જેલમાં બળાત્કારકાંડ : “બે કલાક સુધી તેમણે મારા પર બળાત્કાર કર્યો અને હું બેહોશ થઈ ગયો…”

બીબીસી
ઇમેજ કૅપ્શન, એલેક્સી મકારોવ
    • લેેખક, આઈ ઇન્વેસ્ટિગેશન્સ, ઓલ્ગા પ્રોસ્વીરોવા તથા ઓલેગ બોલ્ડીરેવ
    • પદ, બીબીસી ન્યૂઝ

રશિયન જેલોમાં વ્યવસ્થિત રીતે કરવામાં આવતા બળાત્કાર તથા અત્યાચારની યાતના વિશે ભૂતપૂર્વ કેદીઓએ બીબીસી સાથે વાત કરી હતી. આ પ્રકારની સતામણીનાં વીડિયો ફૂટેજ ગયા વર્ષે, અંદરની જ એક વ્યક્તિ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. આ બધું કઈ રીતે કરવામાં આવે છે અને પોતે ન્યાય માટે કેવી રીતે લડી રહ્યા છે તેની વિગત પીડિતોએ બીબીસીને જણાવી હતી.

(ચેતવણીઃ આ અહેવાલમાં જાતીય શોષણ અને હિંસાની તસવીરો તથા વર્ણન છે)

કેદીઓ સાથેના ભયાનક દુર્વ્યવહારના વીડિયો એક માનવ અધિકાર સંગઠન અને આંતરરાષ્ટ્રીય મીડિયા સુધી ગયા વર્ષે પહોંચ્યા ત્યારે લોકોનું ધ્યાન દક્ષિણ-પૂર્વ રશિયામાં આવેલી સારાટોવ પ્રિઝન હૉસ્પિટલ તરફ ખેંચાયું હતું.

હુમલા બદલ થયેલી છ વર્ષની સજાના ભાગરૂપે એલેક્સી મકારોવને 2018માં ત્યાં મોકલવામાં આવ્યા એ પહેલાંથી તેઓ આ જેલની કુખ્યાતીથી વાકેફ હતા. અન્ય જેલોમાંથી સારાટોવ મોકલવામાં આવતા કેદીઓ ફરિયાદ કરતા હોય છે કે સારાટોવ જેલમાં તેમને બંધ બારણે ત્રાસ આપી શકાય એટલા માટે ખોટા તબીબી કારણો દર્શાવવામાં આવે છે. રશિયાની જેલો પર દેખરેખ માટે કોઈ સ્વતંત્ર વ્યવસ્થા નથી અને આરોગ્ય સંસર્ગ-નિષેધ નિયમોવાળી પ્રિઝન હૉસ્પિટલ્સ માટે પણ એવું જ છે.

મકારોવ ખરેખર અસ્વસ્થ હતા. તેઓ ક્ષયરોગથી પીડાતા હોવાનું નિદાન થયું હતું. પોતે બચી જશે એવી મકારોવને આશા હતી, પરંતુ તેમના જણાવ્યા મુજબ, જેલમાં તેમના પર બે વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો.

પીડિતો અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મકારોવ અને અન્ય કેદીઓ સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તેને જેલના સત્તાવાળાઓની મંજૂરી હતી અને તેનો ઉપયોગ કેદીઓને બ્લૅકમેલ કરવા, તેમને ડરાવવા અથવા કબૂલાતનું દબાણ લાવવા માટે કરવામાં આવે છે.

આ અત્યંત શરમજનક ફૂટેજ લીક થયા પછી રશિયાની સરકારને દેશમાંના અત્યાચાર કૌભાંડ બાબતે પ્રતિભાવ આપવાની ફરજ પડી હતી. સ્વતંત્ર રશિયન મીડિયા પ્રોજેક્ટ પ્રોઍક્ટના જણાવ્યા અનુસાર, 2015થી 2019 દરમિયાન રશિયાના 90 ટકા પ્રદેશોમાં આવા અત્યાચારની ઘટનાઓ બની હતી, પરંતુ એ સંબંધે બહુ ધીમી ગતિએ કાર્યવાહી કરવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી

બીબીસીએ તે સમયગાળાના હજારો કોર્ટ દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું હતું. તેમાંથી જાણવા મળ્યું હતું કે જેલ વિભાગના 41 કર્મચારીઓને કેદીઓ સાથેના દુર્વ્યવહારના સૌથી ગંભીર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ એ પૈકીના લગભગ 50 ટકા લોકોને જ સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મકારોવ અને અન્ય કેદીઓએ, રશિયાની જેલોમાં તેમણે કેવા અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો એ વિશે બીબીસીએ સાથે વાત કરી હતી.

મકારોવે જણાવ્યું હતું કે તેમના પર સૌપ્રથમ ફેબ્રુઆરી, 2020માં અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેમણે જેલ પ્રશાસન સામેના કથિત કાવતરાની કબૂલાતનો ઇનકાર કર્યો હતો અને ત્રણ લોકોએ તેમનું સતત જાતીય શોષણ કર્યું હતું.

મકારોવે કહ્યું હતું કે “પહેલી વખત તેમણે મને 10 મિનિટ સુધી માર માર્યો હતો. મારાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને એ પછીના બે કલાક સુધી દર મિનિટે તેઓ મોપ હૅન્ડલ વડે મારા પર બળાત્કાર કરતા રહ્યા હતા. હું બેહોશ થઈ ગયો ત્યારે મારા પર ઠંડુ પાણી રેડીને તેમણે મને પાછો ટેબલ પર ફેંક્યો હતો.”

બે મહિના પછી ફરીથી તેવું થયું હતું. મકારોવે જેમના પર હુમલો કર્યો હતો તેમને 50 હજાર રૂબલ ચૂકવવા મકારોવ પર બળજબરી કરવામાં આવી હતી અને આ બાબતે મકારોવ કોઈને કશું ન કહે એટલા માટે તેમના પર ફરી બળાત્કાર કરવામાં આવ્યો હતો.

મકારોવે બીબીસીને જણાવ્યું હતું કે જેલમાં મારા પર કરવામાં આવેલા અત્યાચારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. કેદીઓ જાણે છે તેમ, તેઓ માગણી ન સંતોષે તો તેમના પરના અત્યાચારનું અપમાનજનક વીડિયો ફૂટેજ સમગ્ર જેલમાં ફરતો કરી દેવામાં આવે છે.

મકારોવ જેવા કેદીઓ પર બળાત્કાર કર્યો તે અન્ય કેદીઓ જ હતા અને મકારોવ તથા અન્ય કેદીઓને ખાતરી છે કે અન્ય કેદીઓએ જેલના સત્તાવાળાઓના કહેવાથી તે કામ કર્યું હતું.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સર્ગેઈ સેવલયેવ

મકારોવે જણાવ્યું હતું કે કેદી પર અત્યાચાર કરવામાં આવતો હોય ત્યારે જેલમાં મોટા અવાજે સંગીત વગાડવામાં આવે છે, જેથી કેદીની ચીસો કોઈ સાંભળી ન શકે.

સારાટોવ જેલના અત્યાચારનું લીક થયેલું વીડિયો ફૂટેજ જેલના ભૂતપૂર્વ કેદીઓની મદદથી પ્રકાશિત થઈ શક્યું હતું. ડઝનેક કેદીઓના માનભંગ અને તેમના પરના અત્યાચાર દર્શાવતું ફૂટેજ સર્ગેઈ સેવલયેવ જેલની બહાર લાવ્યા હતા. તેઓ પણ માને છે કે અત્યાચારની મંજૂરી સંગઠિત વ્યવસ્થાના ભાગરૂપે સર્વોચ્ચ સ્તરેથી આપવામાં આવે છે.

સર્ગેઈ સેવલયેવ ફૂટેજ મેળવી શક્યા હતા, કારણ કે કર્મચારીઓની અછત ધરાવતી જેલના સલામતી વિભાગમાં કામ કરવાનું તેમને કહેવામાં આવ્યું હતું. જેલ અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા બૉડીકૅમેરાના ફૂટેજનું નિરીક્ષણ તથા તેની નોંધ કરવાનું કામ તેઓ કરતા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે સારાટોવ જેલમાં કેદી પરના અત્યાચારની વાત કરીએ તો અધિકારીઓ તેમના ગંદા કામ કેદીઓ પાસે કરાવતા હતા અને સતામણીનો વીડિયો બનાવવા તેમને બૉડીકૅમેરા પહેરવાની સૂચના આપતા હતા.

સર્ગેઈએ કહ્યું હતું કે “બૉડીકૅમેરાની વ્યવસ્થા કરવાનો આદેશ મને સલામતી વિભાગના વડા તરફથી આપવામાં આવતો હતો.”

કેદીઓ પર કરવામાં આવતા અત્યાચારનું રેકોર્ડેડ ફૂટેજ, જેલના સલામતી વિભાગને અને વધુ વરિષ્ઠ અધિકારીઓને દેખાડી શકાય એટલા માટે સેવ કરી રાખવાનું અથવા ડ્રાઈવ પર ટ્રાન્સફર કરવાનું સર્ગેઈને કહેવામાં આવતું હતું.

બંધ દરવાજા પાછળ આચરવામાં આવતાં ભયાનક કૃત્યોની માહિતી મળ્યા બાદ સર્ગેઈએ એક ફૂટેજની ફાઈલ્સ કોપી કરવાનું અને તેને છૂપાવવાનું શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે “ભૂતકાળના સાક્ષી બનવું અને એ બાબતે કશું ન કરવું એ તેને સામાન્ય બાબત ગણવા સમાન છે.”

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વ્લાદિમીર ડિટેન્શન સેન્ટર

સેવલયેવે જણાવ્યું હતું કે હિંસક ગુનાઓ બદલ દોષિત પૂરવાર થયેલા અને તેથી લાંબી સજા કાપવાની હતી એવા કેદીઓ મારફત જ અન્ય કેદીઓ પર અત્યાચાર કરાવવામાં આવતા હતા. લાંબી સજા ભોગવતા કેદીઓને જેલના અધિકારીઓની કૃપા મેળવવામાં રસ હતો. એવા કેદીઓને ‘પ્રેસોવસ્કી’ એવું નામ આપવામાં આવતું હતું.

સેવલયેવે કહ્યું હતું કે “એ કેદીઓ સજાનો સમયગાળો સારી રીતે પસાર કરવા, જેલના અધિકારીઓને વફાદાર રહેવા ઇચ્છતા હતા, જેથી તેમને સારું ભોજન મળે, સારી ઊંઘ મળે અને કેટલાક વિશેષાધિકાર મળે.”

વ્લાદિમિર ઓસેચકીન નામના કર્મશીલની સંસ્થા Gulagu.netએ લીક થયેલા વીડિયો પ્રકાશિત કર્યા હતા. તે પૈકીની એક વીડિયો ક્લિપમાં અત્યાચારીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર જોવા મળે છે.

સેવલયેવે કહ્યું હતું કે “અત્યાચારીઓ એકમેકને સંકેત આપે છે, કશું બોલ્યા વિના એકમેકની વાત સમજીને ચૂપચાપ કામ કરે છે. તેઓ એક સુસ્થાપિત પ્રણાલીને અનુસરે છે. વીડિયોમાં દેખાતા ચડ્ડીવાળા માણસ પર બળાત્કાર કરી શકાય એટલે તેના પગ કેવી રીતે વાળવા કે ફેલાવવા તેના સંકેતો તેઓ આપે છે.”

સેવલયેવે પુરાવા લીક કર્યા પછી છ પ્રેસોવસ્કીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમણે અત્યાચારમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો. બે મહિના પછી સારાટોવ જેલ હૉસ્પિટલના ડિરેક્ટર અને તેમના ડેપ્યુટીની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પણ વીડિયોમાં જોવા મળતા અત્યાચારમાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નેશનલ પ્રિઝન સર્વિસના વડાની બદલી કરી હતી અને જાહેરાત કરી હતી કે પરિવર્તન માટે વ્યવસ્થાકીય પગલાં લેવાં જરૂરી છે. સત્તાના દુરુપયોગ અથવા પુરાવા મેળવવાના સાધન તરીકે અત્યાચારના ઉપયોગ બદલ આકરી સજાની જોગવાઈ કરવા દેશના કાયદામાં ગયા વર્ષે સુધારા કરવામાં આવ્યા હતા.

જોકે, માનવ અધિકાર કર્મશીલો ભારપૂર્વક જણાવે છે કે અત્યાચારને એક સ્વતંત્ર અપરાધ તરીકે હજુ પણ ગુનાહિત ગણવામાં આવ્યો નથી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, એન્ટન રોમાશોવ

રાષ્ટ્રપતિ પુતિને પરિવર્તનનું વચન પહેલીવાર આપ્યું નથી. 2018માં આવું આઘાતજનક ફૂટેજ લીક થયું ત્યારે પણ તેમણે સમાન વચન આપ્યુ હતું. 2018ના ફૂટેજમાં મોસ્કોની ઉત્તરે આવેલી યારોસ્લાવલ જેલમાં સલામતી રક્ષકો કેદીઓને સામૂહિક માર મારતા જોવા મળ્યા હતા.

યારોસ્લાવલ જેલના 11 કર્મચારીઓને 2020માં ન્યૂનતમ સજા કરવામાં આવી હતી અને તેમને બે ઉચ્ચ અધિકારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

યાતનાનો ભોગ બનેલા લોકોનું અદાલતી પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ણાત વકીલ યુલિયા ચ્વાનોવાએ જણાવ્યું હતું કે જેલના અધિકારીઓ કેદીઓ પાસે ગમે તે ભોગે કબૂલાત કરાવવા ઇચ્છતા હોય છે અને કેદીઓ સાથે એ કારણસર સંગઠિત રીતે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેના પરિણામે એવું બને છે કે રશિયાની જેલમાં તપાસ માટે જવાબદાર અધિકારીઓ જ કેદીઓ પરના અત્યાચારના પ્રેરક હોય છે. “કબૂલાતને જ સૌથી મહત્ત્વની ગણવામાં આવે છે.”

22 વર્ષના એન્ટોન રોમાશોવ પર, તેણે નહીં કરેલા ગુનાની કબૂલાત માટે 2017માં અત્યાચાર કરવામાં આવ્યો હતો. એન્ટોન માટે વળતર મેળવવાના પ્રયાસ યુલિયા કરી રહ્યાં છે.

ગાંજો મળી આવ્યાના આરોપસર રોમાશોવની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ ઇચ્છતી હતી કે પોતે ડ્રગ્સનો વેપાર કરતો હોવાની કબૂલાત રોમાશોવ કરે. ડ્રગ્સનો વેપાર વધુ ગંભીર ગુનો છે. રોમાશોવે એવી કબૂલાતનો ઇનકાર કર્યો ત્યારે 2016ના અંતમાં તેને પશ્ચિમ રશિયાના વ્લાદિમીર ખાતેના પ્રી-ટ્રાયલ ડીટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

રોમાશોવે કહ્યું હતું કે “મને જેલની 26 નંબરની કોટડીમાં લઈ જવામાં આવ્યો હતો. તે કોટડીમાં શું થાય છે એ હું બરાબર જાણતો હતો, કારણ કે તેમાંથી સતત ચીસો સંભળાતી હતી.”

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, યુલિયા ચ્વાનોવા

રોમાશોવના જણાવ્યા મુજબ, કોટડી નંબર 26માં બે જણ તેની રાહ જોતા હતા. કોટડીમાં તેને જમીન પર ફેંકવામાં આવ્યો હતો. તેના હાથ અને પગ શરીરની પાછળ બાંધી દેવામાં આવ્યા હતા. આખો દિવસ સતત માર મારવામાં આવ્યો હતો. રોમાશોવનું પેન્ટ ઉતારવામાં આવ્યું ત્યારે તેણે એ લોકોને જણાવ્યું હતું કે તમે કહેશો ત્યાં હું સહી કરી આપીશ. રોમાશોવે અદાલતને જણાવ્યું હતું કે કબૂલાત માટે તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં અદાલતે તેના પાંચ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી.

વ્લાદિમીર ડીટેન્શન સેન્ટરમાં એક કેદીએ તેને અત્યાચારની ધમકી આપતા એક પ્રેસોવસ્કીની હત્યા કરી પછી ડીટેન્શન સેન્ટરમાં ચાલતા કાળા કામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે કુખ્યાત કોટડી નંબર 26માં શું કરવામાં આવે છે એ વિશે અમારા પૈકીના મોટાભાગના લોકો જાણે છે. અત્યાચારની એ કોટડીનું કામકાજ સંભાળતા જેલના કર્મચારીને એન્ટોન તથા બે અન્ય કેદીએ આપેલા પુરાવાને આધારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

જોકે, રશિયાનું આજ સુધીનું સૌથી મોટું અત્યાચાર કૌભાંડ સાઇબેરિયાના ઇર્કુત્સ્કમાં આચરવામાં આવ્યું હતું. ઇર્કુત્સ્ક શહેર નજીકની અંગારસ્ક જેલ-15માં 2020ની વસંત ઋતુમાં વિરોધ પ્રદર્શનને પગલે અધિકારીઓને એક ટુકડી મોકલવામાં આવી હતી. હજારો કેદીઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને બે અટકાયત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. તે ડિટેન્શન સેન્ટર્સમાં જેલના અધિકારીઓ પ્રેસોવસ્કી સાથે તેમની રાહ જોઈ રહ્યા હતા.

એ ડીટેન્શન સેન્ટરમાં અત્યાચારનો ભોગ બનેલા લોકો પૈકીના એક ડેનિસ પોકુસેવને છેતરપિંડી બદલ ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી. ડેનિસે જણાવ્યું હતું કે અમને શા માટે સજા કરવામાં આવી રહી છે તે જેલના કર્મચારીઓ જાણતા હતા. “તેમણે મને કહ્યું હતું કે તમે દોષિત છો કે નહીં તેની અમને દરકાર હોય તેવું તમે માનો છો? તમને હુલ્લડ કરવા બદલ અહીં લાવવામાં આવ્યા છે. તેથી તમારી સામે હુલ્લડ બદલ કાર્યવાહી કરવામાં આવશે.”

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડેનિસ પોકુસેવ

આવી ઘટનાઓની પેટર્ન સમજાવતાં યુલિયા ચ્વાનોવાએ કહ્યું હતું કે “કોને પૂછપરછ કરવી, કોને સાક્ષી બનાવવા અને શું તપાસ કરવી તેનો નિર્ણય તપાસ અધિકારીઓ કરે છે. મારે ચોક્કસ વ્યક્તિ પાસેથી કબૂલાત કરાવવી છે એવા સ્પષ્ટ સંદેશ સાથે તેઓ જેલના કર્મચારીઓનો સંપર્ક કરે છે.”

અવિરત અત્યાચાર કરવામાં આવે છે એમ જણાવતાં પોકુસેવે કહ્યું હતું કે “વીકએન્ડને બાદ કરતા ત્રણ મહિના સુધી રોજ સતત અત્યાચાર કરવામાં આવતો હતો.” અત્યાચારમાં જેલના કર્મચારીઓ પણ સામેલ હતા. “તેઓ હસતા હતા, ફળો ખાતા હતા. એક વ્યક્તિ પર તમામ પ્રકારની વસ્તુઓ વડે બળાત્કાર કરવામાં આવતો હતો અને તેઓ સતત હસતા હતા. તેનો આનંદ માણતા હતા.”

દેશનાં કારાગાર તથા ડીટેન્શન સેન્ટર્સમાં અત્યાચાર તથા બળાત્કાર કરવામાં આવતા હોવાના આક્ષેપો બાબતે બીબીસીએ રશિયન પ્રિઝન સર્વિસનો પ્રતિભાવ માગ્યો હતો, પરંતુ તેમણે પ્રતિસાદ આપ્યો ન હતો.

માનવાધિકાર કર્મશીલોના અંદાજ મુજબ, હુલ્લડ પછી કમસેકમ 350 કેદીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

પોકુસેવનો સમાવેશ એ 30 પુરુષોમાં થાય છે, જેઓ અદાલતમાં જુબાની આપવા તૈયાર થયા હતા અને જેમને આ ઘટનાના કાયદેસર પીડિત ગણવામાં આવ્યા હતા. તપાસના અનુસંધાને અનેક અદાલતી ખટલા ચાલવાની અપેક્ષા છે. ડેનિસ અને તેમના જેવા બીજા કેટલાક કેદીઓ જેલના બે કર્મચારી વિરુદ્ધ પુરાવા આપવા તૈયાર છે. જેલના કર્મચારીઓએ તેમના પરના આરોપનો ઇનકાર કર્યો છે.

યુલિયા અને આ કેસમાં જુબાની આપનાર તમામ પાસે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ પર ધરાર સહી કરાવવામાં આવી હતી. તપાસના તારણથી અર્થપૂર્ણ સુધારા થશે કે કેમ તે અસ્પષ્ટ છે.

પોકુસેવે જણાવ્યું હતું કે મારી સાથે જે થયું હતું તેની સ્મૃતિ આજે પણ મને રંજાડે છે. “મારા ઘરની બાજુમાં આવેલા જંગલમાં હું રોજ જાઉં છું અને મારી સ્મૃતિને નામશેષ કરવા ચીસો પાડું છું, બૂમો પાડું છું.”

જોકે, પોકુસેવ ન્યાય મેળવવા કટિબદ્ધ છે. તેઓ માને છે કે લોકો બોલવાની હિંમત કરે તો ન્યાય મળવો શક્ય છે.

તેમણે કહ્યું હતું કે “હાલ રશિયામાં લોકો કશું બોલતાં ડરે છે..એટલે જ તેઓ કશું હાંસલ કરી શકતા નથી.”

રેડ લાઇન
રેડ લાઇન