ગુજરાત : ‘કથાકાર’ ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’ પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIAL
બાગેશ્વર ધામના ‘કથાકાર બાબા’ ધીરેન્દ્ર શાસ્ત્રી બિહાર પ્રવાસ બાદ આગામી દિવસોમાં ગુજરાતમાં ‘દિવ્ય દરબાર’ યોજવા માટે આવવાના છે. તેમના આગમનના સમાચાર સાથે જ આ મુદ્દે વિવાદ પણ થવા લાગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના વકીલ કે. આર કોષ્ટીએ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયને અરજી કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત વખતે આગમચેતીનાં પગલાં ભરવા અનુરોધ કર્યો છે. તેમણે તેમની અરજીમાં માગ કરી છે કે આયોજકોની જવાબદારી નક્કી કરવામાં આવે કે આ આયોજન દરમિયાન કોઈ હેટ સ્પીચ નહીં કરવામાં આવે. આ જ પ્રકારની અરજી તેમણે રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને પણ કરી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં રાજકીય દળો પણ આ મામલે સામસામે આવી ગયાં છે.
કૉંગ્રેસે ‘દિવ્ય દરબાર’ને ભાજપની રાજકીય વ્યૂહરચના ગણાવી છે. તો સામેની બાજુએ ભાજપના પ્રવક્તાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાતના વિરોધને ‘કૉંગ્રસનો વર્ષ 2024ની ચૂંટણીનો ગભરાટ’ ગણાવ્યો છે.
નોંધનીય છે કે તાજેતરમાં ‘બાબા’એ બિહારના નોબતપુર ખાતે પાંચ દિવસ ‘દિવ્ય દરબાર’નું આયોજન કર્યું હતું, જેમાં ભારે સંખ્યામાં ‘ભક્તો’ જોવા મળ્યા હતા. ગુજરાતની જેમ ત્યાં પણ રાજ્યનાં રાજકીય દળો ‘બાબા’ના કાર્યક્રમનાં પક્ષ-વિપક્ષમાં દેખાયા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસ પર રાજકારણ
બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી સમયમાં યોજાનાર ગુજરાત પ્રવાસ પર રાજકારણ શરૂ થઈ ગયું છે.
તાજેતરમાં કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ એક પત્રકારપરિષદ યોજીને ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો છે કે, “જનતાની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા માટે બાબાઓના દિવ્ય દરબારો યોજવાના શરૂ કર્યા છે.”
ડૉ. મનીષ દોશીએ કહ્યું, “જ્યાં જ્યાં બાબાના દિવ્ય દરબારો યોજાઈ રહ્યા છે ત્યાં ત્યાં કોણ મંત્રી-સંત્રી મદદ કરી રહ્યું છે તે તપાસનો વિષય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, કૉંગ્રેસની પત્રકારપરિષદ પૂરી થયાના તરત બાદ જ ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, “શું હિન્દુએ પોતાના કાર્યક્રમ કરવા માટે પણ મનીષ દોશીની પરવાનગી લેવી પડશે. આજે ક્યાં ચૂંટણી છે? દોશીજી અમને ખબર છે કે આ ડર 2024નો છે.”
જોકે, કૉંગ્રેસના અન્ય પ્રવક્તા હેમાંગ રાવલે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, “મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ પણ બાબા બાગેશ્વર ધામનાં દર્શન કરવા જાય છે.”
હેમાંગ રાવલે વધુ સ્પષ્ટતા આપતાં કહ્યું, “ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા બાગેશ્વર ધામને અલગ ગણવા જોઈએ. કારણ કે બાબા બાગેશ્વર ધામ એ હનુમાનજીનું ધાર્મિક સ્થાન છે અને તેના પ્રત્યે મારી અંગત આસ્થા છે.”
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ કરીને ‘દિવ્ય દરબાર’ની ટીકા કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, “ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે. ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. આંધળા ભક્તોને ભગવાન માફ કરે. આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવીએ છીએ, આ યુગમાં આવા ધતિંગને કોઈ અવકાશ ન હોય.”
આ મામલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બીબીસી ગુજરાતીને કૉંગ્રેસના વિરોધની ટીકા કરતાં જણાવ્યું, “કૉંગ્રેસ માત્ર ચૂંટણી આવે છે ત્યારે જ મંદિરોમાં જાય છે. આ વિરોધ બતાવે છે કે કૉંગ્રેસને ધર્મમાં આસ્થા નથી તેથી જ તેનો નાશ થયો છે.”
તો આ મામલે પૂર્વ ઉપ મુખ્ય મંત્રી નીતિન પટેલે મીડિયાને કહ્યું કે, “મને તેમના પ્રવાસ વિશે ન તો ખબર છે ન રસ છે.”

રાજકોટમાં વિરોધ

ઇમેજ સ્રોત, Bipin Tankariya
ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાત અગાઉ રાજકોટ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ ‘બાબા’ પર ગંભીર આરોપ લગાવીને તેમને ‘જેલના સળિયા પાછળ ધકેલવાની માગ કરતું’ એક આવેદનપત્ર રાજકોટ કલેક્ટર અને શહેરના પોલીસ કમિશનરને આપ્યું હતું.
જયંત પંડ્યાએ પોતાના વિરોધ અંગે બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ધીરેન્દ્ર શાસ્ત્રી અવૈજ્ઞાનિક વાત કરીને તેમજ પોતાની પાસે દિવ્ય શક્તિ હોવાની વાત કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમની પાસે કોઈ પણ લાઇસન્સ ન હોવા છતાં તેઓ લોકોની સારવાર કરવાનો દાવો કરે છે. તેથી તેમની ધરપકડ થવી જોઈએ.” વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ મુલાકાત વખતે તેમને કાળા વાવટા બતાવવાનો કાર્યક્રમ પણ ગોઠવ્યો છે.
નોંધનીય છે કે રાજકોટ શહેરમાં 26-27 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’ અને ‘દિવ્ય પ્રવચન’ના આયોજનનો પ્રચાર કરતાં પોસ્ટરો લાગી ગયાં છે. ‘બાબા’ની મુલાકાતના સમાચારને પગલે કેટલાક લોકો તેમને ‘દિવ્ય શક્તિ’ના પોતાના દાવા સાબિત કરવાનો પડકાર પણ ફેંકી રહ્યા છે.
રાજકોટના એક સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ પણ બાબાને પડકાર્યા હતા. તેમણે મીડિયામાં નિવેદન આપતાં કહ્યું હતું કે, “જો બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઇશારે આવે છે, તો હું બાબાને પાંચ લાખનું ઇનામ આપીશ.” જોકે તેમના નિવેદન બાદ વિવાદ થતાં તેમણે ફેરવી તોળ્યું હતું.
આવી જ રીતે સુરતના એક હીરાના વેપારી જનક બાબરિયાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જો મને સુરતમાં થનારા દિવ્ય દરબારમાં તેઓ પરચો દેખાડે તો હું 700 કૅરેટના હિરા બાબાના ચરણોમાં ધરી દઈશ.”
સાવરકુંડલાના પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપતાં કહ્યું હતું કે તેઓ ‘દિવ્ય શક્તિ’ દ્વારા જણાવે કે ગુજરાતના ખેડૂતોને કપાસના ભાવ બમણા થઈને ક્યારે મળશે?

શું છે ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ?

ઇમેજ સ્રોત, Dharmesh Amin
નોંધનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 26-27 મે, એમ બે દિવસ સુરતમાં ‘દિવ્ય દરબાર’ ભરાવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ત્યાર બાદ અમદાવાદ ખાતે 29-30 મે એમ બે દિવસ આવશે.
પહેલાં તેઓ અમદાવાદમાં પણ બે દિવસ ‘દિવ્ય દરબાર’ ભરવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેઓ 29 તારીખે ‘દિવ્ય દરબાર’ ભરશે અને 30 તારીખે માત્ર ‘દર્શન’ આપશે.
અમદાવાદથી તેઓ રાજકોટ રવાના થશે. રાજકોટમાં 1 અને 2 જૂનના ‘દિવ્ય દરબાર’ થશે. ત્રણેય શહેરોમાં ‘બાબા’ના કાર્યક્રમના મોટા મોટા હોર્ડિંગસ લાગી ગયા છે. મોટાં શામિયાણાં બનવાની શરૂઆત થઈ ગઈ છે.
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર આયોજક સમિતિ’નાં સભ્ય અને ભાજપનાં ધારાસભ્ય સંગીતા પાટીલ બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીન સાથેની વાતચીતમાં જણાવે છે, “અમે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પહેલી વાર જોવાના છીએ. આ પહેલાં અમે માત્ર ટીવી પર લોકોની સમસ્યા હલ કરતા જોયા છે. જ્યાં મોટું આયોજન હોય ત્યાં વિરોધ સ્વાભાવિક છે. પરંતુ વિરોધ કરનારાઓને પણ પોતાની સમસ્યા હોય તો તેઓ અહીં આવી શકે છે.”

કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી?

ઇમેજ સ્રોત, FB/BAGESHWARDHAMSARKAROFFICIA
મધ્યપ્રદેશમાં ખજૂરાહો મંદિરથી 35 કિલોમીટર દૂર ગઢા નામના ગામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ વર્ષ 1996માં થયો હતો.
તેમનાં માતાનું નામ સરોજ અને પિતાનું નામ રામકૃપાલ હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીની વેબસાઇટ અનુસાર તેમનું બાળપણ ગરીબાઈમાં વીત્યું. તેમનો પરિવાર કર્મકાંડી હતો. પૂજાપાઠ કર્યા બાદ જે દક્ષિણા મળતી તેમાંથી તમનું ગુજરાન ચાલતું હતું.
ધીરેન્દ્રને ભાઈ અને બહેન પણ છે. તેમનું નામ શાલીગ્રામ ગર્ગ અને રીટા ગર્ગ છે. બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને ભાઈ આશ્રમનું કામકાજ સંભાળે છે.
બાળપણમાં તેઓ અભ્યાસ છોડીને બાલાજી મહારાજ નામના તેમના ગુરુની સેવામાં લાગી ગયા.
હાલ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં દરબાર લગાવે છે તેની આસપાસ એક શિવમંદિર હતું. ત્યાં જ આ ગુરુ બાલાજી મહારાજ રહેતા હતા.
જાણકારોનું કહેવું છે કે તેમણે ધીરે-ધીરે દરબાર લગાવવાનું શરૂ કર્યું અને તેઓ ધાર્મિક ટીવી ચેનલ અને ઇન્ટરનેટને કારણે દેશ-વિદેશમાં વિખ્યાત થઈ ગયા.
તેમના પર અંધવિશ્વાસ ફેલાવાનો આરોપ પણ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી એક વીડિયોમાં જણાવે છે, “મારા દાદાજીએ મને અજ્ઞાતવાસમાં જવાનું કહ્યું. પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હતો પરંતુ હું તે વખતે જાણતો નહોતો. હું અજ્ઞાતવાસમાંથી પરત આવ્યો ત્યારથી દરબાર યોજવાનુ શરૂ કર્યું.
આજે તેમની પાસે લાખો ભક્તો છે. તેઓ પ્લેનમાં કે ક્યારેક પ્રાઇવેટ જેટમાં પ્રવાસ કરે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તોમાં ઘણી પ્રખ્યાત વ્યક્તિઓ પણ છે.
શ્રદ્ધાળુઓની ચિઠ્ઠીમાં લખવામાં આવેલા સવાલ અ તેના ધીરેન્દ્રે આપેલા જવાબથી સંતુષ્ટ લોકોના વીડિયો તેમની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળે છે. આવા વીડિયોમાં ધીરેન્દ્ર તેમની પાસે આવેલા શ્રદ્ધાળુઓને પૂછે છે કે અહીં આવ્યા બાદ તેમનું જીવન કેટલું બદલાયું? તેમના દ્વારા પબ્લિશ કરવામાં આવેલા વીડિયોમાં બધા લોકો તેનો જવાબ હકારમાં આપે છે.

નિવેદનો મામલે વિવાદ
તાજેતરમાં બિહારમાં યોજાયેલ ‘દિવ્ય દરબાર’માં તેમણે જાહેરમાં આપેલ નિવેદનમાં કહ્યું હતું કે, “મને લાગે છે કે હિંદુ રાષ્ટ્રની જ્વાળા બિહારથી પ્રજ્વલિત થઈ ગઈ છે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “જો ભારતમાં રહેવું હોય તો સીતારામ કહેવું પડશે.”
નોંધનીય છે કે તેઓ અવારનવાર ‘હિંદુ રાષ્ટ્ર’ અને ‘ધાર્મિક લાગણીઓને પ્રેરતાં’ પોતાનાં નિવેદનોને લીધે વિવાદમાં સપડાતા રહે છે.
આ નિવેદન બાદ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે તેમની ટીકા કરતાં કહ્યું હતું કે, “તેઓ સ્વતંત્રતાના આંદોલન વખતે પેદા પણ નહોતા થયા.”
આવી જ રીતે માર્ચ 2023માં ‘બાબા’ની મહારાષ્ટ્ર મુલાકાત પહેલાં તેઓ સંત તુકારામને લઈને વિવાદિત ટિપ્પણી કરીને નકારાત્મક કારણોસર વિવાદોમાં છવાયા હતા.
આ સિવાય એપ્રિલ 2023માં તેમણે કથિતપણે ‘એક પ્રાચીન વંશના આરાધ્ય’ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ વિરોધપ્રદર્શનનું આયોજન કરાયું હતું.
ધીરેન્દ્ર તેમની સભાઓમાં ભૂતપ્રેતના ઇલાજના દાવા પણ કરે છે. તેઓ મંચ પરથી ફૂંક મારે છે. એકઠી થયેલી ભીડમાંથી ચીસો સંભળાય છે. ભીડમાંથી ઊભાં થતાં પુરુષો, સ્ત્રીઓ ચીસો પાડે છે. ધીરેન્દ્ર કહે છે કે તેમને વધુ ફટકારો, સાંકળોમાં જકડી લો.
સંશોધકો અને ડૉક્ટરોનું માનવું છે કે, “લોકો ભૂતની હાજરી અનુભવતા હોય છે ત્યારે તેમનું દિમાગ ભટકતું હોય છે. તે શરીરની અયોગ્ય સ્થિતિનું અનુમાન કરે છે અને એવું માને છે કે શરીર કોઈ બીજાનું છે.”
ધીરેન્દ્ર વારંવાર ભારપૂર્વક કહે છે કે, “અમે કોઈ ચમત્કાર કરતા નથી. આ તો બાલાજીની કૃપા છે. જે કરે છે એ તેઓ જ કરે છે. અમે કશું કહેતા નથી, બાલાજી કહે છે.”
ધીરેન્દ્ર શ્રદ્ધાળુઓની સમસ્યા વિશે જ નહીં, પણ કાશ્મીર ફાઇલ્સ, પઠાન જેવી ફિલ્મોથી માંડીને હિન્દુ રાષ્ટ્ર તથા સનાતન ધર્મની વાતો પણ કરે છે.
આ શ્રેણીમાં ધીરેન્દ્રે 23 જાન્યુઆરીએ કહ્યું હતું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝે નારો આપ્યો હતો કે તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા. અમે આજે ભારતના ઇતિહાસમાં નવો નારો બનાવ્યો છે : તુમ મેરા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે. ભારતના લોકો બંગડી પહેરીને ઘરમાં બેઠા ન રહો. માત્ર બાગેશ્વર ધામ પર જ નહીં, પ્રત્યેક સનાતની સામે આંગળી ઉઠાવવામાં આવી છે.”
મે, 2022માં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં એક વ્યક્તિ ધીરેન્દ્રને ચરણસ્પર્શ કરતી જોવા મળે છે. ધીરેન્દ્ર તેને રોકીને કહે છે કે “મને ચરણસ્પર્શ કરશો નહીં. અછૂત માણસ છે...જય હો.”
આ વીડિયોને પગલે ધીરેન્દ્ર અસ્પૃશ્યતામાં માને છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, એ બાબતે ધીરેન્દ્રે એવું કહ્યું હતું કે, “અમે બાબાજીની ગદા માટે છીએ. તેથી અમે સ્પર્શથી દૂર રહીએ છીએ. ઘણા લોકો મદ્યપાન કરીને, કાંદા-લસણ ખાઈને આવતા હોય છે. અમને બધામાં રામ દેખાય છે ત્યારે રામજી પાસે પ્રણામ કેવી રીતે કરાવીએ? અમે એ દરબારમાંથી આવ્યા છીએ, જ્યાં કોઈ ઊંચનીચ નથી.”
ધીરેન્દ્ર ઘણીવાર મુસલમાનો વિશે અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. તેઓ ‘ઘરવાપસી’ની વાત પણ કરે છે.
એક વીડિયોમાં જોવા મળે છે કે સુલતાના નામનાં એક મહિલા પોતાને છત્તીસગઢની રહેવાસી ગણાવે છે અને કહે છે કે 'હું મુસલમાન છું, પરંતુ મૂર્તિ તથા દેવીદેવતાનાં ચિત્રોની પૂજા કરું છું ત્યારે મારા પરિવારજનો ગુસ્સે થાય છે.'
મંચ પરથી ધીરેન્દ્ર પૂછે છે કે, “તમે હિન્દુ ધર્મ અપનાવવા ઇચ્છો છો?” મહિલા જવાબ આપ છે કે હિન્દુ ધર્મથી વધારે સારું કશું જ નથી.














