કિરણ પટેલ : ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો આરોપ શો છે?

ઇમેજ સ્રોત, @bansijpatel twitter
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારે ઘર વેચવાનું હતું. રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેની ઓળખાણ આપીને કિરણ પટેલે કહ્યું હતું કે રિનોવેશન બાદ ઘરના વધારે પૈસા મળશે. રિનોવેશન માટે ઘર આપીને હું જૂનાગઢ ગયો તો ખબર પડી કે તેણે રિનોવેશન કરાવીને ઘરની બહાર પોતાની નેમપ્લેટ લગાવીને નવેસરથી વાસ્તુ પણ કરી નાખ્યું હતું. મેં ઘર પાછું માગ્યું તો કેસ કર્યો અને કેસ પાછો ખેંચવા માટે પૈસા માગવા લાગ્યો."
આ શબ્દો છે ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના મોટા ભાઈ અને એક સમયના દિગ્ગજ રાજકીય નેતા પેથલજી ચાવડાના પુત્ર જગદીશ ચાવડાના.
જમ્મુ કાશ્મીરમાં પીએમઓના એડિશનલ ડિરેક્ટર બનીને ઝેડ કૅટેગરીની સુરક્ષા સહિતની સરકારી સુવિધાઓ ભોગવનારા ઠગ કિરણ પટેલની ધરપકડ થઈ ગયા બાદ તેણે ગુજરાતમાં સંખ્યાબંધ લોકો સાથે કરેલી છેતરપિંડીના કિસ્સા હવે એક પછી એક જાહેર થઈ રહ્યા છે.
જગદીશ ચાવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેમનાં પત્ની ડૉ. માલિની પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલનાં પત્ની ડૉ. માલિની પટેલની 28 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ચૈતન્ય માંડલિકે કરી હતી.
પરિવારમાં બે-બે દિગ્ગજ નેતાઓ હોવા છતાં રાજકારણથી દૂર રહેતા જગદીશ ચાવડા ક્યારેય તેમની વગનો ઉપયોગ કરતા ન હતા. એટલે લોકો ભાગ્યે જ તેમને ઓળખે છે.
મૂળ જૂનાગઢના જગદીશ ચાવડાએ પોતાના વ્યવસાય માટે અમદાવાદના શીલજ વિસ્તારમાં એક બંગલો બનાવ્યો હતો અને શહેરમાં એક ઑફિસ પણ ધરાવતા હતા.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મારી અને મારી પત્નીની ઉંમર થતાં અમે શીલજમાં આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીમાં આવેલો અમારો બંગલો વેચીને નાનકડા ઘરમાં રહેવા જવાનું વિચારતા હતા. બંગલો વેચવા માટે અમે અમારા કેટલાક પરિચિતોને પણ વાત કરી હતી."
તેમણે આગળ કહ્યું, "ઘણા લોકો અમારું ઘર જોવા પણ આવતા હતા. આ દરમિયાન એક દિવસ મારી પત્ની પર કિરણ પટેલનો ફોન આવ્યો. ફોન પર વાત થયા બાદ મળવાનું નક્કી થયું અને અમે અમારા ઘર પાસે આવેલા 'ટી-પોસ્ટ' કાફેમાં મળ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જગદીશ ચાવડાના કહેવા પ્રમાણે, કિરણ પટેલે તેમને પોતે 'ટી-પોસ્ટ કાફે'માં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું અને પોતે શોખથી રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું.


ઇમેજ સ્રોત, @bansijpatel Twitter
'હવે હું જોઉં છું કે તમે આ ઘર કેવી રીતે વેચી શકો છો!'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જગદીશભાઈ પોતાનો બંગલો વેચવા માગતા હોવાથી તેઓ કિરણ પટેલને પોતાનું ઘર બતાવ્યું હતું.
તેમણે કહ્યું, "ઘર જોયા બાદ કિરણ પટેલે મને એમ કીધું કે જો હું ઘરને રિનોવેટ કરાવીશ તો વધુ પૈસા મળશે પણ મને તેની વાત માનવામાં આવી નહીં. એ દિવસ પછી અમે બેથી ત્રણ વખત 'ટી-પોસ્ટ' પર મળ્યા. જ્યાં તેણે મને કહ્યું હતું કે તે વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરે છે અને સિક્રેટ મિશન પર છે."
આ સાથે જ કિરણ પટેલે જગદીશભાઈને દિગ્ગજ નેતાઓ સાથેના ફોટો બતાવ્યા. ફોટા જોઈને જગદીશભાઈને લાગ્યું કે તેની ઓળખાણ હોઈ શકે છે.
જગદીશભાઈ જણાવે છે, "એ પછી કિરણ મારા ઘરે ઇન્ટિરિયર ડિઝાઇનરને લઈને આવ્યો અને હું કંઈ કહું એ પહેલાં જ કામ શરૂ કરી દીધું. મેં જ્યારે પૂછ્યું તો એણે કહ્યું કે 90 દિવસમાં કામ પૂરું થઈ જશે. તેણે પૂરજોશમાં કામ ચાલુ કરી દીધું હોવાથી મેં તેને ઘરની ચાવી પણ આપી દીધી અને હું અને મારા પત્ની એક મિત્રના ઘરે રહેવા ચાલ્યા ગયા."
થોડાક દિવસ બાદ જગદીશભાઈએ જૂનાગઢ જવાનું નક્કી કર્યું અને જતાં પહેલાં કિરણ પટેલને મળ્યા હતા. આ મુલાકાત વિશે તેઓ કહે છે, "એ સમયે તેણે મને કહ્યું હતું કે તમે જ્યારે પાછા આવશો ત્યારે ઘર તૈયાર થઈ ગયું હશે. થોડાક સમય સુધી હું પાછો ન આવ્યો અને એક દિવસ મારા પાડોશીએ મને કહ્યું કે તમારા ઘરની બહાર બીજાના નામનું પાટિયું લાગી ગયું છે અને બીજા દિવસે પાછો ફોન આવ્યો કે તમારા બંગલાનું આજે વાસ્તુ-પૂજન રાખ્યું છે."
આ સાંભળીને જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોન આવતાં જ તેઓ સીધા અમદાવાદ દોડી આવ્યા અને પોતાના બંગલા પર જતા ત્યાં નવું તાળું જોવા મળ્યું. બીજા દિવસે કિરણ પટેલ અને તેમનાં પત્ની જગદીશભાઈની ઑફિસે પહોંચ્યાં હતાં.
આ વિશે જગદીશભાઈ કહે છે, "ઑફિસે આવીને તેણે મને ઇમોશનલ બ્લૅકમેલ કરવાનું શરૂ કર્યું. ભાજપના બે-ત્રણ નેતાઓને ફોન લગાવીને સ્પીકર પર વાત કરાવી. મને એ લોકોના અવાજમાં પણ ગડબડ લાગી અને જે શરૂઆતથી શંકા હતી તે હવે મજબૂત થઈ ગઈ કે આ માણસ જૂઠ્ઠો જ છે. તેથી મેં ગેરકાયદેસર ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી."
"ફરિયાદ નોંધાવ્યા બાદ તેણે મને ધમકી આપી હતી કે 'હવે હું જોઉં છું કે તમે આ ઘર કેવી રીતે વેચી શકો છો!' અને બે દિવસ બાદ કોર્ટમાં કેસ કર્યો કે મેં આ બંગલો તેને વેચી દીધો છે અને હવે તેનો કબજો સોંપી રહ્યો નથી. "

'એક નહીં આવી રીતે દેશભરમાં લોકો સાથે કરી છેતરપિંડી'

ત્યાર પછી જગદીશભાઈએ આકરા શબ્દોમાં વાત કરતાં તેણે બંગલો 'ડિસ્પ્યુટેડ મિલકત'માં જવા દીધો. જેથી તે વેચી શકાય તેમ ન હતો.
જગદીશભાઈ કહે છે, "એક દિવસ તેનો વકીલ મારી પાસે આવ્યો અને કહ્યું કે એક કરોડ રૂપિયા આપો તો કોર્ટમાંથી કેસ પાછો ખેંચવા તૈયાર છે. પણ મારા તો પરસેવાની કમાણી છે. હું સાચો છું તો એને પૈસા કેમ આપું?"
જગદીશ ચાવડા કહે છે, "મને થોડા સમય પછી ખબર પડી કે કિરણ અને તેની પત્ની માલિની એવા લોકોને ફસાવે છે જે પોતાની મિલકત વેચવા માગતા હોય. શરૂઆતમાં તેમને ભરમાવે છે પછી ગેરકાયદેસર કબજો જમાવીને મિલકતને વિવાદમાં નાખી દે છે. ડિસ્પ્યુટમાંની પ્રૉપર્ટી વેચાય નહીં એમ હોવાથી પછી પોતાના વકીલને મોકલે છે અને સમાધાન માટે પૈસાની માગણી કરે છે."
તેઓ આગળ કહે છે, "આ લોકો ચીવટતાપૂર્વક વેચવાનાં મકાનો શોધે છે. તેની પાસે પ્રચાર માટે પણ ઘણા લોકો હોય છે જે સતત કહ્યા કરતા હોય છે કે કિરણ પટેલ બહુ પહોંચેલો માણસ છે, જેલમાં મોકલાવી દેશે. નેતાઓ સાથેના ફોટા બતાવીને લોકોને ડરાવતા હોવાથી લોકો પણ ફરિયાદ કરવાનું ટાળતા હતા."
"મેં આવા લોકોને આગળ આવવા જુસ્સો મળે એટલે જ ફરિયાદ નોંધાવી છે અને આગામી દિવસોમાં અન્ય લોકો પણ સામે આવીને તેની સામે ફરિયાદ નોંધાવશે."
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અત્યારે કિરણ પટેલ સામે એક ગુનો નોંધાયો છે. અમે ટ્રાન્ઝીટ વૉરન્ટથી તેને ગુજરાત લાવીશું અને તપાસ કરીશું."
તેમણે વધુમાં જણાવ્યું કે, "તેની સામે એક કેસ થયા પછી વધુ લોકો સામે આવી રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે. અમારી પાસે માત્ર ગુજરાતમાંથી જ નહીં, દેશભરમાંથી લોકો ફોન પર ફરિયાદ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં અમદાવાદ આવીને રૂબરૂમાં એફઆઈઆર નોંધાવશે."
કિરણ પટેલ સાથે જોડાયેલો કાશ્મીરનો વિવાદ

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/TWITTER
કિરણ પટેલ પર સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની દેખરેખ હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટમાં પિકનિક પર ગયા હોવાનો આરોપ છે. આ દરમિયાન એણે કેટલાય વીડિયો પણ બનાવ્યા અને એને પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર પણ કર્યા.
કાશ્મીર પ્રવાસ દરમિયાન પટેલને સુરક્ષા અને બુલેટ પ્રુફ ગાડીઓ પણ આપવામાં આવી હતી.
ઇન્ટેલિજન્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, "ધરપકડ થઈ એ પહેલાં પણ કિરણ પટેલ પોતે પીએમઓમાં ઍડિશનલ ડાયરેક્ટર હોવાનું જણાવીને બે વખત કશ્મીર જઈ ચૂક્યો છે."
પોલીસનાં સૂત્રોના જણાવ્યા કહ્યું હતું કે, "કિરણ પટેલ કશ્મીર પ્રવાસ દરમિયાન વિવિધ બહાનાં કાઢીને સુવિધા મેળવતો હતો"
પટેલ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં એણે પૈસા અને સુવિધાની માગ કરી હોવાનો આરોપ પણ લગાવાયો છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર કિરણ પટેલની કાશ્મીરનો આ ત્રીજો પ્રવાસ હતો અને આ દરમિયાન એની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારે દક્ષિણ કાશ્મીરમાં સરફરજનનાં ખેતરો ખરીદનારને શોધવા માટે પોતાને મોકલ્યો હોવાનું કિરણ પટેલે દાવો કર્યો હતો અને નવી દિલ્હી ખેતાના મોટા નેતાઓ તથા નોકરશાહોનાં નામે એણે કેટલાય આઈએસએસ અધિકારીઓ પર રોબ જમાવ્યો હતો.
2 માર્ચે કિરણ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો અને બીજા દિવસે એની ધરપકડ કરી લેવાઈ હતી.














