ગુજરાતીઓનો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્લાન ફ્રાન્સમાં કેવી રીતે નિષ્ફળ ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે ફ્રાન્સથી લિજેન્ડ ઍરલાઇન્સની ફ્લાઇટ મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ઉપર ઊતરી, જેમાં 276 મુસાફરો હતા. બે સગીર સહિત 25 મુસાફરો ફ્રાન્સમાં રોકાઈ ગયા છે, જ્યાં તેમણે રાજ્યાશ્રયની માગણી કરી છે.
વિમાનના લગભગ ત્રીજા ભાગના મુસાફરો ગુજરાતના છે. આ સિવાય પંજાબ અને હરિયાણાના પ્રવાસીઓ પણ આ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા. કેટલાક લોકોએ ભારત પાછા ન જવાની જીદ પકડતા વિમાનને ઉડ્ડાણ ભરવામાં મોડું થયું હતું.
તા. 21મી ડિસેમ્બરે ફ્રાન્સના કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ ખાતે રિફ્યૂલિંગ માટે રોકાયું હતું. ફ્રાન્સના અધિકારીઓને આ વિમાન મારફત માનવતસ્કરી થઈ રહી હોવાની 'ગુપ્ત બાતમી' મળી હતી, જેના આધારે વિમાનને અટકાવવામાં આવ્યું હતું.
કથિત રીતે આ મુસાફરો મધ્ય અમેરિકાના નિકારાગુઆની સરહદેથી કૅનેડા કે અમેરિકામાં પ્રવેશવાના હતા. તાજેતરનાં વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા માટે નિકારાગુઆનો રૂટ પ્રચલિત બની રહ્યો છે.
અમેરિકા પહોંચવાનાં સપનાં આડે આવતા અવરોધો

ઇમેજ સ્રોત, ANI
ફ્રાન્સથી ઉપડેલી ફ્લાઇટ મંગળવારે વહેલી સવારે ચારેક વાગ્યે મુંબઈ ઍરપૉર્ટ ઉપર ઊતરી હતી, જ્યાં મીડિયાકર્મીઓએ આગંતુકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ સવાલના જવાબ નહોતા આપ્યા. જ્યારે કેટલાક લોકો ઍરપૉર્ટ પરથી જ અન્ય સ્થળે જવા રવાના થઈ ગયા હતા.
બીબીસી મરાઠીના સંવાદદાતા મયુરેશ કોણ્ણુરના કહેવા પ્રમાણે, આવેલાં મુસાફરો 'નારાજ અને ગુસ્સા'માં જણાતા હતા. ભારત પહોંચ્યા બાદ એજન્સીઓએ તેમની પૂછપરછ હાથ ધરી હતી.
એક મુસાફરે કોણ્ણુરને જણાવ્યું હતું કે તેઓ કાયદેસરના દસ્તાવેજ સાથે નવેમ્બર મહિનાના અંતભાગમાં ભારતથી દુબઈ પહોંચ્યા હતા.
કબૂતરબાજીના નૅટવર્ક સાથે સંકળાયેલા લોકો સામાન્ય રીતે એકાદ-બે લોકો કે પરિવારના બદલે એક જ દેશના કે વિસ્તારના અને સમાન ભાષા બોલતા લોકોને નાના-નાના સમૂહમાં મુસાફરી કરાવતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, તા. 21મી ડિસેમ્બરે 303 ભારતીય મુસાફરો સાથે રોમાનિયાની લિજેન્ડ ઍરલાઇન્સની ચાર્ટર્ડ ફ્લાઇટ યુએઈથી નિકારાગુઆની રાજધાની ખાતે જવા રવાના થઈ હતી.
ફ્રાન્સની રાજધાની પેરિસથી લગભગ 130 કિલોમીટર દૂર કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ ખાતે વિમાન રિફ્યૂલિંગ માટે રોકાયું હતું. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે આ ફ્લાઇટ માનવતસ્કરી સાથે સંકળાયેલી છે, આથી તેને ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી.

શરૂઆતમાં મુસાફરોને વિમાનમાં જ રહેવા દેવામાં આવ્યા હતા બાદમાં તેમના માટે એ નાના ઍરપૉર્ટના વેઇટિંગ એરિયામાં રહેવા-સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્રાન્સની પોલીસે ઍરપૉર્ટને સીલ કરી દીધું હતું. ફ્રાન્સ ખાતેની ભારતના રાજદૂતાલયના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો.
ફ્રાન્સની સંગઠિત અપરાધવિરોધી એજન્સી 'જુનાલ્કો' દ્વારા તપાસ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ફ્રાન્સના અધિકારીઓનું માનવું છે કે આ લોકો નિકારાગુઆથી કૅનેડા કે અમેરિકાની વાટ પકડવાના હતા.
બે શખ્સોની માનવતસ્કરીના આરોપ હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જોકે કોર્ટના આદેશ બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં કબૂતરબાજી માટે 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
ઑનલાઇન ફ્લાઇટ ટ્રૅકર 'ફ્લાઇટરડાર' પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, ઍરલાઇન્સ કંપની ચાર વિમાનનો કાફલો ધરાવે છે. કંપનીના વકીલોએ મીડિયાને કહ્યું હતું કે તેમના અસીલે કશું ખોટું નથી કર્યું અને તેઓ તપાસમાં પૂરતો સહકાર આપી રહ્યા છે.
ગુજરાત છોડી અમેરિકા કૅનેડા ગેરકાયદેસર પહોંચવાની ઘેલછા?

ઇમેજ સ્રોત, Getty Images
નાતાલના દિવસે વિમાનની ઉડ્ડાણ પહેલાં કેટલાક યાત્રિકોએ ભારત નહીં જવા માટે હોબાળો કર્યો હતો, એ પછી બે સગીર સહિત 25 મુસાફર ફ્રાન્સમાં જ રોકાઈ ગયા હતા અને તેમણે 'રાજ્યાશ્રય'ની માગ કરી હતી. તેમાંથી કયા રાજ્યના કેટલા લોકો છે એ સ્પષ્ટ નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, ફ્લાઇટમાં 96 ગુજરાતી પ્રવાસીઓ હોવાની શક્યતા છે. જેમાંથી મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના હોવાનું મનાય છે.
આ લોકોએ અમેરિકા જવા માટે કયા એજન્ટની મુલાકાત લીધી હતી? કેટલા રૂપિયાની ચૂકવણી કરી હતી? જેવા સવાલોની તપાસ કરવામાં આવે તો મોટા રૅકેટનો પર્દાફાશ થઈ શકે છે.
H-1B વિઝા, L-1A અને L-1B અને અભ્યાસ માટેના અનેક વિકલ્પો હોવા છતાં કાયદેસર રીતે પ્રવેશ માટે પાત્ર ન હોય તેવા હજારો ગુજરાતીઓ દર વર્ષે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. જો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીને સફળતાપૂર્વક અંજામ આપી શકે તો એજન્ટની 'માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી' થતી હોય છે.

ઇમેજ સ્રોત, LEGEND AIRLINES
લાખોના ખર્ચ અને જીવસટોસટની બાજી રમ્યા બાદ પણ અમેરિકન ડ્રીમ સાકાર થશે કે કેમ, તે નક્કી નથી હોતું. ફેબ્રુઆરી-2024માં અમેરિકા જવા માટે નીકળેલા નવેક લોકો વિશે હાલમાં કોઈ માહિતી ન હોવાના સમાચાર તાજા જ છે.
ડિસેમ્બર મહિનામાં સીઆઈડી (ક્રાઇમ) દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની 17 જેટલી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીઓ ઉપર રેડ કરવામાં આવી હતી. સંદિગ્ધ આર્થિકવ્યવહારો તથા વિદેશમાં મોકલવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની આશંકા હતી.
અમેરિકાના કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકર્ડ 96 હજાર 917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હતા.જેમાંથી મોટાભાગના ગુજરાત અને પંજાબના હોવાનું બહાર આવ્યું હતું.
પકડાયેલા લોકોમાંથી 30 હજારથી વધુ કૅનેડાની બૉર્ડરેથી અને 41 હજારથી વધુ લોકો મૅક્સિકોની સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વર્ષ 2020-21માં આ આંકડો 30,662 હતો, જ્યારે વર્ષ 2021-22માં એ આંકડો 63,927 હતો.
નિકારાગુઆનો રૂટ કેટલો ખતરનાક છે?

ઇમેજ સ્રોત, FB/SRK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અસીલોને અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ અપાવવા માટે એજન્ટોએ સતત નવતર માર્ગ અને કીમિયા અજમાવતા રહેવા પડે છે. બીબીસી આફ્રિકાના અહેવાલ પ્રમાણે, અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા માટે નિકારગુઆનો રૂટ પ્રચલિત બની રહ્યો છે.
એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, નિકારગુઆ પહોંચ્યા પછી હાથખર્ચીના પૈસા સાથે રાખવા પડે છે. જેમાંથી રસ્તામાં ભ્રષ્ટ સુરક્ષાઅધિકારીઓ તથા માનવતસ્કરોની શ્રૃંખલાને ચૂકવણું કરવાનું હોય છે. તેમની સાથેનો સંપર્ક પણ આ એજન્સી જ કરાવી આપે છે.
નિકારાગુઆ ખાતેના કૉન્ટેક્ટને વ્યક્તિનો તથા મુસાફરને સ્થાનિક શખ્સની તસવીર મોકલી દેવામાં આવે છે અને ઍરપૉર્ટ ઉપર જ બંને પક્ષકારોનો સંપર્ક થઈ જાય છે. ત્યાંથી હૉન્ડુરાસ અને પછી ગ્વાટેમાલા લઈ જવામાં આવે છે. અહીંથી મેક્સિકોમાં જુદી-જુદી રીતે અલગ-અલગ શહેરોમાં ફેરવીને તેમને લાસ કોન્ચાસ લઈ જવામાં આવે છે.
આ શહેર અમેરિકાના ઍરિઝોના રાજ્યની સાથે જોડાયેલું છે. અમેરિકામાં તેમનું પકડાઈ જવાનું લગભગ નિશ્ચિત હોય છે. અહીંથી એજન્ટની સેવા પૂરી થાય છે. સમગ્ર યાત્રા પાછળ લગભગ છ હજાર યુરો એટલે કે લગભગ છ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
સીબીડીની કસ્ટડીમાં આવ્યા બાદ કાયદેસરના ઇમિગ્રન્ટ તરીકેનો દરજ્જો મેળવવાનો નવો સંઘર્ષ ચાલુ થાય છે. આ પ્રક્રિયામાં સફળતાનો આધાર વકીલ અને તેની કાબેલિયત પર રહે છે. આના માટે પણ અલગથી ખર્ચ કરવો પડી શકે છે.
મુંબઈ આવેલી ફ્લાઇટ સંદર્ભે ભારત સરકારે માનવતસ્કરીના એંગલ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. જો તમામ ભારતીય કાયદેસરના કાગળિયા સાથે મુસાફરી કરી રહ્યા હતા, તો કયા આધાર ઉપર વિમાનને અટકાવવામાં આવ્યું? શું ફ્રાન્સના અધિકારીઓને એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે કોઈ ગુનો આચરવામાં નથી આવ્યો?
ફ્રાન્સના અધિકારીઓએ લીલીઝંડી આપી દીધી પછી આ વિમાન નિકારાગુઆને બદલે ભારત કેમ આવ્યું? શું તેમની સાથે આર્થિક છેતરપિંડી થઈ હતી? આવા અનેક સવાલ છેલ્લા છ દિવસના દરમિયાનના ઘટનાક્રમ પરથી ઊભા થાય છે, જેના જવાબ કદાચ આગામી દિવસો કે અઠવાડિયામાં તપાસ પછી મળશે.












