બોટાદ : ‘પોલીસ અત્યાચાર બાદ જુવાનજોધ દીકરો ગુમાવ્યા’નો પરિવારનો આરોપ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Usman Padarsi
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
“મારા દીકરાએ આઈકાર્ડ માગ્યું તો તેમણે સ્થળે જ મારા દીકરાને લાફા ઝીંકી દીધા અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.”
“લૉકઅપમાં તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. તે એ જ દિવસે પાછો તો આવી ગયો, પણ તેણે પોલીસે પોતાને દીવાલ સાથે માથું ભટકાવીને માર્યો હોવાની ફરિયાદ કરી હતી. તેને બાદમાં અમે હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનાં ઑપરેશન થયાં. અંતે તેનું મારના કારણે સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું. અમે તો નિરાધાર થઈ ગયા.”
“શું અમે મુસ્લિમ છીએ એટલે અમારી સાથે આવું થયું, મને તો કાંઈ સમજાતું નથી.”
રવિવારે બોટાદના 28 વર્ષીય યુવાન કાળુભાઈ ઉસ્માનભાઈ પદારસીનું અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે કથિતપણે પોલીસના માર બાદ મૃત્યુ થયું હતું. ખેતરમાં કામ કરતાં તેમના 60 વર્ષીય પિતા ઉસ્માનભાઈ પોતાના દીકરાના મૃત્યુ બાદ દુ:ખ વ્યક્ત કરતાં કંઈક આવું કહે છે.
પરિવારજનો અને મુસ્લિમ સમાજના લોકોનો આરોપ છે કે ‘ધર્મના આધારે’ કાળુભાઈ સાથે ‘ત્રણ પોલીસકર્મીએ ઘાતક હિંસા’ આચરી હતી.
જોકે, બોટાદ પોલીસે ઉપરોક્ત આરોપ નકારી કાઢ્યા હતા.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર. ખરાડેએ આ આરોપો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, “કાળુભાઈને પોલીસ સ્ટેશન લવાયા હતા, તેને બાદમાં અહીંથી એ જ દિવસે પાછો પણ લઈ ગયા. તેને પોલીસ સ્ટેશનમાં ઈજા થઈ નથી. પોલીસે ઈજા પહોંચાડી નથી.”
નોંધનીય છે કે પોલીસે કાળુભાઈ સામે આ મામલે કોઈ પણ ગુનો દાખલ કર્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ બોટાદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ કિશોર બલોલિયાએ પણ કહ્યું હતું કે, “પોલીસ તપાસમાં તેમને માર મરાયો હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા.”
તેમણે કાળુભાઈ સાથે ‘ધર્મના આધારે હિંસા આચરાઈ’ હોવાના આરોપો અંગે કહ્યું હતું કે, “આ વાત તદ્દન ખોટી છે, તેમની પણ અન્ય સામાન્ય માણસની જેમ જ તપાસાર્થે પૂછપરછ કરાઈ હતી.”
કથિત ‘પોલીસ અત્યાચાર’ને કારણે સારવાર દરમિયાન કાળુભાઈના મૃત્યુ બાદ પરિવારજનો અને સમાજના લોકો ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
એક દીકરીના પિતા કાળુભાઈનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે.
આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે મૃતકના પિતાની અરજી મામલે સરકારને નોટિસ ફટકારી અને ઘટના સાથે સંબંધિત સીસીટીવી કૅમેરાનું ફૂટેજ કબજે લેવાનો આદેશ કર્યો હતો.
સમગ્ર ઘટના અંગે બીબીસી ગુજરાતીએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરિવારજનોએ જણાવ્યું હતું કે ફર્નિચરના કારીગર કાળુભાઈ અને તેમનો પરિવાર મહેનત-મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
તેમનાં પત્ની પણ ખેતરમાં કામ કરીને પરિવારને મદદરૂપ થતાં.
કાળુભાઈના પરિવારજનો 14મી એપ્રિલે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારી આલ્કુભાઈ દરબાર, નીકુલભાઈ અને રાહીલભાઈ સીદસરે ‘કાળુભાઈને ઢોર માર માર્યા’નો આરોપ લગાવે છે.
પરિવારજનોનું કહેવું છે કે ઘટનાના દિવસે બપોરે કાળુભાઈ બાઇક પર બેઠા હતા, ત્યારે ત્રણ પોલીસ અમલદારો બાઇક ચોરીના કેસ સંદર્ભે એક આરોપીને શોધવા આવ્યા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઉસ્માનભાઈ કહે છે કે, “તેમણે કોઈ આરોપીનો ફોટો બતાવીને તેના વિશે પૂછપરછ કરી, ત્યારે કાળુએ કહ્યું કે તેને આ વિશે ખબર નથી.”
“પોલીસે કાળુ પાસે બાઇકના કાગળ માગ્યા હતા.”
તે બાદ થયેલી વાતચીતમાં પરિવારજનો જણાવે છે કે જવાબમાં કાળુભાઈએ પોલીસના આઈકાર્ડ માગવાની વાતથી તેઓ ‘કથિતપણે’ ઉશ્કેરાઈ ગયા હતા. અને જ્યાં તેમનું ઘર છે એ વિસ્તારમાં જ ઘટનાના સ્થળે તેમની સાથે ‘મારઝૂડ કરી હતી.’
પરિવારજનોનો આરોપ છે તે અરેસ્ટ વૉરંટ કે સમન્સ વગર પોલીસ સ્ટેશને લઈ જઈ તેમને ‘ઢોર માર મારવામાં આવ્યો’ હતો.
ઉસ્માનભાઈના જણાવ્યાનુસાર તેમના દીકરાને બોટાદ પોલીસ સ્ટેશનમાં ‘સતત આશરે ત્રણ કલાક સુધી રાખવામાં આવ્યા’ અને જ્યારે તેઓ તેમને પોલીસ સ્ટેશનેથી છોડાવીને પાછા લાવ્યા, ત્યારે કાળુભાઈએ લૉકઅપમાં તેમની સાથે થયેલા વર્તન અંગે પરિવારને જણાવ્યું હતું.
ઉસ્માનભાઈએ કહ્યું હતું કે, "જ્યારે કાળુને માર પડી રહ્યો હતો તે દરમિયાન એક ચોથા અધિકારી ત્યાં હાજર હતા અને તેમણે વચ્ચે પડીને લોકોને મારતા રોક્યા હતા.”
પરિવારજનો અનુસાર પોલીસ સ્ટેશનેથી પાછા આવ્યા બાદ ‘કાળુભાઈ સતત માથામાં દુખાવો થઈ રહ્યો હોવાની’ ફરીયાદ કરી રહ્યા હતા.
તેમના પિતા એ સમય યાદ કરતાં કહે છે કે, “પહેલાં તો અમે તેને માથાના દુખાવાની દવા આપી પણ ફરિયાદ વધતાં અમે તેને 17 એપ્રિલે હૉસ્પિટલ લઈ ગયા, બોટાદની હૉસ્પિટલ બાદ તેને ભાવનગર હૉસ્પિટલે ખસેડ્યો અને ત્યાંથી અમે તેને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ લઈ આવ્યા.”
જોકે તેમની ‘તબિયતમાં કોઈ સુધારો ન થયો અને તેઓ બેભાન અવસ્થામાં જ હતા’, અંતે રવિવારે કાળુભાઈએ અંતિમ શ્વાસ લીધા.
કાળુભાઈનાં માતાપિતા ખેતરમાં કામ કરે છે, તેઓ પોતાની દાદી સાથે રહેતા હતા.
ઉસ્માનભાઈ કહે છે કે, “ઉંમરના આ તબક્કે આવી તકલીફનો સામનો કરવો પડશે તેનો અંદાજ ન હતો. હવે તો અમને માત્ર કોર્ટ પાસેથી ન્યાય મળે તેવી આશા છે.”
કાળુભાઈના રિપોર્ટ પ્રમાણે તેમની બે ન્યૂરો સર્જરી થઈ હતી.
ઉસ્માનભાઈ કહે છે કે, “તેની પ્રથમ સર્જરી બાદ તે થોડી વાર માટે ભાનમાં આવ્યો હતો અને એ બાદ બીજી સર્જરી કરવી પડી હતી, ત્યારથી તે બેભાન અવસ્થામાં હતો.”
પરિવારજનોએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર સચીન પીઠવાને જણાવ્યું હતું કે ‘કાળુભાઈ કોમામાં હતા.’

બોટાદ પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર ઘટના અંગે પોતાનો પક્ષ મૂકતાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. આર. ખરાડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “કાળુભાઈને બાઇકચોરીના ગુના બાબતે પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લવાયા હતા.”
ખરાડેને કાળુભાઈના માથાની ઈજા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "પોલીસ સ્ટેશનમાં તેમને ઈજા થઈ ન હતી. 14મી એપ્રિલના રોજ તેમને અહીંથી લઈ ગયા હતા, એ બાદ બે-ત્રણ દિવસ બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા."
જોકે, બોટાદ પોલીસે આ ત્રણેય પોલીસ અમલદારોની બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનેથી બદલી કરી દીધી છે.
ખરાડે આ કાર્યવાહી અંગે કહે છે કે, "તેમની બદલી પાછળ કાળુભાઈની ઈજા જવાબદાર નથી, પરંતુ જાહેર હિતમાં કરવામાં આવી છે."
અગાઉ નોંધ્યું તેમ બોટાદ જિલ્લાના એસ. પી. બલોલિયાએ જણાવ્યું હતું કે, “આ ઘટના અંગે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મેડિકો-લીગલ કેસ (એમએલસી)ના આધારે જાણવાજોગ દાખલ કરાઈ હતી. જેની તપાસ ડીવાય. એસ. પી. કક્ષાના અધિકારીએ કરી હતી.”
તેમણે આ મામલે પોલીસ પરના આરોપોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું હતું કે, “કાળુભાઈને એ દિવસે પોલીસ સ્ટેશનમાં લવાયા હતા એ વાત સાચી છે, પરંતુ તેમને થોડી વાર સુધી પૂછપરછ કર્યા બાદ છોડી દેવાયા હતા. ત્યાર બાદ તેઓ ત્રણ દિવસ સુધી હર્યા ફર્યા બાદ તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા, માટે અમારે એ પણ તપાસ કરવાની જરૂર છે કે એ ત્રણ દિવસ દરમિયાન તેમની સાથે શું થયું હતું, શું તેમને એ સમયે કોઈ ઈજા થઈ હતી ખરી?”
બલોલિયા આગળ કહે છે કે, “આ મામલે અમે તપાસ કરી છે અને તેમાં કાળુભાઈને માર મરાયો હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. હાલ આ અંગેની તપાસ પૂરી થઈ ગઈ છે.”
નોંધનીય છે કે આ ઘટનામાં મૃતકના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ‘પોલીસે ધર્મને આધાર રાખીને કાળુભાઈ પર અત્યાચાર કર્યો’ હોવાના આરોપ મુકાયા છે.
આ અંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ બોટાદમાં પોલીસ એસ. પી.ને આવેદન આપીને આ મામલે કડક કાર્યવાહીની માગ કરી હતી.
આ આરોપ અંગે પોલીસનો પક્ષ રજૂ કરતાં એસ. પી. બલોલિયાએ ‘ધર્મને આધારે કાળુભાઈ સાથે દુર્વ્યવહાર કર્યાના’ આરોપ ‘નકારી દીધા હતા.’ તેમણે કહ્યું હતું કે, “આ વાત તદ્દન ખોટી છે.”

ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો મામલો
મૃતકના પિતા ઉસ્માનભાઈએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલ અરજી સંદર્ભે હાઈકોર્ટે બોટાદના ડી.એસ.પી.ને ઘટનાને લગતા તમામ સીસીટીવી કૅમેરાનું ફૂટેજ કબજે કરવાનો આદેશ કર્યો હતો.
ઉસ્માનભાઈના વકીલ દિવ્યેશભાઈ નીમાવતે બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાત કરતાં કહ્યું હતું કે, “અમે કાળુભાઈને જ્યારે પોલીસ સ્ટેશન લવાયા અને ત્યાં તેમની સાથે જે વ્યવહાર થયો તે અંગેના તમામ રેકૉર્ડિંગ સુરક્ષિત કરવાની માગણી કરી છે. જેથી કે પુરાવા સાથે કોઈ ચેડાં ન થાય.”
આ મામલાની ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી છ જૂને રાખી છે.

મુસ્લિમ સમાજમાં ઘટનાના પડઘા

ઇમેજ સ્રોત, Getty Images
અહીં નોંધનીય છે કે કાળુભાઈ એક સામાન્ય પરિવારની અને કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ન ધરાવતી વ્યક્તિ હતા.
તેમના મૃત્યુ બાદ મુસ્લિમ સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો.
'માઇનૉરિટી કો-ઑર્ડિનેશન કમિટી' નામની સંસ્થાના કન્વીનર મુજાહિદ નફીસે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને અગાઉ એક પત્ર લખીને આ મામલામાં ‘કાળુભાઈને મુસ્લિમ હોવાને કારણે પોલીસે માર માર્યો હોવાનો’ આરોપ કર્યો હતો. તેમજ આ મામલે પોલીસ સામે ફરિયાદ નોંધવાની માગ કરી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમને લાગે છે કે બોટાદ પોલીસે મુસ્લિમ યુવાનને તેના ધર્મના આધારે માર માર્યો છે."
“ડીજીપીને લખેલા પત્રમાં અમે એ વાત પર ખાસ ભાર મૂક્યો છે કે મુસ્લિમ સમુદાયના યુવાનને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ડી. કે. બસુ કેસમાં જાહેર કરેલી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું છે."
તેઓ કહે છે કે, “માઇનૉરિટી કૉ-ઑર્ડિનેશન કમિટીને મુસ્લિમ યુવાનોને પોલીસે ગેરકાયદેસર ગોંધી રાખીને માર માર્યો હોય એવા અન્ય કિસ્સાઓ અંગે પણ જાણ થઈ છે.”
સમગ્ર કરીયા મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ મુબારક માંકડ પણ આ મામલે પોલીસ સામે આરોપ કરે છે.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “આ ઘટનાને લઈને પોલીસ જે રીતે કામ કરી રહી છે, તે શંકા ઉપજાવનારું છે. પોલીસ ખરા આરોપીઓનો બચાવ કરી રહી છે, આ વર્તન પરથી સ્પષ્ટ થાય છે કે અમારા મુસ્લિમ હોવાના કારણે અમારી વાત સાંભળવામાં આવી રહી નથી.”
“અમે આ કેસમાં માત્ર એક નિષ્પક્ષ તપાસ અને સંબંધિત પોલીસ અધિકારીઓને સજાની માંગણી કરી રહ્યા છીએ, શું આ બહુ મોટી માગ છે?”
બોટાદ અને આસપાસનાં અનેક ગામોના મુસ્લિમ સમુદાયના લોકોએ ફાળો ઉઘરાવીને પરિવારની મદદ કરવાનું પણ શરૂ કર્યું છે.
કાળુભાઈના મૃત્યુ બાદ બોટાદ વિસ્તારનાં અનેક ગામોથી મુસ્લિમ આગેવાનો પરિવારની મદદ માટે આગળ આવ્યા છે.
જોકે, મૃતકના પરિવારજનો અને ‘ધર્મને આધારે પોલીસની હિંસા’ના સમાજના આરોપોને લઈને આગળ કોઈ કાર્યવાહી થશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ તો હાલ ભવિષ્યના પેટાળમાં ધરબાયેલો છે.

ગુજરાત પોલીસ સામે કેટલા કેસ?
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના 2021ના ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટના આંકડાની વાત કરીએ તો પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ થયેલા કેસોના મામલામાં ગુજરાત ટોચનાં કેટલાંક રાજ્યોમાં સ્થાન પામે છે.
બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાદ ગુજરાતના પોલીસ અધિકારીઓ પર સંબંધિત સમયગાળા દરમિયાન સૌથી વધુ ફરિયાદો દાખલ થઈ હતી.
રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કુલ 209 પોલીસ અધિકારીઓ સામે ગુના દાખલ થયા હતા, 203 પોલીસ અધિકારીઓની ધરપકડ પણ થઈ હતી, જ્યારે 178 પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ થઈ હતી. આ કેસો પૈકી માત્ર એક જ પોલીસ અધિકારને ડિસ્ચાર્જ કરાયા હતા.














