કાજલ હિન્દુસ્તાની : 'પાટીદારોની દીકરીઓ' વિશે જેમના ભાષણથી વિવાદ થયો એ કાજલ હિન્દુસ્તાની કોણ છે?

ઇમેજ સ્રોત, Kajal Shingala Facebook
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વિવાદિત ટિપ્પણીઓ માટે ચર્ચામાં રહેતાં કાજલ હિન્દુસ્તાની ફરીથી વિવાદમાં આવ્યાં છે.
તેમના વિરુદ્ધ મોરબીમાં પાટીદાર આગેવાન મનોજ પનારાએ મોરબીમાં ફરિયાદ નોંધાવી છે.
મનોજ પનારાએ મીડિયા સાથે કરેલી વાતચીત અનુસાર એક વાઇરલ વીડિયોમાં કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત ભાષણ અંગે આ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. બીબીસી સ્વતંત્ર રીતે આ વાઇરલ વીડિયોની પુષ્ટિ નથી કરી શક્યું.
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે "સુરત ખાતે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર યુવતીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદન બદલ તેમની વિરુદ્ધ ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવવી છે."
મનોજ પનારાએ કહ્યું કે, "કાજલ હિન્દુસ્તાનીએ સુરતના કાર્યક્રમમાં મોરબીની સાત દીકરીઓને લઈને (વાત કરી) જે ઘટના મોરબીમાં બની નથી, જે ઘટના સાથે મોરબીને કંઈ લેવાદેવા નથી, એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂંસવાનો પ્રયત્ન, કોઈને બદનામ કરીને પોતે પોતે વાહવાહી મેળવવા, અને કાજલબહેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડ્યંત્ર ઊભું કરેલું છે."
"અમે ઊંડી તપાસ કરી છે, ઘણા સમયથી તપાસ કરતા હતા, આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી, છતાં કાજલબહેન અમારી દીકરીઓને જાહેરમાં બદનામ કરવા જાહેરમાં આવી વાત કરે છે."
મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની માફી માગવાની માગ કરીને ગુજરાતના દરેક જિલ્લામાં એફઆઈઆર દાખલ કરવાની ચીમકી આપી હતી.
મોરબીમાં બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાએ મોરબી પોલીસ પાસેથી પુષ્ટિ કરી છે કે પોલીસે મનોજ પનારાની કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધની ફરિયાદની અરજી સ્વીકારી છે અને તેને હવે સુરત પોલીસને વધુ કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ મીડિયા સાથે વાત કરતા પોતાની સામે લાગેલા આક્ષેપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમના લાંબા ભાષણમાંથી માત્ર નાનકડી ક્લિપ વાઇરલ કરીને આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.
આ પહેલી વખત નથી કે કાજલ હિન્દુસ્તાની પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યાં હોય.

ઇમેજ સ્રોત, Kajal Hindusthani/Twitter
અગાઉ વર્ષ 2023માં રામનવમીના દિવસે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કારણે કથિતપણે થયેલ સાંપ્રદાયિક ઘર્ષણ મામલે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરાઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના એક અનુસાર કાજલ હિન્દુસ્તાનીએ નવ એપ્રિલના દિવસે ઉનામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતાં અને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં હતાં.
ગીર સોમનાથના તત્કાલીન એસપી શ્રીપાલ શેષમાને જ્યારે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે પૂછ્યું કે કાજલ હિન્દુસ્તાનીના રિમાન્ડ કેમ ન લેવાયા, ત્યારે આ પ્રશ્નના જવાબમાં એસપીએ કહ્યું કે તેમનું ભાષણ અગાઉથી જ સાર્વજનિક હોવાના કારણે રિમાન્ડનો પ્રશ્ન ઊભો થતો નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ અંગે 2 એપ્રિલના રોજ દાખલ થયેલ એફઆઈઆરમાં કાજલ હિન્દુસ્તાની પર આઈપીસીની કલમ 295એ અંતર્ગત આરોપ કરાયા છે.

ઇમેજ સ્રોત, Kajal HINDUsthani/Twitter
પોલીસ અનુસાર તેમના ભાષણ બાદ ઉનામાં બે સમુદાયો વચ્ચે બે દિવસ સુધી સાંપ્રદાયિક તણાવ રહ્યો. એક એપ્રિલની રાત્રે પથ્થરમારો પણ થયો.
પોલીસે આ અંગે ભીડ વિરુદ્ધ દાખલ કરાયેલ એક એફઆઈઆર સંદર્ભે 80 લોકોની ધરપકડ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં રામનવમીના દિવસે ઉના ખાતે નીકળેલ શોભાયાત્રા બાદ પથ્થરમારો થતાં કાજલ હિન્દુસ્તાનીના કથિત ‘ઉશ્કેરણીજનક ભાષણ’ને લીધે વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાયાનો આરોપ કરાઈ રહ્યો હતો.
કોણ છે કાજલ હિન્દુસ્તાની?

ઇમેજ સ્રોત, Kajal HINDUsthani/Twitter
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતનાં જામનગરનાં રહેવાસી કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ શિંગાળા છે. તેઓ ઘણી વાર વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમોમાં જોવા મળે છે.
કાજલ હિન્દુસ્તાની પોતાનાં ભાષણોમાં એક સમુદાય વિશેષને લઈને વિવાદિત ટિપ્પણીઓ કરતાં રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ સમુદાયની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.
તેમણે પોતાનાં ઘણાં ભાષણોમાં એક ખાસ સમુદાયની મહિલાઓ માટે હિન્દુ પુરુષો સાથે લગ્ન કરવાના લાભ પણ ગણાવ્યા હતા.
અહીં નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાનીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્વિટર પર ફોલો કરે છે.
કાજલ હિન્દુસ્તાનીની પોતાની એક વેબસાઇટ પણ છે. જે પાછલા કેટલાક દિવસોથી વધુ ટ્રાફિકને કારણે ઠપ પડી ગઈ છે.
આ વેબસાઇટ પર કાજલ વિશે લખાયું છે કે તેઓ ગુજરાતની અભય સિંહણ છે અને પોતે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રચારના કામ સાથે જોડાયેલાં હોવાનો દાવો કર્યો છે.
વેબસાઇટ પર તેમના પરિચયમાં એવી માહિતી પણ અપાઈ છે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે વર્ષ 2018માં અમેરિકાનાં વિવિધ શહેરોની મુલાકાત લીધી હતી અને ભાજપ અને PM નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ વિશે પ્રચાર-પ્રસાર કરવાનું કામ કર્યું હતું.

ઇમેજ સ્રોત, TWITTER/KAJAL HINDUSTHANI
તેમના દાવા પ્રમાણે વર્ષ 2019ની ચૂંટણીમાં તેમણે વર્તમાન લોકસભા સ્પીકર ઓમ બિરલા માટે તેમની લોકસભા બેઠક કોટા ખાતે પ્રચાર કર્યો હતો.
ભારતના જુદા જુદા ભાગોમાં લવ જેહાદનો ભોગ બનતી મહિલાઓને બચાવવાનું કામ કરતાં હોવાનો તેમનો દાવો છે.
પાકિસ્તાની હિન્દુઓને ગુજરાતમાં સેટલ કરવાના કામમાં તેઓ જોડાયેલાં હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. કાજલ હિન્દુસ્તાની દ્વારા તેમના તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં તેઓ લવ જેહાદ, લૅન્ડ જેહાદ તેમજ ધર્માંતરણ મામલે બોલતાં હોવાનું દેખાય છે.
વર્ષ 2019માં ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખાને આપેલી માહિતી મુજબ, "રાજસ્થાનના સિરોહી ગામમાં કાજલનો જન્મ થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા હતા. પરિવારનો હોલસેલ અગરબત્તી, બિસ્કિટનો બિઝનેસ હતો. તેમના બે ભાઈઓ અને પરિવારના સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતા હતા.”
“કાજલ ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી ઍકાઉન્ટ વિષય સાથે ગ્રૅજયુએટ થયાં હતાં અને વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમૅન જ્વલંત શિંગાળા સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ પહેલી વાર વર્ષ 2016માં સોશિયલ મિડીયામાં ચર્ચામાં આવ્યાં હતાં. નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કૅમ્પસમાં કથિત રીતે ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા નારા લાગ્યા હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ કાજલે પોતાના વિચારો ફેસબુક પર લખવાનું શરૂ કર્યું હતું પછી કાજલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ગાઢ પ્રશંસક પણ બની ગયાં હતાં અને સોશિયલ મીડિયા પર કાજલ નરેન્દ્ર મોદીના સમર્થક તરીકે સામે આવ્યાં હતાં."

ઇમેજ સ્રોત, Kajal HINDUsthani/Twitter
કાજલ હિન્દુસ્તાની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર 87 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
તેમના એક્સ એકાઉન્ટના બાયોમાં તેમણે પોતાને ઉદ્યોગસાહસિક, રિસર્ચ ઍનાલિસ્ટ, ડિબેટર, સોશિયલ ઍક્ટિવિસ્ટ, નેશનાલિસ્ટ તરીકે ઓળખાવ્યાં છે.
જ્યારે ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટમાં પણ કાજલના 40 હજારથી વધુ ફોલોઅર છે અને તેમણે પોતાના બાયોમાં પોતાની ઓળખ આર્યવીરા અને સોશિયલ ઍક્ટિવિસ્ટ તરીકે આપી છે.
તેમની ‘કાજલ હિન્દુસ્થાની’ નામે વેબસાઇટ અને યૂટ્યૂબ ચેનલ પણ છે, જ્યાં તેઓ પોતાનાં ભાષણોના વીડિયો શૅર કરે છે.
ઇન્ડીયા ટીવીમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કાજલ હિન્દુસ્તાનીએ પોતાની હેટ સ્પીચના સંદર્ભમાં એવો બચાવ રજૂ કર્યો છે કે, "તેઓ મુસ્લિમ બહેનોની ચિંતા કરે છે જેથી તેઓને પણ સમાન અધિકાર મળે તે માટે અવાજ ઉઠાવે છે."
‘હાલ માહોલ નૉર્મલ છે’

ઇમેજ સ્રોત, Rajesh Singh/Twitter
ઉનાના રહેવાસી અને શાંતિ સમિતિના સભ્ય અબ્દુલા ઉસ્માનભાઈ શેખે રામનવમીના દિવસે અને તે બાદ બનેલા બનાવ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "રામનવમીના દિવસે જુલૂસ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે નીકળ્યું હતું, પરંતુ કાજલબહેન હિન્દુસ્તાની દ્વારા જે ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું તેની સામે મુસ્લિમ સમાજમાં રોષ હતો.”
“અમારી માંગણી હતી કે કાજલબહેન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પોલીસ દ્વારા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ ઉનામાં ખૂબ શાંતિપૂર્ણ માહોલ છે. ઉનામાં અમે હિન્દુ અને મુસ્લિમ સમાજ હંમેશાં ભાઈચારા સાથે રહીએ છીએ."
સ્થાનિક શાંતિ સમિતિના સભ્ય મહેશભાઈ બારૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ઉનામાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. ઉનામાં અમે હંમેશાં શાંતિથી હળીમળીને રહીએ છીએ. રામનવમીના દિવસે રામકૃષ્ણ જન્મ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે ધર્મસભાનું આયોજન કર્યું હતું. જેમાં એક લાખ કરતાં વધારે લોકો આવ્યા હતા. કાજલબહેન હિન્દુસ્તાની ધર્મસભામાં વક્તા હતાં.”
“રામનવમીના બીજા દિવસે શુક્રવારે વડલા ચોક પાસે નમાજ બાદ નારા લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ શનિવારે સવારે એસપીએ પોલીસની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. સમાધાન થઈ ગયું હતું, પછી પથ્થરમારો થયો હતો. બપોરે બીજી વાર શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી. જેમાં સમાધાન થયા બાદ રાત્રે માહોલ થોડો તંગદિલીવાળો બની ગયો હતો. કાજલ હિન્દુસ્તાની તેમજ અન્યોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. બંને પક્ષ દ્વારા પોલીસની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું હતું. હાલ માહોલ નૉર્મલ છે. દુકાનો પણ ખૂલી ગઈ છે."
ગીર સોમનાથ જિલ્લા સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસ શ્રીપાલ શેષમાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હાલ ઉનામાં માહોલ શાંતિપૂર્ણ છે. બજારમાં દુકાનો ખૂલી ગઈ છે. ઉનામાં કાજલ હિન્દુસ્તાની સામે તેમજ ટોળા સામે રાયોટિંગની એમ કુલ બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.”
“રાયોટિંગની ફરિયાદ અંતર્ગત કેટલાક આરોપીની ધરપકડ કરી છે. તેમજ સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાના આધારે જરૂર જણાશે તો અન્ય લોકોની પણ ધરપકડ કરાશે."
ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન. કે. ગોસ્વામીએ ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમે કાર્યક્રમના આયોજકોનાં નિવેદનો લીધાં છે. તેમણે કહ્યું હતું કે શિંગાળા આવું ભાષણ કરશે તે અંગે તેમને કોઈ ખ્યાલ નહોતો.”














