રશિયા- યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં જેની ચર્ચા થઈ રહી છે તે ‘હાઇબ્રિડ વૉર’ શું છે?
- લેેખક, ફર્નાન્ડા પૉલ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
પાછલાં કેટલાંક અઠવાડિયાંથી રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સતત વધતો જઈ રહ્યો છે.
પાછલા ઘણા દિવસોથી બંને દેશો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. અમેરિકાએ ભય વ્યક્ત કર્યો હતો કે યુક્રેનને રશિયાથી ‘ખતરો’ છે. તેથી તેણે પૂર્વ યુરોપ ખાતે આઠ હજાર સૈનિકો તહેનાત કરી દીધા છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જોકે બીજી તરફ વ્લાદિમીર પુતિનની સરકારે કોઈ પણ હુમલાની આશંકા નકારી કાઢી છે અને અમેરિકા પર બંને દેશો વચ્ચે યુદ્ધ ભડકાવવાની કોશિશનો આરોપ મૂક્યો હતો.
નોંધનીય છે કે બંને દેશો વચ્ચેની સરહદે પહેલાંથી એક લાખ રશિયન સૈનિકો તહેનાત છે. જેના કારણે દુનિયાના ઘણા દેશોનાં વિદેશમંત્રાલયોની ચિંતા વધી છે.
રશિયાની મુખ્ય માગણી એ છે કે પશ્ચિમના દેશો ખાતરી આપે કે યુક્રેન નાટો (નોર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)માં નહીં જોડાય.
હજુ સુધી બંને દેશો વચ્ચે સૈનિક ઘર્ષણનો કોઈ બનાવ નથી બન્યો. તેમજ યુક્રેનના સત્તાધીશોએ તેમની સામે ‘હાઇબ્રિડ વૉર’ શરૂ ન કરાઈ હોવાનું જણાવ્યું હતું.
તેમણે આવું જાન્યુઆરી માસના મધ્યમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે યુક્રેને રશિયાએ પોતાની આધિકારિક સરકારી વેબસાઇટો પર સાયબર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેને વધુમાં જણાવ્યું હતું કે, "આ કાર્યવાહી વર્ષ 2014માં ક્રીમિયા પર કબજા બાદથી રશિયાએ શરૂ કરેલી હાઇબ્રિડ વૉરની વધુ એક અભિવ્યક્તિ છે."
પરંતુ હાઇબ્રિડ વૉર એટલે શું? અને તેની હાજરી કેવી રીતે નક્કી થાય?

“હાઇબ્રિડ વૉર” એટલે શું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વર્ષ 2000 પછીનાં કેટલાંક વર્ષોમાં આ કૉન્સેપ્ટનો પ્રથમ વખત ઉપયોગ કરાયો હતો. હાઇબ્રિડ વૉર એટલે એવી વ્યૂહરચનાનું અમલીકરણ જેમાં મિલિટરી-ટાઇપ લડાઈનો સમાવેશ ન પણ હોય.
આ અંગે યુનિવર્સિટી ઑફ સાન પાબ્લો સીઇયુના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર એન્તોનિયો અલોન્સો માર્કોસ બીબીસી મુંડો સાથે વાત કરતાં કહે છે :
"એક દેશ બીજા દેશની સુરક્ષા અને સ્થિરતા પર ખરાબ અસર પહોંચાડવા માટે અમુક માધ્યમોનો ઉપયોગ કરે છે. પરંતુ આ પગલાં એ મિલિટરી પગલાં નથી હોતાં. પરંતુ તે સાયબર હુમલા હોય છે કે કોઈ સરકારના સ્ટેન્ડ અંગે ઘણાં બધાં ટ્વીટની હારમાળા સર્જવામાં આવે છે. તેને હાઇબ્રિડ યુદ્ધ કહેવાય છે."
ફૅક ન્યૂઝ અને ડિસઇન્ફોર્મેશનની મદદથી ઉગ્રવાદ અને હિજરત જેવાં પગલાંને હાઇબ્રિડ યુદ્ધની વ્યૂહરચનાઓમાં સમાવી શકાય. તેમાં બિનપરંપરાગત સૈન્ય વ્યૂહરચનાઓના સ્થાને પ્રોપેગન્ડા અને ઉશ્કેરણી પ્રાથમિક કારકો છે.
અલોન્સો માર્કોસ જણાવે છે કે, "હાઇબ્રિડ વૉર માટે નવી ટેકનૉલૉજી ઉપકારક સાબિત થાય છે."
જ્યારે જાન્યુઆરી માસના મધ્યમાં યુક્રેન પર સાયબર હુમલા કરાયા ત્યારે સત્તાધીશોએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, "તેનો હેતુ સમાજને ગભરાવવા માત્રનો નહોતો. પરંતુ સ્થિતિને અસ્થિર બનાવવાનો પણ હતો. આ રાજ્યના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખોટી માહિતીના આધારે લોકોનો ભરોસો તોડવાના પ્રયાસ હતા."
રશિયાના હુમલાની વધતી જતી શક્યતા સાથે યુક્રેનની સિક્યૉરિટી સર્વિસને બૉમ્બ મુકાયાની સંખ્યાબંધ ખોટી ધમકીઓ મળી છે. જેના કારણે અમુક સ્કૂલો પણ બંધ કરાવવાનો વારો આવ્યો હતો.
આ ઘટનાઓને પણ રશિયાના હાઇબ્રિડ વૉરના એક ભાગ તરીકે યુક્રેનના સત્તાધીશો વર્ણવી રહ્યા છે.
જોકે, રશિયા યુક્રેન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો ઇનકાર કરે છે.

સામાન્ય મિકૅનિઝ્મ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઘણા નિષ્ણાતો પ્રમાણે આ પ્રકારની કાર્યવાહીઓ વધુ ને વધુ સામાન્ય બનતી જઈ રહી છે.
એન્તોનિયો અલોન્સો માર્કોસ જણાવે છે કે, "હવે ઇરાક અને અફઘાનિસ્તાનની માફક સૈન્ય કાર્યવાહી દ્વારા એક દેશ દ્વારા બીજા દેશના વિસ્તારો કબજે લેવાની કાર્યવાહી હવે ભાગ્યે જ થાય છે."
તેઓ જણાવે છે કે, "હાલ યુદ્ધો ખૂબ જ અપ્રમાણસર બન્યાં છે. જેમાં અન્ય સાધનોનો ઉપયોગ કરાય છે."
હાઇબ્રિડ યુદ્ધ અને પરંપરાગત યુદ્ધ વચ્ચે વધુ એક તફાવત એ છે કે હાઇબ્રિડ યુદ્ધ ક્યારે શરૂ થાય છે તેની ખબર પડતી નથી. પરંપરાગત યુદ્ધમાં એક દેશ બીજા દેશ સામે યુદ્ધની જાહેરાત કરે છે. પરંતુ આ પ્રકારનાં યુદ્ધોમાં તમામ પરિમાણો સમાન હોતાં નથી.
બીબીસી યુક્રેનિયન સર્વિસના પત્રકાર ઓલ્ગા માલશેવસ્કાએ બીબીસી મુંડોને જણાવ્યું હતું કે, "રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ એ એક પ્રક્રિયા છે. પરંતુ આ ખરેખર યુદ્ધ છે કે કેમ તે પણ સ્પષ્ટ નથી હોતું. કારણ કે તેમાં ખુલ્લી ઘૂષણખોરી નથી હોતી."
અલોન્સો માર્કોસના મતે હાઇબ્રિડ યુદ્ધનાં તત્ત્વો ઓળખવાનું કામ સહેલું નથી.
તેઓ કહે છે કે, "તેનો મહત્ત્વનો ગુણધર્મ એ છે કે તેમાં પરંપરાગત યુદ્ધની પદ્ધતિઓનો ઉપયોગ કરાતો નથી. તેથી આવા યુદ્ધને ઓળખાવવા માટે આવું કરવા માટેની રાજકીય ઇચ્છાશક્તિ પણ જરૂરી છે."

શત્રુની ગુપ્ત ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
તેમજ હાઇબ્રિડ વૉરમાં વધુ એક જટિલ બાબત એ પણ છે કે તેમાં હુમલો કરનારની ઓળખ છતી થતી નથી.
જેમ કે આ બાબતમાં રશિયા સતત યુક્રેન તરફથી કરાઈ રહેલા તમામ આરોપો નકારતું આવ્યું છે. નિષ્ણાતો અનુસાર દેશોના સાઇબર ડોમેઇન પર હુમલા કરવામાં રશિયા પારંગત થઈ ગયું છે.
બીબીસીની રશિયન સર્વિસના સર્જી ગોરીઆસ્કોએ બીબીસી મુંડોને જણાવ્યું હતું કે, "રશિયા પોતાની સંડોવણી અંગે ઇનકાર કરતું રહેશે. તે સારી વ્યૂહરચના પણ છે. સાઇબર હુમલા બાબતમાં આ વ્યૂહરચના સારી રહે છે. તેથી જ પોતાના દુશ્મન પર હુમલો કરવા માટે આ એક કાર્યક્ષમ રીત ગણાય છે."
આવા હુમલામાં વધુ એક પરિમાણ ત્યારે ઉમેરાય છે જ્યારે જે તે દેશના વિભાજનકારી વિચારધારા ધરાવતા લોકોનો પણ તેમાં સમાવેશ કરાય છે.
ઓલ્ગા માલ્શેવસ્કા જણાવે છે કે, "તેઓ કોઈ દેશના સૈનિક નથી હોતા, પરંતુ તે જે તે દેશની વિચારધારા સાથે સંમત થતા લોકો હોય છે. રશિયા અને યુક્રેનના ઘર્ષણની બાબતમાં ઘણા નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે સ્થાનિકો રશિયા દ્વારા મોકલાયેલાં હથિયારોનો ઉપયોગ કરે છે."
"જેમને દેશના બળવાખોર તરીકે ઓળખાવવામાં આવે છે."
તેઓ ઉમેરે છે કે, "રશિયા આ વિભાજનકારી વિચારધારાવાળા લોકોને મદદ કરતું હોવાના ઘણા પુરાવા હોવા છતાં પુતિન તેની જવાબદારી સ્વીકારતા નથી."

અન્ય કેસો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રશિયા અને યુક્રેનના મામલામાં પ્રથમ વાર હાઇબ્રિડ યુદ્ધ અંગે ચર્ચા થઈ રહી હોય તેવું નથી.
વર્ષ 2021માં લિથુએનિયા, પોલૅન્ડ અને રશિયાના સાથી દેશ બેલારુસ વચ્ચે જે થયું તે પણ હાઇબ્રિડ વૉરનું જ ઉદાહરણ છે.
બેલારુસમાંથી હિજરત કરનારાઓની સંખ્યા બમણી થતાં લિથુએનિયા અને પોલૅન્ડની સરકારો મુશ્કેલીમાં મુકાઈ હતી. બંને દેશોએ યુરોપિયન યુનિયન દ્વારા બેલારુસની સરકાર પર મુકાયેલા પ્રતિબંધો સામે રશિયાના પુતિનના ઇશારે આ મુશ્કેલી સર્જાવાનો આરોપ મુક્યો હતો.
ગત વર્ષે ઑક્ટોબરમાં પ્રસિદ્ધ કરાયેલ બીબીસીના એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે બેલારુસ હિજરત કરનારા લોકોને પોતાના દેશના ટુરિસ્ટ વિઝા જારી કરી લિથુએનિયા અને પોલૅન્ડ સુધી જવા દઈ રહ્યું હતું.
લિથુએનિયાની સરકારે કહ્યું હતું કે હિજરત કરનારા લોકોનો “રાજકીય હથિયાર” તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિએને કહ્યું હતું કે, “તેઓ ખતરનાર હાઇબ્રિડ હુમલાનો સામનો કરી રહ્યાં છે.”



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













