પત્ની અને દીકરીનાં મૃત્યુ નિપજાવ્યાની પતિ પર હતી શંકા પરંતુ પોલીસે અસલી આરોપીઓને કેવી રીતે ઝડપી પાડ્યા?

મૃતક મોહિની બેળુંખે અને પ્રિયંકા બેળુંખે
ઇમેજ કૅપ્શન, મૃતક મોહિની બેળુંખે અને પ્રિયંકા બેળુંખે

32 વર્ષનાં માતા અને 14 વર્ષની દીકરીના મૃતદેહો ગામમાં એક ઝૂંપડી મળી આવે છે.

પોલીસને શંકા પતિ પર જાય છે, પોલીસ તેેને પકડે છે પરંતુ કંઈક એવું થાય છે કે પોલીસને પરિવારના સંબંધી ત્રણ ભાઈઓ પર શંકા જાય છે.

આ કિસ્સો મહારાષ્ટ્રના સાંગલીનો છે જેમાં મંત્રતંત્રની શંકાના આધારે મા-દીકરીની હત્યા તેમના સંબંધીઓએ જ કરી હોવાની પોલીસની શંકા છે.

આ ઘટના સાંગલીના જત તાલુકાના કોનીકોનુર ગામમાં 23 એપ્રિલે બની હતી.

પોલીસે આ સંબંધે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. વધુ એક વ્યક્તિની શોધ અને તપાસ ચાલુ છે.

ગ્રે લાઇન

ખરેખર શું થયું હતું?

પ્રિયંકા બેળુંખે

32 વર્ષનાં માતા પ્રિયંકા બિરપ્પા બેળુંખે અને તેમની 14 વર્ષની દીકરી મોહિનીના મૃતદેહ કુનીકોનુર ખાતેની એક ઝૂંપડીમાંથી 23 એપ્રિલે મળી આવ્યા હતા.

આ ઘટના બહાર આવી પછી સમગ્ર વિસ્તારમાં જોરદાર ખળભળાટ સર્જાયો હતો.

મા-દીકરીનાં મોત બાબતે વિવિધ તર્કવિતર્ક શરૂ થઈ ગયા હતા.

મા-દીકરીની હત્યાને ગંભીર બાબત ગણીને પોલીસે ઝડપભેર પગલાં લીધાં હતાં.

ગ્રે લાઇન

પતિ બિરપ્પા પર શંકા

પોલીસ સબ ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ખરાત
ઇમેજ કૅપ્શન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ખરાત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિયંકા અને મોહિનીની હત્યા ચોરી કે લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનો કોઈ સંકેત મળ્યો નથી.

બેળુંખે પરિવારની પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક પ્રિયંકા અને તેના પતિ બિરપ્પા વચ્ચે કોઈને કોઈ કારણસર સતત બોલાચાલી થતી હતી.

તેથી પોલીસને સ્વાભાવિક રીતે જ બિરપ્પા પર શંકા ગઈ હતી. ચારિત્ર્યની શંકાને કારણે બિરપ્પાએ મા-દીકરીની હત્યા કરી હોવાની ચર્ચા ગામમાં થવા લાગી હતી.

દરમિયાન મૃતક પ્રિયંકાના સંબંધીઓએ એવી માગણી કરી હતી કે બિરપ્પાની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મા-દીકરીની લાશનો કબજો લેશે નહીં.

એ પછી પ્રિયંકાના સંબંધી સંતોષ ચૌગુલેએ ઉમદી પોલીસ સ્ટેશનમાં બિરપ્પા બેળુંખે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બિરપ્પાને તત્કાળ અટકાયતમાં લીધા અને પૂછપરછ શરૂ કરી પછી બધાને એવું લાગતું હતું કે આ કેસની તપાસ હવે અટકી જશે, પરંતુ તેમાં નવો વળાંક આવવાનો બાકી હતો.

બિરપ્પાની ધરપકડ પછી બધાએ એવું માની લીધું હતું કે બિરપ્પાએ જ તેમનાં પત્ની અને દીકરીની હત્યા કરી છે, પરંતુ ઉમદી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પંકજ પવાર અને લક્ષ્મણ ખરાતની ટીમે અત્યંત શાંતિથી આ કેસની તપાસ આગળ વધારી હતી.

પોલીસે ઝીણવટભરી તપાસ કરીને હત્યાના ખરા આરોપીઓને શોધી કાઢ્યા હતા.

બીબીસી ગુજરાતી
  • મહારાષ્ટ્રમાં માતા-પુત્રીની હત્યાની ચકચારી ઘટના બાદ આરોપીઓની પોલીસ ધરપકડ કરી હતી
  • 32 વર્ષીય માતા અને 14 વર્ષની પુત્રીની ‘તંત્રમંત્ર’ની આશકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યાનું પોલીસે જણાવ્યું હતું
  • પોલીસને અગાઉ મહિલાના પતિ પર શંકા હતી પરંતુ બાદમાં અસલી હત્યારા સુધી કેવી રીતે પહોંચી પોલીસ
બીબીસી ગુજરાતી

મંત્રતંત્રની શંકા

વાસ્તવમાં પ્રિયંકા અને મોહિનીની હત્યામાં ચારિત્ર્યની શંકાનો કોઈ ઍંગલ જ ન હતો. બિરપ્પાના પરિચિત ત્રણ યુવાનોએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

તેમને શંકા હતી કે પ્રિયંકા તેમના પરિવાર પર મંત્રતંત્ર, જાદુટોણાં કરી રહ્યાં છે.

એ પછી પોલીસને ખાતરી થઈ ગઈ હતી અને અક્ષય બેળુંખે, વિકાસ બેળુંખે અને બબલુ ઉર્ફે બબલ્યા બેળુંખે સામે ફરિયાદ નોંધી હતી. એ ત્રણમાંથી પોલીસે અક્ષય અને વિકાસની ધરપકડ કરી છે, જ્યારે બબલુ ફરાર છે.

ઉમદી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સપેક્ટર લક્ષ્મણ ખરાતે કહ્યું હતું કે "જત તાલુકાના કોણીકોનુર ખાતે 23 એપ્રિલની રાતે મા-દીકરીની હત્યા કરવામાં આવી હતી."

"મૃતક મહિલાના પતિએ હત્યા કરી હોવાની શંકા હતી. મૃતક મહિલાના સંબંધીઓએ પણ એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી."

તેમણે ઉમેર્યું હતું કે "અમે બિરપ્પાની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી."

"પત્ની પર શંકા હોવાની કબૂલાત તેણે કરી હતી, પરંતુ હત્યાની કબૂલાત કરી ન હતી."

"એ ઉપરાંત એક સાથે બે મહિલાની હત્યા કોઈ એકલો માણસ કરી શકે નહીં, એવું અમારા ધ્યાનમાં આવ્યું હતું."

લક્ષ્મણ ખરાતે એમ પણ કહ્યું હતું કે, "ગામમાં તપાસ કરતાં પોલીસને ખબર પડી હતી કે મૃતક પ્રિયંકાના પતિ બિરપ્પા સાથે નજીકમાં રહેતા સાસરિયાઓ સાથે ઝઘડો થયો હતો."

એ પછી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે પાડોશમાં રહેતા અક્ષય બેળુંખે, વિકાસ બેળુંખે અને બબલ્યા બેળુંખે હત્યાની ઘટના બાદ ગાયબ થઈ ગયા હતા.

રસપ્રદ વાત એ હતી કે મૃતક મા-દીકરીના અંતિમ સંસ્કારમાં એ ત્રણેય સામેલ થયા હતા.

જોકે, તેઓ અચાનક ગાયબ કેમ થઈ ગયા તેનું કારણ પોલીસ સમજી શકી ન હતી.

પોલીસે તપાસ આગળ વધારી અને ટૂંક સમયમાં અક્ષય તથા વિકાસ બેળુંખેની ધરપકડ કરી હતી.

એ બન્નેએ હત્યાની કબૂલાત કરી હોવાનું અને બબલ્યાની શોધ ચાલુ હોવાનું લક્ષ્મણ ખરાતે જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

આરોપીઓએ શું કહ્યું?

આરોપી અક્ષયે પૂછપરછમાં પોલીસને હત્યાનું કારણ જણાવ્યું હતું. મૃતક પ્રિયંકા જાદુટોણાં કરતાં હોવાની અક્ષયને શંકા હતી.

અક્ષય એવું માનતા હતા કે પ્રિયંકાના જાદુટોણાંને કારણે જ છ મહિના પહેલાં તેમના પિતા ગંભીર બીમારીનો ભોગ બન્યા હતા અને એક મહિના પહેલાં તેમના ભાઈ વિજયનું મૃત્યુ થયું હતું. આ બધાનું મૂળ પ્રિયંકા હોવાનું તેઓ ભારપૂર્વક માનતા હતા.

આ કારણસર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આખરે 23 એપ્રિલે તેમણે પ્રિયંકાનું ગળું દોરડા વડે ભીંસીને તેની હત્યા કરી હતી.

તે પ્રિયંકાનો મૃતદેહ લઈ જતા હતા ત્યારે પ્રિયંકાની પુત્રી મોહિની ત્યાં આવી ચડી હતી. તેથી તેની પણ હત્યા કર્યાની કબૂલાત અક્ષયે કરી હોવાનું લક્ષ્મણ ખરાતે જણાવ્યું હતું.

મા-દીકરીની હત્યા બદલ અક્ષય, વિકાસ અને બબલ્યા બેળુંખે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે હવે એવું બહાર આવ્યું છે કે પ્રિયંકા તથા મોહિનીની હત્યા સાથે બિરપ્પાને કોઈ સંબંધ નથી.

બિરપ્પાને મુક્ત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે એવું ઉમદી પોલીસે જણાવ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન