18 મહિલાઓ પર સામૂહિક બળાત્કારની કમકમાટીભરી કહાણી

મહિલા

“હું માત્ર 13 વર્ષની હતી. મેં તેમને વિનંતી કરી હતી કે હું તો કિશોરી છું, નાની છોકરી છું, પણ તેમણે મને છોડી નહીં. તેમને ભાઈ-બહેન હશે અથવા તેમના પરિવારમાં કોઈ છોકરી હશે કે નહીં તેની મને ખબર નથી. તેમણે અમારા પર બળાત્કાર કર્યો હતો, બહુ માર માર્યો હતો. આખા ગામમાં રડવાના, હિબકાં ભરવાના અવાજ સંભળાતા હતા.”

પીડિતાઓ પૈકીનાં એકે 1992ની 20 જૂનની રાતે બનેલી ઘટનાને યાદ કરતાં ઉપર મુજબ કહ્યું હતું.

વાચતી હુમલો અને બળાત્કાર કેસ ભારતની અદાલતોમાં સૌથી લાંબો સમય સુનાવણી ચાલી હોય તેવો કેસ છે. તેની અદાલતી કાર્યવાહી ત્રણ દાયકાથી ચાલી રહી છે.

તામિલનાડુના વાચતી ગામમાં 1992માં એક સાથે 18 મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા 100 અન્ય ગ્રામજનો પર પોલીસ તથા તામિલનાડુના વનવિભાગના અધિકારીઓએ હુમલો કર્યો હતો.

ગ્રામજનો ચંદનના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા હોવાની શંકાથી પોલીસ તથા વનવિભાગના અધિકારીઓ સહિતના સરકારી અધિકારીઓએ વાચતી ગામ પર દરોડો પાડ્યો હતો.

વાચતી ગામ ઈશાન તામિલનાડુમાં સિતેરી પર્વતની તળેટીમાં આવેલું એક આદિવાસી ગામડું છે. આ ગામ તેના ચંદનનાં વૃક્ષો માટે જાણીતું છે.

1992ના જૂનમાં સતત બે દિવસ સુધી 18 મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, આદિવાસી સમાજના કમસે કમ 100 લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને તેમનાં ઘર તથા ઢોર લૂંટી લેવાયાં હતાં.

એક ખાસ અદાલતે 2011માં આપેલા ચુકાદામાં પોલીસ તથા વનવિભાગ સહિતની 215થી વધુ સરકારી અધિકારીઓને ‘દલિતો પરના અત્યાચાર’ બદલ દોષિત ઠરાવવામાં આવ્યા હતા.

વાતચીમાં દલિતો અને આદિવાસીઓની વસતિ છે. દોષી ઠરાવવામાં આવેલા અધિકારીઓ પૈકીના 54 અદાલતી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

ખાસ અદાલતે 2011માં કરેલી કારાવાસની સજાને પડકારતી એક અરજી દોષિત સરકારી અધિકારીઓએ દાખલ કરી હતી. એ અરજી વિશેનો ચુકાદો મદ્રાસ હાઇકોર્ટ ટૂંક સમયમાં આપશે તેવી અપેક્ષા છે.

વાચતી ગામમાં વડલાના એક મોટા વૃક્ષ નીચે બેઠેલાં સાડીધારી મહિલાઓના જૂથ પૈકીનાં એક પીડિતાએ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, “અમારા પર બળાત્કાર, હુમલો તથા અત્યાચાર કરવામાં આવ્યો હતો. અદાલતી લડાઈ ભલે 30 વર્ષથી ચાલી રહી હોય, પણ અમારા જખમ અમારા મનમાં હજુ પણ તાજા છે.”

અહીંનાં મહિલાઓને એ હુમલો હજુ ગઈ કાલે જ થયો હોય એ રીતે યાદ છે.

જૂન, 1992ની રાતે કરવામાં આવેલા સામૂહિક બળાત્કાર વિશે વાત કરતાં તેમની આંખોમાંથી આંસુ દડી પડે છે. એ પૈકીનાં કેટલાંક સ્ત્રીઓએ જણાવ્યું હતું કે એ ઘટનાની યાદ આવે છે ત્યારે તેઓ આજે પણ ધ્રૂજી ઊઠે છે અને આખો દિવસ કશું ખાઈ શકતી નથી.

જુઓ મહિલાઓની દર્દનાક કહાણી, તેમના વર્ણનમાં...

Redline
Redline