યુરોપના આ દેશમાં બાળકોનું શોષણ કરનાર કેમ હજીય પાદરી તરીકે કામ કરે છે? - બીબીસી ઇન્વેસ્ટિગેશન
- લેેખક, માર્ક લોવન
- પદ, બીબીસી ન્યૂઝ, રોમ
ઇટાલીમાં પાદરીઓ દ્વારા બાળકોના જાતીય શોષણના મામલાને ઢાંકી દેવાની કોશિશને કારણે આ કેટલું મોટું દૂષણ છે તે બહાર આવતું નથી એવું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે.
આઘાતજનક એવી આ તપાસમાં એવો ખ્યાલ આવે છે કે કેવી રીતે કૅથલિક ચર્ચમાં શોષણ કરનારા સજામાંથી બચી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
આપણે તેમને "મારિયો" તરીકે ઓળખીશું. અમે તેમની સાથે હાથ મિલાવ્યો ત્યારે તેઓ જરાક પાછા હઠ્યા હતા. તેમને શારીરિક સંપર્ક અકળાવતો હોય તેવું લાગ્યું. મને લાગ્યું કે તેમની સાથે થોડી વાતચીત કરીશ તો હળવાશ અનુભવશે એટલે મેં પૂછ્યું, "કેમ છો તમે?", પણ એ સાંભળીને તેઓ બેસી ગયા.
પોતાની આંખમાં આંસુ આવતાં માંડ માંડ રોકીને તેમણે કહ્યું, "આ ઇન્ટરવ્યૂથી મને બધું ફરી યાદ આવી રહ્યું છે."
પોતાની સ્થિતિને મારિયો 'જાતીય ગુલામી' કહે છે અને તે વિશે આજ સુધી કોઈ પત્રકાર સાથે વાતચીત કરી નહોતી.
અમે મારિયોની કમકમાટી આવી જાય તેવી કહાણી સાંભળી અને તે પછી અમે તેના પર અત્યાચાર કરનારાને મળવાના હતા અને આખરે આવા જાતીય શોષણ પછીય શા માટે પાદરીને હઠાવાયા નથી તે બાબતનો જવાબ પણ મેળવવા કોશિશ કરીશું.
મારિયોની કથા એ એવાં અનેક બાળકોની કથા છે, જેઓ ઇટાલીમાં પાદરી અને ચર્ચના લોકોના જાતીય શોષણનો ભોગ બન્યા હોય. આ દેશમાં આ દૂષણની સામે ક્યારેય યોગ્ય રીતે પગલાં લેવાયાં નથી. અન્ય કોઈ પણ દેશ કરતાં અહીં વધારે સંખ્યામાં પાદરીઓ છે અને કૅથલિક ચર્ચનું વડુંમથક વેટિકન પણ આ દેશમાં જ છે. ઇટાલીએ આ બાબતમાં કોઈ સત્તાવાર નોંધ રાખી નથી અને આવી બાબતમાં કોઈ તપાસ પણ કરી નથી.
વેટિકનના પડછાયામાં વસેલા ઇટાલીમાં આવા પાપ પરદા પાછળ ઢાંકીને રખાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુપ્તતા

ઇમેજ સ્રોત, FACEBOOK
મારિયો યાદ કરતાં કહે છે, "તે લોકો કહેતા કે આ વાત ગુપ્ત છે અને મારી, જીઝસ અને તારી ત્રણ વચ્ચેની જ વાત છે."
મારિયો કહે છે કે આવી ગુપ્ત વાત એટલે 16 વર્ષ સુધી તેમણે સહન કરેલું યાતનાભર્યું જાતીય શોષણ, જે તેમની 8 વર્ષની ઉંમરે શરૂ થઈ ગયું હતું. જિઆન્ની બેકિઆરિસ નામના પાદરીએ તેમના પર અત્યાચાર કર્યો હતો.
મારિયોના વકીલે આ બાબતમાં કેસ કર્યો હતો, જેમાં તેમની સાથે કેવી રીતે દુર્વ્યવહાર થતો હતો તેની વિગતો પણ આપી છે. તેમાં જણાવાયું છે કે પ્રથમવાર તેમના પર 1996માં 'આયોજનપૂર્વક' બળાત્કાર થયો હતો. બેકિઆરિસે એક હોટેલમાં તેમના માટે રૂમ બૂક કરાવી હતી અને તેમાં બંને વચ્ચે એક જ પથારી હતી. અખબારી અહેવાલો પ્રમાણે બાદમાં મારિયોની હાલત ખરાબ હતી, "તેને પીડા થઈ રહી હતી, લોહી નીકળ્યું હતું અને એકાંતમાં રડતો રહ્યો હતો."
બાદમાં બેકિઆરિસે મારિયોનાં માતાપિતાને એક "ગિફ્ટ" આપી હતી, જેમાં એ જ હોટેલની યાદગીરી હતી, જ્યાં આ બળાત્કાર થયો હતો. તેમાં નીચે એ બનાવની તારીખ અને સમય પણ નોંધ્યો હતો અને લખ્યું હતું કે: "શિયાળામાં અમે પહાડોમાં બે દિવસ વિતાવ્યા તેની યાદમાં."
આ હકીકતમાં તેમણે કરેલા ગુનાની બહુ વિકૃત્ત યાદગીરી હતી અને તેના પરથી ખ્યાલ આવતો હતો કે પાદરી કેવી રીતે બાળકની લાગણી સાથે રમી રહ્યા હતા. મારિયોને તેમના પિતા સાથે બનતું નહોતું તેનો લાભ પાદરી લઈ રહ્યા હતા.
રેકર્ડમાં જણાવ્યા અનુસાર બેકિઆરિસે મારિયોને ચૂપ રહેવા માટે ધમકી આપી હતી, "અને તેને એવું કહ્યું હતું કે જે કંઈ થયું તેમાં તારો પણ વાંક છે."
મારિયો યાદ કરતાં કહે છે, "હું મોટો થયો તે પછી તેણે મારાં માતાપિતાને કહ્યું હતું કે પોતે શું તેમના ઘરે રોકાવા આવી શકે છે. મને થતું હતું કે ના પાડે તો સારું, પણ તેમણે હા પાડી હતી."
તેમનાં માતાપિતાને ખબર જ નહોતી કે તેમની સાથે કેવી ઘૃણાસ્પદ હરકત થઈ રહી છે. તેમને એમ હતું કે આટલા મોટા પાદરીને તેમના પુત્ર માટે માન છે. આ શોષણને કારણે મારિયો ડ્રગ્સ લેતા થઈ ગયા હતા, માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ઘણી વાર આત્મહત્યા માટેના પ્રયાસો કર્યા હતા.
મારિયો કહે છે, "તેણે મારું કોમળપણું લૂંટી લીધું હતું. મારા માટે એ દુ:સ્વપ્ન જેવું જ હતું ... મને સપનામાં પણ આવતું કે હું કાલાશ્નિકોવ અને હેન્ડગ્રેન્ડથી લડી લઉં."
આખરે પોતાની માનસિક યાતનાની વાત એક થેરપિસ્ટ પાસે મારિયોએ કરી હતી અને તે પછી ન્યાય મેળવવા માટેનું નક્કી કર્યું હતું. સૌ પહેલાં તો મારિયોએ બેકિઆરિસના ઉપરી બિશપ એમ્બ્રોગિયો સ્પેરિફિકોને મળવાનું નક્કી કર્યું. બિશપ સ્પેરિફિકોએ કૅથલિક ચર્ચના કાનૂની નિયમો અનુસાર આંતરિક સમસ્યા સામે તપાસ થાય તે રીતે આ બાબતે મુકદ્દમો માંડ્યો હતો.
ચર્ચના કાયદા પ્રમાણે કામ ચાલ્યું હતું અને તેમાં જે ચુકાદો આવ્યો હતો તે અમે મેળવ્યો છે. તેમાં સ્પષ્ટપણે ન્યાયાધીશોએ બેકિઆરિસને "તેમની સામે થયેલા આરોપોમાં દોષી" ઠેરવ્યા હતા. જોકે તેમની સામેના આરોપોમાં જણાવેલી કેટલીક બાબતોને તેમણે નકારી હતી, પરંતું "તેમણે ગુનો કર્યાનું કબૂલ્યું હતું." પાદરીએ મારિયોને 1,12,000 યુરો ($127,000 ડૉલર) ચૂકવ્યા પણ હતા.
મારિયોની માગણી હતી કે પાદરીને હાંકી કાઢવામાં આવે, પણ આ તપાસ સમિતિએ તેવો નિર્ણય આપ્યો નહોતો. તેના બદલે તેમને માત્ર "બાળકો સાથે કોઈ જવાબદારી" ના સોંપવાનું જ નક્કી કરાયું હતું.
આ બાબતથી નિરાશ થઈને મારિયો અને તેમના વકીલે ઇટાલીની પોલિસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
આ રીતે પાદરી સામે બીજી વારની આ ફરિયાદ થઈ તેના દસ્તાવેજો પણ અમે જોયા છે. તેમાં જણાવ્યા અનુસાર ન્યાયાધીશોને "થયેલા આરોપોની ખરાઈ વિશે કોઈ શંકા નહોતી", અને તેના કારણે "આરોપીને છોડી મૂકવાનું કોઈ રીતે શક્ય નહોતું".
જોકે ઇટાલીની કાનૂની વ્યવસ્થાને કારણે આ કેસ ટાઇમ-બાર એટલે કે સમયથી મોડો થયો હોવાથી બેકિઆરિસની સામે ગુનો સાબિત થઈ શકે તેમ નહોતો.
આ કેસ પરથી ખ્યાલ આવે છે કે ઇટાલીમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકો માટે ન્યાય મેળવવામાં કેવા કાયદાકીય અવરોધો રહેલા છે. તેના કારણે ભોગ બનેલા લોકોને ન્યાય મળી શકતો નથી.
ઇટાલીના કાયદા પ્રમાણે ગુનો ક્યારે થયો ત્યાંથી સમયગાળો ગણવામાં આવે છે, ક્યારે ફરિયાદ કરવામાં આવી ત્યાંથી નહીં. આ ખામીને દૂર કરવા માટે કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યો છે, પરંતુ નવા સુધારા પછીય જૂના કેસોને એટલે કે પાછલી અસરથી તે લાગુ પડી શકે તેમ નથી.

મારિયોનાં વકીલ કાર્લા કોર્સેટ્ટી કહે છે કે સમયબાધના આ નિયમને કારણે અનેક જાતીય શોષણના કેસ અટકી પડ્યા છે, કેમ કે ભોગ બનેલા લોકો ફરિયાદ કરવા માટે તૈયાર થાય તેમાં ઘણાં વર્ષો નીકળી જતાં હોય છે.
તેઓ કહે છે કે સમસ્યા આનાથી પણ ઊંડી છે: ઇટાલીનું બંધારણ અને 1929માં તે વખતના સરમુખત્યાર બેનિટો મુસોલિનીએ કરેલા લેટરન પેક્ટ અનુસાર વેટિકન કાયદાકીય રીતે ઇટાલીથી સ્વતંત્ર ગણાય છે. આના કારણે પાદરીઓ વેટિકનના કાયદાને આગળ કરીને તેને ઇટાલીથી સર્વોપરી ગણાવે છે અને તે રીતે ઇટાલીની અદાલતમાંથી સજામાંથી બચી જાય છે.
કોર્સેટ્ટી કહે છે, "લેટરન પેક્ટ ચાલુ રાખીને અમારા દેશે પોતાના સાર્વભૌમત્વને મર્યાદિત કરી રાખ્યું છે. તેના કારણે અમે રોજેરોજ ભોગ બનીએ છીએ અને સૌ પહેલાં તો જાતીય શોષણનો ભોગ બનેલા લોકો ભોગ બને છે."
પોપ ફ્રાન્સિસની આગેવાની હેઠળ વેટિકને આ પ્રકારના ગુનાને અટકાવવા માટે ધીમે ધીમે પ્રયાસો કર્યા છે. દાખલા તરીકે ગુપ્તતાના નામે મૌન રહેવાના નિયમને દૂર કર્યો છે.
હાલમાં જ ઇટાલીમાં આ રીતે ભોગ બનેલા લોકો માટે પ્રાર્થનાનો રાષ્ટ્રીય દિવસ પણ નક્કી કરાયો છે. જોકે ટીકાકારો કહે છે કે આ પ્રકારના પ્રયાસો બહુ જ અપૂરતા છે.

કેટલા કેસ તેનો હિસાબ નથી

2019માં સંયુક્ત રાષ્ટ્રસંઘે ઇટાલીને જણાવ્યું હતું કે પાદરીઓ દ્વારા થતા જાતીય શોષણના મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જોકે એ વિનંતી બહેરા કાને અથડાઈ છે.
દુનિયા બીજા ભાગોમાં આ બાબત પરની ગુપ્તતા દૂર કરવા પ્રયાસો થઈ રહ્યા છે. ગયા વર્ષે ફ્રાન્સમાં જાહેર થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે 1950થી અત્યાર સુધીમાં 3,200 પાદરીઓએ 2,16,000 બાળકોનું જાતીય શોષણ કર્યું હતું. ફ્રાન્સ કરતાં ઇટાલીમાં બે ગણા વધારે પાદરીઓ છે, પણ કુલ કેટલા કિસ્સા તેનો કોઈ આંકડો નથી.
વેટિકનમાં પણ ઘણા એ બાબતે આઘાત વ્યક્ત કરે છે કે ઇટાલીમાં આ બાબતમાં કોઈ પગલાં લેવાતાં નથી.
રોમની પોન્ટિફિકલ યુનિવર્સિટીના સેફગાર્ડિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હેન્સ ઝોલનર સગીરોની સુરક્ષા માટેના વેટિકન કમિશનમાં પણ સભ્ય છે. તેમણે જણાવ્યું છે કે ઇટાલીએ ફ્રાન્સ અને બીજા દેશોનો દાખલો લઈને આવા ગુનાઓની તપાસ કરવી જોઈએ.
ઝોલનર કહે છે, "યુકે, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જર્મનીમાં સમાજોએ આ સમસ્યાનો સામનો કરવાનું નક્કી કર્યું છે અને તેના કારણે ચર્ચે પણ તેના માટે વિચારવું પડી રહ્યું છે. આમ છતાં આ દેશમાં હજી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી."
ફાધર ઝોલનરના જણાવ્યા અનુસાર જે પ્રદેશોએ પાદરીઓ દ્વારા થતા શોષણના મામલાને હાથમાં લીધો છે ત્યાં 4-5% પાદરીઓ સામે જાતીય શોષણના આરોપો મુકાયા છે અથવા સાબિત થયા છે. તેઓ વધુમાં જણાવે છે કે "ઇટાલીમાં પણ કદાચ આટલી જ સંખ્યામાં ગુના સાબિત થઈ શકે છે." પરંતુ ઇટાલીમાં કોઈ સત્તાવાર આંકડા નથી અને ઇટાલીના સત્તાધીશો આ બાબતમાં ઉદાસીન છે, ત્યારે ઇટાલીમાં માત્ર એક જ સંસ્થા છે જે આ મુદ્દા પર કામ કરી રહી છે અને કિસ્સાઓ એકઠા કરી રહી છે.
પોતે પણ આવા જાતીય શોષણનો ભોગ બનેલા ફ્રાન્ચેસ્કો ઝનાર્દીએ ઉત્તર ઇટાલીમાં પોતાના નાનકડા એપાર્ટમેન્ટમાં નેટવર્ક ઑફ અબ્યૂઝ નામની સંસ્થા ખોલી છે.
તેઓ કહે છે, "અમે આ માટે સમર્થન અને કાનૂની સહાયની માગણી કરી ત્યારે અમને નકાર જ મળ્યો હતો."
પોતાને મળતી માહિતી અને અખબારી અહેવાલોને આધારે સંસ્થાએ દેશમાં કયા કયા પાદરી શંકાના ઘેરામાં છે તેની યાદી તૈયાર કરી છે. જેમના પર શંકા હોય, તપાસ થઈ હોય કે જાતીય શોષણ માટે ગુનેગાર સાબિત થયા હોય તેવા પાદરીઓની આ યાદી છે. આ પ્રકારનો ભોગ બનેલા લોકો માટે કાનૂની કાર્યવાહી કરી શકાય તે માટે તેમણે વકીલોનું એક જૂથ પણ તૈયાર કર્યું છે.
ઇટાલીમાં છેલ્લાં 15 વર્ષોમાં 163 પાદરીઓ જાતીય અત્યાચારના ગુનામાં દોષિત ઠર્યા હોવાનું ઝનાર્દીનું કહેવું છે. જોકે આ આંકડો બહુ ઓછો છે એમ તેઓ માને છે.
તેઓ કહે છે, "ઇટાલી યુરોપમાં જાણે કોઈ જુદી જ દુનિયાનો દેશ હોય તેવો છે. ચર્ચની બાબતમાં, બાળકોની સલામતી ખાતર પણ કોઈ પગલાં લેવાની સરકારની કોઈ તૈયારી જ ના હોય તેવું લાગે છે."
ઇટાલીમાં આ સમસ્યાનું કારણ છે સ્થાનિક સંસ્કૃતિ. પશ્ચિમ યુરોપના બીજા દેશોની સરખામણીએ ઇટાલી કેટલીક બાબતોમાં વધારે રૂઢિચૂસ્ત છે. ઇટાલીમાં 80% લોકો પોતાને કૅથલિક ગણાવે છે અને તે સંજોગોમાં ચર્ચને તે લોકો પોતાના પરિવારની ઓળખ તરીકે કેન્દ્રીય સ્થાને ગણે છે અને ચર્ચને જ સર્વોચ્ચ સત્તાધીશ માને છે.

સુધારણા કેન્દ્રો

ફાધર ઝોલનરના જણાવ્યા અનુસાર ઇટાલીમાં ચર્ચની બાબતમાં મૌન અને તેને કશું ના કરી શકાય તેવી માન્યતાને કારણે એવી સ્થિતિ છે કે જાતીય શોષણ કરનારા પાદરીઓને ચર્ચ દ્વારા ચલાવતા સુધારણા કેન્દ્રમાં માત્ર મોકલી દેવામાં આવે છે.
આવાં ઘણાં સુધારણા કેન્દ્રો દેશમાં ચાલે છે, પણ તેના વિશે પણ ભાગ્યે જ કોઈ માહિતી છે.
આવું એક કેન્દ્ર રોમની નજીક આવેલું છે અને અમે તેની માહિતી મેળવી શક્યા હતા. કાંટાળા તારની પાછળ એક અજાણ્યા રસ્તાની અંદર તે આવેલું છે. દરવાજા પાસે જ ખ્રિસ્તની સફેદ પ્રતિમા છે.
અંદર પાદરીઓ માટે રહેવાના કમરા છે. એક મોટો હૉલ છે અને એક નાનકડું ચેપલ છે. અંદર દિવાલો પર હાલમાં જ પોપ ફ્રાન્સિસે મુલાકાત લીધી તેની તસવીરો છે. અહીં તેઓ દોઢેક કલાક રોકાયા હતા અને આ કેન્દ્ર દ્વારા આસપાસની પ્રકૃત્તિની કાળજી લેવામાં આવે છે તેનાં વખાણ કર્યાં હોવાનું કહેવાય છે.
અહીં મોકલી દેવામાં આવેલા પાદરીઓ સામે જુદી જુદી બાબતોની ફરિયાદ થયેલી હોય છે. તેમાં જુગાર રમવો અને વ્યસન હોવું તેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક પાદરીઓ એવા પણ છે, જેમની સામે જાતીય શોષણની તપાસ કે મુકદ્દમા ચાલી રહ્યા હોય.
આ કેન્દ્રના સ્થાપક માર્કો અર્મેસ લુપેરિયા મક્કમતા સાથે એ વાતનો ઇનકાર કરે છે આ કેન્દ્ર "ભાગેડુઓ માટેનો આશરો છે". તેઓ કહે છે કે આ કેન્દ્રમાં તો પાદરીઓની સુધારણા માટે અને ગુનો ફરી ફરી કરવાની વૃત્તિને કાબૂમાં રાખવા માટેની સારવાર અપાય છે. તેમના જણાવ્યા અનુસાર અહીં જાતીય શોષણના આરોપીઓને "અઠવાડિયે બેથી ત્રણ વાર માનસિક સારવારના સેશનમાંથી પસાર થવાનું હોય છે. તે લોકોને તદ્દન એકાંતમાં રાખવામાં આવે છે. તેમને ભોજન માટે પણ બહાર આવવા દેવાતા નહીં."
આ રીતે શોષણ કરનારાને બધાથી દૂર રાખી દેવામાં આવે છે તે પણ ભોગ બનેલા લોકો માટે અન્યાય જેવું છે, કેમ કે આ રીતે ગુનાને છુપાવી દેવાની જ દાનત દેખાય છે.
જોકે લુપેરિયા આવા આક્ષેપને પણ નકારી કાઢે છે.
ગુનેગારોને આવા કેન્દ્રમાં મોકલીને છાવરવામાં આવે છે તેવા આક્ષેપોનો ઇનકાર કરતાં તેઓ કહે છે, "બિશપે સંલગ્ન સત્તાધીશોને જણાવવાનું હોય છે કે અહીં કયા પાદરીને મોકલવામાં આવી રહ્યા છે. આજે બિશપ કોઈને છુપાવી દે તો તેમના માટે મુશ્કેલી આવી પડે."
આ પાદરીઓની સારવાર માટે પ્રયાસો થાય છે, પણ મારિયો જેવાં અનેક બાળકો અત્યાચારનો ભોગ બન્યાં તેમને આવી કોઈ સારવાર મળતી નથી અને તેમના ગુનેગારોને છાવરવામાં આવે છે.
મારિયોનું શોષણ કરનાર જીઆન્ની બેકિઆરિસ હજીય એ જ ચર્ચમાં કામ કરે છે, જ્યાં તેમણે જાતીય શોષણ કર્યું હતું. આજે પણ તેઓ બિશપ એમ્બ્રોગિયો સ્પેરિફિકોના હાથ નીચે કામ કરે છે.
અમે ઓનલાઇન તપાસ કરી હતી કે બેકિઆરિસ શું કરી રહ્યા છે અને જોયું તો તેઓ જુદા જુદા ચર્ચમાં માસમાં ભાગ લઈને ઉજવણી કરી રહ્યા હતા. તે પછી તેમને ભૂગર્ભમાં મોકલી દેવાયા હોય તેવું લાગે છે. જોકે હજીય જ્યાં તેમણે જાતીય શોષણનો ગુનો કર્યો તે ડાયોસિસમાં પાદરી તરીકે તેમનું નામ નોંધાયેલું છે. બાળકોની સાથે તેઓ માસની ઉજવણી કરી રહ્યા હોય તેવી તસવીરો પણ અમને જોવા મળી.
આખરે રોમની નજીક એક જગ્યાએ અમે તેમને શોધી કાઢ્યા અને તેમનો સંપર્ક કર્યો. મેં મુકદ્દમાના કાગળો તેમને દેખાડ્યા અને બાળકો સાથે તેઓ માસની ઉજવણી કરી રહ્યા હતા તેની તસવીરો પણ દેખાડી.
જવાબમાં ત્યાંની ઇમારત દેખાડીને બેકિઆરિસે કહ્યું કે "હું અહીં કામ કરું છું. અહીં કોઈ બાળકો નથી."
પછી મેં તેમને નાનાં બાળકો સાથે તેઓ ચર્ચમાં હતા તેની તસવીરો દેખાડી.
તેમણે કહ્યું, "આ સગીરો નથી, આ તો લોકો છે."
તે પછી તેઓ મકાનની અંદર જવા લાગ્યા.
મેં તેમને પૂછ્યું "શું તમે બાળકોનું જાતીય શોષણ કરનારા (પેડોફાઇલ) છો?"
તેમણે કહ્યું, "તમે એવું કહેવા માગો છો".
તેઓ બારણું બંધ કરી દે પહેલાં મેં તેમને કહ્યું, "ના, આ તમારા શોષણનો ભોગ બનેલાએ કહ્યું છે."

બાળકો સાથે સંપર્ક

સેફગાર્ડિંગ ઇન્સ્ટિટ્યૂશનના ફાધર ઝોલનરને મેં પૂછ્યું કે કોઈ પાદરી ગુનેગાર સાબિત થાય, પોતાનો ગુનો કબૂલે અને દંડ ભરી દે તો ત્યારે ચર્ચના નિયમો પ્રમાણે તેમની સાથે શું થવું જોઈએ.
તેમણે કહ્યું કે કોઈ ચોક્કસ કિસ્સા તેઓ જાણતા નથી, પરંતુ, "જો તપાસથી એવું સાબિત થાય કે તેમણે ગુનો કર્યો છે ત્યારે પાદરીને હઠાવી દેવો જોઈએ. બીજું કે તેમની એવી કોઈ પણ કામગીરી હોય જેમાં બાળકોના સંપર્કમાં તેમણે આવવાનું હોય ત્યારે તે ચુકાદાની વિરુદ્ધની જ બાબત કહેવાય".
આમ છતાં અમે આ વિશે બેકિઆરિસના ઉપરી બિશપ એમ્બ્રોગિયો સ્પેરિફિકોને પૂછ્યું કે જ્યારે ભોગ બનેલા મારિયોએ સીધી માગણી કરી છે છતાં તમે શા માટે બેકિઆરિસને પાદરી તરીકે હઠાવી નથી દીધા ત્યારે તેમણે કહ્યું કે એવું કશું ખોટું થયું નથી.
બિશપ સ્પેરિફિકોએ કહ્યું કે આવી બાબતોમાં નિર્ણય કરવાનું કામ વેટિકનના સક્ષમ વિભાગ કોન્ગ્રેગેશન ફૉર ધ ડૉક્ટ્રાઇન ઑફ ધ ફેઇથ દ્વારા થાય. આવી બાબતોનાં કામ ત્યાં ચાલે છે અને ત્યાં જ નિર્ણય લેવાય છે.
તેઓ કહે છે, "મારે તો પ્રક્રિયા અનુસાર કામ કરવાનું હોય છે. આ વિશે તેઓએ આવો નિર્ણય લીધો છે. મારે તે નિર્ણય કરવાનો ના હોય."
પરંતુ તમે શા માટે વેટિકન સમક્ષ માગણી ના કરી કે આ બાબતમાં અલગ રીતે નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને તમે બધી જ બાબતો જાણતા હોય ત્યારે, મારિયોએ તમને સમગ્ર કિસ્સાની જાણ કરી હોય ત્યારે અને ખાસ કરીને કાયદાની પ્રક્રિયામાં બેકિઆરિસ ગુનેગાર સાબિત થયા હોય ત્યારે તમે શા માટે તેમને દૂર કરવાની માગણી ના કરી?
બિશપે જવાબમાં કહ્યું "જુદા જુદા આધારે ગુનો થતો હોય છે. જુદા પ્રમાણમાં, જુદા સમયગાળામાં, જુદા સંજોગોમાં ગુનો થતો હોય છે."
મેં બિશપને ચર્ચમાં બાળકો સાથેના બેકિઆરિસના ફોટો દેખાડ્યા ત્યારે પહેલાં તેમણે એવું કહ્યું કે આ બાબતમાં તેમણે વેટિકનની સલાહ લીધી હતી. કોઈક વખત માસની ઉજવણી થાય તે સજાની વિરુદ્ધની બાબત નથી. તે પછી તેમણે ખાતરી આપી કે: "હું કોન્ગ્રેગેશનને પૂછીશ કે શું આ પ્રકારની ઉજવણીને પણ પ્રતિબંધિત કરવાની હોય છે કે કેમ. તેમની સામે ચુકાદો અપાયો તેમાં આવી કોઈ વાત નથી."
મેં તેમને વધુમાં પૂછ્યું કે તેઓ કહે છે તે પ્રમાણે કાયદેસર રીતે આવું કરવાની મનાઈ ના હોય તેમ છતાં શું એ નૈતિક જવાબદારી નથી કે આવા પાદરીને હજી પણ કામે ન રાખવામાં આવે?
તેમણે કહ્યું ,"તમારી વાતને હું ધ્યાનમાં લઈશ અને વિચારીશ. તમે ચિંતા ના કરશો."
અમે અમારી રીતે આગળ તપાસ કરી હતી અને કોન્ગ્રેગેશન પાસેથી પણ પ્રતિક્રિયા મેળવવાની કોશિશ કરી હતી.
અમને જવાબમાં જણાવાયું કે જીઆન્ની બેકિઆરિસને બાળકો સાથે કામ કરવાની મનાઈ કરાઈ હતી તેની પાછળનો હેતુ "તેમને સાજા કરવાનો અને પશ્ચાતાપ કરવાનો" હતો અને કોઈકવાર તેમને જાહેરમાં સૌની હાજરીમાં માસની ઉજવણી માટે મંજૂરી આપી શકાય, પણ શરત એ કે "તેમણે બાળકો સાથે એકલા ક્યારેય રહેવું નહીં."
આ રીતે કાયદાની છટકબારી, પ્રક્રિયાની ગૂંચ અને પોતપોતાનાં અર્થઘટનોને કારણે જીઆન્ની બેકિઆરિસ જેવા ગુનેગારો હજીય ગોડનો ઉપદેશ આપી રહ્યા છે અને મારિયોને ન્યાય મળે તેમાં આડે આવી રહ્યા છે.
અને કોઈ એક દિવસ મારિયો પોતાનાં સંતાનો સાથે ચર્ચમાં જશે અને ત્યાં પોતાના પર બળાત્કાર કરનારા પાદરી જ બાળકો સાથે માસની ઉજવણી કરવાની હોય ત્યારે શું હાલત થાય તે વિચારવાનું રહ્યું.
ઇટાલીમાં આ પ્રકારના ગુના સામે આંખ આડા કાન થઈ રહ્યા છે તેના કારણે મારિયો જેવા ભોગ બનેલાની, જેમનું બાળપણ છિનવાઈ ગયું તેમની સ્થિતિ આવી થઈ રહે છે.
મારિયો આવી સ્થિતિ જોઈને ભગ્નહૃદયે કહે છે, "આ બહુ આઘાતજનક છે. સમગ્ર ચર્ચ તરફ, પોપથી માંડીને એકેએક પાદરી તરફ મને ઘૃણા થઈ રહી છે. આઘાતથી મારો આત્મા મરી ગયો છે."
-જુલિયન મિગ્લિએરિનીનું પણ આ અહેવાલમાં પ્રદાન છે.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













