એ દેશ જ્યાં દર 10માંથી 4 નાગરિકો ભારતીય મૂળના છે, દબદબો કેવો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લુઇસ બેરૂચો
- પદ, બીબીસી બ્રાઝીલ માટે
દક્ષિણ અમેરિકાના એકમાત્ર અંગ્રેજી બોલતા દેશ ગુયાનાને બ્રિટને ઉપનિવેશ તરીકે વસાવ્યો હતો.
ગુલામીની નાબૂદી પછી બ્રિટનના અન્ય ગુલામ દેશો અને ખાસ કરીને ભારતના લોકો અપ્રવાસી બનીને ગુયાનામાં જ વસી ગયા.
આ કારણે જ બ્રાઝીલની સીમાની નજીક આવેલા આ નાનકડા દેશ ગુયાનામાં દસમાંથી ચાર નાગરિકોનું મૂળ ભારતીય ઉપખંડનું છે. જેમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
1947થી પાકિસ્તાન અને બાંગ્લાદેશ આઝાદ નહોતા થયા, એ બંને ભારતના ભાગ તરીકે બ્રિટન શાસન હેઠળ હતા.
ગુયાનાના વર્તમાન રાષ્ટ્રપતિ ઇરફાન અલી પણ આ લોકોમાં સામેલ છે. અલી ગુયાનાના પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલય મુજબ, ગુયાનામાં લગભગ 30% લોકો આફ્રિકન મૂળનાં છે, 17% નાગરિકો મિશ્ર જાતિના છે અને નવ ટકા લોકો અમેરિકન મૂળના છે.
જોકે દક્ષિણ અમેરિકાના માત્ર આંધપ્રદેશ જેવડા એક નાનકડા દેશમાં દુનિયાના બીજા છેડે આવેલા ભારતીયો કેવી રીતે વસી ગયા?
ગુયાનાનું ક્ષેત્રફળ એક લાખ 60 હજાર વર્ગ કિલોમીટરનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુયાનામાં ભારતીયોનું વર્ચસ્વ

ઇમેજ સ્રોત, UK NATIONAL ARCHIVES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1814માં બ્રિટને ગુયાના પર નેપોલિયોનિક યુદ્ધ દરમિયાન કબજો કર્યો હતો અને તેને બ્રિટનની એક વસાહત બનાવી દીધી. બ્રિટન પહેલાં ત્યાં ફ્રેન્ચ અને ડચ લોકોનું વર્ચસ્વ હતું.
વીસ વર્ષ પછી 1834માં દુનિયામાં બ્રિટનના અન્ય ગુલામ દેશોની જેમ ગુયાનામાં પણ આફ્રિકનો પર લાગુ ગુલામીપ્રથા નાબૂદ કરી હતી.
ગુયાનામાં ભારતીય લોકોનું સ્થળાંતર આફ્રિકન લોકો પર લાદેલી ગુલામીપ્રથાની નાબૂદી સાથે થયું. ત્યારબાદ ગુયાનામાં મજૂરોની માગ વધી અને તેમને ભારતથી લાવવામાં આવ્યા હતા.
આ સ્થળાંતરનો પ્રવાહ ગુયાનામાં ખૂબ જ પ્રબળ હતો અને સાથે-સાથે અન્ય બ્રિટનની વસાહતો જમૈકા, ટ્રિનિદાદ, કેન્યા અને યુગાન્ડામાં પણ જોવા મળ્યો.
સૌથી પહેલા ગુયાના આવેલા 396 ભારતીયો “ગ્લેડસ્ટોન કુલી” તરીકે પ્રખ્યાત થયા. આ નામ જ્હોન ગ્લેડસ્ટોન જે બ્રિટિશ ગુયાનામાં શેરડીના વાવેતરના માલિક અને વેસ્ટ ઇન્ડીઝ ઍસોસિયેશનના પ્રતિનિધિના સંદર્ભમાં હતું.
ખાસ કરીને ભારત અને ચીનમાં 19મી અને 20મી સદીમાં હાથથી કામ કરતા મજૂરોને ઐતિહાસિક રીતે ‘કુલી’ કહેવાતા હતા
આજે પણ વિકસિત દેશોમાં એશિયન મૂળના લોકો માટે અપમાનજનક અને વંશીય ટિપ્પણી કરવા માટે ‘કુલી’ શબ્દનો ઉપયોગ થાય છે.
ભારતથી કેટલા ગિરમીટિયા મજૂરો ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રવાસીઓ શરૂઆતમાં બે જહાજો એમ.વી. વ્હિટબી અને એમ. વી. હેસ્પેરસમાં આવ્યા હતા.
ગુયાના પહોંચવા માડે આ જૂથે પહેલા હિંદ મહાસાગર અને ઍટલાન્ટિક મહાસાગરને પાર કર્યા હતા.
આ મજૂરોને એક કરાર આધારિત લાવવામાં આવ્યા હતા, જેમાં ખૂબ ઓછા વેતન સાથે તેમણે વર્ષો સુધી શેરડી ખેતરોમાં કામ કરવાનું હતું.
ગુયાનાના શિક્ષણ મંત્રાલય અનુસાર, આ પ્રણાલી 75 વર્ષથી વધારે સમય માટે અમલમાં રહી અને તેમાં ‘ગુલામીપ્રથાને યાદ અપાવતી’ ઘણી લાક્ષણિકતા હતી.
એક દશકામાં જ ભારતીય અપ્રવાસી મજૂરોની મહેનતને લીધે બ્રિટિશ ગુયાનાની અર્થવ્યવસ્થામાં ચીની ઉદ્યોગનું વર્ચસ્વ દેખાવા લાગ્યું હતું.
આને એક ક્રાંતિકારી ફેરફાર માનવામાં આવ્યો અને તેનાથી ઉપનિવેશમાં ઘણે અંશે આર્થિક સદ્ધરતા જોવા મળી.
કરારના અંતે કેટલાક મજૂરો ભારત પાછા ફર્યા, જ્યારે અમુક લોકો ત્યાં તત્કાલીન બ્રિટિશ ગુયાનામાં જ સ્થાયી થઈ ગયા.
આંકડા અનુસાર, વર્ષ 1838થી 1917ની વચ્ચે અંદાજે 500 જહાજોના માધ્યમથી 2,38,909 ભારતીયોને ગિરમીટિયા મજૂરો તરીકે બ્રિટિશ ગુયાનામાં લાવવામાં આવ્યા હતા.
અંગ્રેજી ભાષા બોલતી વસાહતોમાં ગુયાના એક એવી જગ્યા હતી જ્યાં ભારતમાંથી સૌથી વધુ ગિરમીટિયા મજૂરોને લાવવામાં આવ્યા હતા.
આજ સુધી ગુયાના પ્રથમ ભારતીય આગમન એટલે કે પાંચ મેએ એક રાષ્ટ્રીય જાહેર રજા તરીકે ઊજવે છે.
ગુયાના 1966માં બ્રિટિશન ઉપનિવેશથી સ્વતંત્ર થયું પણ ભારતીય મૂળના લોકોની ઉપસ્થિતિ અહીં ચારે બાજુ જોવા મળે છે.
એટલા જ માટે દિવાળી અને હોળી જેવા જાણીતા ભારતીય તહેવારો પણ ગુયાનાના કેલેન્ડરમાં સામેલ છે.












