘાટે આવેલા. એમના પડોશીનું ઠંડીના કારણે આકસ્મિક મૃત્યુ થયું છે.
જોકે પારંપરિક રીતે ઘણાં વરસોથી, આકસ્મિક મૃત્યુ પામનારા કે સાપ કરડવાથી કે ચામડીના રોગથી મરનારા લોકોને ગંગાઘાટે દફાનાવાતા રહ્યા છે.
પરંતુ બીજી લહેર પછી થયેલી યુપી સરકારની નાલેશી પછી ઘાટો પર શબ દફનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
શ્રુંગવેરપુર ધામ પર તો આ પ્રતિબંધ આજે પણ યથાવત્ છે, પરંતુ કેસ ઘટ્યા પછી ફાફામઉ ઘાટ પર દફનવિધિનું કામ ફરી શરૂ થયું છે.

વિનયકુમારના પિતા રાધેશ્યામનું બીજી લહેરમાં કોરોનાના કારણે મૃત્યુ થયું છે, જેમને એમણે ફાફામઉ ઘાટ પર દફનાવ્યા છે.
તેમણે જણાવ્યું કે જે લાકડાં 1,500થી 2,000 રૂપિયામાં મળી જતાં હતાં, એ સમયમાં તે બ્લૅકમાં 3,000થી 3,500માં વેચાતાં હતાં. તેઓ ઇચ્છે છે કે સરકાર આ વખતે એવી વ્યવસ્થા કરે કે આ પ્રકારનું કાળાબજાર ફરી ન થાય.
ફાફામઉ ઘાટ પર મળેલા એક પંડિતજીએ જણાવ્યું કે, એ વખતે હાલત એટલી ખરાબ હતી કે પહેલાં સામાન્ય દિવસોમાં 25-30 નનામી આવતી હતી, તો એ સમયે દરરોજ 125-130 મૃતદેહ આવતા હતા. એમના જણાવ્યા અનુસાર, "દફન કરાતાં મૃતદેહની સંખ્યા 30-35 હતી."
તેમણે જણાવ્યું કે, જ્યારે ગંગાનદીનું જલસ્તર વધ્યું ત્યારે કેટલાંક મૃતદેહ વહી ગયા અને કેટલાંક રેતીની નીચે - વધારે નીચે દબાઈ ગયા.
તાજેતરમાં પ્રકાશિત થયેલા 'ગંગાઃ રિઇમેજનિંગ, રેજુવિનેટિંગ, રિકનેક્ટિંગ' નામના પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના તત્કાલીન મહાનિર્દેશક રાજીવ રંજન, જેઓ ગઈ 31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થયા, એમણે મહામારીના લીધે ગંગા પર પડેલી ભયાનક અસરો વિશે લખ્યું છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસ અનુસાર, એમણે લખ્યું છે કે એવું લાગે છે કે નદીને બચાવવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં જે કામ કરાયાં છે, એને બરબાદ કરાઈ રહ્યાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એમણે જણાવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન જ્યારે મૃત્યુની સંખ્યા અનેક ગણી વધવા લાગી અને શ્મશાન ઘાટો પર ભીડ થવા લાગી ત્યારે મૃતદેહોને નદીમાં ફેંકવા માટે ગંગાઘાટ આસાન રસ્તો બની ગયા હતા.
જોકે એની સાથે જ એમણે એમ પણ કહ્યું છે કે, જિલ્લા વહીવટી તંત્રોએ જે આંકડા આપ્યા છે, એનાથી એવી ખબર પડે છે કે નદીમાં 'લગભગ 300 મૃતદેહ' ફેંકાયા હતા, નહીં કે રિપૉર્ટોમાં જણાવાયા પ્રમાણે 1000થી વધારે.
ફાફામઉ ઘાટ પર મળેલા એક પંડિતજીએ જણાવ્યું કે માત્ર મૃતદેહો જ નહીં બલકે બીજાં ઘણાં કારણોથી પણ એ સમયે ગંગા પ્રદૂષિત થતી હતી.
તેમણે જણાવ્યું કે, "એવી એક પણ જગ્યા બાકી નહોતી, જ્યાં કોરોના કિટથી માંડીને કપડાં-લત્તાં, સંસ્કારની સામગ્રી ફેંકેલાં ના પડ્યાં હોય. અમે લોકો એને ડંડાથી ઉપાડી ઉપાડીને ફેંકતા હતા. સફાઈ પણ સરખી નહોતી થતી."
ગંગાઘાટ પાસેના એક ગામના નિવાસી કિશોરીલાલ દુઆએ જણાવ્યું કે (ભગવાન કરે) ફરી એવા દિવસો ક્યારેય જોવા ના મળે.
ગઈ વખતે પંચાયતની ચૂંટણી પછી ગ્રામીણ ઉત્તરપ્રદેશમાં ભયાનક સ્થિતિ ઊભી થઈ હતી.
તેમણે જણાવ્યું કે, "બધા ચિંતા કરતા હતા કે આ વખતે શું થશે, કઈ રીતે થશે? તેથી જ્યાં સુધી છે, રસી મુકાવી રહ્યા છે."
તેઓ આશા રાખે છે કે આ વખતે સરકારી વ્યવસ્થા સારી હશે.
હાલ તો સરકાર પૂરતી તૈયારી હોવાનો દાવો કરી રહી છે પરંતુ જેમ જેમ કોરોનાના કેસ વધતા જાય છે અને રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ગ્રામીણ ઉત્તરપ્રદેશમાં રહેતા લોકોની ચિંતા પણ વધતી જાય છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












