ગુજરાત: 'હું ગર્ભપાત નહીં કરાવું, એ મારા પ્રેમની નિશાની છે', નારીગૃહમાં પ્રેમીની વાટ જોતી સગીરાની કહાણી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, VISAGE

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'મેં સાચો પ્રેમ કર્યો છે, મારા પેટમાં અમારા પ્રેમની નિશાની છે, સમાજ ગમે તે કહે હું ગર્ભપાત નહીં જ કરાવું. મારો પતિ જેલમાંથી બહાર આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ, પછી અમે બાળક સાથે લગ્નજીવન શરૂ કરીશું.'

આ શબ્દો છે આણંદના નારીગૃહમાં રહેતી સગર્ભા સગીરા રિદ્ધિના (સુરક્ષાના કારણસર નામ બદલ્યું છે).

મધ્ય ગુજરાતના એક ગામમાં રહેતી રિદ્ધિ હાલ ભણવાનું છોડીને કોર્ટના આદેશને કારણે આણંદના જાગૃત મહિલા સંગઠનમાં રહે છે.

બીબીસી સાથેની વાતચીતમાં રિદ્ધિ કહે છે કે, "અમારા ગામથી મારી સ્કૂલ બે કિલોમીટર દૂર હતી. હું રોજ સ્કૂલે ચાલતા જતી હતી. ગામમાં રહેતા અમારી જ જ્ઞાતિના રાકેશ (નામ બદલ્યું છે)ને ગણિતમાં સારા માર્ક આવ્યા હતા. ગામમાં એનું સારા વિદ્યાર્થી તરીકે નામ હતું."

"હું દસમા ધોરણમાં હતી ત્યારે એ કૉલેજના પહેલા વર્ષમાં હતો. ગામનાં ઘણાં છોકરા-છોકરીઓ એની પાસે ગણિત શીખવા જતા હતા. હું બારમા ધોરણમાં આવી અને એકલી સ્કૂલે જતી હતી ત્યારે ઘણી વાર એ મને રસ્તે મળતો અને અમે વાતો કરતા. રોજની અવરજવરમાં અમે બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડ્યાં એની અમને ખબર જ ના પડી. હું એની સાથે આણંદ ફિલ્મ જોવા જતી. પણ થોડા વખતમાં મારા ઘરમાં આ વાતની ખબર પડી ગઈ."

"મારાં માતાપિતા બંને નોકરી કરે છે. તેમણે તાત્કાલિક મારાં લગ્ન મારાથી સાત વર્ષ મોટા છોકરા સાથે નક્કી કરી દીધાં. એ છોકરો મારી સાથે લગ્ન કરવા માટે ઉત્સુક હતો. એણે ઘડિયાલગ્ન લેવાની વાત કરી."

"મારાં માતાપિતા તૈયાર થઈ ગયાં, ઘરે મારાં લગ્નની તૈયારી ચાલતી હતી. મેં મારા પિતાને કહ્યું કે હું લગ્ન કરવા તૈયાર નથી, તો એ માનતા નહોતા. મને ઘરમાંથી નીકળવા દેતા નહોતા. મેં રાકેશને સમાચાર મોકલાવ્યા અને જેમ તેમ કરીને અમે ઘરની બહાર મળ્યાં."

ગ્રે લાઇન

ગામ છોડીને ભાગી ગયાં

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EVGENIIA SIIANKOVSKAIA

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રિદ્ધિ કહે છે કે, "મેં રાકેશને ભાગી જવાનું કહ્યું, પણ તેને ગ્રેજ્યુએટ થઈ માંડ નોકરી લાગી હતી, પહેલો પગાર પણ આવ્યો નહોતો. એ પૈસાની વ્યવસ્થા કરવામાં પડ્યો હતો. મારાં લગ્નને 10 દિવસ બાકી હતા ત્યારે મારાં નાનીએ મોસાળામાં મને ગમતાં કપડાં ખરીદવા માટે 20 હજાર રૂપિયા આપ્યા."

"મેં રાકેશને કહ્યું કે હવે ભાગી જઈએ. તને કામ મળી જશે, આપણે પરણી જઈએ. મારા હાથમાં 20 હજાર આવ્યા એટલે એ રાત્રે રાકેશની મોટરસાઇકલ લઈને અમે બંને ગામ છોડીને ભાગી ગયાં. મોટરસાઇકલ પર અમે રાકેશની બહેનના ઘરે છોટા ઉદેપુર ગયા. એ સમયે મારી ઉંમર થઈ નહોતી, આથી લગ્ન કોર્ટમાં થાય એમ નહોતું. અમે ગોધરામાં એક રૂમ ભાડે રાખી રહેવા લાગ્યાં. રાકેશને ક્યાંય નોકરી મળી નહીં, પૈસા ખલાસ થવા લાગ્યા હતા."

ગ્રે લાઇન

છોકરા પર પૉક્સો હેઠળ કેસ

આણંદ

ઇમેજ સ્રોત, Getty Images

રિદ્ધિ કહે છે કે પછી અમે ઘોઘંબામાં ભાથીજી મહારાજના મંદિરમાં લગ્ન કરી લીધાં. પૈસા ખલાસ થઈ ગયા હોવાથી હવે ગામ પાછું આવવું પડે એવું હતું.

"બીજું કે આ દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ હતી. રાકેશને કામ નહોતું મળ્યું. અમે બંને ગામ પાછાં આવ્યાં ત્યારે ખબર પડી કે મારા પિતાએ રાકેશ સામે કેસ કર્યો છે. મેં અને રાકેશે મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં પણ મને 18 વર્ષ પૂરાં થયાં નહોતાં, એટલે રાકેશ પર પૉસ્કો અને બળાત્કારનો કેસ થયો."

"મારું મેડિકલ ચેકઅપ થયું. પોલીસે રાકેશની ધરપકડ કરીને જેલમાં નાખી દીધો. મારાં માતાપિતા મારો ગર્ભપાત કરાવીને મને પરણાવવા માગતાં હતાં. જેની સાથે મારાં લગ્ન અગાઉ નક્કી થયાં હતાં એ પરણવા તૈયાર હતો. મેં કોર્ટમાં કહ્યું કે હું ગર્ભપાત કરાવવા નથી માગતી અને બીજી બાજુ મારાં માતાપિતા મને સ્વીકારવા તૈયાર નહોતા. એટલે મને નારીગૃહમાં મોકલી આપી."

"મને ત્રણ મહિનાનો ગર્ભ છે. રાકેશને થોડા સમયમાં જામીન મળશે અને એની નોકરી ચાલુ થતા જ અમે ફરી સાથે રહીશું. પણ હું ગર્ભપાત તો નહીં જ કરાવું. રાકેશની રાહ જોઈશ."

ગ્રે લાઇન

મહિલા સંગઠનનું શું કહેવું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આણંદના જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબહેન દલાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારે ત્યાં આ દીકરી આવી ત્યારે અમે એનાં માતાપિતા સાથે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો, પણ દીકરી એના પ્રેમી સાથે જ રહેવા માગે છે. એ હાલ ગર્ભવતી છે એટલે અમે એના પોષણ માટે ખાસ ધ્યાન રાખીએ છીએ.

"એને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપીએ છીએ, સરકારી ડૉક્ટર પાસે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ. નાની ઉંમર છે એટલે પ્રેમલગ્નથી ઘરના લોકોના બહિષ્કારને કારણે એ મેન્ટલ ટ્રોમામાં હોય એ સ્વાભાવિક છે, એટલે અમે એનું કાઉન્સિલિંગ પણ કરાવીએ છીએ."

"આ છોકરીએ લગ્ન કર્યાં છે એટલે એનું ભણવાનું છૂટી ગયું છે ત્યારે અમે એ પગભર રહી શકે એ માટે ઇમિટેશન જવેલરી બનાવવાનું અને બ્યૂટી-પાર્લરનું કામ શીખવી રહ્યા છીએ. સગીર વયની હોવાથી અમે એના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે ગર્ભમાં રહેલા શિશુની કાળજી કેમ લેવી એ પણ શીખવીએ છીએ. હવે છોકરીએ ગર્ભપાત નહીં કરાવવાનો નિર્ણય લીધો છે. એની મેન્ટલ હેલ્થનું ધ્યાન ખાસ રખાવીએ છીએ."

આંકલાવના તપાસ અધિકારી વી.એસ. ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "આ વર્ષે એપ્રિલ માસના અંતે સગીરાના પિતાના ફરિયાદના આધારે પૉક્સો ઍક્ટ અંતર્ગત આરોપીની ધરપકડ કરી હતી અને એને કોર્ટમાં રજૂ કર્યો હતો."

તેમણે કહ્યું કે "આ કેસ સબજ્યુડિસ હોવાથી વધુ માહિતી આપી શકાય એમ નથી."

રેડ લાઇન
રેડ લાઇન