ગુજરાત : CMOના નકલી ઑફિસર બનીને વિરાજ પટેલે મૉડલને કેવી રીતે ફસાવીને 'શારીરિક શોષણ' કર્યું?

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“હું સીએમઓમાં કામ કરું છું, બે મિનિટમાં જેલ ભેગો કરી દઈશ”, વડોદરાના થિયેટરમાં વિરાજ પટેલ નામના યુવકે કથિત રીતે પ્રદીપ નાયર નામના યુવક સામે પોતાનો રોફ બતાવ્યો હતો.

જોકે આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે વડોદરાના થિયેટરમાં વિરાજ પટેલ એક યુવતી સાથે ફિલ્મ જોવા ગયા હતા, અડધી ફિલ્મ પૂરી થઈ અને વિરાજ પટેલે બાજુમાં બેઠેલા પ્રદીપ નાયરને બીજે બેસવા કહ્યું હતું.

પ્રદીપ નાયરે સીટ બદલવાની ના પાડી અને આ ઝઘડાની શરૂઆત થઈ.

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં

થિયેટરમાં પોલીસ આવી

વડોદરા પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

36 વર્ષના વિરાજ પટેલે ફિલ્મ જોતી વખતે તેમની બાજુમાં બેઠેલા પ્રદીપ નાયરને કથિત રીતે કહ્યું કે ‘આ સીટ ખાલી કરીને બીજે બેસી જા’, પરંતુ પ્રદીપ નાયર ઊભા ન થયા અને કહ્યું કે, ‘મેં પૈસા ખર્ચીને ટિકિટ લીધી છે, હું આ સીટ પર જ બેસીને ફિલ્મ જોઈશ.’

પોલીસ ફરિયાદ પ્રમાણે આ બાબતે વિરાજ પટેલ અને પ્રદીપ નાયર વચ્ચે ઝઘડો થયો અને વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ, જેના કારણે થિયેટરના સિક્યૉરિટી ગાર્ડે મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.

જોકે વિરાજ પટેલે પોતે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઑફિસમાં ઑફિસર હોવાની વાતને દોહરાવી હતી.

ત્યારબાદ ફિલ્મ જોવા આવેલી અન્ય એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને બોલાવી હતી અને ત્યારબાદ પોલીસે વિરાજ પટેલને જેલભેગો કર્યા હતા.

નોંધપાત્ર છે કે વિરાજ પટેલ જે યુવતી સાથે ફિલ્મ જોવા ગયા હતા તે મુંબઈમાં મૉડેલિંગ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું અને તેમણે જ વિરાજ પટેલ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી હોવાની પુષ્ટિ પોલીસે કરી હતી.

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં

પોલીસે શું કહ્યું ?

બીબીસી ગુજરાતી વડોદરા પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થિયેટરમાં પહોંચેલા વડોદરાના ગોત્રી પોલીસસ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ વિરાજ પટેલ, તેમની સાથે આવેલી યુવતી અને પ્રદીપ નાયરને ફરિયાદ નોંધાવવા માટે પોલીસસ્ટેશન લઈ ગયા હતા.

પોલીસકર્મીઓનું કહેવું છે કે પોલીસસ્ટેશનમાં પણ વિરાજ પટેલનો રુઆબ ઓછો થયો ન હતો, જેથી ઉપરી પોલીસ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલા વડોદરાના એસીપી એ. વી. કટકાડેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે વિરાજ પટેલને પોતાનું આઈકાર્ડ બતાવવા કહ્યું હતું, ત્યારે વિરાજે આઈકાર્ડ હોટલમાં મૂકીને આવ્યા હોવાનું જણાવ્યું હતું.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિરાજ પટેલ પાસે પાનકાર્ડ અને આધારકાર્ડ પણ માગ્યું હતું, પરંતુ તેમના પાનકાર્ડમાં નામ વિરાજ શાહ હતું અને આધારકાર્ડમાં કોઈ અટક નહોતી.”

“તેથી અમે તાત્કાલિક મુખ્ય મંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, ત્યારે ખબર પડી હતી કે ત્યાં કોઈ વિરાજ પટેલ નામની વ્યક્તિ કામ કરતી નથી.”

એસીપીએ આગળ કહ્યું કે, “ત્યારબાદ અમે વિરાજ પટેલની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં ખબર પડી હતી કે તેમણે મુંબઈમાં રેડીમેડ કપડાં માટે મૉડલિંગ કરતાં મહિલાને એક એજન્સી દ્વારા ફસાવ્યાં હતાં અને તેમને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હતું.”

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં

વિરાજ પટેલ સાથે આવેલી યુવતીએ શું કર્યો ખુલાસો?

વડોદરાના થિયેટરમાં વિરાજ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

વિરાજ પટેલે કથિત રીતે એવો દાવો કર્યો હતો કે તેમની સાથે આવેલી યુવતી ગાંધીનગર ગિફ્ટ સિટીની બ્રાન્ડ ઍમ્બેસૅડર છે અને તેનો જીવ જોખમમાં હોવાથી તેઓ વડોદરા ફિલ્મ જોવા લઈને આવ્યા હતા.

સાથે જ કહ્યું હતું કે ‘બાજુમાં બેઠેલા પ્રદીપ નાયર પણ આ બ્રાન્ડ ઍમ્બેસૅડરને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિઓમાંથી એક છે.’

આ મામલામાં વધુ એક વળાંક ત્યારે આવ્યો, જ્યારે વિરાજ પટેલ સાથે આવેલી યુવતીએ પોલીસ સમક્ષ કેટલાક ખુલાસા કર્યા.

વિરાજ પટેલ સાથે આવેલી યુવતી મૉડલ છે અને તેઓ રેડિમેડ કપડાં માટે મૉડલિંગ કરે છે.

એ યુવતીનું કહેવું હતું કે કેટલીક એજન્સીઓમાં તેમણે કામ માટે પોતાની પ્રોફાઇલ અને ફોટા આપ્યાં હતાં.

યુવતીને કથિત રીતે ઑનલાઇન કાસ્ટિંગ કરતી એજન્સીએ મૉડલિંગ માટે વિરાજ પટેલનો નંબર આપ્યો હતો અને વિરાજ પટેલ તેમને મુંબઈ મળવા આવશે તેમ કહ્યું હતું.

આ સાથે યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે, “એજન્સીના એજન્ટના કહેવા પ્રમાણે 8 એપ્રિલના રોજ વિરાજ પટેલ મુંબઈ આવ્યો હતો.”

વિરાજ પટેલે તેમને કહ્યું હતું કે તેઓ સીએમઓ ઑફિસમાં કામ કરે છે અને ગાંધીનગર ગિફ્ટ સિટીના બ્રાન્ડ ઍમ્બેસૅડર તરીકે તેમની (મૉડલ યુવતીની) પસંદગી કરી છે, તેના માટે ગોવા અને દુબઈમાં શૂટિંગ થશે.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, આ શૂટિંગ માટે વિરાજ પટેલે તેમને સાઇનિંગ રકમ પેટે રૂપિયા 70 લાખ અને પાંચ લાખના ચેક આપ્યા હતા અને તે જ દિવસે ગોવામાં લોકેશન જોવા જવાનું કહ્યું હતું.

તેમનું કહેવું છે કે “ગોવામાં લોકેશન જોવા નીકળ્યાં, તેથી મને ચેક જમા કરાવાનો સમય મળ્યો ન હતો.”

તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “ગોવામાં અમે અલગઅલગ સ્થળે ફર્યાં અને બીજા દિવસે તેમણે મને લગ્નનું પ્રપોઝલ આપ્યું હતું.”

“મને કહ્યું હતું કે તેમનાં માતાપિતા અમેરિકામાં રહે છે અને તેઓ ટૂંક સમયમાં ગુજરાત આવશે, ત્યારે તેમને સરપ્રાઇઝ વેડિંગની ગિફ્ટ આપીશું.”

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં

‘બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા’

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, “ત્યારબાદ તેમણે મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પછી મને ગુજરાત લઈને આવ્યા હતા.”

યુવતીએ કહ્યું હતું કે, “અમે ગાંધીનગર પહોંચીએ તે પહેલાં તેમની પર ફોન આવ્યા હતા અને કહ્યું હતું કે ગિફ્ટ સિટીનાં બ્રાન્ડ ઍમ્બેસૅડર બનવા માટે બીજી મૉડલ લાઇનમાં હતી, પરંતુ તારી પસંદગી થઈ છે અને તેથી તને મારી નાખવાની ધમકીઓ આવી રહી છે.”

આ પ્રકારે યુવતીને ડરાવી વિરાજ પટેલ તેમને વડોદરાની વેદાંતા હોટલમાં લઈ આવ્યા હતા. તે દિવસે યુવતીએ તેમનાં માતાપિતા સાથે વાત કરવાની જીદ પકડી હતી તો નેટવર્ક નહીં હોવાના બહાના કાઢી મોડી રાત્રે વાત કરાવવાનો વાયદો કર્યો હતો.

જે બાદ વિરાજ પટેલ આ યુવતીને ફિલ્મ જોવાના બહાને થિયેટરમાં લઈ ગયા હતા, જ્યાં થયેલા ઝઘડા બાદ વિરાજની ધરપકડ કરાઈ હતી.

મહિલાની જુબાની આધારે પોલીસે વિરાજ પટેલ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધી હતી.

એસીપી કટકાડેનું કહેવું છે કે “વિરાજ પટેલ કઈ મૉડલિંગ એજન્સીના સંપર્કમાં હતો અને કેવી રીતે આ યુવતીને ફસાવી હતી. વિરાજે ભૂતકાળમાં બીજી છોકરીઓને ફસાવી છે કે કેમ?”

“ઉપરાંત સીએમઓના બનાવટી કર્મચારી બની બીજા કોઈને છેતર્યા છે કે નહીં? તેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે, જેની વિગતો રિમાન્ડ બાદ બહાર આવશે.”

નકલી અધિકારીએ મહિલા મૉડલને ફસાવ્યાં
બીબીસી