‘બાળપણમાં દાદાએ મારું શોષણ કર્યું ત્યારે મને લાગ્યું હતું કે બધાંના દાદા આવું કરતા હશે’

- લેેખક, એલિસન હોલ્ટ
- પદ, સોશિયલ અફેર્સ એડિટર

ચેતવણીઃ આ લેખમાંની કેટલીક વિગત વાચકોને પીડાદાયક લાગી શકે છે
પૉપીએ બાળપણમાં તેમનું જાતીય શોષણ કરનાર તેમના દાદાને જેલ ભેગા કરવામાં મદદ કરી હતી.
હવે પૉપી તેમની જેમ જ જાતીય શોષણનો શિકાર બનેલા લોકો આવી બાબતો વિશે મોકળાશથી વાત કરી શકે એ માટે પ્રયાસ કરી રહ્યાં છે.
પૉપીને આશા છે કે તેમની વીતક કથાથી લોકોનું વલણ બદલાાશે અને બીજાને મદદ મળશે.
હવે પોપી 18 વર્ષનાં થયાં છે, તેમણે પોતાની ઓળખ ગુપ્ત રાખવાના અધિકારને બાજુ પર રાખી દીધો છે, કારણ કે તેઓ માને છે કે,"આ એવી બાબત છે જેની પર ખૂલીને વાત કરાતી નથી અને લોકો તેની પાછળના ચહેરાને જોઈ શકે તો આ બાબતની સાથે વધુ સારી રીતે સંકળાઇ શકે છે."
પૉપી નાનાં હતાં ત્યારે તેમની સાથે જાતીય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને બાળવયે તેમને એ વાત સામાન્ય લાગતી હતી, પરંતુ એ પૉપી અહીં જણાવે છે કે 11 વર્ષની વયે જ્યારે તેમણે એ વાત માતા-પિતાને કહી ત્યારે તેમણે કેટલી રાહતનો અનુભવ થયો હતો.
પૉપીના કહેવા મુજબ, મોકળાશથી વાત કરવાથી જ અન્ય લોકો સમજી શકશે કે કોઈ પણ પરિવારમાં દુર્વ્યવહાર થઈ શકે છે.
પૉપી કહે છે, "આપણે શા માટે છુપાવવું જોઈએ? તે ગુનો છે. સીધી વાત છે. હું અન્ય કોઈ વ્યક્તિ જેવી જ છું, જેની સાથે આવું થયું હતું. તેનો શિકાર બનેલા લોકો, કશું ખોટું નથી થયું કે લોકોએ મારી સાથે થયું તે જોયું નથી, એવો અભિનય કરવામાં પાવરધા હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા ડેટા દર્શાવે છે કે ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં બાળકોના જાતીય શોષણના, અગાઉ કરતાં વધુ પોલીસ કેસ નોંધવામાં આવી રહ્યા છે. માર્ચમાં પૂર્ણ થયેલા વર્ષ દરમિયાન બાળકોની સતામણીના 1,05,542 ગુના નોંધાયા છે.
આવી સતામણીનાં કારણો, અસર અને પ્રમાણનો અભ્યાસ કરતા સેન્ટર ઑફ ઍક્સપર્ટાઈઝ ઑન ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ (સીએસએ સેન્ટર) દ્વારા બીબીસી માટે હોમ ઑફિસના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સેન્ટરનું કહેવું છે કે ગુનો નોંધાવાના પ્રમાણમાં છેલ્લાં છ વર્ષમાં થયેલા 57 ટકા વધારાનું મુખ્ય કારણ લોકોમાં આવેલી જાગૃતિ છે.
તેથી જ પૉપી માને છે કે આ બાબતે જાહેરમાં વાત કરવાથી બાળકોને એ સમજાશે કે તેમની વાત કોઈ જરૂર સાંભળશે.

એક મોટી છલાંગ

ઇમેજ સ્રોત, CHRIS LYNCH/SKYDIVE HEADCORN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે ઉનાળાનો ગરમ દિવસ છે. કૅન્ટમાંના વ્યસ્ત ઍરફિલ્ડ પર પૉપી તેમનાં વધારાનાં વસ્ત્રો ઉતારી રહ્યાં છે અને તેમને પૅરાશૂટ હાર્નેસ પહેરવામાં મદદ કરવામાં આવી રહી છે.
એ-લેવલનો અભ્યાસ પૂર્ણ કર્યાના ચાર દિવસ પછી અને 18મા જન્મદિવસના એક સપ્તાહ પહેલાં પૉપી ઉડતા પ્લેનમાંથી સ્કાય ડાઇવિંગ કરવાનાં છે. બાળપણમાં તેમની સાથે દુર્વ્યવહાર થયો ત્યારે તેનો સામનો કરવામાં મદદરૂપ બનેલા લોકો માટે નાણાં એકત્ર કરવા પૉપી આ સાહસ કરી રહ્યાં છે.
પૉપી માને છે કે તેમનું સ્કાય ડાઇવિંગનું આ પ્રથમ સાહસ, તમે કોઈને તમારી સાથે થયેલા દુર્વ્યવહારની વાત કરો ત્યારે થતા ડરામણા અનુભવને પ્રતિબિંબિત કરે છે.
પૉપીના પિતા દૂર ફરજ પર વ્યસ્ત છે, પરંતુ તેમનાં માતા તેમને સધિયારો આપવાં આવ્યાં છે. પૉપીએ પ્લેનમાં ચડતા પહેલાં જ પિતાને વીડિયો કૉલ કર્યો હતો.
તેમનો પરિવાર એકમેકની સાથે પ્રગાઢ રીતે જોડાયેલો છે. તેમણે સૌથી મુશ્કેલ સમયનો એક સાથે સામનો કર્યો હતો.
તેઓ માને છે કે પૉપી ભાંખોડિયા ભરતું બાળક હતાં ત્યારે તેમની સાથે સૌપ્રથમ વખત દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
પૉપી કહે છે, "બધાં દાદા-દાદી, નાના-નાની તેમનાં પુત્ર-પુત્રીઓનાં સંતાનો સાથે આવું કરતા હશે, એવું હું માનતી હતી. મને લાગતું હતું કે તે એકદમ નૉર્મલ બાબત છે."
પૉપીના પપ્પાના પિતા જોન જરૂર પડ્યે પૉપીની સંભાળ રાખવામાં મદદ કરતા હતા.

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT
પૉપી કહે છે, "મને સમજાઈ ગયું હતું કે ક્યારે આ બધું થવાનું છે."
તેઓ દાદા સાથે બાળકોના કાર્યક્રમો નિહાળતાં અને એ કાર્યક્રમ પૂર્ણ થાય પછી દાદા તેની સાથે દુર્વ્યવહાર શરૂ કરતા હતા.
આજે પૉપીનું વ્યક્તિત્વ છટાદાર અને વિચારવંત લાગે છે, પરંતુ ભૂતકાળમાં બનેલી ઘટનાઓની વાત માટે શબ્દો શોધતી વખતે તેઓ અસ્વસ્થ થઈ જાય છે.
પૉપી કહે છે, "તું મારી સાથે આવીને મને કપડાં પહેરવામાં મદદ કરીશ? એવા સવાલ સાથે મારી સાથે દુર્વ્યવહારની શરૂઆત થતી હતી."
"મારે બેડરૂમમાં જવું પડતું હતું. તેઓ જેમ કહે તેમ મારે કરવું પડતું હતું. પછી તેઓ મારી સાથે એવું કરતા હતા."
તને આવું બધું કરતાં શીખવાડવામાં આવ્યું હતું એવો સવાલ હું કરું છું ત્યારે પૉપી કહે છેઃ હા. એ પછી તેઓ તેમના દાદા સાથેના જટિલ સંબંધની વાત કરે છે. પૉપીના જણાવ્યા મુજબ, તેમને બહુ જ શરમ આવતી હતી અને તેમને થતું કે આ ખોટું થઈ રહ્યું છે. તેથી ખુદને બચાવવા માગતાં હતાં.
પૉપી પાંચ વર્ષનાં હતાં ત્યારે લેગોલૅન્ડના પ્રવાસે જતાં પહેલાં તેમણે પોતાની સાથે થતા દુર્વ્યવહાર વિશે માતાને જણાવવાનો પ્રયાસ કર્યો હતો.
એ દિવસે ક્લિક કરવામાં આવેલા ફોટોગ્રાફમાં લાંબા સોનેરી વાળવાળી એક છોકરી તેનાં માતા-પિતા સામે સ્મિત કરતી જોવા મળે છે. પૉપી માટે અત્યારે શબ્દો શોધવા મુશ્કેલ હોય તો તેઓ નાનાં હતાં ત્યારે પરિસ્થિતિ કેટલી વિકટ હશે?

મિરાન્ડા કહે છે, "પૉપીએ અમને વાત કહેવાનું શરૂ કર્યું પછી હસી પડી. અમને ખરેખર ખબર પડતી ન હતી કે તે અમને શું કહેવાનો પ્રયાસ કરી રહી છે."
માતા-પિતાએ એવું વિચાર્યું હતું કે પૉપીએ તેના દાદાને બાથરૂમમાંથી બહાર આવતા જોયા હશે. ડેવિડે તેમના પિતા સાથે વાત કરી હતી.
ડેવિડ કહે છે, "મારા પિતાએ તત્કાળ કહ્યું હતું કે હું કપડાં બદલાવતો હોઈશ ત્યારે કદાચ પૉપીએ મને જોયો હશે." આવું ફરી ન થવાની ખાતરી જોને ડેવિડને આપી હતી.
"તેમણે મને શાંતિથી ચૂપ કરી દીધો હતો. મેં વિચારેલું કે ઠીક છે. એ મારા પિતા જ છે."
તેમ છતાં પૉપી સાથેનો દુર્વ્યવહાર બંધ થયો ન હતો, પરંતુ વય વધવાની સાથે પૉપીની ચિંતા પણ વધતી રહી. પૉપીના જણાવ્યા મુજબ, એ અપરાધભાવ "અત્યંત શરમજનક" લાગતો હતો.
સ્કૂલમાં 10 અને 11 વર્ષની વયે પૉપીને જાતીય શોષણ સામે સાવધ રહેવાના તથા જાતને સંભાળવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. એ પછી તેમને સમજાયું હતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે.
પૉપી કહે છે, "હું ત્યાં બેસીને એવું વિચારતી હતી કે તેમાં હું પણ સામેલ છું. એ ગંદુ છે, તે ઘૃણાસ્પદ છે."

પ્રત્યેક 10 પૈકીના એક બાળકનું અમુક પ્રકારે જાતીય શોષણ

સીએસએ સેન્ટરના જણાવ્યા મુજબ, પ્રત્યેક 10 પૈકીનાં એક બાળકનું તે 16 વર્ષનું થાય ત્યાં સુધીમાં અમુક પ્રકારે જાતીય શોષણ થતું હોય છે.
પછી એક દિવસ એવો આવ્યો, જ્યારે પૉપી શારીરિક રીતે બીમાર હતાં. માતાએ આંટો મારવા જવાનું સૂચન કર્યું હતું. એ દિવસે પૉપીએ જોરદાર હિંમત કરી અને પોતાની સાથે થઈ રહેલા દુર્વ્યવહાર વિશે માતાને બધું જણાવી દીધું.
મિરાન્ડા કહે છે, "તે ચીતરી ચડે તેવું હતું. પૉપીએ મારા ચહેરા સામે એવી રીતે જોયું જાણે કે તે કહેતી હોય, ‘મમ્મી આ વાત કોઈને કહેશો નહીં. દાદા સાથે કશું થાય તેવું હું ઇચ્છતી નથી. હું તેમને પ્રેમ કરું છું.’ પૉપીએ તરત જ કહ્યું હતું, તે મારી ભૂલ છે. હું સારી વ્યક્તિ નથી."
હવે શું કરવું તેની કોઈને ખબર ન હતી, એમ જણાવતાં મિરાન્ડા કહે છે, "જેની સાથે આવું થયું હોય એવી એકેય વ્યક્તિને હું ક્યારેય મળી ન હતી. મારે પૉપીને સલામત રાખવાની હતી."
પૉપી તેમનાં મમ્મીના પ્રતિભાવથી ચિંતિત હતાં, પરંતુ "આપણે આનું નિરાકરણ કરીશું," એવું મમ્મીએ કહ્યું ત્યારે પૉપીએ મોટી રાહત અનુભવી હતી, કારણ કે "હવે પછીનું કામ તેમનું હતું."
મમ્મી અને દીકરીએ ઘર તરફ પ્રયાણ કર્યું. મિરાન્ડા કહે છે, "હું ખૂબ રડી હતી. આ વાત ડેવિડને કેવી રીતે કહેવી?"
પતિ ડેવિડ દૂર કામ કરતા હતા એટલે મિરાન્ડાએ તેમને ફોન કર્યો. આ વાત સાંભળ્યા પછી ડેવિડે પ્રચંડ આઘાતની લાગણી અનુભવી હતી.
ડેવિડ કહે છે, "મારા પિતાનાં કૃત્યોની જાણ કરવાં મારે આખરે પોલીસને ફોન કરવો પડ્યો હતો. એ અતિ અઘરું હતું. અલબત, પૉપી મારી દીકરી છે અને તેનાથી આગળ કોઈ નથી."
થોડા કલાકોમાં જ પોલીસે જોનની ધરપકડ કરી હતી.
એ પછી કેન્ટ પોલીસની બાળ સુરક્ષા ટીમના ડેટ કૉન ડેનિઝ અસલાને એક સામાજિક કાર્યકર સાથે મળીને પૉપીની મુલાકાત લીધી હતી.
ડેટ કૉન અસલાનના જણાવ્યા મુજબ, "11 વર્ષની પૉપી ખૂબ જ બેચેન હતી. તેના દાદાએ તેની સાથે જે કર્યું હતું તેની વાત પોપીએ કોઈને ત્યારે પહેલીવાર કરી હતી."
ડી સી અસલાન કહે છે, "બાળક સાથેનો કોઈ પણ જાતીય દુર્વ્યવહાર ગંભીર બાબત છે, પરંતુ મને લાગે છે કે 13 વર્ષથી ઓછી વયની બાળકી પર બળાત્કાર સૌથી વધુ ગંભીર બાબત છે."
પૉપીના જણાવ્યા મુજબ, દાદા જોને જે કર્યું હતું એની કબૂલાત ક્યારેય કરી નથી.
પોપી સાથે જે થયું હતું તેની વિગત પોલીસે જણાવ્યું પછી કેવી હાલત થઈ હતી એની વાત કરતાં મિરાન્ડાનો અવાજ તરડાઈ જાય છેઃ "જોન પોપી પર બળાત્કાર કરતા હતા અને એ માટે પોપી ખુદને જવાબદાર ગણતી હતી. એવાં કૃત્ય માટે કોઈ પણ બાળકે ખુદને દોષી માનવું જોઈએ નહીં."
મિરાન્ડા ઉમેરે છે, "જોને શું કર્યું હતું તેની સંપૂર્ણ વિગત પૉપી અમને ક્યારેય જણાવી શકવાની ન હતી. પૉપી અમારું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહી હતી."
પોતાના પિતાએ પૌત્રી સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ જાણવાનું ડેવિડ માટે અત્યંત પીડાદાયક હતું.
ડેવિડ કહે છે, "તેઓ અમારી પુત્રી સાથે દુર્વ્યવહાર કરતા હતા અને પાંચ મિનિટ પછી અમારી સાથે બેસીને આરામથી ચા પીતા હતા. તેથી મને લાગ્યું કે આ માણસ ખરેખર કોણ છે?"
ડેવિડના કહેવા મુજબ, "એક સંતાન તરીકેની મારી ઘણી સ્મૃતિ સુખદ હતી. મારા મનમાં વાસ્તવિક સંઘર્ષ ચાલી રહ્યો હતો."

અદાલતી કાર્યવાહી 18 મહિના પછી શરૂ થઈ

જોન સામેના કેસની અદાલતી કાર્યવાહી 18 મહિના પછી શરૂ થઈ હતી.
સીએસએ સેન્ટરના જણાવ્યા મુજબ, સમગ્ર ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં નોંધાયેલા ગુનાઓ પૈકીના માત્ર 12 ટકા કિસ્સામાં આરોપ પુરવાર થાય છે. તેની અદાલતી કાર્યવાહી શરૂ થવામાં લગભગ બે વર્ષ થાય છે.
કોર્ટમાં પૉપીનો રેકૉર્ડેડ ઇન્ટરવ્યૂ સંભળાવવામાં આવ્યો અને તેની ઊલટતપાસ કરવામાં આવી ત્યારે તેઓ માત્ર 13 વર્ષનાં થયાં હતાં.
પૉપી કહે છે, "હું કોઈ પણ ભોગે મારો પક્ષ રજૂ કરવા કટિબદ્ધ હતી. મારા મનમાં ઘણો ગુસ્સો હતો. તેથી મારી વાત જણાવવાનું અતિ મહત્ત્વનું હતું."
જોનને 2018માં બળાત્કાર સહિતના ત્રણ ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને સાડા તેર વર્ષની સજા કરવામાં આવી હતી.
ન્યાયાધીશે પૉપીની જુબાનીને "હૃદયસ્પર્શી" અને "સંપૂર્ણપણે અનિવાર્ય" ગણાવી હતી. જોને પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે પૉપીએ તેમનાં માતા-પિતાની ઉશ્કેરણીને લીધે આવા આરોપ મૂક્યા છે, જે "એકદમ વાહિયાત" છે.

જોનનું ગયા વર્ષે જેલમાં મૃત્યુ થયું

ઇમેજ સ્રોત, Getty Images
પૉપી માટે પ્રતીતિ મહત્ત્વપૂર્ણ હતી. તેની સાથે તેમને મળેલી સલાહ પણ મહત્ત્વપૂર્ણ હતી. તેમણે સમર્થન માટે પાંચ મહિના રાહ જોવી પડી હતી.
હવે તે વ્યાપક બનતું જાય છે. દુર્વ્યવહારનો શિકાર બનેલા 300થી વધુ લોકો કેન્ટની ફેમિલી મેટર્સ નામની સંસ્થામાં પૉપીની રાહ જોઈ રહ્યા છે.
આ સખાવતી સંસ્થાના ચીફ ઍક્ઝિક્યૂટિવ મેરી ટ્રેવિલિયન કહે છે, "મદદની જરૂરિયાત, તાતી જરૂરિયાત હોય છે."
સલાહકારની રાહ જોઈ રહેલા લોકોના જોખમનું મૂલ્યાંકન કરવામાં તેમની ટીમ લાંબો સમય લે છે.
મેરીના જણાવ્યા મુજબ, ઘણા લોકો તેમની સાથે જે બન્યું હતું તે છુપાવે છે અને પુખ્ત વયના થાય ત્યારે જ મદદ માગે છે.
હોમ ઑફિસે અમને જણાવ્યું હતું કે જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકો માટેના સમર્થનમાં તેનાથી નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમાં 2024-25 સુધીમાં પીડિતોની સહાય માટેની ફાળવણીમાં પણ ચાર ગણો વધારો કરવાનો સમાવેશ થાય છે.
હોમ ઑફિસે એમ પણ જણાવ્યું હતું કે બાળક સાથેનો જાતીય દુર્વ્યવહાર ઘણીવાર છુપાયેલો ગુનો હોય છે અને તેથી જ સરકાર "યુવા પેઢી સાથે કામ કરતા લોકો માટે, બાળકની જાતીય સતામણી કે શોષણ થતું હોવાની શંકા હોય તો પણ તેની જાણ કરવાનું ફરજિયાત બનાવી રહી છે."

ભરોસો કોણ કરશે?

ઇમેજ સ્રોત, CHRIS LYNCH/SKYDIVE HEADCORN
એક નાનું વિમાન વાદળ વિનાના આકાશમાં ઊંચે ચડી રહ્યું છે.
જાતીય દુર્વ્યવહારનો શિકાર બનેલા લોકો કાઉન્સેલરની રાહ જોતા હોય ત્યારે તેમને મદદ કરતી એક હેલ્પલાઇન માટે નાણાં એકત્ર કરવા પૉપી સ્કાય ડાઇવિંગ કરવાનાં છે. અત્યાર સુધીમાં પૉપીએ દાન પેટે 70,000થી વધુ પાઉન્ડ એકત્ર કર્યા છે.
પૉપી અને તેમના ઇન્સ્ટ્રક્ટર પ્લેનના ખુલ્લા દરવાજાની નજીક સરકે છે. તેમની નીચેના ભાગમાં કેન્ટના હરિયાળાં ખેતર ફેલાયેલાં છે.
પછી તેઓ કૂદી પડે છે. થોડી મિનિટ બાદ પૉપી જમીન પર ઉતરાણ કરે છે, સલામત અને હસતાં.
પૉપી કહે છે, "શરૂઆતમાં ડર લાગે છે, પરંતુ કૂદકો માર્યા પછી રાહત થાય છે. કૂદકો મારવાનો છે એટલે કૂદવું જ પડે."
11 વર્ષની જે બાળકીએ પોતાની સાથેના દુર્વ્યવહાર વિશે માતાને જણાવવાની હિંમત કરી હતી તેના વિશે વિચારતાં પૉપી કહે છે, "હું તેને ગાઢ આલિંગન આપીશ. તેની શક્તિ વિના હું અહીં પહોંચી શકી ન હોત. હવે મારું જીવન અદ્ભુત બની ગયું છે."
દુર્વ્યવહાર સામે સંઘર્ષ કરતા લોકોને સંદેશ આપતાં પૉપી કહે છે, "કૂદકો મારો, કોઈને કહો."
પૉપીના કહેવા મુજબ, "તમારી વાત બધા માની લેશે એની ખાતરી હું નથી આપતી, પરંતુ કોઈક તમારો વિશ્વાસ કરશે અને તેમાંથી મારગ નીકળશે તેનું ખાતરી હું આપી શકું."














